ચકા-ચકીની કોરોનામય વારતા | મનીષી જાની
કોરોનાના કેરમાં સૂમસામ શહેરમાં એક હતો ચકો અને એક હતી ચકી. બન્નેને ભૂખ તો ખૂબ જ લાગી હતી.
ફરરર કરતાંક ચકી ઊડી ચોખાનો દાણો લેવા અને ચકો ઊડ્યો દાળનો દાણો લેવા.
ચકો તો દાળનો એક દાણો લઈ તરત પાછો આવી ગયો. પણ ચકી ને થયું કે આ કોરોનામય સૂમસામ વાતાવરણમાં એકસાથે થોડા વધુ ચોખાના દાણા લઈ આવું તો પછી વારેઘડીએ ઊડાઊડ ને દાણા માટે ફાંફાં મારવા મટે. એકસાથે ચોખાના દાણા લઈ આવું તો પછી ઘરમાં બેઠાં બેઠાં જ ખાધું પીધું ને રાજ કરી શકાય.
ચકી તો એવું વિચારતાં વિચારતાં પહોંચી ગઈ રેશનિંગની દુકાને. એય લાંબી લાઇન! ને ફૂર્ર.ફૂર્ર.. સીટી મારતો જમાદાર! બધાંને એકબીજાથી દૂર દૂર ચાકથી દોરેલા કૂંડાળામાં ઊભા રહેવાનું. એ તો ઊભી રહી ગઈ લાંબી લચક લાઇનમાં. એટલામાં તો પેલો સીટીઓ મારતો જમાદાર પાસે આવ્યો ને તાડૂક્યો :
'મોંઢે કપડું બાંધ! કેમ મોઢું-નાક ખૂલ્લાં છે? જો બધાં ને!'
'અરે જમાદારભાઈ! અમે તો રહ્યાં ચકલાં! અમે ક્યાં કપડાં પહેરીએ છીએ?'
'કપડાંની વાત નથી ચકલી! મોઢે માસ્ક જોઈએ ને? નહિતર બસ્સો રૂપિયા દંડ! રસીદ ફાડું? જો બધાંએ પહેર્યાં છે ને?'
'પણ ઘરમાં કપડું નથી!'
'એ અમારે નહીં જોવાનું.. હવે માંગીભીખીને પહેરીને આવજે.'
એટલામાં તો દુકાનનો ચોકીદાર આવીને સામે ઊભો :
'ચલ એય! હાથ લાંબા કર! તારા હાથમાં કોરોનાનાં જીવડાં મારવાની દવા છાંટવાની છે!'
ચકીએ ચાંચ સામે ધરી.
'આ અમારા હાથ.'
'આ તો ચાંચ છે! મારી મજાક કરે છે ચાંપલી!? ચલ ઝટ હાથ કાઢ. સવારથી અહીં તમારી પાછળ દોડાદોડ કરીએ છીએ ને પાછી વાયડાશ કરે છે? તમે લોકો ડંડો જ હમજો છો.'
ગભરાઈ ગયેલી ચકીએ આડા પડી પગ ધર્યા.
'હવે કેવી સીધી થઈ ગઈને, હાથ કાઢ્યા.' એમ બોલતાં જ ચોકીદારે સેનેટાઇઝરની બોટલમાંથી ચકીના પગ પર બે ટીપાં છાંટ્યાં.
'હવે બન્ને હાથ વીસ સેકન્ડ સુધી ઘસ..'
ચકીએ ચોકીદારની સામે જોયા કર્યું.
'ઉપરથી હુકમ છે. અમારે ફરજિયાત બધાંના હાથમાં દવા છાંટવી જ પડે.'
ચકીએ પગ ઘસતાં કહ્યું : 'સારું ભાઈ.'
'આ બધું તમારા ભલા માટે છે. આ દવાનાં બે ટીપાંની કિંમત સો ગ્રામ રેશનના ઘઉં જેટલી થાય. સમજી?'
'હા. સમજી.' એમ કહેતાં ચકીએ દુકાન તરફ જોવા માંડ્યું ને ચિંતા થવા માંડી કે ચકો ભૂખ્યો છે અને મારા પેટમાં ય બિલાડાં બોલે છે. આ લાંબી લાઇનમાં ક્યારે વારો આવશે?
એટલામાં તો ખરરરર કરતાંક દુકાનનાં શટર પડી ગયાં.
