Pandemic સૂર્ય | વર્ષા પટેલ
આંખો ખોલી તો સામેનું દૃશ્ય ધૂંધળું થતું લાગ્યું. અજવાળું ટીવીના પડદા પર થતાં ઝરઝરિયાં જેવી અણીદાર કચ્ચરોમાં વિભાજિત થઈ ચચરાટ ફેલાવતું આંખોમાં પ્રવેશ્યું. આંખો ચોળવા હાથ ઊંચકવાનો પ્રયત્ન કર્યો. પણ થયા નહિ. નર્સે ઇન્જેક્શનની સોય અને નસ વચ્ચે પકડદાવ શરૂ કર્યો. ચામડી ચૂંથાઈ પણ દર્દ ન થયું. 'એ જુઠ્ઠી થઈ હશે?' મનમાં સવાલ થયો. સામેના ધૂંધળા ઉજાસમાં દર્દ વિસ્તરી ગયું. મારી સભાનતા અજવાળામાં શોષાઈ ગઈ. પીપીઇ કીટમાં સજ્જ ભૂરા આકારોનો આછો સંવાદ કાને પડ્યો. એટલે હું મર્યો તો નહોતો જ. એ સંવાદોના ટુકડા જોડીને એનો અર્થ સમજવા મથતો હતો. અને ભૂરા આકાર સાથે દૃષ્ટિ એક થઈ. એમાં વિહ્વળતા ભાળી. મેં મારી સ્વસ્થતા વિશેનો સવાલ રમતો મૂક્યો. શબ્દો બે માસ્ક વચ્ચેના શૂન્યાવકાશમાં શમી ગયા. એવામાં ઓરડાની ધૂંધળાશ વધુ ઘનીભૂત થઈ ધુમાડાની જેમ ચોફેર વ્યાપી. ધુમાડો ખૂબ પરિચિત હોય એમ લાગ્યું, સ્મશાનની ચીમનીમાંથી નીકળતા ધુમાડા જેવો. તેથી ઓરડો મારો વધુ આત્મીય બન્યો. મનને સહેજ હાશ વળી.
યાદ આવ્યું કે કાલે જ બાજુના ખાટલા પર હતા એ એંસી વર્ષના હનીફચાચાએ કોરોનાને માત આપી. હું તો માત્ર બાવનનો જ છું. હજુ બીજા દીકરા કિશનને પરણાવવાનો ય બાકી છે. આ વૈશાખે લગ્ન નક્કી જ હતા. મીઠીને કેડ-કંદોરો લઈ આપવાનો વાયદો કરેલો. પણ આ લોકડાઉનમાં બધું જ ટલ્લે ચડ્યું.
હું સાજો થઈશ જ એ આશાએ મેં ઊંડો શ્વાસ ભર્યો. પણ બીડીની લતે ખોખલા થયેલા મારાં ફેફસાંએ શ્વાસને નકારી કાઢ્યો. મોં ખૂલી ગયું. અને હું જોરથી ખાંસી પડ્યો. ફેફસાં હાંફીહાંફીને મને જ કસૂરવાર ઠેરવી રહ્યા’તા. છાતીમાં કફનું સામ્રાજ્ય ફેલાયું. હું શ્વાસ માટે તરફડતો હતો. આછી ઘરઘરાટી સાથે લૂખી ખાંસી આવી અને પેટ બેવડ વળી ગયું. આ વન ગમે તેવું પણ સાલું અઘરું તો ખરું જ એમ મનોમન વિચાર આવ્યો. છેલવે'લું એટલું જ ઝાંખુંઝાંખું યાદ કે સાંજે છાતીમાં ઊથલપાથલ થઈ અને હું વેન્ટિલેટર પર ખસેડાયો. નાના હતા ત્યારે બેટરીના સેલમાંથી ગાડી બનાવી રમતા. એ ગાડીનું એકાદું પૈડું નીકળી પડે. તો ગાડી કેવી ખોડંગાતી ચાલે, એમ ઉછીના શ્વાસો પર મારું ગાડું ગબડ્યું. નર્સ ઇન્જેક્શન મૂકીને રૂમ બહાર ગઈ. એટલે એની પાછળ સંતાયેલી બારીમાંથી પ્રકાશ કૂદીને મારે પડખે આવી ભરાયો. નજર રૂમની બારી બહાર ગઈ. સૂર્ય નોકરીએથી ઘેર જતા થાકેલા મિલ-કામદાર જેવો ડૂબુંડૂબું થતો હતો. આકાશમાં કોઈ ડીઝલ એન્જિનવાળી ટ્રેન ભખભખ કરતી હમણાં જ પસાર થઈ હોય એમ કાળાં વાદળાં વેરાયેલાં હતાં. આથમતા સૂર્યનું ફિક્કું તેજ અને કાળાં વાદળાં સંધ્યાને વધુ ઉદાસીન બનાવી રહ્યાં.
