કોરોનાનો કાળોકેર | સંજય મકવાણા
એકવીસમી સદીના હજુ તો મંડાણ થાય છે. બીજા દાયકાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. આ વિશ્વ આરંભકાળથી જુદા જુદા યુગોમાં વિભાજિત થયો છે, છતાં એક અને અખંડ છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ એમ સમયનો અવિરત પ્રવાહ અટકવાનું નામ નથી લેતો. યુગ બદલાઈ ગયા, કલ્પ બદલી ગયા, પ્રલય પણ થયા. અનેકાનેક મહાપુરુષોના પાવન ચરણોની રજે આ વસુંધરાને દેદીપ્યમાન બનાવી છે. વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના દિનપ્રદિન બળવત્તર બની છે. સદીઓથી વિશ્વમાં અનેક પડાવો આવ્યા ને ગયા. ગૂર્જર ભારતવાસી કવિ ઉમાશંકર જોષીનો ઉદ્દગાર અવિસ્મરણીય રહેશે. કવિ ગાઈ ઉઠે છે કે, “વિશાળે જંગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !” આ સંવેદન જ વૈશ્વિક બને છે. મારાપણાનો ભાવ અનુભવાય છે. જગત આખું મારું છે, હું જગતનો છું. આવી સમજણ માણસને માણસ બનાવે છે. વ્યક્તિમાંથી વિશ્વમાનવી બનવાની ભાવના સમગ્ર માનવજાતને સધિયારો આપે છે. આ વિરાટ છબીની કલ્પના ભવ્ય અને દિવ્ય છે. વિશ્વ ફલક પર વિસ્તરતી અને વિચરતી માનવ, પશુ, પંખી, જીવ, જંતુની સૃષ્ટિ અલૌકિક, નિત્યનિરાળી, વૈવિધ્યસભર, ગૂઢ અને રહસ્યમય છે. તેમ છતાં કોઈ અદૃશ્ય તાણા-વાણાથી જાળની જેમ એકબીજાથી ગૂંથાયેલા છે.
તેમાં પણ ભારત ઉપખંડ તરીકે ઓળખાતી આ ધરા પરાપૂર્વકાળથી અનંત, અખંડ ને અવિનાશી છે. આ દેશ વિશે એવું કહેવાય છે કે સંતો, ઋષિમુનીઓ, અવતારી મહાપુરુષો, ભવ્યદિવ્ય વિભૂતિઓનો સદાકાળ ઋણી છે. પૃથ્વી પરના આ હિસ્સાની એક બાજુ હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર આવેલો છે. અનેક નદીઓનો પ્રવાહ પ્રાણીમાત્રને તૃપ્ત કરે છે. પ્રાચીનકાળમાં તો અલગ અલગ રજવાડા, દેશી રજવાડા ને એ પૂર્વે નાના નાના ગણરાજ્યોને કારણે આ પ્રદેશનું મૂલ્ય અમૂલ્ય છે. આદિમાનવોની લોકસંસ્કૃતિ આ ઉપખંડની ધરોહર છે. જ્યાં વિવિધ ઋતુઓનું મહિમા ગાન છે, તો વિવિધ પહેરવેશ, રીત-રિવાજો, પરંપરા, વિવિધ જાતિ-જ્ઞાતિઓ, ભાષા-બોલીઓ, ઝાડી, જંગલ, નદીઓ, રણ, ખીણો, પર્વતો, ઘાસના વિશાળ મેદાનો, શ્રમજીવી અને મહેનતકશ લોકો, કૃષિ અને ગોપાલન, વિવિધ તહેવારો, ઉત્સવો, મેળાઓ, ધાર્મિક માન્યતાઓ, ક્રિયાકાંડો, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, પોતપોતાના દેવી-દેવતાઓથી સમૃદ્ધ વિશાળ સાંસ્કૃતિક વારસો ધરાવે છે.
