સહી | પૂજન જાની
“મયુરભાઈ પંચાયતે જાવ ત્યારે આ બે-ત્રણ કાગળિયાં તલાટી સાહેબને દઈ દેજો ને.”
“હા, ભાભી.”
“આ ઓલી ગામને છેડે વિધવાશ્રમમાં બાયું રે છે ને, એનાં છે. તમારી સામે આવતા શરમાય છે.
“હા.”
મયુર પોતાનો થેલો ફંફોસવામાં વ્યસ્ત હતો. રોજ સવારનો નાસ્તો ભાભી સાથે મીઠી નોકઝોક કર્યા વગર જેને ગળે ન ઉતરતો એ મયુરને અત્યારે ભાભી સામે જોવાનો પણ સમય ન હતો. એનાં કપાળની રેખાઓ તંગ હતી. આંખોમાં અજંપો સ્પષ્ટ વર્તાતો હતો. એણે બે-ત્રણ કાગળિયાં બહાર કાઢીને બાજુ પર મૂક્યાં. ધ્યાનથી વાંચ્યા. તલાટીએ જે જે વાક્યોનું ગુજરાતી કરી આપ્યું હતું એ વાક્યોને મગજમાં દોહરાવ્યા. એનાથી ભાભી સામે જોવાઈ ગયું. બીજી જ ક્ષણે એનાથી નિસાસો નખાઈ ગયો.
સુરેખાને મયુરનું આ વર્તન યોગ્ય ન લાગ્યું. એ દબાતા પગે મયુર પાસે આવી. ભાભીને અચાનક પોતાની પાસે આવેલા જોઈને મયુર સાવધ થઈ ગયો. થેલામાંથી કાઢેલા કાગળિયાંને હળકવેકથી પોતાનાં શર્ટનાં ખિસ્સામાં વાળીને મૂકી દીધા.
“ગામમાં કાંઈ ડખો થયો?” સુરેખાનાં અવાજમાં ચિંતા હતી.
“ના ના ભાભી. આ તો તાલુકેથી ફ્લાઈંગ સ્કવોડ આવવાની છે ને! એટલે જરા....” મયુર વાક્ય પૂરું ન કરી શક્યો.
“કાં? એટલે? વળી શું થયું?” સુરેખાની ચિંતામાં વધારો થયો.
“માસ્કની ચેકિંગ કરવા.”
“ઓહ હો. નવી ઉપાધિ આવી છે. ક્યારે જાહે આ ઉપાધિ?” સુરેખાએ અનયાસે પૂછી લીધું.
“મારા ભત્રીજાનાં શુભ પગલા આ દુનિયામાં આવશે એટલે જાહે તમે જોજો.”
સુરેખા શરમાઈ ગઈ. અનાયસે એનો હાથ પોતાનાં ઉપસેલા પેટ પર ગયો.
“તો તો હજુ બે-અઢી મહિના સાચા.” સુરેખા સ્વગત બોલી.
“ભાભી, મોટા સાહેબ આવી ગયા હશે હો.” મયુર એટલું બોલીને નીકળી ગયો.
મયુર ભાભી સામે માંડ કડક રહી શક્યો. એ ઝડપથી પંચાયત ગયો. તલાટી અને ચેકિંગ માટે આવેલી ટીમને ઉતાવળે નમસ્તે કરીને એ નીકળી ગયો.
“સરપંચ તો લોકડાઉનમાં પણ ઉતાવળમાં લાગે છે.” એક જણે હસતાં હસતાં કહ્યું.
“નાં-નાં એવું નથી.” તલાટીએ બચાવ કરતાં કહ્યું.
“એમનાં મોટા ભાઈ......”
“એમનો તો ગલ્ફમાં મોટો કારોબાર છે ને?” વાત કાપતાં એક જણ બોલ્યો.
“હા. ધંધાર્થે ત્યાં જ હોય છે. વર્ષે ચારેક મહિના અહી આવે.” બીજા એક વ્યક્તિએ કહ્યું.
“ હા, એ ત્યાં જ ત્રણેક દિવસ પહેલા કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. એમની ડેડ બોડી કઈ રીતે લઈ આવવી એની માથાકૂટમાં પડ્યા છે.” તલાટીએ ભારી અવાજે કહ્યું.
