આ મુશ્કેલ સમયમાં ( ૩૦ ) | સુમન શાહ
= = = = અમને ગમ ન પડે એવા ચમત્કારો અને આછાંપાછાં વચનોનાં વાદળ પાછળ ઈશ્વર શા માટે સંતાયેલો રહે છે? ઈશ્વરમાં માનવા ચાહીએ પણ નથી માની શકતા એવા અમારા સૌનું શું થવાનું? અને પેલાઓનું શું -જેઓ માનવા ચાહતા પણ નથી અને માની શકતા પણ નથી…? = = = =
૧૪-મી સદીની વાર્તા છે. સ્વીડનના એક ગામમાં પ્લેગની મહામારી પ્રસરી હોય છે. એક સુભટ હોય છે -knight. નામ એનું ઍન્ટોનિયસ બ્લૉક. Holy landમાં હતો. દસેક વર્ષથી ધર્મયુદ્ધમાં -crusadesમાં- મચી પડેલો, પણ છેવટે એની ઈશ્વરને વિશેની શ્રદ્ધા ડગી જાય છે. એટલે થાકીહારીને વતનમાં પાછો ફરે છે. બ્લૉક ધર્મયુદ્ધમાં કશી રાજકારણી માનસિકતાથી ન્હૉતો ગયો. એ તો ઈશ્વરની સેવા કરવાના ધર્મભાવથી ગયેલો. પણ એ હવે ત્રસ્ત છે. કેમકે એક તો પોતે ધર્મયુદ્ધમાં નાસીપાસ થયો ને બીજું એ કે પંથકમાં પ્લૅગને કારણે હાડમારીઓ વધી રહી છે. બ્લૉકની સાથે તેનો જૉન્સ નામનો squire હોય છે. એટલે કે, નાઇટનો સેવક. નાઇટની ઢાલ અને રક્ષાકવચ ઊંચકીને આગળ આગળ ચાલવું એ એનું મુખ્ય કામ હોય છે. જતે દા’ડે એને જો નાઇટ થવું હોય તો એ સેવા બજાવવી એના માટે ફરજ્યાત હોય છે.
બને છે એવું કે સુભટ બ્લૉક અને સેવક જૉન્સ બન્ને જણા એક વાર પ્લેગથી તારાજ થઈ ગયેલી જગ્યાઓમાં થઈને જતા હોય છે ત્યારે તેઓ એક નટમંડળીના સમ્પર્કમાં આવે છે. નટમંડળીમાં મુખિયા એવું એક દમ્પતી હોય છે. સુખી હોય છે. પણ ચોપાસ પ્લેગને કારણે વ્યથા અને ગમગીની હતી. એમાં એમનો શો ભલે ને દિલધડક હતો પણ શી રીતે ચાલવાનો’તો? મિથ્યા પુરવાર થાય છે. એટલે બન્ને જણાં બ્લૉકને મળે છે. પરિણામે એઓ અને બીજા નટ, આખી મંડળી, બ્લૉકની સંગાથે નીકળી પડે છે.
પણ એ દરમ્યાન, એક જબરો બનાવ બને છે. ડેથને મળવાનું થાય છે. ડેથ એટલે તો મૃત્યુ સ્વયં પણ આ વાર્તામાં એ એક પાત્ર છે. ડેથ ચતુર છે પણ ચતુરાઇ બતાવવા ડેથને બ્લૉક પડકારે છે. એમ કહે છે, કંઈક એવું કર કે હું ફરી પાછો શ્રદ્ધાળુ થઈ જઉં. પરન્તુ ડેથ કશું કરતો નથી. બન્ને વચ્ચે બોલાચાલી બલકે તડાતડી થઈ જાય છે. બન્ને આમનેસામને આવી જાય છે. મામલો હાર-જીત સુધી પ્હૉંચી જાય છે. છેવટે નક્કી એમ થાય છે કે બ્લૉકે ડેથ સાથે ચેસ રમવી. બ્લૉક જો જીતે તો ડેથ એને છોડી દેશે. બ્લૉક ડેથને થોડા સમય માટે આમતેમ હંફાવી શકે છે, પ્યાદાં ફગાવી દે છે, પણ જીત તો ડેથની જ થાય છે. બધાં ભેગાં કિલ્લે પ્હૉંચે છે પણ ડેથને હાથે નીપજનારા ભવિતવ્યને કોઈ ટાળી શકતું નથી.