'ચોખા ખલાસ. હવે બે દાડા પછી બાકીના આવજો!'
લાઇન વિખરાઈ ગઈ. કેટલાંક ટોળે વળી ગુસ્સે થતા દુકાનના પડી ગયેલાં શટર્સ પાસે ભેગાં થઈ ગયાં.
ચકીની નજર પાસે પડેલી ટ્રક પર પડી. એને થયું કે આ ટ્રકમાં જ ચોખા આવ્યા હશે. એટલે કેટલાક દાણા તો અંદર વેરાયેલા પડ્યા જ હશે. ચોખાનો એક દાણો લઈ ઝટપટ ઊડી જાઉં ઘરે ફરરર!
એ તો ટ્રકના દરવાજામાં ઘૂસી અંધારે ખૂણેખાંચરે ચોખાના દાણા શોધવા માંડી ત્યાં તો ખટાખટ ટ્રકના દરવાજા બંધ થયા. સાવ અંધારું ધબ્બ! ટ્રક તો ઘરરર કરતીકને ચાલવા માંડી.
ચકી ગભરાઈ ગઈ! હવે? આ ટ્રક ક્યાં જશે?
એક તો પેટમાં ભૂખની લાય લાગી હતી અને તેની સાથે સાથે, રાહ જોઈને થાકીને ચકાએ એ દાળના દાણાની દાળ બનાવી ખાઈ લીધી હશે કે? કે પછી ભૂખ્યો હશે? કે પછી મને શોધવા નીકળ્યો હશે? - એવા પ્રશ્નોના રોડ પર ટ્રકની સાથે સાથે જાણે કે ચકી દોડવા માંડી.
ચકો તો આમતેમ ઊડાઊડ ઊડાઊડ કરી ચકી ક્યાંય દેખાય છે એમ વિચારતો ચીં ચીં કર્યાં કરતો હતો. ક્યારેક દાળના દાણાને જુએ ને ક્યારેક ચારેબાજુ આકાશમાં જુએ. એને હવે ચકીની ભારે ચિંતા થવા માંડી. ક્યાં હશે? એવી તે ક્યાં ઊડીને ચોખાનો દાણો લેવા ગઈ હશે? પોલીસે પકડી હશે? પણ આપણે તો ચકલાં! ફરરરર કરીને ઊડનારા! પોલીસની કોઈ તાકાત નહીં કે આપણી ફરરર ઊડતી પાંખ પકડી શકે! તો શું કોઈ રસ્તામાં બિલાડી-બિલાડાએ ચકીને પંજો મારીને!? ના. ના. એવા ખરાબ વિચાર ના કરાય!
ચકાએ પેટમાં બોલતા ભૂખ ના બિલાડા શમાવવા પેટમાં પગ દબાવ્યા. થોડીક વાર આંખો બંધ કરી.
એકાએક ટ્રક ઊભી રહી ને બંધ દરવાજા ખૂલ્યા.
એક માણસ સાવરણી અને થેલી સાથે ટ્રકમાં ચઢ્યો. ચકી તો ફફડી ઊઠી અને ઊંચે એક ખીલે બેઠી. પેલા માણસે સાવરણીથી ખૂણાખાંચરા વાળી ચોખાના દાણા ભેગા કરવા માંડ્યા.
ચકી ધીમે રહીને બહાર આવી કોઈ જુએ નહીં એમ ટ્રકની ઉપર ચઢીને ચારેબાજુ જોવા માંડ્યું. ઓહોહો! અહીં તો ચારેકોર અનાજની ગૂણો જ ગૂણો! એણે પાટિયું વાંચ્યું : એફ.સી.આઇ. - ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને પછી તરત એની નજર ચોખાની પડતી ધાર પર પડી. સટાસટ કોથળા ખૂલતા હતા એક બાજુ અને બીજી બાજુ કોથળામાંથી નીચે મૂકેલા રંગબેરંગી, ચમકદાર ખોખાંઓમાં એક પછી એક ધાર થઈ ચોખા પડતા હતા અને ત્રીજી બાજુ એ ભરાયેલાં ખોખાં ફટાફટ બંધ થતાં હતાં ને તેના પર સીલ લાગતાં હતાં.
ભૂખી ચકીને થયું લાવ, ઝડપભેર આ ચોખાની પડતી ધારમાં સીધી ચાંચ મારીને મોઢું ભરી દઉં દાણાઓથી!