અચાનક એક વાદળાની કલુષિત ધૂસરતા પાછળ હલચલ થઈ. જોતજોતાંમાં એમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા - બિલકુલ પેલી સ્મશાનની ચીમનીમાંથી નીકળે એવા. પવન જોરથી ફૂંકાયો. ઝાડવાં સમેત બારી બહાર આખું પરિસર એની ઝપેટમાં લપેટાયું. હજુ કાલે જ બુલબુલના માળામાં ત્રણ બચ્ચાં ઈંડાંમાંથી બહાર આવ્યાં હતાં. બુલબુલે આખો દિવસ ઊડાઊડ કરી, ચણ લાવીને ભૂખાળવાં બચ્ચાંને ખવડાવ્યા કર્યું. એ ગુલમહોર પણ ઝંઝોળાયો. બચ્ચાંઓને બુલબુલ બેલડીએ પોતાની પાંખોમાં ઢબૂરી દીધાં. તે જ વખતે આકાશમાંથી ભયંકર અવાજ સાથે વીજળી પડી. બુલબુલનો માળો વિખાયો. ચેહનાં લાકડાં અંતે કડડભૂસ થાય એમ માળાનાં તણખલાં વેરવિખેર થયાં. એમાંની એકાદ ફાંસ ઊડતી આવી ને મારા ઓક્સિજનની બોટલની નળીમાં ભરાઈ. મારો શ્વાસ રૂંધાયો. થોડી ગભરામણ સાથે હૃદયમાં એક સણકો ઉપડ્યો. આખા શરીરે પરસેવાની આછી ઝાંય વળી. આંખોમાં અંધારપટ છવાયો. એની ઉપરવટ જઈ મેં આંખોના ડોળા વધુ પહોળા કરી સામેના દૃશ્ય સાથે તાલમેલ સાધવા કોશિશ કરી. સણકો જાણે કોઈ વૃદ્ધ હાથ નાના બાળકને આંગળી ઝાલીને ટહેલવા લઈ જાય એમ મને સમયની ગર્તામાં ઊંડે ને ઊંડે દોરી ગયો. સમયના આ સ્થાનક પર પેલી ખરબચડી વૃદ્ધ ચામડીના સ્પર્શથી જીવને જરા શાંતિ થઈ. ધીમે ધીમે હૃદયનો ભાર કંઈક ઓછો થયો હોય એમ લાગ્યું. સ્નાયુઓ શિથિલ થતાં શરીરમાં અશક્તિ વર્તાઈ રહી. પાંપણો ઢળી પડી. હું ઊંઘી ગયો હોઉં એવું લાગ્યું. છતાંય શરીર ગતિમય હોય એમ અનુભવ્યું. હું કશે જઈ રહ્યો હતો. ક્યાં તે વિશેની કશીએ ગતાગમ મને નહોતી.
