લોકડાઉન કટાક્ષ-કથા | ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
1
અરે.. બા મંદિરે નથી ગયાં? મંદિર તો કે'દુનાં ખૂલી જ્યાં.. બાજુવાળા ડોશીએ મને પૂછ્યું
ના રે ના.. હવે તો બા ઘરમાં પડેલા ભગવાનની પણ પૂજા નથી કરતાં.. મેં જવાબ આપ્યો.
*****
2
"ઓહો હો.. મંદિર જઈને આવ્યા?"
"હા.. પણ કાંઈ ખાસ મજા ના આવી"
*****
3
"બાપુજી મારે નવો મોબાઇલ જોઈએ છે."વચલીએ કહ્યું.
"બાપુજી મારે નવું બ્રાન્ડેડ જીન્સ જોઈએ છે." નાનીએ ડિમાન્ડ કરી.
"જુઓ બાબુજી આ બાવાઆદમના જમાની સ્કુટીથી હું હવે કંટાળી ગયો છું હોં.. મારે તો નવું બાઇક જોઈએ એટલે જોઈએ જ.” લાડકા છોકરાએ કહ્યું.
"બાપુજી મને તો કેશ જ આપજો.. હું મારી રીતે મેનેજ કરી લઈશ." મોટીએ કહ્યું.
હજી ધર્મપત્ની કાંઈ ડિમાન્ડ કરે એ પહેલાં પૂજારીબાપાએ જોરથી રાડ પાડી...
"હા પહેલાં મંદિરતો ખૂલવા દો."
*****
4
"બા.. આ વખતે પૂનમ ભરવા જવું છે ને? ગઈ પૂનમે તારે ખાડો પડ્યો હતો. ચાલ આ વખતે હું તને કારમાં લઈ જાઉં." મેં બહુ જ વ્હાલથી મારી બાને કહ્યું.
"ના.. નથી જવું. એક કામ કરજે એવું હોય તો મને સાંજે બાગમાં લઈ જજે. મારે કોયલના ટહુકા સાંભળવા છે." બાએ એકદમ શ્રદ્ધાથી આકાશ સામે જોઈને કહ્યું.
*****
5
"જો મમ્મી બધી ગેરસમજ કાઢી નાંખ. આપણે જેની અંતિમવિધિ કરી એ ખરેખર પપ્પા જ હતા. એ આશા છોડી દે કે હમણાં સિવિલમાંથી ફોન આવશે. સિવિલ છે છબરડા કરે.. પણ રોજરોજ ના પણ કરે.. શું કહ્યું?
લાવ.. ફોન આપી દે તો."
*****
6
"મમ્મા.. ખુશખબર. હવે સાડી ઉપર પણ પહેરી શકાય એવી ppe કીટ માર્કેટમાં આવી ગઈ છે."
"એમ? કયા કયા કલરમાં મળવાની છે, જો તો?”
*****
7
"મેમ લિપસ્ટિક લઈ જાવ.. ઘણી વેરાઇટી આવી છે."
"ના ભૈયા હજી કાલે જ મેં નવા ડિઝાઇનર માસ્ક લીધા છે."
*****
8
"મેડમ મોંઘીવાળી ફેશિયલ કરી દઉં?" લાલચુ બ્યુટિશને કહ્યું.
“હા, પણ ખાલી કપાળ અને આંખની આસપાસના ભાવ બોલ.”
*****
9
"સંવેદનશીલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર.. સાહેબ.. એપ્રિલની પંદરમીની આસપાસ સિવિલમાં મારા દાદાએ દમ તોડ્યો હતો. સાત દિવસે એમની લાશ અમારા હાથમાં આવી હતી. ત્યારે ખાલી લાશ જ મળી હતી. મોબાઇલ જ નહીં ચાર્જર સુધ્ધાં ગાયબ હતું. આજે મારા પિતાએ મોંઘી ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો છે. અમારા જેવા મધ્યમવર્ગના લોકો માટે આવી હોટેલ જેવી ભવ્ય હોસ્પિટલમાં મરવું એક સ્વપ્ન સમાન હોય છે. આ વાતનો અમને આનંદ છે. આપના વગર આ શક્ય ન બન્યું હોત. હું પુનઃ એકવાર સમગ્ર વહીવટીતંત્રનો આભાર માનું છું"
*****
"શ્રેય હોસ્પિટલ" ભાગ ૩ અને છેલ્લો | ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
(તપાસ કમિટીના અધિકારીની ડાયરીનું એક પાનું)
આખો દિવસ હોસ્પિટલના ટ્રસ્ટી અને ડોક્ટરોની અવનવી રમૂજોથી પૂરો થઈ ગયો. તપાસ તો હોસ્પિટલમાં નંઈ ફાઇવ સ્ટાર હોટલમાં બેસીને થાય તો જ એમાં ન્યાયપૂર્ણતા આવે. ગહનતા આવે. અને ભગવાન તમને શું કામ તમને હોસ્પિટલનું મોં શું કામ બતાવે.? કહીને માયાળુ દયાળુ અને વ્યવહારુ ટ્રસ્ટી ભોળા ભાવે હસી પડ્યા.
"સાહેબ આપની વ્યસ્તતા અમને ખબર છે. એટલે રિપોર્ટ અમારા ડોક્ટરોએ તૈયાર કર્યો છે. ખાલી આપે સહી જ કરવાની છે."