પણ પાછો વિચાર આવ્યો કે એ ધધૂડાની જેમ પડતી ધારમાં પાંખો આવી જાય તો? ધબ્બ દઈને ખોખામાં જ દટાઈ જાઉં!
છેવટે એ ધીમેક રહી ઊડીને પેલાં ખોખાં ભરાતાં હતાં ત્યાં એક ખાલી ખોખા પર બેઠી.
"અરે! યહાં ચીડિયા કૈસી? ચોકીદાર! ક્યા કરતે હો?"
બૂમ સાંભળીને ચકી તો ગભરાઈ ગઈ ને કોઈને દેખાય નહીં એમ ટ્રક પર, ઉપર છાપરે ચઢીને એક ખૂણે લપાઈને બેસી ગઈ.
ચોકીદાર લાકડી સાથે સાહેબ સામે આવીને ઊભો :
"જી, સાહેબ!"
યહાં ચીડિયા, ચકલાં-ફકલાં, ચૂહા-બૂઆ કુછ નહીં હોના ચાહિએ. યહ સબ ખા જાતે હૈ ચાવલ! ઔર કહને વાલે કહતે હૈં કિ હમ ચાવલચોર હૈ!"
"જી, સાહેબ!"
"તુમ કરતે ક્યા હો? કોઈ બડા સાબ ચીડિયા-ચૂહા દેખ ગયા તો મેરી તો વાટ લગ જાયેગી!"
"જી, સાહેબ!"
"ચલો, દવાઈ છાંટ કે ખતમ કરો સબ ચીડિયા, ચકલાં, ચૂહા! એક ભી જીંદા નહીં બચના ચાહિએ!"
ચકી તો વધારે ગભરાઈ. એને થયું કે દવાથી મારી નાંખશે તો? લાવ પાછી ટ્રકમાં જ છુપાઈ જાઉં. ટ્રકને પૈડાં છે એટલે એ બહાર તો જશે જ ને?
ધીમે-ધીમે છાપરાની ધાર પર આવી એ તો ચૂપચાપ ટ્રકમાં પાછી ઘૂસી ગઈ.
એટલામાં બીજા સાહેબ હાથમાં કાગળિયાં સાથે, ખિસ્સામાંથી ચશ્માં કાઢી આંખે ચઢાવતા ઓફિસમાંથી બહાર આવ્યા : "ક્યાં ગયો પેલો ડ્રાઇવર?"
'બોલો, સાહેબ!'
"આ બધાં ચોખાનાં બોક્સ ભરાય એ લઈને ટ્રક તાત્કાલિક આ સરનામે પહોંચો. હમણાં ને હમણાં જ." એમ કહી સાહેબે ડ્રાઇવરની સામે કાગળ ધરતાં આગળ કહેવા માંડ્યું :
"ઠેઠ ઉપરથી ઓર્ડર છે. મારા સાહેબના સાહેબ હમણાં મારતી ગાડીએ આવીને કહી ગયા છે. સમજ્યો? અને લે આ સો રૂપિયા. પૂછ, શેના માટે?"
"શેના માટે સાહેબ?"
"મારતી ગાડીએ જવાનું છે. ક્યાંય રસ્તામાં રોકાવાનું નથી. ચોખાની ડિલિવરી થઈ જાય પછી જ જમવાનું. ભૂખ લાગે તો પેટ દબાઈ દેવાનું. બસ, એના માટે."
'જી'
"અને સમજી લે, આ એક બહુ મોટી દેશભક્તિનું કામ છે. એકદમ એક્સિલેટર દબાવું જોઈએ."
'જી'
"અને ખાસ સાંભળી લે, રસ્તામાં, કોઈ ગામમાં રોકે તો રોકાવાનું નહીં. બહુ મોટું ટોળું ઘેરી વળે ને પૂછે તો કેવાનું નહીં કે ચોખા છે. નહીંતર લૂંટી લેશે. રેશનિંગના ચોખા હજી બધે પહોંચ્યા નથી. સમજ્યો?"
'જી'
"કેવાનું કે બોક્સોમાં ઝેરી દવા છે. લોકો આપઘાત કરવા વાપરે છે એ. ચલ હવે ઝડપથી ભાગ. બધું યાદ રાખજે."
