બે લઘુકથા | સુરેશ મકવાણા
કથા
સવાર પડે એટલે વિહાનું જીવનચક્ર સૂર્યની પેઠે ફરવા માંડે. એની રોજિંદી ક્રિયાઓ ફીક્સ હતી. નગર નિગમનું પાણી ભરવાથી લઈને કચરા-પોતું, કપડાં, રસોડું, ફોન અને સોશિયલ મીડિયામાં એ વ્યસ્ત રહે. પ્રાચીન ઈતિહાસથી લઈ વર્તમાન અને ભવિષ્યના ફલકને જાણે ઉઘાડી આપે! પોતાની વાત ઓછી પણ દુનિયા આખી અને બીજાં શું કરે એ એનો આગવો સંસાર હતો. ‘’આજે મારું દિલ ખૂબ દુખાયું- કહેતી મને કહે, જુઓ, આ ભયંકર કોરોના જાણે તમારે માટે જ આવ્યો છે! આ પાળવું, તે પાળવું, ફલાણું પાળવું... જુઓ પેલી શેફાલી, પ્રેગનન્ટ છે તો ય સીમંત કરીને એને પિયર ગઈ તે ગઈ. પેલી કોકિલા, દક્ષા અને સેજલ પણ સજીધજીને જાણે લગ્ન હોય એમ ફરવા જાય છે. પેલા અરવિંદભાઇ, એમના ઘરેથી ચાર ઘર છોડીને બે કેસ છે તોય બિન્ધાસ બજાર જાય છે ને માર્કેટિંગ કરે છે. શું એ બધાને કોરોનાનો ડર નહીં લાગતો હોય..? વાતને બદલતાં કહે, ‘વરસોથી કહું છું કે ઘર બદલો..ઘર બદલો પણ ધૂળ....!’ મારું તો આખું જીવન, ના પહેરવું કે ના ઢંગનું ઓઢવું... છેલ્લા છ મહિનાથી જાણે મારી ગાડી એક સ્ટેશને અટકી ગઈ છે. હોટલમાં ગયે વરસોનાં વ્હાણાં વાયાં છે. મારી મોંઘી કારમાં બેસવાને મહિનાઓ થઈ ગયા છે. આ તો સાલું જીવન છે કે નર્ક..!’’
રાત પડે ને નિદર નહીં આવે ત્યાં સુધી એની આપવીતી અને પરવીતી રેકર્ડ ટેપની જેમ ચાલતી રહે છે. મનેય લાગે છે કે આ કોઈ લઘુકથાનું કથ્ય નથી, કદાચ લખવી પડશે દીર્ઘ ફલક પર નવલકથા...!
*****
મૈં કે રિયા થા...
લોકડાઉન હોય અને ઘરની બહાર જવામાં બે નડતર થાય- એક તો કાયદાનું ઉલ્લંઘન અને બીજું હાથે કરીને કોરોનાને મહેમાન બનાવવો. રમેશ ત્રણ-ચાર દિવસે સાવધાની રાખતાં ઘરની બહાર જતો. સાંચી દૂધપાર્લરથી ચારેક દૂધની કોથળીઓ, બિસ્કુટ, દહીં, નમકીન અને ચોકલેટ લઈને સાથે શાકભાજી અને ફળો જોવા મળે તો થેલામાં નાખી લાવે. એ જ્યારે પણ જાય ત્યારે પાર્લર પર એને સદા ભોપાલી નામના આધેડ ચાચા મળે. એ કહેતા હોય, ’મૈં કે રિયા થા કિ, સાલા સુઅર કા બચ્ચા કરોના આયા કહાં સે? લોગ કેહતે હૈ, ઊડ કે આયા હોગા, સાલે, કોઈ ઉડકે કઈસે આયેગા..! જેબ મેં, પતલુન મેં, ઘુંઘરાલે બાલો મેં કિ ખુશબુદાર બદન મેં છૂપ કે આયા..! ઔર અબ દેખો ના, કૈસે અપની બાહેં ફૈલા દી હૈ...,બિટ્ટન માર્કેટ, જહાંગીરાબાદ, હબીબગંજ, કોતવાલી, જુમેરાતી, કરફ્યુવાલી માતા, પીરગેટ, સકરી ગલી.... જહાઁ દેખો ધુંએ કી તરહા ફૈઇલ રિયા હૈ સાલે.. ચૂ ...તુજે કાલે કુત્તે કાટેંગે ! મૈ કે રિયા થા કિ, હમારે વજીરેઆઝમ ભી ઉસકે પલ્લે પડ ગયે હૈ, ઔર તો ઔર જે હમીદિયા ઇસ્પતાલ, કાતજું યા કિસી ભી દવાખાને મેં અબ બેડ ની મિલ રિયા. અબતક મૈં બચ રિયા હું, શુકર હૈ ઉપરવાલે કા દેખો, હરરોજ ઈધર-ઉધર મંડરાતા રહતા હું. મૈંને તો કભી દિદાર કોની કિયા, સરેરાહ ચલતે ચલતે... લોંડે કે બચ્ચે, કીધર હૈ તું..? મૈં તો પરવાઝ બનકે ઉડ રિયા હું.....!
રમેશ ચાર-પાંચ મિનિટમાં સદા ભોપાલીની અસ્ફુટિત વાણી સાંભળી લે. છેલ્લીવાર બહાર ગયો ત્યારે સદા ચાચા જોવા ના મળ્યા. દૂધ પાર્લરવાળાને પૂછ્યું તો કહે, ‘ક્વોરન્ટાઈન ક્ષેત્રમાં ઘરની બહાર ફરતા હોવાથી પોલીસ એને પકડી ગઈ છે. એક વીક માટે આઇસોલેસન સેંટરમાં સેવા કરશે...!’ રમેશનું મન ચકરાવે ચડયું, ઘર આવ્યું ત્યાં સુધી ‘મૈં કે રિયા થા...ધ્વનિ અફળાઇ રહ્યો હતો.....!
*****