આ ઉપખંડમાં અનેક ચડતી-પડતી, આપત્તિઓ, કુદરતી આપત્તિઓ, વિશ્વયુદ્ધો, આંતરિક લડાઈ-ઝગડાઓ, સુનામી, ભૂકંપ, વાવાઝોડા, દાવાનળ, આગજની, શારીરિક – માનસિક બીમારીઓ, રાજકીય દાવપેચ, લૂંટફાટ, કિન્નાખોરીથી પાયમાલીની અનેક સમસ્યાઓએ અનેક વખત માનવીના જીવનને તહસનહસ કરી દીધું છે. આવા આવા અનેક પડકારોનો સામનો કરીને ફરી નવા ઉત્સાહ અને ઉમંગ સાથે આ દેશ બેઠો થયો છે. હતાશામાં સરી જઈને પણ બેવડી તાકાત સાથે ઊભો થઈ નવા યુગનું અને નવજીવનનું ઉમળકાથી સ્વાગત કરે છે. માનવજાત એ શક્તિનો પૂંજ છે. એને કોઈ ડરાવી-ધમકાવી કે મારી-પછાડી નથી શકતું...! મનમાં પૂરેપૂરો વિશ્વાસ રાખી હમ હોંગે કામયાબ એક દિન.. વળી એકબીજા સાથે ખભેખભો, હાથથી હાથ મેળવીને લક્ષ્યાંકો સિદ્ધ કરવાની મથામણ કરે છે.
પણ આ તો હાથથી હાથ મેળવ્યા વગર નમસ્તેની મુદ્રામાં આગળ વધવાનું છે. વૈશ્વિક મહામારી વિશે સાંભળેલું ખરું, વાંચેલુંય ખરું, પણ આ તો નજરોનજર જોવાનું અને અનુભવવાનું બન્યું. ધીરે ધીરે સમગ્ર વિશ્વને પોતાના ડ્રેગન ભરડામાં લઈ લીધું. जिससे छूटना मुमकिन ही नहीं ना मुमकिन भी है । ચાઈનાથી વિશ્વ પરિભ્રમણ માટે શરૂ થયેલી વણથંભી કોરોના યાત્રાએ હજારો-લાખો લોકોને ચિરનિદ્રામાં પોઢાડીને તેની વ્યાપકતા અને વિકરાળતાના દર્શન કરાવી દીધા. જેમ જેમ દિવસો ને મહિનાઓ જતા ગયા તેમ તેમ તેની સામે લડવાનો પડકાર મજબૂત થતો ગયો. વર્ષ ૨૦૧૯ના અંતિમ મહિનાઓમાં વિશ્વની મહાસત્તા બનવા થનગની રહેલા ચીનમાં નોવેલ કોરોના વાઈરસે જન્મ લીધો. જેની ઉત્પત્તિ વિશે તો હજુ ઘણી જાતભાતની માન્યતાઓ અને મોઢા એટલી વાતો ચાલે છે. આ કોરોના વાઈરસ જેવા આખી દુનિયામાં અસંખ્ય વાઈરસ છે, પણ આ કોરોનાનો રંગ, રૂપ, ગંધ, સ્વાદ, મિજાજ જરા ટેડો છે. વાયરસ દેખાતો નથી પણ તેનું ચિત્ર જોઈને જ તેની વિકરાળતા માલૂમ પડે. બીજા જે અસંખ્ય વાઈરસ છે તેના પર તો કાબૂ મેળવવામાં મહારથીઓ સફળ રહ્યા છે. ‘જેનું નિર્માણ થયું છે તેનો નાશ તો ચોક્કસ છે જ’ ક્યારે, કેવી રીતે, કઈ જગ્યાએ અને કોના હાથે???? એ કળવું અઘરું છે. નહીતર તો ઓસામા બિન લાદેનને શોધીને મારી શકે તેને કોરોનાની તો શી વિસાત,,,! વિકસિત અને વિકાસશીલ દેશો પણ પરાસ્ત થયા ત્યાં ગરીબ રાષ્ટ્રોનું તો વિચારવું જ શું ? પણ હાલ તો કંટ્રોલ છે ને તે પણ કાબૂ બહાર છે. ચાર-ચાર લોકડાઉન ને બે તો અનલોક પછી પણ કોઈ બાજુથી ઉગરવાનો આરો દેખાતો નથી. સંક્રમણની સ્તિતિ જ એવી છે કે તેની અવસ્થા બદલાયા કરે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ તો કોરોના સંક્રમણના ચાર તબક્કાઓ છે. કોરોનાનો ચેપ લાગવો તે પ્રથમ અને પછી તો લોકલ સંક્રમણ, સામુદાયિક સંક્રમણ અને ભયંકર તબક્કો તો વાયરસ હવામાં ફરતો થાય તે છે.
