કોરોના મારી નજરે | ડૉ. શિરીન એમ. શેખ
15 જુલાઈ, 2020
હોં ભાઈ ! કોરોના આવ્યો છે ખબર નહીં ક્યાંથી ? કોઈ એનું ઉદગમસ્થાન ચીન બતાવે છે તો કોઈ વુહાન તો વળી કોઈ એને ચીની રાજનીતિના એક હથિયાર તરીકે જુએ છે. આ યાંત્રિક યુગમાં જૈવિક શસ્ત્ર તરીકે તેનો ઉપયોગ ચીને કર્યો છે એવું ચર્ચાઇ રહ્યું છે. જે કંઈ હોય, પણ આ વિદેશી આગંતુકે સૌનું જીવવું હરામ કરી દીધું છે. કાળોતરા રાક્ષસની જેમ બધુ જ ભરખી ગયો. આપણા વડીલોને છીનવ્યા, જૂના દરદોથી પીડાતા મધુમેહના દર્દીઓ, શ્વાસના દર્દીઓ, કિડનીના દર્દીઓ બધાજ લપેટાઇ ગયા, અરે ! તબીબ સુદ્ધાં તેનાથી બચી ન શક્યા. શાળા, કૉલેજો બંધ થઈ, શિક્ષણ અભરાઈએ ચડ્યું. પરીક્ષાઓ અટવાઈ ગઈ. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધર તાલે ! ધંધા-રોજગાર પડી ભાંગ્યા, શ્રમિકો-મજૂરોની સ્થિતિ દયનીય બની અને આ બધી પરિસ્થિતીને અત્યંત દયનીય રીતે રજૂ કરવામાં આપણી ન્યુઝ ચેનલો એ અગ્રતાક્રમ અપનાવ્યો.
કોરોનાની પરિસ્થિતિમાં ગરીબોને અનાજ તેમજ ભોજન પૂરું પાડવામાં દાતાઓની સહાય સરવાણી વહી નીકળી પણ સાથે સાથે સેલ્ફીબજાર ગરમાયું. રાજકારણ ગરમાયું અને આગળ કહ્યું તેમ ન્યૂઝ ચેનલોએ તો જાણે કોઈ અવસર આવ્યો હોય તેમ શણગાર સજ્યા. પણ આ બધુ ક્યાં સુધી ? આજે ચાર-પાંચ મહિનાનો પ્રવાસી કોરોના તો જાણે વિશ્વ-નાયક બની ગયો. સ્વરૂપ એનું બદલાતું ગયું, ચિહ્નો એનાં નિત-નવાં કેદ કરવો તો કરવો કેમ ?
ગમે તે કહો પણ ભૌતિક સુવિધાઓ છીનવી લેતો કોરોના. માણસ-માણસ વચ્ચેનું અંતર વધારતો ગયો. મનુષ્ય ભૌતિક સુવિધો વગર જીવન સંઘર્ષમાં પાર ઉતરી શકે પણ હ્રદય સ્નિગ્ધતા વગર કઈ રીતે ધબકે ? હ્રદય તો સતત કોઈકની હૂંફ, કોઈકનો સહિયારો ઇચ્છતો હોય, પછી તે ગમે તે સ્વરૂપે હોય. ટૂંકમાં માનવીને જીવવા માટે બાહ્ય પદાર્થોની સાથે આંતરિક ભોજન પણ એટલું જ મહત્વનું !
પ્રશ્ન એ નથી કે માનવ જાતિ કોરોનાથી કેટલી ડરી ગઈ છે ? અથવા બીજા અર્થમાં કહીએ તો તેને કેટલી ભયભીત કરવામાં આવી છે ? સામાજિક દૂરી વર્તવાની ચર્ચા કરીએ તો અજ્ઞાની પ્રજામાં કદાચ એની ઉણપ વર્તાય છે પણ આજના યુગની જ્ઞાની પ્રજાને કોરોનાના ઓથા હેઠળ દરેક પ્રકારની સામાજિક – આર્થિક – માનસિક અને સંવેદનાત્મક દૂરી જાળવવાનો મોકો મળી ગયો છે એ નક્કી હકીકત છે અને આનો અનુભવ ઓફિસોમાં, શાળા-કૉલેજોમાં વિવિધ વ્યવસાયોમાં જ્યાં educated (શિક્ષિત) લોકો જોડાયેલા છે ત્યાં રોજ-બ-રોજ થતો જ રહે છે. માનવ મનની પ્રયોગશાળાઓમાં કઈ કેટલાય વિસ્ફોટક પદાર્થો સર્જાઈ રહ્યા છે. ઘણીવાર મને લાગે છે કે કોરોના મહામારી નહીં પણ એક ઘટના છે તે ઘટી અને આખું વિશ્વ અસ્ત-વ્યસ્ત થઈ ગયું. અહી હું ફક્ત કોરોના અંગે સાહિત્યક ચર્ચા જ કરવા માંગુ છું. રાજનીતિ ખંગાળીશુ તો કદાચ વિષયનો સાહિત્યક મુખી હાર્દ ભૂલાઈ જશે. અણધાર્યા માણસો આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ગુજરાતીમાં કહેવત છે 'કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે ? પણ કોરોના સુધી તેના હાથ હજુ પહોંચ્યા નથી. એક સમય હતો જ્યારે એઇડ્સ અને કેન્સર જેવા રોગોએ મનુષ્યને થથરાવ્યો હતો પણ કોરોના તો બધાનો બાપ નીકળ્યો. ક્યારેક એવું પણ કાને પડે કે કોરોના એક રાજનીતિક ષડયંત્ર છે. જેમાં વર્તમાન શાસકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. પણ મેં પહેલાં કહ્યું તેમ આપણે રાજનીતિનો સંદર્ભ ધ્યાનમાં નથી લેવો છતાં આ તથ્ય નજર-અંદાજ કરવા જેવો નથી ! અરે ! બિચારો ગરીબ માણસ દવાખાને જતાં ગભરાય છે કે ક્યાક મને કોરોનાના કેસમાં ખપાવી સરકારી હૉસ્પિટલોના આંકડા વધારવા મોકલી દે. લોકો ઘરે રહી મોતને વ્હાલું કરવા તૈયાર છે, કેમ કે હોસ્પિટલોની ભૂમિકા પણ શંકાસ્પદ છે. કેમકે ધીરે ધીરે રીકવરી મેળવતો કોરોનાનો દર્દી અચાનક મૃત્યુની ગોદમાં સરી પડે અને પછી કોઈપણ પ્રકારની કર્મ-ક્રિયા વગર કબરમાં કે સ્મશાનમાં ગોઠવાઈ જાય છે. કોરોનાનો પ્રારંભ જો એક મહામારી છે તો તેના પાછળની વૈશ્વિક ઘટનાઓ પોતાના અંગત હિતોને પ્રાથમિકતા આપવાવાળી પૂંજીવાદી રાજનીતિની નાલાયકી છે. ટપોટપ મૃત્યુને વ્હાલું કરતા આત્મીયજનોની વિદાય જોઈને વિચાર આવે કે મૃત્યુ આવા સ્વરૂપે પણ આવી શકે ? જગજીત ગઝલનો શેર યાદ આવી જાય –
રહને કો સદા દહર મે આતા નહીં કોઈ ।
તુમ જૈસે ગયે ઐસે જાતા ભી નહીં કોઈ ।।
*****