શિસ્ત | હરીશ મહુવાકર
લોકડાઉનનો પાંચમો દિવસ હતો. કોરોનાની મહામારી વચ્ચે બધા જીવતા હતા. વર્તમાનપત્રો, ન્યૂઝ ચેનલ્સ, ટેલિફોન દ્વારા એ વાતની ખાતરી થતી હતી કે લોકો શિસ્ત પાળી રહ્યા છે.
ચાનો કપ પકડી મયંક બહાર નીકળ્યો. બગીચામાં જઈ બેઠો. ચાની ચૂસકી ભરતા ભરતા એ ખીલેલા બગીચાને જોઈ રહ્યો.
‘નમસ્તે મયંકભાઈ’ કહેતા પડોશી બે ઘર વચ્ચેની દિવાલ પાસે ઊભા.
એ ઊભો થયો. ‘નમસ્તે ભરતભાઈ. કેમ ચાલે છે બધું ?’ એ દુકાનદાર હતા. આવશ્યક ચીજવસ્તુઓ વેચવા માટે એમને દુકાન ખોલવા છુટ્ટી મળી હતી. એ બહાર જતા આવતા એટલે શહેરના હાલચાલ જાણવા એણે પૂછ્યું.
‘અરે જબરદસ્ત. જડબેસલાક લોકડાઉન.’
‘ધન્ય છે દેશને. આપણી અપેક્ષાઓથી તદ્દન ઊલ્ટું પરિણામ મળી રહ્યું છે નહિ ?’ એણે કહ્યું.
‘ના, નહિ.’
‘મેં ટી.વી.માં પણ જોયું. અરે પછાત વિસ્તારોમાં લોકોએ જાતે પોતાના વિસ્તારમાં પ્રવેશબંધી માટે આડશો ઊભી કરે છે. કહેવું પડે એમની સમજ ને ! શું કહો છો ભરતભાઈ ?’
એ ઘડીભર બોલ્યા નહિ. પછી કહે, ‘સાહેબ, એમ નથી.’
‘તો કેમ ?’
‘અરે પોલીસ આસાનીથી ન આવી જાય એટલે આડશ રાખી છે. દારૂનો વેપાર ધમધોકાર શરૂ થઈ ગયો છે. ઘરમાં રહો ને પીધા કરો.’
એના આશ્ચર્યભર્યા હાવભાવને ઊડાડતા એ બોલ્યા : ‘મજેદાર છે ને આપણા દેશબંધુઓની શિસ્ત ?’
*****