Covid19 નામનો વાઈરસ સ્પર્શથી ને શ્વાસોશ્વાસથી મો વાટે થઈ ગળામાં અને ત્યાંથી ફેફસામાં કબજો કરી લે છે. કોઈ વ્યક્તિમાં એ પરાસ્ત થાય છે તો કોઈ વ્યક્તિને પરાસ્ત કરી નાંખે છે. આ મહામારીએ લોકોના દિલોદિમાગમાં એવો તો કબજો જમાવી દીધો છે કે શારીરિક અને માનસિક રીતે ખતરનાક ડરનો માહોલ ઊભો કરી દીધો છે. કોરોનાએ સામાજિક અનુબંધના આત્માને છંછેડ્યો છે. ઓશો કહે છે તેમ મહામારી કરતાં તેનો ડર જ ભયંકર વાયરસ છે. મહામારીથી બચવું અતિ આસાન છે પણ તેના ડરથી બચવું મુશ્કેલ છે. આપણે ત્યાં એના પાગરણ થયા પહેલા તો એ વિશ્વના અન્ય દેશો અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, જાપાન, ઈટલી, આફ્રિકા એમ દુનિયાના તમામ દેશોને પૂરેપૂરી રીતે હચમચાવી નાંખ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પણ તેના ઘૂંટણિયે પડી ગઈ છે.
આ વાઈરસના સામાન્ય લક્ષણોમાં તો ખાંસી-ઉધરસ-કફ, તાવ ને તેની સીધી અસર ફેફસામાં થાય, શ્ર્વાસ લેવામાં તકલીફ થવી. સ્વાદેન્દ્રીય અને ઘ્રાણેન્દ્રીયને પણ નિસહાય કરી દે છે. આંખોનો રંગ ગુલાબી થઈ જવો. લોહીનું દબાણ ઓછું થવું, ઝાડા થઈ જવા, કેટલાકને તો લક્ષણ વિનાનો પણ કોરોના હોય, એ કેમ કળવો ? કોઈને દેખાય એટલે તેની સાથેનો વ્યવહાર અસ્પૃશ્યતાનો થઈ જાય. તેની આસપાસ ચકલુંયે ના ફરકી શકે તેવી જડબેસલાક વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવે. સૌથી પહેલા તેના ઘરના સભ્યો, આસપાસના પાડોશીઓ અને જે કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે તેને કોરન્ટિન કરી દેવામાં આવે. આખા વિસ્તારને કોર્ડન કરી તેને કન્ટેન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરી દેવામાં આવે. તેને હૉટસ્પોટ વિસ્તાર તરીકે ઓળખે. ઉપરાંત રેડઝોન, ગ્રીનઝોન, ઓરેન્જઝોન પણ ખરા. કોરોનાગ્રસ્ત વ્યક્તિ જે કોઈ વસ્તુનો સ્પર્શ કરે તો તેમાંના વાઈરસને કારણે પણ કોરોના સંક્રમણની ભીતી રહે એટલે એ વસ્તુને પણ સેનેટાઈઝ કરવું પડે. કઈ વસ્તુ પર કેટલા સમય આ વારસ જીવંત રહે છે તેની પણ જાણકારી સૌ કોઈ પાસે હોય જ. સૌ નાગરિકો કોરાનોને લગતી તમામ વિગતો અને ગતિવિધિથી સુપેરે પરિચિત થઈ ગયેલા છે. દિવસો સુધી સમાચારોનો મારો ચલાવ્યે જ રાખ્યો. ક્યાં કેટલા કેસ આવ્યા ? ને કઈ રીતે બચવું ? ના વિવિધ ઉપાયો સૌ સુસજજ બની ગયા. આ શબ્દોવિશેષોને તો શરૂઆતમાં યાદ રાખવા પણ મુશ્કેલ હતાં. ધીમે ધીમે સૌ ટેવાઈ ગયા, બલ્કે ટેવાવું પડ્યું ને હજુ ટેવ પાડવી પડશે. કોરોનાથી બચવાના સરળ રસ્તાઓ છે પણ, અઘરા છે...! વારંવાર સાબુથી હાથ ધોવા, મોઢું ઢંકાય એ રીતે માસ્ક પહેવું, સામાજિક અંતર જાળવવું ને સહેલામાં સહેલું તો ઘરથી બહાર ન જ નીકળવું. ‘ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો’નું સૂત્ર પણ પ્રચલિત થયું. ઘરે જ રહેવું અને ખૂબ આરામ કરવો. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો. હોમિયોપેથીની આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર સાંજ ત્રણ થી સાત દિવસ લેવી. જો વાયરસનું સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી લેવી. આયુષના સૂચવ્યા મુજબ આયુર્વેદિક દવા સમશમની વટી, આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવું. સામાન્ય તાવના લક્ષણો જણાય તો હાઈડ્રોક્વોરોક્વીન લેવી, તેની વિશ્વમાં માંગ પણ વધી. થર્મલ સ્ક્રેનીંગ કરાવવું. આવા આવા ઈલાજ પણ બેઈલાજ બન્યા. બાકી રહ્યું તો આયુષ મંત્રાલયની આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. કોરોનાએ તો કાળો કેર વરતાવ્યો, બોલો..!
ચાર ચાર હળવાથી અતિભારે લોકડાઉન એટલેકે સીત્તેરથી એંસી દિવસ આ પ્રજાને ઘરમાં જ કેદ કરવી એ નાનીસૂની વાત નથી જ. છતાં એકબાજુ ડરનો માહોલ અને નવરા નવરા કોઈ કામ સૂઝે નહિ. સારું હતું કે એન્ડ્રોઈડ મોબાઈલ હતો, ટેલિવિઝન હતું ને સારા ઉત્તમ પુસ્તકો હતા તો વળી દિવસો તો હેમખેમ પસાર થતા, પણ જેને લોકો સોશ્યલ મિડિયા કહે છે તેણે તો અવનવા જોક, સાચા-ખોટા સમાચારો, અફવાઓ, સોશ્યલ કવિતાયું, વાર્તાયું ને ટિકટોક વિડિયો ને બાકી રહ્યું તો જાતભાતના વિષયો પર ને ઉત્તમ-ઉત્તમોત્તમ વક્તાઓના વેબિનારો, એ દ્વારા ઓનલાઈન શિક્ષણ અને ટ્રેનીંગ, જ્ઞાનલક્ષી અને માહિતીલક્ષી વ્યાખ્યોનોના અવનવા પ્રયોગો થયા. ક્યાંક સફળ રહ્યા તો વધુ પ્રમાણમાં નિષ્ફળ રહ્યાં. મોબાઈલ, ઈન્ટરનેટ અને ટેક્નિકલ પ્રશ્નો ઉપરાંત ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં લાઈટની અનિયમિતતા, કવરેજની ખામી છતાં કેટલાક સુંદર આયોજને કારણે દિવસોને હળવા, જ્ઞાનસભર અને માહિતીઓથી અવગત કર્યા. આફતને અવસરમાં કેવી રીતે બદલી શકાય તેની અનેક રીતભાતો કૂનેહપૂર્વક ઉપયોગમાં લેવાઈ. દરેક વ્યક્તિના જુદા જુદા મિજાજ, વ્યવસાયને કારણે ખુશીની સાથે અજંપો પણ છવાઈ ગયો. કરવું તો કરવું શું ને જાવું તો જાવું ક્યાં ? સૌના પ્રશ્નો જુદા સૌના ઉત્તરો એક. કોરોનાને પરાસ્ત કરવો. કોઈપણ ભોગે. ને આ તો એવો કોરોના છે કે એ પરાસ્ત થવાનું નામ નથી લેતો. શરૂઆતમાં સૌ કોઈને એની ગંભીરતા જરા સરખીય નહોતી. સ્કૂલ-કોલેજમાં રજા આપી તો મજાકમાં ‘કોરોના વેકેશન’ તરીકે સ્વીકાર્યું. મારો નાનો દીકરો સુજલ તો હજી નવમાં ધોરણમાં છે, સ્કૂલે જવામાં જ નહિ પણ ભણવામાં પણ મનમોજી છે. એ પૂછ્યા કરે કે પપ્પા હવે ક્યારે સ્કૂલે જવાનું ? એનું મન રાજી રાખવા હું એને માસ પ્રમોશનનું સમજાવતો ને કહેતો ‘બેટા, સરકાર હવે પરીક્ષા લેવાના મૂડમાં નથી. તારે વગર પરીક્ષાએ પાસ થવાનું છે.’ એ મનોમન કેટલો રાજી થતો એ રાજીપો એની આંખમાં હજુ દેખાય છે ! જ્યાં સુધી શિક્ષણ વિભાગે માસપ્રમોશનની જાહેરાત ના કરી ત્યાં સુધી રોજ આ બાબતનું વિશ્લેષણ અમે બાપ-દીકરો કર્યા કરતા.
પણ જેમ જેમ લોકડાઉન વધતું ગયું તેમ તેમ રોજ નવા નવા આયુર્વેદિક ઉકાળાઓના મેન્યૂ આવતા ગયા ને કેટલાકનો તો અખતરો પણ કર્યો. તલસીના પાન, આદુ, કાળામળી, અરડૂસીના પાન, લવિંગ, સુદર્શન ચૂર્ણ, કડુ-કરિયાતુ, કાળી દ્રાક્ષ, લીંબુનો રસ વગેરેનો મિશ્રસર જુદી જુદી રીતે લેવાનો. વાઈરસ ઘરમાં ઘૂંસે નહિ તે માટે ગાયના છાણા લાવી તેમાં ગૂગળ ને કપૂરનો ધૂપ પણ રોજ કર્યો. વિટામિન સી વધારવા બે ટાઈમ લીંબુ પાણી, દિવસભર સૂંઠ નાખેલું નવશેકું પાણી ને રાત્રે સૂતી વખતે હળદર વાળું દૂધ. આમ આવા પ્રયોગો બધાના નસીબમાં તો નથી હોતા...! પણ તોયે કર્યા. કોઈ રીતે આ મહામારીથી બચવું. એક જ લક્ષ.
સંક્રમણના ડરથી માથાના વધી ગયેલા વાળને જાતે કાપવાનો પ્રયત્ન તો કર્યો, કાન ઉપર નાની કાતરથી કાપ્યા, પાછળના ભાગે દીકરાની મદદ લઈ સેટ કર્યા, દાઢી વધારી. ઘણું લખાયું, વંચાયું, વિચારાયું તે ફાયદામાં. ઓનલાઈનનો જમાનો આવી ગયો. છાપાઓ પણ ઓનલાઈન વાંચવાના ને ખરીદી પણ ઓનલાઈન. ડિઝિટલ પેમેન્ટ. બધુ કેશલેસ ને માણસ પણ કેશલેસ. આ પરિસ્થિતિ કેટલાક લોકો માટે આશીર્વાદ તો કેટલાક લોકો માટે શાપરૂપ પણ બની. બે ટંક ખાવાનું તો ઠીક, બે દિવસે પણ માંડ બે રોટલી મળી હોય..! તત્કાળ લોકડાઉનની જાહેરાત થઈ, શાળા-કોલેજ, ઉદ્યોગ-ધંધા, ફેક્ટરીઓ, ઓફિસ, મલ્ટિપ્લેક્ષ સિનામાગૃહો, હોટેલ, મોલ, ધાર્મિક-સામાજિક મેળાવડા બંધ થયા. આખા અર્થતંત્રને કાળોતરો એરુ આભડી ગયો જાણે. લોકોના ધંધા બંધ થયા, સરકારની આવક ઠપ... લોકોએ દીવડા કર્યા, ઢોલ-નગારા- થાળી વગાડી, સરઘસ કાઢ્યા ને ફટાકડા ફોડ્યા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થઈ. દીનદયાળુ સરકારે ગરીબોને મફત રાશન આપ્યું, સામાજિક સંસ્થાઓએ રાશનકીટ, શાકભાજી જેવી જીવનજરૂરી વસ્તુઓ વહેંચી. આશાનું કિરણ ક્યાંય ના દેખાયું.! પરપ્રાંતના લાખો મજૂરો પેટનો ખાડો પૂરવા આવેલા તે એના જ પેટમાં ઊંડો ખાડો પડ્યો, તેને અચાનક વતનનો સાદ સંભળાયો ને ગોધૂલીના સમયની રાહ જોયા વિના જે પહેલા હાથવગું લાગ્યું તે, ને ના લાગ્યું તેમણે પોતાના પગના જોરે ચાલતી પકડી. ટીવીમાં જોયેલા ને છાપામાં વાંચેલા કરુણ ને હ્રદયદ્રાવક દૃશ્યો આંખો ભૂલી નહિ શકે. લોકડાઉનમાં જેમણે તકનો લાભ લીધો એને ફાયદો થયો. બાકી તો મોટા શહેરોની પરિસ્થિતિના સમાચાર સાંભળી કંપારી છૂટે. ટકેટકનું લાવીને ખાનારા, શ્રમિકો ને મજૂરોની દયનીય સ્થિતિની કલ્પના કરીએ તો આપણે સુરક્ષિત છીએ ને આપણું બધું દુ:ખ ભૂલી જઈએ.
હજી પણ ગાંધીનું ગામડું સુરક્ષિત છે. ગામડાના વિશાળ હ્રદયમાં આજે પણ બધાનો સમાવેશ થઈ શકે તેનો સાક્ષાત્કાર થયો. દુનિયાએ ગાંધીમાર્ગને અનુસરવો જ રહ્યો. વૈશ્વિક જટિલતાના જટિલ પ્રશ્નોનું નિવારણ ગાંધીવિચારમાં જ છે. સ્વચ્છતા, સાદું જીવન ઉન્નત વિચાર, સ્વાવલંબન, સ્વદેશી, લઘુ અને ગ્રામઉદ્યોગ, ગોપાલન, કુદરત આધારિત ખેતી, સર્વધર્મસમભાવ, ગ્રામીણવિકાસ થકી ગ્રામસમૃદ્ધિ જેવા રચનાત્મક કાર્યક્રમો દ્વારા કોઈપણ સમસ્યાને નાથી શકાય છે એ વાત લોકોને સમજાણી તો ખરી, અમલ જ્યારે કરે ત્યારે...
