અંધકારમાં અજવાશ | નિરૂપા ટાંક
એક વર્ષ પૂર્ણ થયું અને બીજું વર્ષ શરૂ થયું હતું.નવાં વર્ષની શરૂઆત સાથે કોઈ નવી શરૂઆત કરવાનું વિચારી , તો કોઈ નવાં સ્વપ્નો સાકાર કરવાનું વિચારી રહ્યાં હતાં. આમ સૌ હર્ષોલ્લાસથી જીવન વ્યતીત કરતાં હતાં. એવામાં જ આનંદ ઉલ્લાસના દિવસો વચ્ચે એક દિવસ એવો આવ્યો કે એક બિમારીએ સૌ કોઈને અંદરથી એટલાં હચમચાવી મૂકયા હતાં ને કે જેના કારણે સમગ્ર વિશ્વ જાણે ભયજનક સ્થિતિમાં મુકાઈ ગયું હતું. ચોમેર કોરોના રૂપી મહામારીનો હાહાકાર મચ્યો હતો. શું કરવું ? અને શું ન કરવું ? એની અવઢવ વચ્ચે લોકો જીવન વ્યતીત કરી રહ્યાં હતાં. આવી પરિસ્થિતિના કારણેકર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો અને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું.આને કુદરતની કરણી કહેવી કે શું? એ કોઈ વિચારી શકતા નહોતા.
લોકડાઉનના કારણે ધંધા રોજગાર ખોરવાઈ ગયાં હતાં. વાર-તહેવાર, ઉત્સવ, મેળા, પ્રસંગો, વિધિવિધાન બધું જ જાણે સૌ માટે એક સ્વપ્ન સમા બની રહ્યાં હતાં. મધ્યમ વર્ગના લોકોથી માંડી, રસ્તા પર ઝુંપડા બાંધી રહેતાં ને મજૂરી કરી ટકે ટકનો રોટલો રળતા લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું. મહામારી અને લોકડાઉનથી કંટાળી કોઈ જગ્યાએ આત્મહત્યા કર્યાના સમાચારો પણ સામે આવી રહ્યાં હતાં. ડૉક્ટરથી માંડી પોલિસ કર્મચારીઓ સૌ કોઈ માટે આ મહામારી એક વિકરાળ યુદ્ધ સમાન હતી. તેઓ તો એક દિવસ શું એક ક્ષણ પણ શાંતિથી શ્વાસ લેવા ફ્રી ન હતાં. સૌ કોઈ માટે આ કોરોનાની મહામારી વિકરાળ રૂપ ધારણ કરી રહેલા યુદ્ધ સમાન હતી. સતત વિકસિત અને વિકાસશીલ દેશની ગતિ જાણે અચાનક થંભી ગઈ હતી.
જયારે આ સૌની વચ્ચે શહેરમાં રહેતાં સાહિલ અને મહેકને તો લોકડાઉન એટલે શું? કર્ફ્યુ એટલે શું? એ કશી ક્યાં ખબર હતી. એમને માટે તો લોકડાઉન શબ્દ એક ઉજાણી સમાન હતો. કેમ કે નહોતું સ્કુલે જવાનું, નહોતી પરીક્ષાની જવાબદારી, નહોતી હોમવર્કની માથાકૂટ, હતી તો બસ મોજ જ મોજ. ખૂબ લાંબી રજા પડી હોવાથી વતનમાં જવા ને વતનમાં રખડવાની જે મોજ પડશે એ વિચારીને જ સાહિલ અને મહેકને મન કંઈક અનેરો આનંદ હતો. પણ આ ભોળા બાળકોને ક્યાં ખબર છે કે આ લોકડાઉનથી લોક જીવન પર શું અસર થઈ છે અને થાશે ! એ બન્ને તો ગામડે જઈને શું શું કરીશું એની વાતો કરે છે ને ખૂબ આનંદમાં વતનમાં જવાના સ્વપ્નો જૂવે છે.જયારે બીજી તરફ લોકો આ મહામારી શું કરશે એની ચિંતામાં જીવન વ્યતીત કરે છે. ભોળા બાળકોને મન તો લોકડાઉન આનંદ ઉલ્લાસના દિવસો છે જયારે લોકો માટે........??
ઘણી વખત નાના બાળકો એવું કંઈક કહી કે કરી જતા હોય છે. જે બીજા નથી કરી શક્તા. મહામારીના અંધકારમય કાળમાં આ ભોળા બાળકો જ સૌ માટે પ્રેરણા રૂપ સિધ્ધ થયા છે. જયારે જયારે લોકો મહામારી વિશે વિચારે છે ત્યારે ઘરમાં રહેલા નાના બાળકો જ તેના એક મીઠા સ્મિત થકી બધું ભુલાવી આપે છે. નાના બાળકો તો જાણે અંધકારમાં અજવાશ સમા છે. એના થકી જ ઘરમાં તો શું સમગ્ર વિશ્વમાં રોશની છવાઈ રહે છે. ખરેખર આવા કપરા કાળમાં કેમ જીવવું એ બાળકો પાસેથી જ શીખવા જેવું છે. નાના ભૂલકાઓ જ ઘણી વખત આપણને જીવન જીવતા શીખવી જતા હોય છે.
*****