“એમાં શી માથાકૂટ?”
“મા-બાપ કે પત્નીની સહી સિવાય બોડી મળે એમ નથી. બાપા છે નહી અને ભાભીને સારા દિવસો જાય છે.”
“એ દેશોમાં તો કાયદા ભારે અઘરા છે હો.”
વાતવરણમાં ગમગીની છવાઈ ગઈ. થોડી વાર સુધી સૌ ચૂપ રહ્યાં. હંમેશા લોકોથી ધમધમથી પંચયાતમાં આજે ચકલું પણ ફરકતું ન હતું. પંચાયતમાં બેઠેલા સૌનાં મનમાં સન્નાટો પડઘાતો હતો.
“આપણે ગામમાં જઈએ.” તલાટીએ મૌન સૌ ટીમ મેમ્બરને કહ્યું.
*****
મયુર ઓફીસ પાર્કિગમાં કાર પાર્ક કરી નીચે ઉતર્યો. જીલ્લાની વડી કચેરીમાં સ્મશાનવત શાંતિ પથરાયેલી હતી. એ ઉતાવળા પગલે ઓફીસમાં પ્રવેશ્યો.
“એક મિનીટ લોકડાઉનમાં શી ઉતાવળ છે?” પાછળથી અવાજ આવ્યો. “કોનું કામ છે? હમણાં આવશ્યક સેવા સિવાય બધું બંધ છે.” પટ્ટાવાળાનાં અવાજમાં રોફ હતો.
“નવરો તો હું પણ નથી ને! સાહેબનું અરજન્ટ કામ છે.” મયુરે કડક અવાજમાં કહ્યું.
મયુર અંદર જવા માટે આગળ વધ્યો.
“અરે! ઊભા રહો. ઊતાવળ શેની છે? આ બાજુ આવો.”
મયુરને થયું કે ચમત્કાર બતાવવાની ઈચ્છા થઈ પણ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એ કમને પટ્ટાવાળાની વાત માનતો હતો.
પટ્ટાવાળાએ એના કપાળની સામે થર્મલ ગન સેટ કરી. થોડી વાર સુધી એ સ્થિર ઊભો રહ્યો.
“તને આવડે તો છે ને?” મયુરનાં અવાજમાં અકળામણ હતી.
“તો શું એમ-નેમ ઊભા રાખ્યા છે?” જાવ બધું બરોબર છે.”
મયુર ચેમ્બર તરફ આગળ વધ્યો. ચેમ્બરની બહાર ખુરશી પર બેઠેલા ગાર્ડે હાથથી ઈશારો કરીને બેસવા માટે કહ્યું. મયુરને ફરજીયાતપણે બેસવું પડ્યું. થોડી વાર રહીને એણે પોતાનાં નામ અને હોદ્દા જોગ ચીઠ્ઠી બનાવી અને ગાર્ડને આપી. ચીઠ્ઠી વાંચીને ગાર્ડે તુરંત જ ચેમ્બરમાં પહોચાડી. ચેમ્બરમાંથી હકારાત્મક પ્રતિસાદ ન મળ્યો.
*****
ફ્લાઈંગ સ્કવોડની ચેકિંગથી ગામમાં અફરાતફરી મચી ગઈ. ચાની કિટલીએ, મંદિરનાં ઓટલે, બસ સ્ટેશને, ગામની બજારોમાં ટીમ અલગ અલગ ટુકડીઓમાં વહેચાઈને ફરી વળી.
જ્યાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થતું હતું ત્યાં ત્યાં દંડ કરવા લાગ્યાં. કેટલાક માણસો માસ્ક હમણાં જ ઉતાર્યું છે, માસ્કથી શ્વાસ નથી લેવાતો, પાણી પીવા જ માસ્ક ઉતાર્યું છે. એમ અનેક પ્રકારે યેનેકેન દલીલો કરતા હતાં પણ સ્કવોડ કોઈને મચક આપતી ન હતી.
“તલાટી સાહેબ.”
“ભાભી તમે અહીંયા?” સુરેખા જોતા તલાટીને આશ્ચર્ય થયું.