આંખો ખોલીને જોયું તો સામે ઘરની છતના પતરામાંથી ચળાઈને આવતા પ્રકાશે ઓઢેલી ચાદર પર ચાંદરડાંની ભાત ઊપસી આવી હતી. આ ચાંદરડાં અદ્દલ પેલા મદડાના કફન પર વેરેલાં ગલગોટાનાં ફૂલો જ જાણે! એ ચાંદરડાંની હળવી ગરમીથી અનાયાસ સ્મશાનમાં બળતી ચેહની અગનજ્વાળા યાદ આવી. હું એના પગલે સ્મશાને જઈ ચડ્યો.
સ્મશાન શહેરના દક્ષિણ છેડે આવેલું. એનું નામ રામકુંડ મુક્તિધામ - સ્મશાન ગૃહ. હું છેલ્લાં વીસ વર્ષથી એમાં ચાંડાલની નોકરી કરું છું. જે શહેરના મેઈન રોડ ઉપર, રહેણાક વિસ્તારમાં છે. સ્મશાનની સામે નાનકડું તળાવ, આજુબાજુ લીલીછમ ઘટાદાર વનરાજી છે. લોકોની આવાં સ્થળોથી દૂર રહેવાની સ્વાભાવિક વૃત્તિને લીધે પ્રમાણમાં શાંત કહી શકાય એવી જગા. નગરપાલિકાએ મૃતકોના આપ્તજનોને માનસિક શાંતિ મળે તે હેતુસર સ્મશાનમાં નાનકડો બાગ બનાવેલો, તેમાં ફુવારા, નાના ફૂલછોડનો સમૂહ એક વૈરાગી શાંતસૃષ્ટિ ખડી કરતા. મુખ્ય દરવાજેથી આગળ જતાં ડાબે લાકડાંથી બાળવાની વ્યવસ્થા. અને સીધા જ આગળ વધીએ તો ગેસ ચેમ્બર. સ્મશાનમાં ઘણા લોકોને પંચભૂતમાં વિલીન થતા જોયા હતા. જીવાત્માઓના દૈહિક તંતુ તૂટે પછી એ સ્વર્ગે સિધાવે. તેની પાછળ રોકકળ કરતા તો ક્યારેક છુટકારાનો દમ લેતા સંબંધીઓને હું નિર્લેપ ભાવે જોયા કરતો.
નવરાશની ક્ષણોમાં બીડી પીતાંપીતાં પોતાના મૃત્યુની કલ્પના પણ થઈ જતી. હું પણ એક દિવસ આમ જ મરી જવાનો. આ જ સ્મશાનમાં મને બાળશે. થોડા ઘીમાં ને ઝાઝા કેરોસીનમાં સ્વજનોનાં લાકડાંના ઘા ખાઈને અંતે રાખ થઈશ. જો હું પહેલાં મરું તો છેલ્લી વાર પીઠી અને મહેંદી પણ લગાડાશે. મીઠી ફરી એકવાર સુહાગન બનશે. ઘરમાંની આગ લઈ દોણી મારી આગળ ચાલી નીકળશે. એની પાછળ પરસોત્તમ અને કિશન મારી અર્થીને કાંધ આપી ચકલે વિસામો કરાવશે. મીઠીની ચૂડી ને ચાંદલો નંદવાશે. ઠરેલી ચિતામાંથી વીણેલાં અસ્થિફૂલના કળશ ભેગો હું નદીના તરંગિત જળમાં વહેતો વહેતો વૈતરણીના રસ્તે અનંત યાત્રાએ ચાલી નીકળીશ. પછી તો વિચારમાળામાં દીકરાઓના મુંડન, સૂતક, પિંડદાન અને શ્રાદ્ધ એમ કંઈકેટલાય મણકાઓ પરોવાતા રહ્યા. મૃત્યુના મોહે માજા મૂકી.
આકાશ વધારે ઘેરું બન્યું. સૂર્ય એની પાછળ અદૃશ્ય થયો. ધબકારા અનિયમિત થતા જણાયા. છાતીમાં તીણું શૂળ ઊપડ્યું. એણે મને ફરી હોસ્પિટલના કોચ પર લાવી પટક્યો. આજે મને અને નાના દીકરા કિશનને કોરોનાનો ચેપ લાગ્યે દસેક દિવસ થયા. પહેલાં સામાન્ય શરદી, ઉધરસ થયાં. તે હશે..... બહુ ધ્યાન ન આપ્યું. તેમાં તાવની ઉપાધિએ ઘર કર્યું. ફેફસાં દિવસે ને દિવસે આળસુ બનતાં ગયાં અને શ્વાસ લેવામાં આડોડાઈ કરવા લાગ્યાં. સરકારી દવાખાને ગયા તો ‘કોરોનાનો રિપોર્ટ કરાવો’, એમ કહ્યું. રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ આવી. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિએ વાતાવરણને ગમગીન કરી મૂક્યું. ક્ષણો ભારેખમ બની. ઈશ્વરને ‘કોરોના બીજા કોઈનો ભરડો ન લે’ એમ પ્રાર્થના કર્યા કરી. ઘરમાં છુપાયેલા અદૃશ્ય જીવનો સફાયો કરવા પાલિકાના માણસો સેનિટાઇઝર લઈ બહાર ઊભા હતા. મીઠી કશું બોલવા ગઈ પણ ગળામાં બાઝેલા ડૂમાની નીચે શબ્દો ગૂંચળું બની દબાઈ રહ્યા. મૂંગામૂંગા એણે જરૂરી સમાન બાંધી આપ્યો. નીકળતાં પહેલા એક નજર ઘર પર નાંખવાનું મન થયું. કદાચ આ છેલ્લી વાર હોય એમ પણ બને! નજર બારીમાં આંસુ સારતી મીઠી પર અટકી અને ત્યાં જ ખોડાઈ. જતાં પહેલાં એકવાર મીઠીને ભેટી લેવાના વિચારને ત્યાં જ પડતો મૂકીને હું અને કિશન એમ્બ્યુલન્સમાં ગોઠવાયા.
‘મીઠીના મનનો ભાર ઓછો કરી શકાયો હોત તો....’ ‘મીઠીના વહાલથી જીવન સહેજમાં વીતી ગયું એનો આભાર માનવાનો પણ રહી ગયો.’ વલોપાત વધતો ચાલ્યો. મીઠીના મોઢા પરના માસ્કને લીધે આઠમના ચાંદા જેવો ઉદાસ ચહેરો જોઈ દુઃખી થઈ જવાયું. સ્મશાનયાત્રા વખતે ધુમાડાથી ઉભરાતી દોણી જેવી મીઠીની આંસુથી ખરડાયેલી આંખો ફળીના વળાંક સુધી જોતો જ રહ્યો. ઘરથી હોસ્પિટલ સુધી રસ્તામાં પાછળ છૂટતાં દરેક સ્થળ મીઠી હોય એમ લાગ્યું. એમ્બ્યુલન્સે બ્રેક મારી છેક ત્યારે વિચારોની તંદ્રા તૂટી.
કિશન મારી પડખેની પથારીમાં હતો. અમે મોબાઇલમાંથી રોજ પરસોત્તમના ફોન પર વિડિયો કોલ કરતા. વિડિયો કોલ વખતે મીઠી સાથે વાતો કર્યા જ કરવાનું મન થતું. સૌ સારાં વાનાં થશે એમ કહી એનો મનનો ભાર ઓછો કરવા મથું ત્યાં એની આંખો ચૂઈ પડતી. હું મારી આંખોનાં ઝળઝળિયાં સંતાડવા, ‘મીઠી સાવ ઢીલી-પોચી જ રહી’ એમ કહેતાં ફોન કિશનને આપી દેતો. કિશન તો ચઢતું લોહી એટલે પાંચ દિવસ બાદ એને રજા આપી. ને હું એકલો પડ્યો. શ્વાસની તકલીફ વધતી જ ચાલી. છાતીમાં કોરોનાના જંતુનો ભરડો વધતો ગયો. અશક્ત ફેફસાં એ લડાઈમાં પાછાં પડતાં. ક્યારેક મીઠીને જોવાનું ખૂબ મન થઈ આવતું. મોબાઇલ ફોન ન ચલાવી શકવાની વિવશતાથી નિરાશ થતો યાદો વાગોળ્યા કરતો.