મૃત્યુની અહીં કલ્પના નથી કરવાની પણ એ હકીકત સ્વીકારવાની છે કે સાક્ષાત્ મૃત્યુ સાથે -ડેથ સાથે- બ્લૉક ચેસ રમે છે. એનો સીધો અર્થ તો એ છે કે મૃત્યુ બ્લૉકની સન્નિકટ છે અને બ્લૉક જીવતે જીવત તો એનાથી છટકી શકવાનો નથી. ડેથ ચતુર છે વળી ચંચળ પણ છે. ગમે ત્યારે ચાલ બદલી નાખે. એને હરાવવો સ્હૅલ નથી.
મૃત્યુ અનિવાર્ય તો છે જ પણ મૃત્યુ મનસ્વી પણ છે. એ હકીકત બીજા અનેક પ્રસંગોમાં વ્યક્ત થઈ છે : જેમકે, સ્કાતનું મૉત ઝાડ પર થયું. પહેલાં એણે આપઘાતનો પ્રયાસ કરેલો પણ પછી વિચાર બદલાઈ ગયેલો. રવાલ ગ્રેવ-રોબર છે, એટલે કે, ઘોરખોદિયો. કબરો ખોદે ને જે કંઈ જણસ જડી આવે એ લઈ પાડે, ચોર છે. જૉન્સ એને એ ચોરી કરતાં તેમજ એક સ્ત્રી પર બળાત્કાર કરતાં પકડી પાડે છે. આમ તો રવાલ seminarist હતો -પાદરી થવાને ઉત્સુક શિષ્ય ! જૉન્સ એને પડકારે છે. રવાલનું પ્લેગથી મૉત નીપજે છે.
ફિલ્મરસિયાઓ સમજી ગયા હશે કે હું જગવિખ્યાત ફિલ્મમેકર ઇન્ગમાર બર્ગમૅનની એટલી જ ખ્યાત ફિલ્મ ‘ધ સેવન્થ સીલ’-માં છે તે વાર્તાની વાત કરી રહ્યો છું. ૧૯૫૭-ની એ ફિલ્મની અસર આ દિવસોમાં મને એકદમની જલદ અનુભવાય છે. કેમકે ફિલ્મમાં ચેસબૉર્ડ પર Life Vs. Deathનો -જીવન સામે મૃત્યુનો- જે ખેલ મંડાયો છે એવો જ ખેલ પૃથ્વી પર કોરોના પાન્ડેમિકનો પ્રસારથી મંડાયો છે.
વાર્તામાંથી બે સવાલ પ્રગટે છે : એક તો એ કે મરતાં પહેલાં માણસ કશુંક અર્થપૂર્ણ કરવા માગતો હોય છતાં નિષ્ફળ જાય તે કોને લીધે? પોતાના જીવનમાં માણસ કશીક ધાર્મિકતાથી મચી પડ્યો હોય ને છતાં કશો અર્થ હાથ ન આવે તે શાને લીધે? સુભટ બ્લૉક આ બન્ને પ્રશ્નોને જીવતો હોય છે.
વહેમો અને ધર્મશ્રદ્ધાની ભેળસેળ જેવી માનસિકતા આ કોરોનાકાળે છે, ત્યારે પણ હતી. ત્યારે પણ જનમાનસમાં એ જ વાત ઘર કરી ગયેલી કે પ્લેગ ઈશ્વરે મોકલ્યો છે. ફિલ્મમાં flagellants -નું એક સરઘસ નીકળ્યું હોય છે. એમાં એ લોકો પોતાની જાતને ચાબૂકથી ફટકારતા હોય છે, પોતે કરેલાં પાપોનો જેથી નાશ થાય, પોતામાં વસતા સેતાનને તગેડી દેવાય, સરવાળે પ્લેગને ભગાડી મુકાય. એક ધરમશાળામાં બેઠેલા કેટલાક ચર્ચાએ ચડ્યા હોય છે કે -આ ખતરનાક પ્લેગની અસરો તો શી યે થવાની છે. ત્યાં એક સ્ત્રી હતી તે બોલી કે : આ તો ભઈ કયામતનો દિવસ છે, અપશુકનો તો જુઓ -પેલીએ વાછડાના મૉઢાવાળું બાળક જણ્યું ! કોઈ કોઈએ તો આગમાં શેકાઈને મૉત વ્હૉરી લીધું ! જોકે પાદરી એમ કહે છે કે નરકમાં જવા કરતાં તો સારું જ ને !