દરેકેદરેક લોકડાઉનમાં સરકારી ગાઈડલાઈન તો હોય જ. કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, જિલ્લા પ્રશાસન, કલેક્ટરશ્રી અને સ્થાનિક પ્રશાસન, સોસાયટી, મહોલ્લાના આગેવાનો એમ સમય, સંજોગો, પરિસથિતિ મુજબ કાયદાનું પાલન કરવાનું ને કરાવવાનું. મરણમાં વીસ ને લગનમાં પચાસનો કાયદો હોય કે પાન-માવા-તમાકુનો કાયદો. એવી ને એટલી જાગૃતિ જ હજૂ ક્યાં છે આપણે ત્યાં. મહાનગરોની મહાવિનાશકારી દશાનું જ્ઞાન તો ચાક્કસથી કરાવી જ દીધું છે. એ પછી દિલ્હી હોય કે મુંબઈ કે અમદાવાદ, જાણે વુહાન જ જોઈ લો. બહાર તો પોલિસનો સખત પહેરો, ચાર રસ્તે ઊભા જ હોય, કોરોના સંકટ વચ્ચે ચુસ્ત લોકડાઉનનું પાલન કરાવે. જરુર પડે કરફ્યુ, ગાડી લઈને જાહેરાત કરે ને આપણી સુરક્ષા કરે. એકસો ચુમ્માલીસની કલમ કે વગર કામે ટહેલાણીયોને સબક. હોસ્પિટલોમાં ડોક્ટર અને નર્સ રાત-દિવસ ખડેપગે હંમેશા સેવારત હોય. કેટલાયે ડૉક્ટરો પોતે સંક્રમિત થયા પણ સેવાભાવનાને પોતાનો ધર્મ માની દરિદ્રનારાયણ અને દર્દીનારાયણની નિસ્વાર્થભાવે સેવા કરી. સફાઈ કામદારો પણ સેવા પરમોધર્મના ન્યાયે અડગ. સ્વયમસેવી સંસ્થાનું પણ અમૂલ્ય યોગદાન, સરકાર અને સરકારી અધિકારી ફરજના ભાગરૂપે સદા તત્પર. ન્યુઝ ચેનલ વાળા મિડિયાકર્મી- પત્રકારોએ પણ ટીઆરપીને ધ્યાનમાં લઈ કોરોના મહામારીને વધુ સંવેદનશીલ બનાવી, રોજે રોજ દેશ-દુનિયાના કોરોના સંક્રમિતો, કોરન્ટાઈન લોકો, કોરોનામાં જાન ગુમાવેલા લોકો, કોરોનાથી સાજા થયેલા લોકોના આંકડાઓ સાથેની સિલસિલાબંધ હકીકતોની જાણકારી સરળતાથી ઉપલબ્ધ કરાવી આપે. અધિકારીઓ અને પદાધિકારીઓની લાઈવ પત્રકાર પરિષદમાં પણ આપણને પહોંચાડી દે. આ બધું તંત્ર ને તત્વ દેખતા કે સાંભળતા લાંબા ગાળા સુધી કોરોનાકાળ સાથ છોડે એવું દેખાતું નથી. તમામ ક્ષેત્રોમાં બદલાવ અને પરિવર્તનની આંધી ચોક્કસ છવાઈ જશે. એની અસર તો થવા જ માંડી છે. કોરોનાના આ કારમાં કાળમાં માનવજીવન, સમાજજીવન, શિક્ષણ, ઈકોનોમી, ધર્મ-સંપ્રદાય, પર્યાવરણ વગેરે વિશે નવીનતાથી અને જુદી રીતે વિચારવાનો અવકાશ મળ્યો છે. આ ઘડીને પાર પાડવાના સહિયારા પુરુષાર્થને વંદન કરવા માટે બે હાથ જોડી અને માથું નમાવવા સિવાય અત્યારે તો બીજો કોઈ રસ્તો દેખાતો નથી કારણ કે રસ્તો સૂમસામ ભાસે છે.
*****