આ લોકડાઉને જિંદગીમાં ભારે ઊથલપાથલ કરી દીધી. મોટા દીકરા પરસોત્તમની મિલ બંધ થઈ. એ બેકાર બન્યો. કિશનનાં લગ્ન અટવાયાં. પોતે જ્યારે રિટાયર થશે ત્યારે મીઠી સાથે પૌત્ર-પૌત્રીઓને રમાડતાં બાકીની જિંદગી નિરાંતે ગાળશે, મીઠી સાથે યાત્રાઓ કરશે... એવાં કેટલાંય સપનાં જોયાં હતાં. પણ આ કોરોનાએ સૌનો ડાટ વાળ્યો. માણસ માણસથી બીએ. ફળિયામાં જ્યારે હોસ્પિટલથી એમ્બ્યુલન્સ આવી ત્યારે સ્મશાનવત્ શાંતિ ભયને ચીતરી રહી. લીમડા પર એકાદ બે ચલ્લીએ ચીં....ચીં... કરતાં ફળિયું જીવંત લાગ્યું. પડોશીઓ બિલાડીને જોઈ ઉંદરડા દરમાં લપાય એમ ઘરમાં ભરાઈ ગયેલા. રખેને નજર પડવાથી એમને રોગ થઈ જાય! સરકાર ખોટી ફોનમાં કોરોનાની કેસેટ વગાડે છે, “ભાઈ, કોરોના છૂને સે ફેલતા હૈ.” હોઠ પર જેટલી ત્વરાથી સ્મિત આવ્યું અને એમ જ ગાયબ થયું. હવે આમને કોણ સમજાવે? બધુંય ધૂળ છે.
ગયા અઠવાડિયે મુક્તિધામ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે એક કોરોનાવાળી લાશ આવી હતી. એની અંતિમવિધિ માટે હોસ્પિટલથી માણસો સાથે જ આવેલા. અંતિમવિધિ ગેસથી કરવાની હતી અને ત્યાર બાદ બધે સેનિટાઇઝર છાંટી સ્મશાન ચેપમુક્ત કરવાનું હતું. મરનાર કોઈ મુસ્લિમ હતો. એનો દીકરો છૂટી પોકે રડી પડ્યો. કહે, “કબ્રસ્તાનવાલે બોલતે હૈ કોરોના વાલી લાશ કો દફનાયેંગે તો યહાં કોરોના ફૈલેગા. તો હોસ્પિટલવાલે બોલે કી ગેસવાલે સ્મશાનમેં લેકે જાઓ. સુબહ સે ઘૂમ રહા હું. અબ્બા કો જન્નત ભી નસીબ નહિ કરા પાઉંગા ક્યા....?!” મન વલોવી નાખે એવા કલ્પાંતથી સ્મશાનનો કણેકણ ફફડી ઊઠ્યો. મન તો થતું હતું કે એને ભેટીને પ્રેમથી છાનો રાખું. પણ સૂક્ષ્મ જીવાણુની બીકે હું દૂરથી કંઈક બબડ્યો ખરો. પણ શું તે મને પોતાને જ ન સમજાયું.
