મારી દિનચર્યા | રક્ષા ચોટલિયા કાચા
આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીના 'જનતા કર્ફ્યું 'ના ફરમાનને 21તા. નારોજ જ પાક્કી મહોર લાગી ગયેલી.એટલે સવારે મોડું ઊઠવાનું મનોમન નિર્ધાર કરી લીધો. ને મોડી રાત સુધી 'ગદ્યસેતુ વૉટસેપગૃપ'માં મુકાતી પ્રખર વિદ્યમાન લેખક શ્રી વાસુદેવ સોઢાની " આગાહી" ધારાવાહિકના સંજોગવસાત પાછળ રહી જવા પામેલા ત્રીસેક પેઈજિસ નિરાંતવા માણ્યા. પછી એલાર્મ મૂક્યા વિના જ સૂઈ ગઈ.
સવારે સાત વાગ્યે કચરાની ગાડીવાળાની સીટીએ ઊંઘ ઉડાડી. વહેલું નહોતું ઊઠવું તો ય ઊઠી જવાયું. કચરો પધરાવી ઘરમાં પ્રવેશતા જ હોલની દીવાલ પરના હાર ચડાવેલા પતિના ફોટા પર નજર પડતા જ યાદ આવ્યું ....આજે 22 તા.તેના અવસાનને બરાબર ચાર મહિના થયા. ને અનાયાસ જ અશ્રુસાગર છલકી પડ્યો.પગ ડગમગવા લાગ્યા.બે હાથ જોડી પતિની છબિ સન્મુખ મૌખિક વિનંતીપત્ર સુપ્રત કરતા , પ્ર્રાર્થી રહી કે , "જુઓ છો ને! ઘર-પરિવારની સઘળી જવાબદારી હું સંનિષ્ઠપણે નિભાવું તો છું ને .? !છતાંય ખિન્ન મન ગદ્ગદિત થઈ ઊઠ્યું.
અધૂરી ઊંઘને કારણે રતુંબલ આંખોમાં કાળી બળતરા થવા લાગી. કમર અને ઘુંટણમાં તો દુખાવો હતો જ.વળી , હમણાંથી પાંસળીઓમાં પણ સણકાએ જોર પકડ્યું હતું.તે આરામ અનિવાર્ય થઈ પડ્યો. Moov લગાવી પથારીમાં લંબાવી જ દીધું .પણ ચંચળ ચિતવન વિચારોના વમળોમાં ચકરાવે ચડ્યું....
'એકાંત 'અને 'એકલતા'ની ભેદરેખા ઉકેલવા મતિ મથામણ કરી રહી.ધારે તો શોખ પોષવા એકલપંથી એકાંત પણ સહજતાથી માણી શકે. જયારે 'એકલતા'...? ! વાતાવરણ જ ભારઝલ્લું કરી મૂકે. ....વિષાદના વાદળો અતીતના પત્તાના મહેલને ઘેરી વળ્યા. (કૉરોનાની જેમ) .કૈ કેટલાંય શુભાશુભ પ્રસંગોની ઝલક મનોપટ પરથી ફિલ્મસ્ટ્રીપ માફક પસાર થતી રહી. ...નિર્દય નયનસાગરની ત્સુનામી ઓશિકાની કોરાશને કયારે ભરખી ગઈ , જેનાથી હું બેખબર હતી.
અચાનક શેરીમાંથી કશીક બબાલના અવાજે મને ઢંઢોળી. ઝબકીને સફાળી બેઠી થઈ બહાર આવી , ડેલીએથી જ શેરીમાં ડોકિયું કરી કર્ણેન્દ્રિ સતેજ કરી.તો જાણવા મળ્યું કે ક્રીકેટ રમતાં ગલીબોયઝનો બોલ સામેના ફળિયામાં પડતાં "કૉરોના"ની મોકાણ મંડાણી હતી ."એક બોલને કેટલાંય નો સ્પર્શ થયો હોય ને..? અમારા ફળિયામાં કયાં કયાં ટચ ટચ થયો હશે કેમ ખબર પડે..? આમ તો કોરોનાગ્રસ્ત થતાં શી વાર લાગે. ? મારે કેટલું સેનેટરાઈઝીન કરવું ?અમારે તો વગર મફતની ઉપાધી આવી પડે ને..? ! "એ મકાનવાસી લતાબહેનની વાક્ધારાએ સૌને બાનમાં લીધેલા."સોરી મેડમ..! આપની વાત સો ટચના સોના જેવી, હવેથી નહિ રમીએ બસ.."મેડમનો મિજાજ પારખી એક યુવાને માથાકૂટ ટાળવા ક્ષમાયાચના સાથે કહ્યું .પણ ત્યાં આમ શરણાગતિ સ્વીકારી લેવાથી જેના અહંને ઠેસ વાગી હોય જાણે...એવા એક તુંડમિજાજી વેપારી યુવકે પોતાની ધાક જમાવવાના આશયથી વરવી દલીલબાજી આદરી.એ સાંભળવા હું ન રોકાઈ. ને મારા પ્રાતઃ કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ.
એકલા એકલા ચા-નાસ્તો મને પસંદ ન હોવાથી , છેલ્લા ચાર મહિનાથી કામવાળાબહેન સાથે જ લેવાની આદત બનાવી લીધી. પણ આજે તો એ પણ આવવાના નહોતા ને..! એટલે મને-કમને થોડી પેટપૂજા કરી લીધી. પછી ટીવી. સમાચાર દ્વારા મુખ્યમંત્રીશ્રીના સૂચનોની માનસિક નોંધ લીધી.
તાજેતરમાં જ અમદાવાદ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે ઈન્ડોર પેસન્ટ તરીકે રહી બે મહિનાની સારવાર લઈને ઘરે પરત ફરેલા મારા બન્ને (દીકરી /દીકરો )સંતાનોને તો આજે ભરપૂર ઊંઘ કરવા દેવી હતી.એટલે હું મારી એકલતાને નજરઅંદાજ કરી વાંચન-લેખન, ફેસબુક, વૉટસેપ ને કોલીંગ જેવી ગમતી પ્રવૃત્તિમાં ઓતપ્રોત રહી.
છેક બાર વાગ્યા પછી બાળકો ઊઠતાં , જરૂરી સલાહસૂચનો આપી તૈયાર થઈ નીચે આવવા કહ્યું .ચા-નાસ્તો ને રુટીન ચાલતી દવાઓ આપી, ટીવી. જોવા બેસાડ્યા. 'જનતા કર્ફ્યું 'નો ભંગ થવા ન પામે એની સાવચેતી અર્થે મારે સેફ્ટીડોરને અંદરથી લોક કરવું પડ્યું જેથી તેઓ બહાર જવા ન પામે.બે ઘડી નિરાંતનો દમ લઈ હું રસોઈકામમાં પરોવાય. અઢી વાગ્યે અમે જમી પરવાર્યા. બાદ ટીવી સમાચાર આધારિત 'કૉરોના"ની ગંભીરતા અને જનતા કર્ફ્યું અંગે ખાસ ધ્યાને લેવા જેવી બાબતોને કાને ધરવા બાળકોને માંડ સમજાવી શકી.સાડા ત્રણે સૌ પોતાના બેડરૂમમાં આરામ ફરમાવવા જતાં રહ્યાં.
પણ આ અભાગિયા જીવની તાલાવેલી તો "આગાહી "ના અંતિમ પ્રકરણને કુતૂહલતાપૂર્વક મનભરી માણવા તરફની જ હતી.જેનો ફિલ્મીઢબે દિલધડક સુખાંત વાંચીને જ શાન્તિનો શ્વાસ લીધો. સાથે ઉત્કંઠાપૂર્વક લેખકશ્રીને બિરદાવતો પ્રતિભાવ પણ પાઠવી દીધો. બાદ જ તૃપ્તિદાયી મીઠી ઊંઘ માણી.
પાંચ વાગ્યે સોસાયટીની ગેલેરીઓમાંથી આવતી થાળીઓની ગૂંજે અમારી નીંદ ભંગ કરી. પણ સ્મૃતિ ઝંઝોડતા , આજના રાષ્ટ્રીય સેવકોના અભિવાદન કાર્યક્રમની યાદ ઊપસી આવી.થાળીઓ વેલણ ને ચમચી સાથે અમે ત્રણેય ગેલેરીમાં ગોઠવાયા.સૌના હર્ષનાદ સાથે થાળી વગાડવા અમે પણ જોડાયા.
બધા જ લોકોના ચહેરા પર "જનતા કર્ફ્યું "ની અભૂતપૂર્વ સફળતા બદલ જાણે કોઈ જંગ જીત્યાની ખુશીના ભાવો અંકિત થયેલા વર્તાતા હતા. સિવાય કે મારા બન્ને સંતાનોના.અકળ ડીપ્રેશનની અસર તેની વર્તમાન પળોની ખુશીથી અલિપ્ત રહેવા મજબૂર કરી રહી હતી. કર્ફ્યું ભંગના પરિણામ સમજે એટલી સજાગતા કેળવી શકવા જેટલી માનસિક સક્ષમતા તેઓ ધરાવતા ન હોવાથી, વારંવાર બહાર જવા દેવાની માગ રહેતી.પણ સૌના સુસ્વાસ્થ્ય ખાતર દિલ પર પથ્થર રાખી મારે લોક ન ખોલવાની જીદ પર અડગ રહેવું પડ્યું .રાત્રે નવ પછી મારી સાથે થોડી વાર માટે બહાર જવાની વાત મનાવતા ય મને થકવી દીધી. તેઓની ખોટી દલીલ મારી દલીલ સાથે ટક્કર ન ઝીલી શકી અંતે તો સત્ય મેવ જયતે...
હજુ તો માંડ સાડા પાંચ વાગ્યા હતા. થોડો સૂકો નાસ્તો ને ફળાહાર ટીવી. જોતા જોતા લીધો.કપડાંને ઘડી વાળી ગોઠવ્યા. બાદ રાત્રીભોજનની તૈયારીમાં લાગી. સાડા આઠ સુધીમાં તો જમી પરવારી લીધું.
બન્ને સંતાનો તો નવ વાગવાની રાહે દરવાજા સામે મોં વકાસીને બેઠાં . હું દૂધ ગરમ કરી, રસોડું આટોપી, હુંફાળા પાણીથી હાથ-પગ,મોં ધોઈ તૈયાર થતી હતી કે બન્ને કરગરતા કહેવા લાગ્યા. "મમ્મી...નવ થઈ ગયા. ..હવે તો લોક ખોલીને બહાર લઈ જા , આખોદિવસ ઘરમાં પુરાઈ રહેવું નથી ગમતું."
ને અમે ઘર બંધ કરી બહાર નીકળ્યા. હું બેયની વચ્ચે તેમના એક એક હાથ પકડી હળ ખેંચતી હોઉં એમ આગળ ચાલતી સોસાયટીના નાકા સુધી પગ મોકળા કરવા નીકળી. ...ત્યારે અમારો સીન જોનારાને , " દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા. ..જીવન હૈ અગર ઝહેર તો પીના હી પડેગા. ..."ગીતનું ફિલ્માંકન યાદ ન આવે તો જ નવાઈ. ...!!
*****