એકાંકી- પંખીઓને માળામાં જવા દો — શ્રી મહેશ ધીમર “જ્યોત્”
કોરોના કાળમાં શ્રમજીવીઓની વ્યથાઓનું નિરૂપણ
મૌલિક એકાંકી—નાટ્ય મંચન આયોજન નાટ્ય મને ત્રણ વિભાગમાં વહેંચી શકાય ૧) સમગ્ર space જેમાં પ્રથમ દૃશ્ય તથા આનંદવિહાર બસ સ્ટેન્ડનું દૃશ્ય તેમજ રિપોર્ટર-પત્રકારના એનાઉન્સ દૃશ્ય ભજવી શકાય.૨) પાછળના બે પ્રકાશ આયોજન મુજબ ત્રણ વ્યક્તિઓના જૂથનું તેમજ કુટુંબનું દૃશ્ય અલગ અલગ બે વિભાગમાં ભજવવું ………..
પાત્ર ફાળવણી--: ત્રણ વ્યક્તિઓનું જૂથ // કુટુંબ-બાળક- પિતા-મા // બે પોલીસમેન- અધિકારીઓ – વિતરણકર્તાઓ પણ // પત્રકાર- જૂથ.==કુલ ૧૨ પાત્રો 👌 આ નાટકમાં રજૂ થયેલા વિચારોની જવાબદારી સંપૂર્ણપણે લેખકની છે. આપ સૌનો આભારી.
પંખીઓને માળામાં જવા દો ( સર્જક- મહેશ ધીમર)
ગીત સંભળાય
કોરોના છે કોરોના, કોરોના છે કોરોના
કોઈ રોડ પર જશો ના, છે કાતિલ વાયરસ કોરોના
લોકડાઉન છે લોકડાઉન, લોકડાઉન છે લોકડાઉન
વ્યક્તિ-૧ : આ ભૂખાળવા કોરોનાએ તો કારમો કેર વર્તાવ્યો. બંધ થઈ ગયું; બધું બંધ થઈ ગયું. અમારાં કામધંધા બંધ થઈ ગયાં. ખબર નહીં, કેવો શેતાન જેવો રોગ છે! બસ બંધ, રેલગાડી બંધ, બજારો પણ બંધ. હવે કહે છે અવરજવર પણ કરો બંધ.
વ્યક્તિ-૨ : આ બધાં કહે છે કે લોકડાઉન જાહેર કર્યું છે. પણ અમે તો લોક અપમાં પૂરાઇ ગયાં છે. હેં? આ લોકો હવે આપણને આપણા વતનમાં નહીં જવા દે?
ગીત સંભળાય : કોરોના હાય કોરોના, કોઈ રોડ પર જશો ના
ઘરની અંદર લાવશો ના, બહાર લેવા જશો ના
બહાર મળશે કોરોના, ભાગો આવ્યો કોરોના.
વ્યક્તિ-૩ : ભૂ….ખ લાગી છે; ખૂબ ખૂબ ભૂખ લાગી છે. હે રામ! કાલ સવારથી કંઈ ખાધું નથી. લો, આ પાણીની બોટલ પણ ખતમ! બસ, આમ જ બધું ખતમ થઈ જશે, બધું જ ખતમ.
વ્યક્તિ-૧ : અરે! આ તો કઠણાઈઓની હજી શરૂઆત છે ભાઈ! પરંતુ હા! આપણે પોતપોતાના ગામે પહોંચીશું ને એટલે બધી જ કઠણાઈઓ પણ ખતમ થઈ જશે.
વ્યક્તિ-૩ : પેલા શેઠ લોકોએ રજા રજા કહીને છૂટાં કરી દીધાં. પણ આપણને ગામડે મોકલવા માટે ટેમ્પો-ટ્રક કરી આપ્યાં હોત તો?
