સલામ છે.... કોવિડ-19 વોરિયર્સને | પરેશકુમાર કચરાભાઈ ચૌધરી
વયોવૃદ્ધ ગુજરાત જે હજુંય ઝીણાં-ઝીણાં શ્વાસ પોતાના શરીરમાં ભરી રહ્યું છે. ધર્મથી હ્રદય જેનું હજુય ધબકી રહ્યું છે. આજે...આજે એની અવસ્થા સ્વસ્થ નથી. એ અસ્વસ્થ ગુજરાતની ખબર કાઢવા ગયો હતો એની સાથે કરેલી ચર્ચા હ્રદય કંપાવનારી છે. સાંભળ... એનું શરીર મહાનતાહિન મરી પરવારેલું, થાકેલું, ઠાઠરીમાં પડેલું પણ એના ઝહેનમાં રહેલો એ માહોલ હિંમતવાન હતો. એ જ્યારે બોલતો ત્યારે પણ એના અવાજમાં ભૂતકાળની ભવ્યતાના પડઘા પડતાં. એની આ નાજુક હાલત શા કારણે હતી એ પૂછ્યું બસ ત્યારે રડી પડ્યો અને ગળગળા અવાજમાં બોલણ્યો.... “કોરોના”
આંખોભીની હતી પણ જેની વાત કરતો હતોને એમના વિશે વિચારીને હ્રદયમાં હિંમત અને ગૌરવ આપો-આપ ઉમટી આવતું. હા બરાબર વિચાર્યું એ વાત હતી “કોરોનવોરિયર્સની” ગુજરાતની ગરિમાને સાચવવા પરિવાર, કુટુંબ અને સમાજને છોડીને આજે રાત-દિવસ એક કરીને આપણા માટે ખાડે પગે ઊભાં છે. એમને પણ સ્વાતંત્ર સેનાની સાથે સરખાવવું યોગ્ય લાગે છે. ખાવા-પીવાનું ભૂલી ગયા કારણ બસ એકજ કે મારું ગુજરાત ગૌરવવંતુ રહેવું જોઈએ. સરકારી અધિકારીઓ તે પછી પોલીસ, ડૉક્ટર, નર્સ, સફાઈ કર્માચારી હોય કે પછી શિક્ષક તમામ આજે કોરોના વોરિયર્સ બનીને લોકોની રક્ષા કરી રહ્યા છે. તેમના આ સાહસને બિરદાવવા શબ્દો ખૂટી પડે તેમ છે.
“કહેવા વાળા કહેતા રહ્યા, નકામા છે સૌ સરકારી
વિકટની વસમી વેળાએ, કામ આવ્યા સૌ સરકારી
મોત માથે લઈ ઊભાં છે, નકામા લાગતાં સૌ સરકારી
આ નિર્ભય દિલથી બિરદાવે, સાચા શૂરવીર સરકારી”
ગુજરાતના ગૌરવ અને અસ્મિતાના રક્ષણમાં કોરોના વોરિયર્સની ભૂમિકા અવિસ્મરણીય અને અકલ્પ્ય છે. આજે માણસના દુ:ખમાં કોઈ સહાયકારક નથી ત્યાં એ જ કર્મચારી
મરીઝને દવા પૂરી પાડે છે. જેનાથી લોકો દૂર-દૂર ભાગે છે. એ જ મળ-મૂત્ર ઉઠાવે છે. પથ્થરોના ઘા સહીને પણ રક્ષણ કરે છે. ઘર છોડીને આજે પોતાના કર્તવ્ય પાઠ પર અડીખમ ઊભાં છે. આજે સ્ત્રીઓ પણ એટલી કર્મનિષ્ઠ અને સહાયક જણાઈ આવે છે. આ મહામંડળમાં સ્ત્રીઓ પણ આગળ આવી છે. પોતાના બાળકને લઈને પણ ફરજ બજાવી રહી છે. આજે શિક્ષકો પણ ઘરે-ઘરે જઈને સર્વે કરી રહ્યા છે. પોલીસ જનતાને સમજાવવા સામ-દામ અને દંડ-ભેદ અપનાવી ચૂકી છે. છેવટના ગીત ગાઈને પણ જનતાને જાગૃત કરી રહ્યા છે. મોતના કૂંડાળામાં ગોળ-ગોળ ઘૂમી રહ્યા છે. આવું અખંડ સાહસ ખરેખર બિરદાવાલાયક છે. આજે પરિવાર ભૂલીને પરિવર્તનમાં ફાળો આપી રહ્યાં છે. આવા ગુજરાતના શૂરવીરોને જોઈને મેઘાણીની યાદ આવે છે...
“બહુ દિન દાસત્વ સહ્યા, જીવન નિર્વીય થયા
બંધુત્વે સહ્યા પ્રાણ નવરચના માંગે, જાગો જુગના ગુલામ આવી પોહચ્યા મુકામ
ઈન્સાનની તખ્ત પર કરાલ કાળ જાગે”
આટલા વર્ષોથી ગુજરાતે પોતાના સંતાનોને વહાલ, લાડ અને પ્રેમ લડાવ્યા છે. હવે વારો સંતાનોનો છે. આને ઋણ સમજો તો ઋણ પણ એ ચૂકવ્યાં વિના છૂટકો નથી ડોકટરોએ ગુજરાતને બે હાથ પકડી હૈયા સંતોષ આપ્યો છે. પોલીસ કર્મચારીઓએ ચારેબાજું ખડે પગે રહી રક્ષણ પૂરું પાડ્યું છે. રાત-દિવસ એક કરી ગુજરાતને સ્વસ્થ કરવામાં ડૉક્ટરો, નર્સો કાર્યરત છે. અરે ! ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો બનીએ એમની આ મહાલડતમાં સામેલ ના થઈ એ તો કાંઈ નહી પણ સહભાગી તો બનીએ. વિશ્વનું હ્રદય ભલે ભારત હોય પણ ભારતનું હ્રદય ગુજરાત છે. અને એ ધબકતું રહેશે તો ભારત ધબકતું રહેશે. અને ભારત ધબકતું રહેશે તો વિશ્વ ધબકતું રહેશે. આ એ કોરોના વોરિયર્સ છે જે ગુજરાતને ધબકતું રાખવા ઊભાં થયા છે. આજે એમના માટે પરિવાર ગુજરાતની જનતા છે. એમના માટે એમના બાળકો ગુજરાતના બાળકો છે. સર્વે રીતે ગુજરાતને પોતાનું સર્વસ્વ માનીને રણભૂમિમાં ઉતરી આવેલા આ સેનાનીઓને જોઈને હૈયે ગૌરવ સમાતું નથી. પોતાના માથે આપત્તિઓનો તાજ લાઈને ફરે છે. ‘સ્વ’ માટે નહીં પરંતું ‘સર્વ’ માટે વિચારે છે.
“કે ચેતજે જીતમાંય હાર ન હો !
સુખ એ દૂ:ખનો કોઈ પ્રકાર ન હો
એવો મુગટ જગમાં બન્યો જ નથી
કે જેના શિર પર જરાય ભાર ન હો.”
આભને પણ ઝૂંકવું પડ્યું હવે તો આખો દેશ જાણે છે. કોરોના કર્મવીરોની કર્તવ્યનિષ્ઠાથી આખું વિશ્વ હેરાન છે. એ એમનો હોંસલો એમનું સાહસ હારી ના જાય એ માટે આપણે કંઈક કરવું જોઈએ. નાનો અમસ્તો પ્રયાસ પણ પરિવર્તન લાવી શકે છે. એટલે એમના એક-એક ત્યાગ, એક-એક બલિદાન અને એક-એક કર્મને સલામ કરીએ છીએ. ફરી એકવાર એક થઈને હાથ ઉઠાવીએ પણ કર્મચારીઓ પર પથ્થરમારો કરવા નહીં, ડૉક્ટરો ઉપર ઘાતક હૂમલા કરવા નહીં, સ્વાતંત્રસેનાનીઓ ઉપર અહિંસા આચારવા નહીં એમને આપના માટે આપેલ એ બલિદાનો , આપણાં માટે ત્યજી દીધેલાં પરિવારજનો , ગુજરાતની અસ્મિતાને અખંડ રાખવા કરેલા એ સઘળા ત્યાગનો નજારો સમક્ષ લાવી અને હાથ ઉઠાવીએ શ્વાસમાં ગૌરવ ભરીને અને સલામ કરીએ એ કોરોના વોરિયર્સને જેને આપણે નકામા સમજીએ છીએ છતાં પણ ખાડે પગે ઊભાં છે આપણાં માટે.
શત...શત... નમન છે એ કર્મવીરોને જે ગુજરાતની ગરિમા અને અસ્મિતાને જાળવી રાખવા માટે પોતાના રક્તને ઋણ સમજી અને અદા કરી રહ્યાં છે. માં ભારતી મનોમન અવશ્ય હરખાતી હશે. ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા અદ્દભૂત છે. ગુજરાતનો ઈતિહાસ જેને પોતાનામાં આવરી લેશે અને ગુજરાતની જનતા એને સમયે- સમયે વાગોળશે.
“ઘર પર રહે
સુરક્ષિત રહે”
*****