"અમારો હિમોગ્લોબિનનો રિપોર્ટ નથી ને?” અમારી કમિટીના એક સદસ્યે રમૂજ કરી. ગંભીરમાં ગંભીર પ્રકૃતિના ટ્રસ્ટીઓ અમારા સદસ્યની આ રમૂજ ઉપર ખડખડાટ હસી પડ્યા. પોતાની કોમેન્ટની આ પ્રતિક્રિયા જોઈ કમિટીના માનવંતા સદસ્ય પણ ઘણા રાજી થયા.
બપોરનું ભોજન ઘણું રિચ અને હેલ્થી હતું. હોસ્પિટલના મોંઘા ડાયેટિશિયનની દેખરેખમાં બોમ્બથી બોલાવેલા ખાસ સેફ દ્વારા તૈયાર થયું હતું. ટ્રસ્ટીઓ સાથે સુખદુઃખની વાતો કરતાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી.
રાત્રિભોજનની ઇચ્છા કરતાં ઉત્સુકતા વધારે હતી. બપોરના ભોજનનું વૈવિધ્ય મારી જિજ્ઞાસાવૃત્તિને ઉશ્કેરી રહ્યું હતું. આટલો માનમરતબો લાલનપાલન અને લાડકોડ તો મને સાસરીમાં પણ નહોતાં મળ્યાં. આ ભોળા લોકો જો હોસ્પિટલને બદલે આવી હોટલ ખોલે તો વધારે કમાઈ શકે. રિપોર્ટના કલોઝિંગમાં આવી એક નોંધ લખવાની ઇચ્છા થઈ આવી.
બપોરના ભોજન વખતે સાવ મૂંગી રહેતી એક સુંદર લેડી ડોક્ટર અવનવા જોક્સ ગોખીને આવી હતી. એ ખરા રંગમાં હતી. રાત્રિભોજન ધાર્યા કરતાં વધારે રસપ્રદ અને આહ્લાદક નીવડયું.
"સાહેબ થાકી ગયા હશે, હવે એમને આરામ કરવા દો."
એવું માયાળુ અને હૂંફાળું હસીને લેડી ડોક્ટર સહિત બધા છૂટા પડ્યા.
પંચતારક હોટલના સૌથી મોંઘા સ્યૂટમાં મને ઊંધ નહોતી આવી રહી. અકારણ પડખાં ઘસી રહ્યો હતો. કશોય અપરોધબોધ નહોતો. ભોળા માણસોને મદદ કરવી એ અપરાધ ન કહેવાય. છતાં ઊંઘ નહોતી આવતી.
ત્યાં બરાબર રાત્રિના બે વાગ્યે મારો સ્યૂટ થોડાક ઠંડા થોડા હળવા થોડાક હૂંફાળા રેશ્મી મલમલી ધુમાડાના આવરણથી છવાઈ ગયો.
પોતાના રેશ્મી લાંબા વાળને લહેરાવતાં એક દેવી પ્રગટ થયાં. મુખમુદ્રા એકદમ સૌમ્ય. એમનાં પ્રભાવશાળી લોચનમાંથી વહાલ વરસતું હતું. મેં આંખો મીંચી દીધી.
'દીકરા જાગે છે કે ઊંઘે છે?'
'જાગું છું માડી.'
'ડરીશ નહિ. હું તારી સાથે છું.'
'હા માડી.'
'આંખો ખોલ દીકરા.'
ને માનો દિવ્ય અને માયાળુ અવાજ આખા સ્યૂટમાં ઘૂમરાયો. મે આંખો ખોલી દીધી. મા એક ઘોડાફાઇલ ઉપર સવાર હતાં. એમના એક હાથમાં 'મોં બ્લોંક'ની મોંઘી પેન હતી, બીજા હાથમાં ઇરેઝર સહિત સ્ટેશનરીની કીટ હતી, ત્રીજા હાથમાં ઠસોઠસ ભરેલી સૂટકેશ હતી અને ચોથો હાથ કૃપા વસાવવા ખાલી હતો. હું માને નમી પડ્યો.
"મારા વીરા! ટ્રસ્ટીઓની બધી પત્નીઓએ મારા નકરોડા ઉપવાસ કર્યા છે. જ્યાં સુધી ક્લીનચિટનો રિપોર્ટ ન મળે ત્યાં સુધી પાણીનું ટીપુંયે મોંમાં ના મેલવાનાં આકરાં તપ આદર્યાં છે. એ બધીયુંને તારે મારી નાખવાની છે મારા વીરા?
'ના માડી ના. બધું તારું ધાર્યું થશે મારી માડી.'
હારું તાંણ મારા વીરા.. હું હવે બધીયે તપાસમાં તારી ભેળી રહીશ. તારી પેન ડોલવા માંડે તાંણે જોણજે હુ તારી પાસે આઈ જઈ છું.'
પોતાના ત્રણેય હાથ ખાલી કરી તપાસદેવી અંતરધ્યાન થઈ ગયાં. બાકી બધાનો જીવ બચાવી અમે અમારી અનિચ્છાએ વહેલી સવારે હોટલ છોડી દીધી. અલબત્ત, ક્લીનચિટના રિપોર્ટ ઉપર તો રાત્રે જ સહી કરી દીધી હતી.
*****