કોરોનાકાળની તાસીર દર્શાવતી તસવીર | ડૉ. રૂપેશ આર. ગોસ્વામી
તસવીર સાભાર : https://www.rewariyasat.com
કોરોનાનું કાળચક્ર સમગ્ર વિશ્વમાં તેનો કોરડો વીંઝી રહ્યું છે ત્યારે સુપર હીરોની જેમ જાનની બાજી લગાવી ખડેપગે સેવા આપી રહેલ કોરોના યોદ્ધાઓની કામગીરી સરાહનીય અને બિરદાવવા લાયક છે.
ધારે તે કરી શકનાર કાળા માથાનો માનવી આજે કોવિડ – ૧૯ સામેના યુદ્ધમાં જાણે કે વામણો પુરવાર થઈ રહ્યો છે. દુનિયાની મહાસત્તાઓના આરોગ્ય અને અર્થતંત્રને સૂક્ષ્મતાનો અનુભવ કરાવનાર સૂક્ષ્મ કોરોના વાઇરસ સામેના યુદ્ધમાં આરોગ્યકર્મી, પોલીસકર્મી, સફાઈકર્મી જેવા યોદ્ધાઓએ બાથ ભીડાવી છે. ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ સૂક્ષ્મ વાઇરસને નાથવા માટે કોરોના યોદ્ધાઓ રાતદિવસ એક કરી વગર રજાએ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
કોરોના રૂપી અજગરના ભરડામાં સપડાયેલ લોકોને ડોક્ટર-નર્સ જેવા આરોગ્યકર્મી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જયારે પોલીસકર્મીઓ તો લોકો કોરોનાના સંકજામાં સપડાય જ નહીં તે માટે સામ અને દંડની નીતિ અપનાવી સૌને સલામત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાઇરસ ફેલાતો હોવાથી લોકો પોતાના ઘરમાં જ રહે ને સુરક્ષિત રહે તે માટે પોલીસ દ્વારા લોકડાઉનનું સમજાવટ અને સખ્તાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.
આ કોરોના યોદ્ધાઓની કમનસીબી એ છે કે તેઓ પોતાની ફરજ પૂરી કર્યા પછી પણ પોતાના પરિવારના સભ્યોને મળી શકતા નથી. તેમના મનમાં એક અજબ પ્રકારનો ફફડાટ હોય છે કે ક્યાંક મારી ફરજ દરમિયાન હું સંક્રમિતથી થઈ ગયો હોઈશ તો...! ને આ ડરને કારણે તેઓ પરિવારના સભ્યોથી સુરક્ષિત અંતર રાખતા હોય છે. ઘણી વાર તો તેઓ ઘરે આવવાનું પણ ટાળતા હોય છે ને ઘરે જાય તો પણ દૂરથી જ પોતાના ઘરના સભ્યોને જોઈ સંતોષ માની લેતા હોય છે. અહીં ઉપર આપેલ તસવીર પણ આવા જ એક કોરોના યોદ્ધાની ફરજનિષ્ઠા અને પરિવાર પ્રત્યેના પ્રેમનો ચિતાર વ્યક્ત કરે છે.
સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયેલ પ્રસ્તુત તસવીર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની છે. તસવીરમાં પોલીસની વર્દીમાં દેખાતી એક વ્યક્તિ ઊંધી ડોલ પર થાળી મૂકી જમીન પર બેસીને જમી રહી છે. પહેલી નજરે સાધારણ દેખાતી આ તસવીરની વિશેષતા એ છે કે, આ પોલીસ કર્મચારીની નજર ખાવાની થાળી કે કેમેરા તરફ નહીં પણ દરવાજા પર અદબ વાળીને પિતાનું વહાલ ઝંખતી પાંચ-છ વર્ષની લાડકી દીકરી તરફ છે. દુનિયાને કોરોનાથી બચાવવા જતા ક્યાંક પોતાના જ કારણે અજાણતા પોતાની દુનિયા કોરોના રૂપી રાક્ષસનો કોળિયો ન બની જાય તે માટે પિતા પોતાના જ ઘરનાં આંગણામાં એક પારકાં માણસની જેમ ભોજન લઈ રહ્યા છે. દરવાજે ઊભેલી નાની દીકરી પણ જાણે કે કોરોનાથી બચવા સામાજિક અંતર જાળવવું ખૂબ મહત્ત્વનું છે તે સમજાવતી હોય તેમ અદબવાળી દૂરથી જ વહાલભરી નજરે પિતા તરફ જોઈ રહી છે.