વ્યક્તિ-૩ : ઓહોહોહો! કેટલી બધી ભીડ જામી છે અહીં! પેલો ખટારો ક્યારનોય ભરાઈ ચૂક્યો છે, છતાંય કીડામકોડાની જેમ હજી ઘણાં લોકો ચઢ્યા જ કરે છે. ( (પોલીસ કોન્સ્ટેબલ્સ ભીડ તરફ ધસારો કરે)
પોલીસ-૧ : અબે ભાગો અહીંથી! કોણે જમેલો કર્યો અહીં? એકબીજાથી દૂર રહો. કાયદાનું પાલન કરો. (દંડા ઉગામે છે; ભાગદોડ મચે. ગીત સંભળાય.)
ઓ સન્નાટામાં ઉમટી ભીડ; ભીડમાં છવાઈ ગયો સન્નાટો
લોકડાઉન છે લોકડાઉન; લોકડાઉન હાય લોકડાઉન
પોલીસ-૨ : અબે ભાગો અહીંથી.(વ્યક્તિ-૧ને ) ને આ પોટલાં ઊંચકીને ક્યાં ચાલ્યા? ખબરદાર, કોઈએ ક્યાંય જવાનું નથી. ભટકને નિકલ પડે.
વ્યક્તિ-૧ : સાહિબ! અમે ભટકવા નથી નીકળ્યા. અમારે દેશ જવા નીકળ્યા છીએ.
પોલીસ-૧ : હવે દિલ્હી દેશમાં જ પડી રહો ભૈયા! હવે તમારે અહીં જ મરવાનું છે, સમજે કી નાંહી?
વ્યક્તિ-૩ : આ મગરી જેવી નગરીમાં હું પેટનો ખાડો પૂરવા જ આવ્યો હતો. ગઈકાલ સવારથી કંઈ ખાધું નથી. કંઈ ખાવાનું મળશે?
વ્યક્તિ-૨ : અરે! પોલીસદાદાનો દંડો ખાવો છે કે શું? ચલ, ભાગ અહીંથી. (ભાગે છે.)
પોલીસ-૨ : અબે ઓ! એ તરફ નહીં, આ તરફ ભાગો.( સાઇકલ સવાર કુટુંબને જોઈ) આઇયે ફૂલ ફેમિલી! સૈર કરને નિક્લે હૈં?
પોલીસ-૧ : રૂકો રૂકો ટ્રિપલ સવારી!
પોલીસ-૨ : કિધર ઘૂમને નિકલે? આ લોકડાઉન છે. વેકેશન ટાઈમ નહીં હૈ.
સાઇકલસવાર : માલૂમ છે સા’બ. પણ શું કરીએ? અમે ક્યાં રહીએ?
પોલીસ-૧ : જ્યાં રહો છો ત્યાં જ પડી રહો.પાછા વળો, જાવ.
સ્ત્રી- : સાયેબ, અમે મજદૂર લોકો છીએ. માલિકે કહ્યું-કામકાજ બંધ….ઘરે જાવ. ઝૂંપડીના માલિકે કહ્યું- ઘર ખાલી કર દો. દુકાનદારો કહે- ઉધાર બંધ. એટલે નાછૂટકે અમારે દેશ જઈએ છીએ.
પોલીસ-૨ : હવાલાતમાં જવું છે?
બાળક- : ઊં..ઊં….ઊં….. મારે કૈંક ખાવું છે. ઊં…ઊં…ઊં….
સ્ત્રી- : છાનો રે બેટા, આંયા કંઈ ની મલે.
પોલીસ-૧ : બિસ્કિટ ખાવી છે? લે, ખા.( બિસ્કૂટ ધરે )
પોલીસ-૨ : ને ઓય, હવે તમે વાપિસ ઘૂમકે શહેરમાં જ જાવ.
સાઇકલસવાર-: સા’બ, શહેરમાં જ કાળમુખા કોરોનાની બીક લાગે છે. આંયાની ઝેરી હવામાં ગૂંગળાવાં કરતાં ગામડામાં ચોખ્ખી હવામાં જાવા દ્યો ને.
