મરકી એક મહારોગ ઈ.સ.1896 | ડો. પ્રદ્યુમ્ન ખાચર
આજે કોરોનાના ભયમાં તો આપણે માત્ર સલામતી જ રાખવાની છે એટલું કોઈ આર્થિક બાબત સિવાય નુકસાન હજુ સુધી ભારતીયોને થયું નથી માત્ર આખા ભારતમાં બહુ જ જૂજ માણસોનાં મૃત્યુ થયાં છે.
છેલ્લા બે દિવસથી આપને હું ડો. પ્રદ્યુમ્ન ખાચર જૂનાગઢ રંગીલું (ઈ.સ.1872) કોગળિયું અને ટૂંટિયું (ઈ.સ.1876) નામના દોઢસો વર્ષ પહેલાં થયેલા રોગની કેવી બધી ગંભીર પરિસ્થિતિ હતી એ બતાવીને આશ્વાસન આપી રહ્યો છું કે આજે તો આપણી સરકાર ખૂબ આ બાબતે મથી રહી છે. વિજ્ઞાન પણ આગળ છે તો મૂંઝાવાની જરૂર નથી.
આપ આજે મરકીના રોગ (ઈ.સ. 1896) વિશે જાણશો ત્યારે થશે કે આજે તો આવું કશું નથી, ભૂતકાળમાં માણસો ઉપર કેવું વીત્યું હશે એ જાણીને આશ્વાસન લઈ શકો છો કે આપણે તો આટલા હેરાન નથી ને ઘરમાં પુરાઈ ને બેઠાં સુખી છીએ.
મરકી નામનો રોગ ઈ.સ. 1896માં સપ્ટેમ્બરમાં મુંબઈમાં ફાટી નીકળ્યો હતો. ત્યારે એમ મનાતું કે આ રોગ મૂળ પૂર્વના દેશોમાં ઉદભવ્યો હતો અને તે પ્રાચીન સમયથી જાણીતો હતો ચૌદમાં સૈકામાં મરકીએ યુરોપ આખાને ખેદાનમેદાન કરી નાખ્યું હતું. મુંબઈમાં મરકી આવવાનું કારણ ઈરાની અખાતના અથવા અરેબિયા માંથી પ્રતિવર્ષ વીસ હજાર યાત્રાળુઓ આવતા તેની મારફત અને ઉંદર કે વેપારીના માલ દ્વારા ફેલાયો હતો.
ત્યારે મરકીનું વર્ણન કરતાં ગીતો અને દોહરા પણ રચાયા હતા. જૂઓ એનો એક અંશ
કમજાત મરકી મૃત્યુથી લંઘાર મુડદાની સુણી,
સંહાર તો આવાર જોઈ થરકે ગાંડા ને ગુણી,
ચિતરી ચડે છે ચિત વિશે જાની જીગર હાની ખરી,
શીળી કોલેરાથી અધિક આ મરકીએ અવધી કરી.
આના રચનાકાર હતા ધીરજરામ પુરાણી.
જેમાંથી તેની ભયંકરતા વિશે આપણે આજે જાણી શકીએ છીએ.
મરકીમાં દર્દીને તાવ આવતો ૨૪ કલાકમાં જાંઘમાં કે બગલમાં કે ગરદન ઉપર ગાંઠ નીકળતી અને તે જેમ મોટી થતી જતી તેમ તાવનું પ્રમાણ વધતું હતું. આમાંથી સન્નિપાત થવા માંડતો અને સેકંડે 99 કેસમાં દર્દીનું મૃત્યુ થતું.
આ રોગનો દર્દી ૨૪ કલાકમાં મૃત્યુ પામતો. મુંબઈથી આ રોગ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાં ફેલાયો હતો.