તસવીરમાં જે પોલીસ કર્મચારી દેખાય છે તેમનું નામ નિર્મલ શ્રીવાસ છે. જેઓ ઈંદોરના તુકોગંજ પોલીસ સ્ટેશનમાં ટી.આઈ. તરીકે ફરજ નિભાવે છે. ઈન્ટરનેટ પર ખૂબ જ વાઈરલ થયેલ આ તસવીર વિશે વધુ શોધ કરતાં જાણવા મળે છે કે, આ તસવીર નિર્મલજીની પત્ની દ્વારા બીજી એપ્રિલના રોજ તેમના ફેમિલી ગ્રુપમાં શેર કરવા ક્લિક કરાઈ હતી. પરંતુ કોરોનાના આ મહાકાળમાં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા કોરોના યોદ્ધાઓ પરિવાર સાથે બે ઘડી બેસી શાંતિથી ભોજન પણ નથી લઈ શકતા અને પોતાના સંતાનોને ગળે વળગાડી વહાલ પણ નથી કરી શકતા તે દર્શાવતી આ તસવીર નિર્મલજીના ફેમિલી ગ્રુપમાંથી બહાર શેર થઈ ખૂબ જ ઓછા સમયમાં આખા દેશમાં વાઈરલ થઈ ગઈ ને એટલે સુધી કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંગ ચૌહાણે પણ ઉપરોક્ત વાઈરલ તસવીર વિશે ટ્વીટ કરી લખ્યું છે કે, “एक पिता होने का फर्ज और देश के बेटे होने का कर्ज... इंदोर के निर्मलजी आप को और आप जैसे लाखोँ भारत माँ के बेटे-बेटियों को सलाम... ”
શ્રી નિર્મલજી જેવા લાખો પોલીસ કર્મચારીઓ જાહેર રસ્તાઓ અને ગલી-મહોલ્લાઓમાં જઈને લોકોને સમજાવી રહ્યાં છે. NGO પાસેથી મળતાં ફૂડપેકટસ જરૂરતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડી રહ્યાં છે ત્યારે લોકોના સંપર્કમાં સતત આવવાનું થતા સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે. આથી આવાં કોરોના યોદ્ધાઓ મોટેભાગે ઘરેથી ટિફિન લઈને પોતાની ફરજ પર જતાં હોય છે અથવા NGO તરફથી જે મળે તે ખાઈને કામ ચલાવી લેતાં હોય છે. આમ, છતાં ઘરે જવું જ પડે તેવી પરિસ્થિતિ હોય તો તસવીરમાં દેખાય છે તેમ પરિવાર જનોથી અંતર રાખી તેમને દૂરથી જોઈને જ સંતોષ માની લેતા હોય છે.
વર્તમાન પરિસ્થિતિ જોતાં માસ્ક અને સામાજિક અંતર જ બચાવ હોવાથી પોલીસ કોરોના માહામારીનો વધુ ફેલાવો ન થાય તે માટે લોકોને ઘરમાં જ રહેવા ને બિનજરૂરી બહાર ન નીકળવા સમજાવી રહી છે. પોલીસ જાણે કે કહી રહી છે કે અમે બહાર છીએ તમારી મદદ માટે તમે ઘરમાં રહો અમારી મદદ માટે. કેમ કે, શત્રુ સામે હોય તો પોલીસ લડી શકે પણ આ અદૃશ્ય દુશ્મન સામે શી રીતે લડે? માટે આપણે સૌ ઘરમાં રહીને કોરોના મહામારી સામે લડી રહેલ સૌ કોરોના યોદ્ધાઓને સાથ-સહકાર આપીએ.
કોરોનાના આ કપરા કાળમાં અમૂલ્ય યોગદાન આપનાર આવાં નિષ્ઠાવાન કોરોના યોદ્ધાઓ કુશળ રહે સલામત રહે તેવી પ્રભુને પ્રાર્થના...
*****
લઘુકથા : દુનિયા
‘જમી લો’ બેડરૂમના દરવાજા બહારથી જ હાથ લંબાવી થાળી આપતા કવિતાએ કહ્યું. પ્રશાંતે પણ દૂરથી જ થાળી લીધી ને જમવા બેઠો.
‘મારે પણ પપ્પા સાથે જ ખાવું છે’ એમ કહેતી છ વર્ષની પિંકી બેડરૂમ તરફ દોડી. કવિતાએ ચીલઝડપથી પિંકીને પકડી ને લાડ કરતા કહ્યું, ‘બેટા આપણે અહીં કીચનમાં જ જમીશું.’ માંડમાંડ કવિતાએ તેને મનાવી ને જમાડી.
‘હવે તો ડૉક્ટર્સ પણ આ ઘાતક વાઈરસની ઝપેટમાં આવવા લાગ્યા છે.’ મોબાઈલ પર સમાચાર જોતાં જોતાં પ્રશાંત બબડ્યો. હું પણ દિવસભર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરું છું તો ક્યાંક... સંક્રમિત..!! પ્રશાંતના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. દુનિયાને બચાવવા જતાં ક્યાંક પોતાની દુનિયા લૂંટાઈ ના જાય તે માટે હોસ્પિટલથી ઘરે આવતા જ તે પોતાની જાતને બેડરૂમમાં બંધ કરી દેતો. રોજ સાંજે તેની સાથે રમવાની જીદ કરતી પિંકીને ના પાડતા તેની આંખના ખૂણા ભીના થઈ જતા. અલગ રૂમમાં સૂતી કવિતાને પ્રેમ કરતા કોરોનાની અદૃશ્ય દીવાલ તેને રોકતી. આ શું થવા બેઠું છે? ક્યારે અંત આવશે આનો? એવાં વિચાર કરતાં કરતાં તેની આંખ લાગી ગઈ.
સવારે તૈયાર થઈ હોસ્પિટલ જવા નીકળેલા પ્રશાંતે પથારીમાં સૂતેલી પિંકીને આંખોથી વ્હાલ કર્યું. ચિંતિત ચહેરે ઊભેલી કવિતાને દૂરથી જ પ્રેમભર્યું આલિંગન કરવાનો સંકેત કરી તેને હસાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. અને પોતાની દુનિયાથી દૂર રહી દુનિયાને બચાવવાના દૃઢ સંકલ્પ સાથે ડૉ. પ્રશાંતે ઉત્સાહથી પગ ઉપાડ્યા.
*****