“હા જ તો વળી. તમે તડકામાં અમારા માટે હેરાન થાવ છો. તમારી ધ્યાન તો અમને રાખવી પડશે ને.” સુરેખા બધાને લીબું પાણી આપતા બોલી.
તલાટી હસ્યો.
“પણ.....”
“પણ-બણ કાંઈ નહી. અંદર બેઠો બેઠો આ બધું જોઈશે તો જ કાનાને ખબર પડશે ને કે દુનિયા કેટલી અઘરી છે.”
તલાટીએ સુરેખાની ઓળખાણ સ્કવોડ સાથે કરાવી. સુરેખાનો હસમુખો ચહેરો જોઇને એકાદ-બે જણને એના પર દયા આવી.
વારાફરતી સૌએ લીબું પાણી પીધું.
“ગામમાં શું હાલ્યા આવો છો. જે કરવાનું છે એ કરો ને.” સૌનાં કાનમાં અવાજમાં પડ્યો.
ગામનો કોઈ મવાલી જેવો દેખાતો માણસ સ્કવોડ સાથે દલીલ કરતો હતો.
“અમને જે કરવાનું છે એ જ કરીએ છીએ. ભર દંડને ઘર ભેગો થા હાલ.”
“મારે સરપંચને જ ફોન કરવો પડશે.”
“મયુર, આ શું?”
“શું થયું વળી?” મયુરનાં અવાજમાં ચીડ હતી.
“ગમે તે ગામમાં આવીને માણસોને દંડે છે. ને તું ગામનો ઘણી થઈને ક્યાં હાલ્યો ગયો છો?”
“ઉપરથી ટીમ આવી છે. મારાથી કાંઈ ન થાય.”
“હા, જેનાથી પોતાનાં સગા ભાઈની લાશ ન લવાતી હોય એ ગામનું શું ભલું કરશે?” સામેથી જવાબ સાંભળ્યા વગર ફોન કટ કરી નાખ્યો.
તલાટીની નજર સુરેખા પર ગઈ. સુરેખા જાણે કે મૂર્તિ બની ગઈ હતી. તલાટીએ આસપાસની મહિલાઓને બોલાવી સુરેખાને ઘરે પહોચાડવાની વ્યવસ્થા કરાવી.
“દંડ ભરશ કે જેલનાં સળિયા ગણીશ.”
“પોતાનાં જ ફૂટેલા હોય તો શું થાય?”
******
“હમણાં કાંઈ થઈ શકે એમ નથી.” મયુરને અધિકારી અને ભૈયાજીનાં શબ્દો એક થઈ ગયા હોય એવું લાગ્યું.
“ચાય લે.” ભૈયાજીએ કહ્યું.
“તમે તો સરકારમાં મંત્રી છો. પક્ષનાં કાર્યકર તરીકે તમારી પાસે તો આશા રાખી જ શકાય ને.” મયુરનાં અવાજ ઢીલો પડતો હતો.
“વાત સાચી પણ કોરોનાએ અમને નખ વગરનાં સિંહ કરી નાખ્યા છે. તમે ભાભીને સાચું જ કહી દો. એક દિવસ તો ખબર પડવાની જ છે ને.”
“એ તો પડશે જ પણ ત્રણ દિવસ કાઢવા અઘરા થઈ પડશે. ભાઈની સાથે ભત્રીજો ખોવાનો વખત આવી પડશે.” મયુર રડમશ થઈ ગયો.
“હજાર હાથ વાળી માતાજી બેઠી છે ને.” ભૈયાજી દિલાસો આપતા બોલ્યાં.
મયુર ઊભો થઈ ગયો. કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો. પોતાની વગ છેક ઉપર સુધી હોવા છતાં કશું નીપજતું ન હતું એ વિચારથી જ એને ખીજ ચડતી હતી.
“અણીનાં સમયે જ બધા ખોટા સિક્કાઓ સાબિત થયાં.”
એણે ખિસ્સામાં રાખેલો કાગળ કાઢ્યો. એની સામે એકીટસે જોઈ રહ્યો. એને ત્રાડ પાડવી હતી પણ પોતાની જાતને માંડ રોકી શક્યો. પોતે જ જો આ રીતે કરશે તો ઘરે ભાભી અને બાઈને કઈ રીતે સંભાળશે. થોડી વાર સુધી તો કારનાં બોનેટ પર હાથ રાખીને ઊભો રહ્યો. આંખો આપમેળે બંધ થઈ ગઈ.