'જી'
"ચલો હવે રામસીંગ! ઝડપથી રાઇસ બોક્સો ટ્રકમાં ચઢાવો. સાચવી ને, એક બી બોક્સ તૂટવું ના જોઈએ. ચોખાનો એકેય દાણો વેરાવો ના જોઈએ. ક્યાંય બોક્સ તૂટ્યું તો ચોરીનો આક્ષેપ તારા ને મારા પર આવશે. સમજ્યો?"
'હાજી, સાબ' એમ કહેતાં ને ઝડપભેર રાઇસ બોક્સ ટ્રકમાં મુકાવા માંડ્યાં. ટ્રક ચાલુ થવાનો અવાજ થયો ને ચકીને હાશ થઈ, હવે બહાર નીકળવાનું મળશે જ.
ખાલી રસ્તા પર ટ્રક તો સડસડાટ દોડતી જ રહી અને સીધી પહોંચી એક મોટ્ટા દરવાજા પાસે. ટ્રક ડ્રાઇવરે દરવાનને કાગળ આપ્યો અને તોતિંગ દરવાજા ખૂલી ગયા.
ચોકીદારે સિસોટી મારીને ડ્રાઇવરને હાથથી જવા માટેની દિશા બતાવી. આગળ બીજા ચોકીદારે હાથના ઇશારાથી ટ્રક રોકવાનું કહ્યું : "ચલો, ઠીક હૈ. નીચે ઉતરો. ગાડી ખોલો."
ટ્રકના પાછળના દરવાજા ડ્રાઇવરે ખોલ્યા. ચકીએ બહાર જોવા માંડ્યું. બધાએ મોઢા પર માસ્ક પહેર્યા હતા અને બધાનાં કપડાં મોટાં મોટાં ને લીલા રંગનાં!
એટલામાં ત્રીજો ચોકીદાર હાથમાં લીલા રંગની બોટલ લઈને આવ્યો અને ડ્રાઇવરને કહેવા માંડ્યો : "હાથ લાંબા કરો, લો આ." એમ કરીને હથેળીમાં સ્પ્રે કર્યો. "હવે બન્ને હાથ બરાબર ઘસો ને ત્યાં સામે દરવાનની બાજુમાં જઈ બેસો."
ચકીને થયું કે આ તો પેલું રેશનિંગની દુકાને મને પગમાં ઘસાવ્યું હતું એવું જ લાગે છે.
ડ્રાઇવરે હાથ મસળતાં મસળતાં દરવાનને પૂછવા માંડ્યું : "આ મોટી મોટી શેની દુકાન છે?"
'દુકાન નથી ડોબા! આ તો લેબોટરી-ફેક્ટરી છે. અહીં ઊંચા માંહ્યલો આલ્કોહોલ બને!'
"એટલે?"
'દારૂનો બાપ'
"ઓહો, અઈં દારૂ બને છે એમ?"
'ના, એનો બાપ. મોટા સાહેબોની ઊંચી ભાષામાં એને ઇથનોલ કહે.' એટલામાં બીજી ખુલ્લી ટ્રક આવી તેમાં બેઠેલા માણસોએ ઝડપભેર રાઇસ બોક્સ ઉતારવા માંડ્યાં. ચકી ને ડ્રાઇવર આ બધું જોયાં કરતાં હતાં. ચકી તો વધુ ને વધુ ગભરાવા માંડી. ક્યાંક કોઈ જોઈ જાય ને આ ઠંડા ઠંડા મકાનમાં પૂરી દે તો?!
ડ્રાઇવરે પાછું બાજુમાં બેઠેલા ચોકીદારના કાનમાં ધીમેથી કહેવા માંડ્યું : "તે આ તમે કો'છો કે આ દારૂના બાપ જેવા કડક દારૂની ફેક્ટરી છે તો પછી અહીં આટલા બધા ચોખા તમને નોકર-સ્ટાફને મફત આલવા માટે?"
'બે ડોબા! ફેક્ટરીવાળા હજાર નખરાં કરીને માંડ માંડ પગાર આલતા હોય ને એ ઉપરથી ચોખા આલે? અને એય મફત?' એમ કહેતાં ચોકીદાર ખડખડાટ હસી પડ્યો. 'પાંચ દાડાથી ફૂલ ટાઇમ ડ્યૂટી કરું છું. કોઈ છોડાવનાર નથી આ કોરોના માં.'
"એમ?"