ફરી મન રમણે ચડ્યું. આત્મીયના હાથે મુખાગ્નિ તો દૂરની વાત, મુખદર્શન પણ ન કરી શકાય એ તે કુદરતની કેવી બલિહારી! રડવાનું કૂટવાનું તો ભૂલી જ જવાનું. હું આવા બધા વિચારોથી ઘેરાયેલો હતો. મારી બેચેની વધી અને બીડીની તલબ જાગી. સરકારે લોકડાઉનમાં ધૂમ્રપાનની પણ બંધી કરેલી. થોડી સાચવી રાખેલી બીડીમાંથી એક સળગાવવા ઊઠ્યો જ હતો. ત્યાં સ્મશાન બહાર મધમાખીઓ બણબણે એમ સોસાયટીના લોકોનું ટોળું આવી પૂગ્યું ને દેકારા કરવા લાગ્યું. બીડી હોલવતાં હોલવતાં ગણગણાટની દિશામાં પગ ઉપાડ્યા. સળગતી આગ ઠંડી પડતાં નીકળતો ધુમાડો હવામાં નિઃશેષ થઈ ગયો.
“રહેણાક વિસ્તારમાં રોગ ફેલાઈ શકે, આથી અહીં કોરોનાથી સંક્રમિત મૃતદેહનો નિકાલ ન થઈ શકે.” એક માસ્કધારી આગળ આવી ઊંચે સાદે બોલ્યો. એથી મારું ધ્યાનભંગ થયું ને હું બીડીની ધૂમિલ ધરીમાંથી વર્તમાન ક્ષણોમાં આવી પહોંચ્યો.
“નગપાલિકાને કહો કોઈ બીજી જગ્યાની વ્યવસ્થા કરે.” બીજાએ ટાપસી પૂરી.
“શહેરની બહારના વિસ્તારમાં દેહનિકાલ કરો.”
“અમને ચેપ લાગશે એની જવાબદારી નગરપાલિકા લેશે?”
જેવા અનેક પ્રશ્નોનું ઉમેરણ થતું રહ્યું. થોડીવાર મગજ સુન્ન થઈ ગયું. મારે એમને સમજાવવું'તું કે, ‘સાહેબ સરકારની ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ થશે એમાં જોખમ જેવું કંઈ નથી.’ પણ ટોળાને કાન ન હોય ફક્ત જીભ જ હોય એટલી ખબર! એટલે શબ્દો કંઈ ઉકાળી શકશે નહીં એવી પ્રબળ શક્યતાના જોરે હું મૌન રહ્યો. આખરે સરકારી પ્રશાસને દૂર નદીકિનારે અંતિમવિધિની ગોઠવણ કરી.
એ રાત્રે થાક છતાં ઊંઘ ન આવી. સાલું જીવન ભલે ગમે તેમ વીતે હવે તો મોત સુધરશે એવી આશા રાખવી પણ ઠગારી છે. અંધારાના ભારથી છાતી કચડાવા લાગી. બીડી પીવાનું મન થયું. બપોરે હોલવેલી બીડી ફરી સળગાવવા બહાર ફળિયામાં આવી ઓટલે બેઠો. કૂતરાં આકાશ ભણી જોઈ ભસી રહ્યાં હતાં. મનમાં થયું કે આ કૂતરાં માણસ કરતાં વધુ સુખી છે. જીવન અને મૃત્યુ બન્નેમાંથી એકેયનો એમને મોહ નહિ. બીડીના ધુમાડાની સાથે છાતીમાંના ભારને ફૂંકે ફૂંકે બહાર ખેંચી આણ્યો. હવામાં વિલાઈ જતા ધુમાડાને જોતાં ક્યાંય સુધી નિર્લિપ્ત બેસી રહ્યો. ચિત્તને જરા હાશ થઈ પછી સૂતો. બંધ આંખોની પાછળ દૃશ્યો ઉભરાવા લાગ્યાં.
ઊંઘના ઘારણ નીચે નર્સ અને ડોક્ટરના તૂટકતૂટક અવાજ સંભળાતા હતા. છાતીમાં દર્દની તીવ્રતા વધતી ચાલી. આસપાસ વધી રહેલા ધુમાડાનું વાદળ ગાઢ થયું. એની આડમાં છુપાઈને મેં ઘર ભણી દોટ મૂકી. હાંફ ચડતાં થોડીવાર શ્વાસ લેવા રોકાયો ને ફરી ચાલવાનું શરૂ કર્યું. થોડીવારે ફળિયું દેખાયું. ફળીનાં કૂતરાં ઊંચે સાદે રડવા લાગ્યાં. ઘરમાં મીઠી મારે માટે મગદાળની સાદી ખીચડી ઓરી રહી હતી. લગ્ન કરીને પહેલી વાર રસોડે કામ કરતી જોયેલી એવી જ શાંત અને સુંદર. ઘરમાં સૌ ક્વોરન્ટાઇન હતાં. પરસોત્તમ કોઈ મિત્રને ફોન પર નવી નોકરી શોધી આપવા ભલામણ કરતો હતો. તેની નાની દીકરીને તેની વહુ મોબાઇલમાંથી સ્કૂલનું લેસન કરાવી રહી હતી. કિશનને એની થનાર વહુ એના પિયરેથી ફોન પર મારી તબિયતના સમાચાર પૂછી રહી હતી. દીકરાઓ મીઠીને સાચવશે એ વાતે જીવ નચિંત હતો. બે આંસુઓ આંખોની પાળ કૂદી પડ્યાં. એકવાર મુક્તિધામ જોઈ આવવાનું મન થયું. ઘર પર એક છેલ્લી નજર નાખી હું સ્મશાન તરફ દોડ્યો. વાદળનું આવરણ ધીમે ધીમે આછરવા લાગ્યું. સ્મશાનમાં પોતાની જગાએ કામચલાઉ કોઈ માણસ દાહ માટેનાં લાકડાં ગોઠવતો હતો. હું ત્યાંથી ડાબે હાથે વળ્યો. એક ચેહમાં મૃતદેહ બળી રહ્યો હતો. બાજુની ખાલી ચેહને આસક્તિથી જોઈ રહ્યો. તેમાં પોતાના મૃતદેહને આડો પડેલો કલ્પી જોયો. સળગતી ચિતામાંથી એક તણખો ઊડીને મારા પગ પાસે પડ્યો. હું ગભરાઈને એક ડગલું પાછળ ખસ્યો. નીચે જોયું તો પગ જમીનથી વેંતેક અધ્ધર હતા.
પવનના સુસવાટા વધ્યા. રૂમની બારી જોરથી અફળાઈ. એમાં આથમતા સૂર્યને ખાંસી ઊપડી હોય એમ ઊંચોનીચો થતો લાગ્યો. માળો વધુ વેરવિખેર થયો. નર બુલબુલ ગુલમહોર તળે ચત્તાપાટ પડ્યું છે. એનો આછો ચિત્કાર આસપાસના કોલાહલમાં ભળ્યો. એ દૃશ્ય ન સહેવાતાં મેં આંખો મીંચી. છાતીનું દર્દ તેજ થયું. પીપીઇ કીટમાં ઓળો ઇંજેક્શન લઈ પાસે આવ્યો. પણ મૂકે એ પહેલાં અટકી પડ્યો. એક પરિચારક બારી બંધ કરવા રૂમમાં પ્રવેશ્યો. બહારની દુનિયા સાથે તંતુ તૂટે એ પહેલાં.... સૂર્ય ફરતેનું વાદળોનું આચ્છાદન ખસી ગયું. અને સૂર્ય એનાથી મુક્ત થયો.
(*અહીં ચાંડાલ એ જાતિવિષયક શબ્દ નથી. ચાંડાલ = સ્મશાનમાં અગ્નિસંસ્કારનું કામ કરતો કર્મચારી)
*****