પોલીસ-૧ : સમજતાં કેમ નથી? લોકડાઉન એટલે લોકડાઉન. અહીંયાથી શરીરમાં કોરોનાના જંતુઓ લઈને જશો એટલે ત્યાંની હવા પણ ઝેરી થઈ જશે તમારાં લીધે. તમારાં મા- બાપ ભાઈભાંડુંને પણ મહામારીનો ચેપ લાગશે. તેઓની સલામતીનો તો વિચાર કરો.
પોલીસ-૨ : સો વાતની એક વાત. અહીંથી કોઈએ જવાનું નથી. હવે જો પકડાશો તો દંડા જ પડશે. ( ગીત સંભળાય)
લોકડાઉન હાય લોકડાઉન, લોકડાઉન છે લોકડાઉન.
( ક્ષણિક અંધકાર; અજવાળું ફેલાય ત્યારે કોર્ડલેસ માઇક લઈ પત્રકાર ઊભેલો દેખાય. સાથે કેમેરામેન જુદાજુદા પોઝમાં…. )
પત્રકાર-: બ્રેકિંગ ન્યૂઝ! કોરોનાનો ખતરો સમગ્ર વિશ્વમાં સતત સતત વધી રહ્યો છે. વિદેશોમાં ફરવાં ગયેલાં આપણા અસંખ્ય ભારતીય લોકો યુરોપ અમેરિકા વગેરે દેશોમાં ફસાઈ ગયાં છે. તેઓને સહીસલામત રીતે સ્વદેશ પરત લાવવાં વિદેશ મંત્રાલયે ખાસ જાહેરાત કરી છે. ( પત્રકાર કહેતો હોય ત્યારે પોલીસની શ્રમિકોને આવનજાવન કરતાં રોકવાની કામગીરીનું દૃશ્ય ચાલું હોય.)
પોલીસ-૧ : આ ગજબનો આદેશ છે નહીં? ખરેખર કોઈને નહીં જવા દેવાનું?
પોલીસ-૨ : આ લોકોને આપણે કયાં ગુના માટે ફટકારીએ છીએ? (ગીત સંભળાય)
કોરોના લઈ વિમાન આવે, હવે રોકો પગપાળાને
ભીડભાડમાં ઝેરી હવામાં, રાજકારણની ખેંચતાણમાં
શયતાન ડરાવે કોરોનાનો, ભય ફેલાયો કોરોનાનો
આવનજાવન રોકો રોકો, ભીડભાડને રોકો રોકો
લોકડાઉન હાય લોકડાઉન, લોકડાઉન રે લોકડાઉન(૨)
પોલીસ-૧ : મજદૂરોને રોકીએ છીએ પરંતુ વીઆઇપીઓની કેટકેટલી ગાડીઓની અવરજવર ચાલું જ છે. સલામ ભરી ભરીને હાથ દુઃખી ગયા.
પોલીસ-૨ : મોઢા પર માસ્ક બાંધેલું જ રાખ, આપણા બચાવ માટે ખૂબ જ જરૂરી છે. ( સંગીત….)—લોકડાઉન છે લોકડાઉન………..
(ક્ષણિક અંધકાર પછી વ્યક્તિઓ તથા કુટુંબ- બે વિભાગોમાં વારાફરતી પ્રકાશ )
વ્યક્તિ-૧ : અરે ભગવાન! કોઈ પણ પ્રકારના કામધંધા વગર આ બાફી નાંખે એવા ગોઠામાં જ પૂરાઈ રહેવાનું? કયા ગુનાની આ સજા છે?
( સંગીત….બીજા વિભાગમાં પ્રકાશ… કુટુંબ….)