'ઘરેથી ફોન આયા જ કરે છે. દાણા ખૂટ્યા છેને રેશનની દુકાનમાં પૂરતા ચોખા નથી આવતા. ઘરે જઉં તો મેળ પડે.'
"કોઈ વડીલ કે ભઈબાપા ઘરે નથી?"
'નાનો ભઈ મુંબઈ હાઈવે પર હોટલમાં છૂટક કામ કરતો’તો ભૂખ્યોતરસ્યો. ચાલતાં ચાલતાં નીકળ્યો છે. જે થાય તે હાચું.'
"અરે રે, હોટલવાળા ખાવાનું ય ના આલે?"
'બધું બંધ!'
"તે આટલા બધા અઈં ચોખા છે તે આવા કપરા કાળે સાહેબ એક-બે કિલો ય ના આલે? તે અઈં એનું કરે શું?"
ચોકીદાર ફરી હસી પડ્યો : 'તું તો હાવ ગયેલી આઇટમ છે. પૂરો બુદ્ધિનો બારદાન! આલ્કોહોલ આ ચોખામાંથી બને! ઠેઠ ઉપરથી ઓર્ડર છે. તાત્કાલિક રાતદાડો ફેક્ટરી ચલાઈ આલ્કોહોલ બનાઈ સેનેટાઇઝર બનાઓ, આ હમણાં તારા હાથમાં ઘસ્યું ને એ.'
"અચ્છા, કોરોના જંતુ મારવાની દવા. અહીં બને છે એમ?"
હોવ, પહેલાં અમે શેરડીમાંથી બનાવતા. પણ હવે ચોખામાંથી! અહીંથી ઠેઠ અમેરિકા જાય છે માલ. અમારા શેઠને ચાંદી જ ચાંદી છે આજકાલ!'
ટ્રકમાં લપાઈને ચારેકોર જોતી ચકીએ ટ્રકમાં હવે જોવા માંડ્યું કે ક્યાંય બોક્સમાંથી વેરાયેલા કોઈ દાણા દેખાય છે કે નહીં. એક તો આછું આછું અજવાળું ને મોટા ભાગે અંધારું. ક્યાંય ચોખા જોવા ના મળ્યા એટલે ચકી હતાશ થઈ ગઈ. અરે રે! આ ક્યાં હું ફસાઈ! હવે ભૂખ્યા તો ભૂખ્યા પણ ઘરે પહોંચી જાઉં, ચકા ભેગી થઈ જાઉં.
ચકીને શું થયું હશે? એવા પ્રશ્નોભરી ચિંતામાં ને ચિંતામાં ચકો એક ડાળથી બીજી ડાળ ઊડ્યા કરે. એકાએક એને વિચાર આવ્યો કે ચકી તો બિચારી ભૂખી હશે. અને ચકી જ શા માટે ચોખાનો દાણો લાવે? ચકાચકીની વારતામાં આવે એમ જ કંઈ બધી વારતા ચાલે? હું ય ચોખાનો દાણો શોધવા ગયો હોત તો અત્યાર સુધીમાં ખીચડી તૈયાર થઈ ગઈ હોત!
ફરી પાછી ચકાને મૂંઝવણ થઈ. દૂર દૂર ચોખાનો દાણો શોધવા જઈશ ને ચકી આવી જશે તો? એ પાછી મારા માટે ચિંતા કરવા માંડશે. ચકો એવું વિચારતો હતો ત્યાં જ એની નજર સામે મંદિર પર પડી. મંદિર તો બંધ છે. જાળી વાસેલી છે પણ તેની બહાર ઊભો રહી એક માણસ ભગવાનને માથું નમાવી પગે લાગી રહ્યો છે. કંઈક બોલતાં બોલતાં એણે ખિસ્સામાં હાથ નાખી કશુંક કાઢી જાળીની અંદર ફેંકી, ચપ્પલ પહેરી ચાલવા માંડ્યું.
આ જોતાં જ ચકો ઊડ્યો ને જાળીમાંથી ઘૂસી સીધો ભગવાનની મૂર્તિ પાસે પહોંચ્યો. કદાચ અહીં ભગવાનની આજુબાજુ ક્યાંક ચોખાના દાણા પડેલા મળી જાય એવું વિચારતા ચકાએ ચારેબાજુ શોધવા માંડ્યું. ત્યાં ભગવાન અને એક દીવો બળતો જોયો ને ભગવાનની આજુબાજુ એક, બે, પાંચ ને દસ રૂપિયાના કેટલાક સિક્કા પડેલા દેખાયા પણ ચોખા કે દાળ કે ઘઉંનો એકેય દાણો વેરાયેલો ના જણાયો. ભગવાનને આ લોકો ખવડાવતા નહીં હોય કે? ખાલી પૈસા જ આપતા હશે?
મનમાં ઊઠતા એવા સવાલો સાથે, હતાશ થઈને ચકો ધીમેથી પાંખો ફફડાવતો મંદિરની બહાર આવી ગયો ને ફરી ચકીની રાહ જોતાં, ચોગરદમ જોતો બેઠો.
ટ્રક ખાલી થઈ અને ચોકીદારે લાંબી સિસોટી મારી : 'ચલ એ ડ્રાઇવર, જલદી ઉપાડ તારી ટ્રક! તારી પાછળ બીજી સાત રાઇસ ટ્રક આવીને ખોટી થાય છે.'
ડ્રાઇવર સિસોટીના અવાજે દોડ્યો અને ટ્રકમાં બેસતાં જ એણે ધડામ દઈને કેબિનનું બારણું બંધ કરતાં ટ્રક રિવર્સમાં લઈ દરવાજાની બહાર ચલાવવા માંડી.
એકાએક દરવાને દોડતા આવીને ટ્રકની કેબિનના બારણે લાકડી પછાડી. ડ્રાઇવર ઊભો રહી ગયો.
"ગાડીના માલિકની પથારી ફેરવવી છે? પાછળ દરવાજા ખુલ્લા રાખીને ગાડી ભગાવે છે બેવકૂફ?!"
ડ્રાઇવર હસતાં હસતાં કેબિન ખોલી નીચે ઊતર્યો. ચકી દરવાજા ખુલ્લા જોઈ ઝડપભેર બહાર આવીને ટ્રકની ઉપર બેઠી. ચારે તરફ જોવા માંડ્યું. બધું અજાણ્યું હતું. ટ્રકના દરવાજા બંધ થયા ને ડ્રાઇવરે ફરીથી ટ્રક દોડાવવા માંડી. ટ્રકના છાપરાના એક ખૂણે એંગલ નીચેની સહેજ બખોલમાં ભૂખી ચકી ટૂંટિયું વાળીને બેસી ગઈ.
ચકો શું કરતો હશે? કંઈ ખાધું હશે કે પછી મારી જેમ જ ભૂખ્યો મારી રાહ જોતો બેઠો હશે? આંખ બંધ કરીને ચકી વિચારતી રહી. સૂમસામ રસ્તે ટ્રક દોડતી હતી. એકાએક ટ્રક ધીમી પડી. ચકીએ આંખ ખોલીને જોયું તો ઘણી બધી ટ્રકોની વચ્ચે આવીને ટ્રક ઊભી રહી. ડ્રાઇવર ટિફિન લઈને ટ્રકમાંથી નીચે ઊતર્યો.
ચકીએ ટિફિન જોયું. ભૂખ તો ખૂબ લાગી હતી. એને થયું ઊડવાની તાકાત નથી. ખૂબ લાંબું ઊડવાનું છે પણ એ સિવાય પેટ ક્યાંથી ભરાવાનું છે આ લૉકડાઉનમાં!
ચકીએ બે ઘડી આંખો મીંચી અને પછી ધીરે-ધીરે પાંખો પસારી ઊડવા માંડ્યું. સતત ઊડ ઊડ અને ઊડ. સૂરજદાદા ટાઢા પડી ગયા હતા અને એ ય ઘર ભણી જતા હોય એવું ચકીને લાગ્યું.
ધીરે ધીરે અંધારું થવા માંડ્યું. ત્યાં તો ચિરપરિચિત રોજ સંધ્યાકાળનો, મંદિરની આરતીનો અવાજ આછો આછો કાને પડવા માંડ્યો. ઘર નજીક પહોંચ્યાનો અણસાર આવતાં ચકી એ પાંખો વધારે ઝડપથી ચલાવવા માંડી. આરતીનો અવાજ નજીક આવી ગયો. મંદિરના આછા અજવાળામાં પૂજારી એકલા આરતી કરી રહ્યા હતા. ચકીની નજર ચકા પર પડી અને ચકાએ પણ ચકીને આવતાં જોઈ. થોડીવાર તો અરસપરસ ચીં ચીં-નો વરસાદ જ થઈ ગયો. ચકી હાંફતી હતી. ચકાની સામે જઈ બેઠી. ચકાએ ઊડીને ચકીની પાસે બેસતાં પૂછવા માંડ્યું : 'અરેરે! ક્યાં અટવાઈ ગઈ?'
ચકીએ સામે જોઈ કહ્યું : "કંઈ ખાધું? લાંબી વારતા છે."
ચકાએ સામે પૂછ્યું : 'તેં ખાધું? તારી રાહ જોતો'તો. દાળનો દાણો પડ્યો રહ્યો છે.'
"અરે રે!"
'આપણે બન્ને ભૂખ્યાં. કંઈ નહીં. કાલે સવારે વહેલો વહેલો ઊઠીને હું જ ચોખાનો દાણો લઈ આવીશ.'
"હા, હવે તો રાત પડી ગઈ."
"પાણી પીને સૂઈ જઈએ."
"હા, ઊડી ઊડીને ખૂબ થાકી ગઈ છું."
આરતીનો અવાજ શમી ગયો. પૂજારીએ મૂર્તિ પાસે પડેલા પૈસા ભેગા કરી ઝભ્ભાના ખિસ્સામાં મૂક્યા અને શટરવાળી જાળી જોરથી ખેંચીને બંધ કરી. એના જોરદાર અવાજથી ચકી સહેજ ફફડી ગઈ.
'હું તો મંદિરમાં ય ઠેઠ અંદર ભગવાન સુધી જઈ આવ્યો. ત્યાંય એકેય ચોખાનો દાણો ન હતો.'
પૂજારીએ જાળીને તાળું માર્યું. જોરથી ખેંચીને ચકાસ્યું. પછી ઝભ્ભાના ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢ્યો. તેની લાઇટ કરી તાળું તપાસ્યું અને ઝભ્ભાના બીજા ખિસ્સામાં પૈસા બરાબર મુકાયા છે કે નહીં તેય જોઈ લીધું. મોબાઇલને આંખ પાસે લઈ ભજન વગાડવાનું શરૂ કર્યું ને અંધારામાં ચાલવા માંડ્યું :
'ચાલો ચકલાં ઊડી જાઈએ
જહાં રાત ના હોય!'
ચકી તો ભૂખ ને થાક બન્નેથી થાકીને ટૂંટિયું વાળીને પેટમાં પગ નાંખીને સૂવાનો પ્રયત્ન કરવા માંડી. બાજુમાં ચકાએ પણ લંબાવ્યું. ભૂખની પીડા ભારે હતી. એનાથી પૂજારીના મોબાઇલમાં વાગતું ભજન સાંભળીને સહેજ મોટેથી હસી પડાયું.
ચકીએ ધીમા અવાજે કહ્યું : "કેમ સૂતાં સૂતાં હસે છે?"
'કંઈ નહીં. આ તો પૂજારીબાપાનું ભજન સાંભળતાં સહેજ હસી પડાયું કે એવી તે કંઈ કોઈ જગ્યા હોય જ્યાં રાત ના હોય? કેવી ખોટી વાત નહીં ચકી?'
"હા, લાંબી રાત ના હોય તો પછી સવાર કેવી રીતે પડે? આપણે તો સવાર પડે ને ભૂખ ભાંગવાની છે."
'ખરી વાત ચકી, એટલે જ મને ભૂખ્યા પેટેય હસું આવ્યું કે કેવી મૂરખ બનાવવાની વાત છે! રાત ના હોય ત્યાં ઊડી જવાની વાત?!'
એમ કહેતાં ચકો થાકેલી ચકીની વધારે નજીક ગયો ને પાંખને ફેલાવી ભૂખી ચકીની આંખમાંથી ટપકતાં આંસુઓને લૂછ્યાં.
'સૂઈ જા, શાંતિથી ચકી! તારે વહેલા ઊઠવાનું નથી. ઝટ સવાર પડે ને ઝટ હું ચોખાનો દાણો લઈ આવું ને ખીચડી બનાવી તને ઉઠાડું. આપણે બેઉ ખીચડી ખાઈએ. અને ખાધું પીધું ને રાજ કર્યુંની ચકાચકીની વારતા પૂરી કરીએ!'
ચકીએ હકારમાં ચાંચ હલાવી. ચકા સામે સ્મિત કર્યું ને આંખો બંધ કરી.
*****