આંખોની સામે ભાભીનો ચહેરો તરી આવ્યો. ચહેરા પરનાં સિંદુર પર મયુરનું ધ્યાન ગયું. એની આંખો અચાનક ખુલી ગઈ. એને પોતાનો હાથ બોનેટ પર પછાડ્યો.
થોડી વાર રહીને એને સમયનું ભાન થયું, એ કારમાં બેઠો. મોબાઈલમાં સમય જોયો. એને હાશકારો થયો.
“હું પહોચીશ ત્યાં સુધી ભાભી સૂઈ ગયા હશે અને કાલ સવારે વહેલો ઘરેથી નીકળીને મુખ્યમંત્રીને મળવા નીકળી જઈશ.” એ સ્વગત બબડ્યો.
“કાલે તમારા મહેમાન થશું હો.” મયુરએ મુખ્યમંત્રીનાં નજીકનાં પોતાનાં મિત્રને ફોન જોડ્યો.
“આવા માહોલમાં મહેમાન? અહી તો ઘણા જ પોઝીટીવ કેશ છે.” સામેથી નબળો પ્રતિસાદ મળ્યો.
“સાહેબનું કામ છે. અંગત કામ. જરા ગોઠવી આપજે ને.” મયુર બગડતી બાઝી અટકાવવામાં લાગી ગયો.
“સાહેબ તો કોઈને મળતાં નથી ને હમણાં. ફક્ત કોરોનાલક્ષી જ કામગીરી કરે છે.”
“એ હવે તમારું કામ. કાલે અગિયાર વાગે હું તારા બંગલે હોઈશ.”
“હા, સારું.”
ટૂંકા જવાબથી મયુરને સંતોષ ન થયો પણ બીજો કોઈ ઉપાય અત્યારે હાથ વગો ન હતો.
એણે ફરી મોબાઈલમાં સમય જોયો. રાત્રી કર્ફ્યું શરૂ થઈ ગયો હતો. હવે ઘરે જવામાં વાંધો નથી એમ વિચારીને ગામની દિશા તરફ કાર હંકારી. હાઈ-વે ઉપર પોલીસવાન સિવાય એક પણ કાર દેખાતી ન હતી. સિનેમા હોલના મોટા પડદે ખાલી રસ્તાઓ જોયા હતાં એવા રસ્તો અત્યારે મયુરની સામે હતો. મયુરને વારંવાર એક્સલેટર પર પગ મૂકવાનું મન થતું હતું પણ એનાથી બ્રેક પર જ પગ મૂકાઈ જતો હતો.
ગામ જાણે કે પડખું ફેરવીને સૂઈ ગયું હતું. એમાંય સ્કવોડની કામગીરીથી ગામમાં થોડો ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. ઓટલા ભાંગવાની જગ્યાએ માણસો ઘરમાં ટી.વીની સામે ગોઠવાઈ ગયા હતાં.
મયુરે પોતાનાં ઘરની બહાર કાર ઊભી રાખી. ઘરમાંથી હળવો પ્રકાશ બહાર આવતો હતો. કદાચ બાઈ જાગતી હશે એમ વિચારને એ ઘરમાં પ્રવેશ્યો. એનો વિચાર ખોટો ઠર્યો. બાઈની સાથોસાથ સુરેખા પણ જાગતી હતી.
“હજી જાગો છો?” મયુરને મહામહેનતે શબ્દો મળ્યાં.
“બધા જલ્દી સૂઈ જાય તો સંસાર કેમનો ચાલે?” સુરેખા કહ્યું.
સુરેખાનો શબ્દોની ધારે મયુર પર જનોઈ વઢ ઘા કર્યો. અચાનક મયુરનો હાથ એના શર્ટનાં ખિસ્સા તરફ ગયો. પરંતુ બીજી જ ક્ષણે એ સાવધ થઈ ગયો.
“છાતી પર આવડો બોજ ન રાખો. લાવો સહી કરી દઉં.” સુરેખા પોંક મૂકીને રડી પડી.
*****