આમ તો, વાર્તાની પાર્શ્વભૂમિકામાં ૧૩૪૭થી ૧૩૫૧ દરમ્યાનની મહામારી, બ્લેક ડેથ છે -એ એવી ભયાનક હતી કે જેમાં યુરેશિયા નૉર્થ આફ્રિકા અને યુરપમાં ૨૫-૨૦૦ મિલિયન લોકોનાં મૉત થયેલાં.
ફિલ્મના શીર્ષકનો સંદર્ભ છે, The Book of Revelation, the final book of the Christian Bible. Lamb સાતમું સીલ ખોલે છે ત્યારે સ્વર્ગમાં શાન્તિ હોય છે અને શાન્તિ અવકાશમાં અરધો કલાક પથરાયેલી રહે છે. દરમ્યાન, સાત દેવદૂતો સાત પ્રમ્પેટ સાથે પ્રગટે છે અને તેઓ સૂરોને માટે આતુર બની રહે છે. આ વીગતોથી ફિલ્મનો શુભારમ્ભ થયો છે.
બર્ગમૅને ફિલ્મ પોતાના જ ‘વૂડ પેઇન્ટિન્ગ’ નાટક પરથી બનાવી છે. ફિલ્મને એમણે એક રૂપકની રીતે બહેલાવી છે. કેન્દ્રસ્થ મુદ્દો એક જ છે -ઈશ્વર જો છે તો એ આમ શી રીતે વર્તી શકે? કેમકે મહામારીમાં તો પાપી અને પુણ્યશાળી બન્ને હોમાઈ જાય છે ! વળી, કોણ પાપી ને કોણ નહીં તે શી રીતે નક્કી થવાનું? મહામારી એમ ચીંધે છે કે ઈશ્વર નથી અને જો છે તો ક્યાં છે?
બ્લૉક ડેથને પાદરી સમજીને કહે છે : હું પ્રામાણિકતાથી એકરાર કરવા ચાહું છું પણ મારું હૃદય ખાલી છે. ખાલીપો મારા ચ્હૅરે દર્પણ બનીને ચીપકી ગયો છે. જોકે બ્લૉક પાદરીને તીવ્ર સવાલો પણ કરે છે : અમને ગમ ન પડે એવા ચમત્કારો અને આછાંપાછાં વચનોનાં વાદળ પાછળ ઈશ્વર શા માટે સંતાયેલો રહે છે? ઈશ્વરમાં માનવા ચાહીએ પણ નથી માની શકતા એવા અમારા સૌનું શું થવાનું? અને પેલાઓનું શું -જેઓ માનવા ચાહતા પણ નથી અને માની શકતા પણ નથી? મારામાંના ઈશ્વરભાવને મારે શું કામ નષ્ટ ન કરવો? શા માટે મારામાં એણે નામોશીભર્યું ને દુખી જીવન ગુજારવું જોઈએ? હું એને મારું હૃદય ચીરીને બહાર કાઢવા ઝંખું છું પણ એ તો એક મજાકભરી વાસ્તવિકતા બનીને ત્યાં જ પડ્યો રહે છે ને એનાથી મારો કશો જ છુટકારો થતો નથી…મને જ્ઞાન જોઈએ છે. નહીં કે માન્યતા. નહીં કે સંશય. પણ જ્ઞાન. પાદરી એને પૂછે છે : તું પ્રશ્નો પૂછવાનું બંધ કરીશ? : બ્લૉક કહે છે : કદી નહીં…બ્લૉક પોતાનો એકરાર ચાલુ રાખે છે ને કહે છે કે જો ઈશ્વર નથી, તો જીવન અર્થ વગરની એક જફા છે. કોઈથી પણ ડેથ જોડે ન જિવાય અને એમ પણ ન મનાય કે સરવાળે બધું અસાર છે.
છેવટે ડેથ કિલ્લામાં આવે છે, બ્લૉક ધ્રૂજતો હોય છે, પ્રાર્થનાઓ બોલવા માંડે છે. જૉન્સ એને કહે છે, આપની કાકલૂદીને કોઈ સુણવાનું નથી. મરણ પછી શું થશે એ તમારી ચિન્તાનું નિવારણ થઈ શક્યું હોત, પણ એ બાબતે હવે બહુ મૉડું થઈ ગયું છે.
એ પછી જૉન્સ જે સત્ય ઉચ્ચારે છે એ મને બહુ ગમ્યું છે અને આજે હું ત્યાં જ અટકું છું : પરન્તુ હજી આપ જીવતા છો, એ તમારા વિજયને અન્ત લગી માણો ને !
(July 12, 2020: Ahmedabad)
Bengt Ekerot as Death
Max Von Sydow as Bloc
*****