અંગ્રેજ સરકારની પ્લેગના દર્દીને તેની સારવાર કરનાર કુટુંબીજનોને જુદા પાડવાની સખતાઈથી રૂઢિચુસ્ત જનતા ખળભળી ઉઠી હતી અને પુનામાં લોકોએ સમજયા વિના બે સૈનિકોના ખૂન કરી નાંખેલ. સરકારે સખતાઈથી કામ લીધું હતું. આજે એ વાતની ખુશી છે કે સૌ લોકો સમજ્યા છે અને lockdownને પાળે છે તથા મંદિરો બંધ છે અને પોતાને ત્યાં આવતા પ્રસંગો કે ધાર્મિક વિધિ કે મરણ પાછળના કારજ પણ બંધ રાખવા લાગ્યા છે. આજે પણ આપણું પોલીસ તંત્ર આવી રીતે કામ લઈ રહ્યું છે તે એમને વંદન. માણસે સમજવું જોઈએ કે આ મહા આપતિ છે. ત્યારે આપણે સરકારશ્રીના નિયમોને જરૂર પાળવા જ જોઈએ.
એ સમયે 1986માં લગ્ન સ્થળો પણ બદલવા પડ્યા હતા. આપણા વિદુષી શારદાબેન લગ્ન અમદાવાદમાં થવાના હતા તેને બદલે ત્યારે આ મરકીને હિસાબે વડોદરા રાખવાનું નક્કી કરાયું હતું.
આ મરકીના રોગની ભયાનકતાનુ વર્ણન બોકેશીયો નામના લેખકે ડિસેમેરોન અને તથા હીરાલાલ શાહ અને મણિલાલ છબારામ ભટ્ટે રતિસુંદરી નવલકથામાં કરેલ છે.
આ મરકી વખતે મુંબઈ બે તૃતીયાંશ ખાલી થઈ ગયું હતું બધા પોતાના વતનમાં ચાલ્યા ગયેલા, વેપારી પેઢીઓ પણ બંધ થઈ ગઈ હતી પણ જે લોકો ભાગી ને જે સ્થળે ગયા ત્યાં પણ મરકીનો ફેલાવો થયો હતો.
જે ગુજરાત તરફ મજૂરો આવતા તેણે મુંબઈથી પ્રમાણપત્ર લઈને નીકળવું પડતું હતું. આજે જેમ આપણા કેટલાક યાત્રાળુઓ હરિદ્વારમાં ફસાયા છે તેને આપણા રાજકીય નેતાઓ અને સંતોએ ત્યાંથી આવવાની વ્યવસ્થા કરી છે તો કોઇક ઝાલા દરબારે મફત બસો પુરી પાડી છે. એવી વ્યવસ્થા ત્યારે પણ કરવામાં આવતી હતી.આ બધું જ આપણને એમ બતાવે છે કે સમયે સમયે માનવજાત ઉપર ઘાત આવતી ગઈ અને તેને દબાવનાર કે બહાર કાઢનાર વ્યક્તિત્વો અને સેવાભાવી વ્યક્તિઓ સમાજને મળતા જ રહ્યાં છે તે માનવજાતની આશાનું કિરણ બતાવે છે.
આજે જેમ મંદિરો અને રસ્તાઓ બંધ છે તેમ ત્યારે પણ મંદિરો અને રસ્તાઓ સાવ નિર્જન થઇ ગયેલા.
જે કોઈ મરણ પામે તેને મોટાભાગનાને દાટી જ દેવા પડ્યા હતા. બાકી દિવસ-રાત સ્મશાન ચાલુ જ રહેતા જે હિન્દુઓ દુશ્મનના શબનો પણ અગ્નિસંસ્કાર કરવાને પુણ્ય સમજતા તે પણ ભાગ્યે જ ત્યારે કોઈ બહાર જોવા મળતા હતા. શબને મોટેભાગે સરકારી માણસો જ ઠેકાણે પાડતા હતા. આ મરકીથી કબૂતરો અને કાગડાઓ પણ અસંખ્ય પ્રમાણમાં મોતને ભેટયા હતા.
આ બધું જ વર્ણન ઇતિહાસને પાને થી શોધી શોધીને માનવજાતને આશ્વાસન આપવાનો આ પ્રયત્ન છે કે આજે તો આપણે ઘણી બધી વૈજ્ઞાનિક પ્રગતિ કરીને આ વાતને ટાળવાના સરકારશ્રી તથા સૌ સેવાભાવી સંસ્થાઓ અને લોકો પ્રયત્ન કરી રહ્યા છે જે કાબિલે દાદ છે.
*****