અચાનક | પારસભાઈ ગંગારામભાઈ ઓગાણિયા
સવારે કિરણને એક ઈ-મેઈલ આવ્યો. “આ સમયગાળાને ધ્યાનમાં રાખીને દરેક સ્ટાફને હાલ રજા આપવામાં આવે છે. તમને કહેવામાં ન આવે ત્યાં સુધી કોઈએ હાજર થવું નહીં.” તે ઈ-મેઈલ સ્કૂલના આચાર્યનો હતો. હવે તે ઘરે જ રહેવાનો હતો. સવારે છાપું આવ્યું. તો તેમાં કોરોના વિશેના જ સમાચારો આવતા હતા. તેને થયું, આ કયાંથી આવ્યું. અને ક્યારે જશે ? ક્યા સુધી લોકો પોતાના ઘરમાં જ કામકાજ વિના બેસી રહેશે ?
પહેલાં તે સવારે વહેલા ઉઠતો હતો. ચા-નાસ્તો કરીને છાપું વાંચવું તે તેનો નિત્ય ક્રમ થઈ ગયો હતો. આજે તો છાપું પણ આવ્યું નથી. આથી તેણે સવારે ટી.વી. ચાલું કર્યું. “અચાનક ચીનમાં હજારો માણસો મૃત્યુ પામ્યા છે. છતાં કોઈને એની જાણ નથી. માટે તેની તપાસ હાથ ધરવામા આવી હતી. એક ડોક્ટરે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ એક વાઇરસને કારણે થયું છે. અને થોડા જ દિવસોમાં તે ડોક્ટરનું મૃત્યુ વાઇરસના કારણે થયું. આથી કિરણને વાઇરસ વિશે જાણવામાં વધારે રસ પડ્યો.
કિરણે ફોનમાં વાઇરસ વિશે સર્ચ કર્યું. તો જાણવા મળ્યું કે “કેરળના થ્રિસ્સુરમાં એક યુવતીમાં વાઇરસના લક્ષણો જોવા મળ્યાં હતા. તેમાં તાવ અને ગાળામાં બળતરા થતી હતી. તે ચીનના, વુહાનમાં મેડિકલનો આભ્યાસ કરતી હતી. અને ભારત પરત ફરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 ફેબ્રુઆરીના રોજ વાઇરસને COVID-19 નામ આપ્યું હતું. આ વાઇરસ મનુષ્ય અને પશુઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે, સંક્રમિત વ્યક્તિની ખાંસી કે છીંકથી કે સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે.” ભારતમાં પણ આ વાઇરસે પોતાનો પગપેસારો કર્યો હતો. એક યંત્રની માફક આ સમયે તો આખો દેશ બંધ થયો છે. સામાન્ય દવા લેવા બહાર જાવ તો લાગે કે અડધીરાત્રે ઘરબહાર નીકળ્યાં છીએ, તેવું વાતાવરણ ચારે બાજુ છવાઈ ગયું હતું. દરેક પોતાના ઘરમાં બેસી રહેવા લાગ્યા. એક મહિનો વીતી ગયો. હવે બીજો મહિનો પૂરો થવા આવ્યો.
વહેલી સવારે ‘ચા’નું સ્થાન હવે ઉકાળાએ લીધું હતું. કિરણ સવારે મમ્મી-પપ્પા અને પત્ની અનન્યા સાથે ઉકાળો પીવા લાગ્યો. રસોઈમાં શાકભાજીનું સ્થાન હવે કઠોળે લીધું હતું. અનન્યા મમ્મી-પપ્પા માટે ખીચડી બનાવતી હતી. એ હવે કિરણ અને અનન્યા માટે પણ હતી. એમ પણ ઘરમાં જ રહેવાનું હોવાથી ખોરાકમાં પણ જાણે વધારો થયો હોય તેમ લાગતું હતું. કિરણના ઘરની બાજૂમાં એક સિત્તેર વર્ષના અબ્દુલા ચાચાની અચાનક તબિયત લથડવા લાગી. તે એકલા જ રહેતા હતા, માટે કિરણે હોસ્પિટલમાં ફોન કરીને ડોક્ટરને જાણ કરી. થોડી જ વારમાં ડોક્ટરની ટીમ આવી પહોંચીને અબ્દુલા ચાચાને તેઓ સાથે લઈ ગયા. એ સાથે આખી સોસાયટીને મહાનગરપાલીકાએ બંધ કરી દીધી. દૂધ, છાપું અને શાકભાજી બંધ થયા.
ખાનગી શાળામાં દરેક શિક્ષકોને છુટા કરી દેવામાં આવ્યાં છે. તેમાં કિરણ પણ એક હતો. ગૃહ ઉદ્યોગ બંધ થતા મમ્મી-પપ્પા ઘરે જ હતા. ઘરના દરેક સભ્યો હાલ તો ઘરે જ હતાં. કિરણની પત્ની અનન્યા જાણે અન્નપૂર્ણા બની ગઈ હતી. શાકભાજી ઘરમાં ન આવતી, છતાં સમયે સમયે તે રસોઈ બનાવી જાણતી. હા, મમ્મી પણ અનન્યાને અલગ અલગ રસોઈ માટે મદદ કરતા હતા. બાજુમાં રહેતા દંપતીના ઝઘડો હવે કાને પડવા લાગયો હતો.
ઘીમે ઘીમે દેશ સક્રિય થવા લાગ્યો હતો. શાળાઓ હજુ બંધ હતી. કિરણને હવે પોતાનું ઘર ચલાવવા નોકરી તો કરવી રહી. તેણે બીજા મિત્રોને જાણ કરી પણ દરેક મિત્રોના એક જ જવાબ હતો કે “અમે પણ નોકરીની શોધમાં છીએ.” આજ સુધી બધુ જ બંધ હોવાથી પૈસાનો પ્રશ્ન ક્યા હતો ? એક સાંધે ત્યાં તેર તૂટે તેવી કિરણની પરિસ્થિતિ થઈ હતી. સમય જતા મકાનવેરાની સ્લિપ ઘરે આવી ગઈ. તેને થોડાં દિવસ જ થયા હતા ને લાઈટબીલ આવી ગયું. પપ્પાએ કિરણને પૈસા આપ્યા. જેથી મકાનવેરો, લાઈટબીલની ભરપાઈ થઈ ગઈ. ટી.વી.તો ઘરમાં હવે કોઈ જોતું ન હતું. છાપા તો બે મહિનેથી બંધ જ હતા. માસ કે મોં પર રૂમાલ બાંધ્યા વગર કોઈ બહાર જતું ન હતું. શહેરો હવે ફરીથી ધમધમવા લાગ્યા હતા. લોકડાઉનના કારણે આંધપ્રદેશમાં આવેલ તિરૂપતિ બાલાજી મંદિરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ મંદિર તરફથી ચલાવવમાં આવતા ત્રણ ગેસ્ટ હાઉસમાં કામ કરતા હતા. તે સાંભળતા કિરણને થયું આમ કેટલા લોકોની નોકરી છુટી ગઈ હશે ? હવે તેઓ શું કરતા હશે ? બેંકની બારીઓ હવા ખાવા માટે નહિ, પણ બેંકના કામકાજ માટે ઉપયોગમાં લેવાઈ હતી. ત્યાં માણસોની લાંબી લાઈન લાગી હતી. તેનું કારણ એક જ હતું કે સરકાર તરફથી આપવામાં આવતી સહાય હતી. પણ તે દરેકના ભાગે ક્યા હતી ?
અનન્યા બેઠા બેઠા એક ગોદડાને ટાંકા લેતી હતી. તે જોઈને કિરણને થયું “જીવનના પણ એક સરખા ટાંકા નથી હોતા.” મહિનો પૂરો થયો દુધના પૈસા ચૂકવના હતા. પપ્પાના વીમાનો હપ્તો આવી ગયો હતો. આથી તેણે વિશાલને ફોન કર્યો. બંને નાનપણના મિત્રો હતા. વિશાલ સગાઈમાં બચેલી રકમ ખર્ચ કરી બેઠો હતો. કિરણને અનન્યાએ થોડા પૈસા આપ્યા જે તેણે બચાવીને રખાયા હતા.
કિરણ સાહિત્ય રસિક હોવાથી પુસ્તકોનું વાંચન કરવા લાગતો હતો. તાજેતરની પરિસ્થિતિને નિરૂપતા કવિ અનિલ ચાવડાના બે શેર તેની નજરે પડે છે.
“કોઈ રડતું હોય તો આંસુ ય લૂછી ના શકાય,
વ્હાલથી એના ખભે પણ હાથ મૂકી ના શકાય.
આવી લાચારી ન દેતો કોઈને અહિયાં પ્રભુ,
બાળ રડતું હોય ને માતાથી ચૂમી ના શકાય !”
કહેવાય છે ને ‘સાહિત્ય એ સમાજનું દર્પણ છે.’ કોરોનાના સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાહિત્ય કૃતિઓ પ્રગટ થવા લાગી હતી. કિરણ નવલકથાઓનું વાંચન કરવા લાગ્યો. શહેરમાંથી લોકો હવે ગામડે જવા લાગ્યા. હવે કોઈ વિચાર શુદ્ધા નહોતું કરતું કે ગામડે જઈને શું કરવું ? કોરોનાના પ્રશ્નની સાથે જીવન નિર્વાહનો પ્રશ્ન લોકોને થવા લાગ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરો કોરોના સામે લડીને હવે થાક્યા હતા. મોટાભાગના ડોક્ટરો અને નર્સ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. કિરણ વિચારમાં પડ્યો. ઈશ્વર ક્યા હશે ? બધુ જ નિર્ધારિત હશે ? લોકોએ સેવાશ્રમ ખોલ્યા હતા. તે પણ હવે તો બંધ થયા છે. ગરીબ લોકો પોતાનું પેટ કેમ ભરતા હશે ? મધ્યમ વર્ગના લોકોને ફાફા પડી રહ્યા છે તો ગરીબને રહેવા માટે ઘર નથી. જે રેલ્વેસ્ટેશન કે ફૂટપટ પર જ પોતાનું જીવન પસાર કરે છે, તેમની હાલત શું હશે ? આ બધા જ વિચારોના કોઈ જાણે ઉત્તર જ નથી. કેમ અચાનક આમ બનતું હશે ? શું કોઈ જાણતું હશે ?
કિરણ ઘરે પહોંચ્યો ત્યારે તેનાં મમ્મીની તબિયત સારી ન હતી. કિરણે કહ્યું. “ચાલો મમ્મી તમારી તબિયત સારી નથી તો આપણે ડોક્ટરને બતાવીએ.”
કિરણના મમ્મી હંસાબહેને કહ્યું “ના, મને સારું થઈ જશે. એવી કોઈ ચિંતા કરવા જેવું નથી. આ ઉલટી બંધ થશે એટલે સારું થઈ જશે.”
વધારે ઉલટી થવાથી કિરણ હંસાબહેનને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટર હાથમાં મોજા, મોં પર માસ પહેરીને બેઠા હતા. દર્દીને દૂરથી જ તપાસ કરતા હતા. ડોક્ટર પાસે માત્ર દર્દીએ માસ પહેરીને જવુ. દવા અને હળવો ખોરાક લેવાના સૂચનો ડોક્ટરે આપ્યા હતા. હવે સાંજે હંસાબહેનને સારું હતું.
મહાનગરોમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગમાં ટુંક સમય માટે ભણેલા યુવાનોની જરૂર હતી. પોતાની સોસાયટીમાં રહેતો એક છોકરો અજય જોડાયો. પોતાના ગામથી શહેરમાં તે રોજ બસમાં જવા લાગ્યો. બસમાં સ્કેનીંગ અને સેનેટાઇજ કરીને દરેક લોકોને બેસાડવામાં આવતા હતા. અને હવે તો ફક્ત ત્રીસ મુસાફરોને બેસાડવામાં આવતા હતા. બસમાં ચડવા માટે પહેલાની જેમ લોકોની ભીડ જોવા મળતી ન હતી. જરૂરી કામથી જ લોકો બહાર જતા હતા. આરોગ્યની ટીમની સાથે અજય રોજ ઘરે ઘરે સૂચનો અને ટેસ્ટ કરવા જતો હતો. તે સાંજે ફરી બસમાં પાછો ફરતો હતો. અજયના મમ્મી રમાબહેનને હવે અજયની ચિંતા થવા લાગી હતી. એક દિવસ અજય રજા ઉપર હતો. ત્યારે મમ્મીએ અજયને કહ્યું “બેટા તું રોજ સવારે નીકળી જાય છે ને સાંજે મોડેથી આવે છે. અને થાકી જાય છે.” મમ્મીની વાત સંભાળીને અજયે કહ્યું. “હા, મમ્મી એવું થાય છે. પણ અહિયાં કોઈ કામ ચાલું થશે. પછી તો ક્યા જવું છે ?” એમ કહી અજય રોજ કામ પર જતો હતો. કિરણ રોજ સવારે તેને જતા જોતો. કિરણને થતું કે અજયને કંઈ થાય નહિ તો સારું. આ કામ કંઈ માનીએ તેટલું સહેલું થોડું છે ? એક મદારી ઝેરી સાપ પકડે તેમ આ વાઇરસ સાથે કામ પાર પડવાની વાત છે. રોજ કેસમાં વધારો થતો હતો. એક દિવસ અજયની તબિયત બગડી અને તેને દાખલ કરવામાં આવ્યો. કોઈને તેની પાસે જવાની પરવાનગી ન હતી. ત્યારે કિરણને અમૃત ઘાયલનો શેર યાદ આવ્યો.
“અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઈ,
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ.”
અચાનક કંઈ પણ બની શકે છે. આ વાઇરસ કોઈના કુટુંબને વેરવિખેર કરી મુકે છે. ન ધારેલું બની શકે છે. સાંજે અગાશી ઉપર કિરણ સંધ્યાના પ્રસરતા કિરણોને જોઈ રહ્યો હતો.
*****