બાળક- : ત્યાં પેલાં ખોખામાં ચકા ચકીએ માળો બાંધ્યો છે. મા, જોને, બહાર ખુલ્લી હવામાં કેવી મસ્તીથી ઉડાઉડ કરે છે? ને આ લોકો કહે છે-(લાઉડસ્પીકર પરથી અવાજ)- ઘરની બહાર નીકળશો નહીં. ઘરમાં જ રહો; સલામત રહો. (ઘોષણા પૂરી થાય એ પહેલા વ્યક્તિઓ પર પ્રકાશ)
વ્યક્તિ-૨ : (ફોન પર વાતચીત) પણ હું શું કરું? મારી મા બિમાર છે; અમને આ લોકોએ બળજબરીથી ગોંધી રાખ્યાં છે. શું? બિચારી ઘરડી મા બચુડાના નામની જ માળા જપે છે! મા….મા….મા… થોડા દિવસો જીવ ટકાવી રાખ. હું આવું છું……(રડે)
( સંગીત… બીજા ખૂણામાં પ્રકાશ પથરાય)
સ્ત્રી- : પેલાં બે પંખીડાં કેટલી નિરાંતે એકબીજાની પાસપાસે બેઠાં છે. ને એકબીજાની એકબીજાની ચાંચ ઘસે છે, મસ્તીથી રહે છે અને એ લોકો અમને કહે છે—(લાઉડસ્પીકર પર ઘોષણા )-- એકબીજાથી દૂર રહો, સોશિયલ ડિસ્ટન્સ બનાયે રખો, દૂરી બનાકર રખો. ( પ્રકાશ બંને તરફ પડે, ઘોષણા પૂરી થતાં ફક્ત એક તરફ)
વ્યક્તિ-૩ : ભાગી છૂટવાનું મન થાય છે. ક્યાં સુધી ભંડારાનું અન્ન ખાશું? રાત્રે ઊંઘ પણ નથી આવતી. હવે તો કોરોના જ લાંબી ઊંઘમાં પોઢાડી દેશે.(અંધકાર)
બાળક- : નજીકના ઘરે સરસ મજાની બે’ના છે. પહેલા હું તેની સાથે આખો દિવસ રમતો હતો. પણ હવે એ અહીં દેખાતી નથી.
મા- : પણ હવે તારે એકલા એકલા રમવાનું, હોં.
બાળક- : પણ એકલા એકલા તે વળી રમાતું હશે? અરે હા! હવે હું બાપા સાથે રમી રમી કરીશ. હેં ને બાપુ?
બાપુ- : ( માથે હાથ ફેરવી ) હા દીકા.( મા નિસાસો નાંખે )
બાળક- : હં….અ. બાપુ ઘોડો બનશે ને હું સવારી કરીશ. ચલ મેરે ઘોડે, તબડક તબડક! તબડક તબડક!.......
મા- : ને આપણે બધાં દેશમાં પહોંચી જઈશું. હાં, આપણે બધાં એ ઊડતા ઘોડા પર બેસીને આ રાખ્ખસથી દૂર દૂર આપણા ગામે પહોંચી જઈશું, ( વારંવાર બોલે)
બાળક- : ચલ મેરે ઘોડે, તબડક તબડક!.......( સંગીત…અંધારું છવાય…ભીડનો શોરબકોર સંભળાય. પત્રકાર, વીડિયોગ્રાફર ……….)
પત્રકાર- : બ્રેકિંગ ન્યૂઝ! આ દિલ્હીના આનંદવિહાર વિસ્તારનું બસસ્ટેન્ડ છે. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ અહીં પોતાનાં વતનમાં જવા માટે એકઠાં થયાં છે. સામાજીક દૂરીના ધજાગરા ઊડી રહ્યા છે. આ ખતરનાક બાબત છે. ચલિયે, આ લોકોને જ પૂછપરછ કરીએ. (ભીડ વચ્ચે જ જઈને) ભાઈઓ! મનાઈ હોવા છતાં તમારાં હોમ શેલ્ટરને છોડીને બહાર શા માટે નીકળ્યાં છો?
વ્યક્તિ-૨ : અમે ઘર છોડીને નીકળ્યાં જ નથી. અમે અમારાં ