સોડમ શીરાની | પ્રીતિ ભાર્ગવ
‘યશસ્વી, રેઇનકોટ લીધો? વરસાદ ને વાવાઝોડાની આગાહી છે ધ્યાન રાખજે. ’
‘ હા, મમ્મી, હવે હું નીકળું,’ કહી મેં સ્કૂટી ચાલુ કરી.
પપ્પા ગુજરી ગયા પછી મમ્મી ને હું એકબીજાનો આધાર બની ગયાં. નજીકનું કહેવાય એવું કોઈ ન હતું. પોતાનું મકાન હતું, પૈસાની તકલીફ ન હતી. ટીવી ન્યૂઝ ચેનલમાં રીપોર્ટર તરીકે મને ગમતું કામ મળી ગયું. પપ્પાની ઓફિસમાં કામ કરતાં રઘુકાકા અને એમના પત્ની રતનબેન કંમ્પાઉન્ડની ઓરડીમાં રહે, ઓફિસ સાથે બગિચાનું અને ઘરકામ પણ સંભાળે. દીકરાને ત્યાં ગયાં ને કોરોનાને કારણે ત્યાં ફસાઈ ગયાં. આ કોરોનાએ તો હદ કરી… આખી દુનિયાને ચઢાવી દીધી ચગડોળે… લો સ્ટેશન આવી ગયું. આજે સ્ટેશન વિસ્તારમાં રીપોર્ટિંગ કરવાનું છે. ગાડી પાર્ક કરી પ્લેટફોર્મ પર આવી. કેમેરામેન ભરતભાઇ સામે જ મળ્યા.
‘હલો, યશસ્વી, અમદાવાદ રેલ્વેસ્ટેશન ઉપર હાલ શું પરિસ્થિતિ છે?’
‘પ્લેટફોર્મ મુસાફરોથી ખીચોખીચ ભરેલું છે. પરપ્રાંતિયોના ટોળેટોળાં આવી રહયાં છે. ટ્રેનનો સમય હજુ સુધી જણાવવામા આવ્યો નથી, લોકોના ચહેરા ઉપર ચિંતા અને ભયની લાગણી છે. સોશિયલ ડિસ્ટન્સીના ધજાગરા ઊડી રહયાં છે. ભારે અફડાતફડીનો માહોલ છે. કેમેરામેન ભરત વ્યાસ સાથે યશસ્વી મહેતા.’
ભરતભાઇ કેમેરાથી દ્રશ્ય બતાવી રહયા હતા ત્યારે ….
‘બેન સુરતની ગાડી ક્યારે ઉપડશે?’ એક આધેડ લાગતી સ્ત્રીએ આવી પૂછ્યું.
‘સમયની ખબર નથી, નક્કી થશે એટલે માઇકમાં જાહેર કરશે’ મે કહયું.
‘ઉપરવાળો રૂઠયો છે’ કહી એણે નિસાસો નાખ્યો. નિરાશા સાથે અકથ્ય વેદના એના ચહેરા પર દેખાતી હતી. એની સાથે વાત કરવાની ઈચ્છાને હું રોકી ન શકી. વાતચીતનો સાર માત્ર એટલો જ હતો કે બે દીકરા વચ્ચે લોલક જેવી તેની સ્થિતિ હતી. નાનો દીકરો સરકારી દવાખાનામાં કલાર્ક હતો તે સ્ટેશને મૂકી ગયો. સુરત મોટા દીકરાને ત્યાં જવા માટે. દરમ્યાન કોઈ સેવાભાવી સંસ્થાવાળા નાસ્તાનું પેકેટ અને પાણીની બોટલ આપી ગયાં.
‘હલો, યશસ્વી’ ટીવી સેન્ટર પરથી કોલ આવ્યો ને હું મારા કામે લાગી ગઈ. સ્ટેશન બહાર નીકળતાં માઇકમાંથી અવાજ સંભળાયો. ‘સુરત માટેની ટ્રેન આજે રદ કરવામાં આવી છે. તે આવતી કાલે સવારે દશ વાગે ઉપડશે.’
આખો દિવસ સ્ટેશન અને કાલુપુર વિસ્તારમાં રીપોર્ટિંગ કરવામાં પસાર થયો. સાંજના સાત વાગે સ્ટેશનથી છેલ્લું રીપોર્ટિંગ કરી નીકળતા હતાં ત્યારે સવારે મળેલી સ્ત્રીને મારા તરફ આવતાં જોઈ. ‘ભરતભાઇ તમે નીકળો,’ કહી હું ત્યાં જ થોભી, ગભરાયેલી ને થોડી ભીંજાયેલી તે મારી પાસે આવી ને બોલી.
‘બેન વાડજ મારા દીકરાને ફોન કરી આપોને, મને તેડવા આવે. એક ભાઈ પાસે ફોન કરાવ્યો પણ લાગ્યો નહિ.’ બોલતાં બોલતાં નંબર લખેલી ચબરખી એણે મારા હાથમાં મૂકી. મેં પ્રયત્ન કર્યા પણ કોઈ ફોન ઉપાડતું ન હતું. પવન અને વરસાદ વધતા હતા. કોણ જાણે કેમ મારાથી કહેવાઈ ગયું.
‘મારા ઘરે ચાલો.’
લાચાર હતી એ કશું બોલી ન શકી પણ એની આંખમાં આવેલા ભેજમાં આભાર છલકતો હતો. થોડીવારમાં જ અમે ઘરના દરવાજે પહોંચી ગયાં. મમ્મી રોજની જેમ ઓટલાના હીંચકે બેસી રાહ જોતી હતી.
હું કશું પણ બોલું તે પહેલાં જ મમ્મી બોલી ,
‘પાર્વતીબેન…’
‘મોટાંબેન…’ એ આગળ કશું બોલી ન શકી.
હું અવાક … ત્રણે વચ્ચે રહસ્ય ઘૂંટતો સમય ઘડીક થંભી ગયો.
મેં બધી વાત કરી. ‘પણ મમ્મી તું કેવી રીતે ….’
‘મામાને ત્યાં રસોઈ કરવા આવતાં, તું નાની હતી ત્યારે, તને ભાવતો શીરો ખાસ તારા માટે બનાવતાં, મામા-મામી અમેરિકા ગયાં ઘર બંધ થઈ ગયું, ને આટલાં વર્ષે ફરી મળ્યાં.’
‘પાર્વતીબેન આ તમારા યસી ભાણીબા છે. ચાલો, હવે ફ્રેશ થઈ જાવ .’ પાર્વતીબેનને ટુવાલ આપી બાથરૂમ બતાવી મમ્મી રસોડામાં ગઈ.
જમ્યાં પછી બંને જૂની વાતો વાગોળતાં બેઠાં. હું રૂમમાં આવી થોડું કામ પતાવી સૂઈ ગઈ. સવારે ઉઠી ત્યારે પાર્વતીબેન રસોડામાં હતાં, શીરાની સોડમથી ડાયનિંગ રૂમ મઘમઘતો હતો. ચ્હા-નાસ્તો કરતાં કરતાં મમ્મીએ રસોડામાંથી કાયમી નિવૃતિ લઈ લીધાના તાજા સમાચાર આપ્યા.
*****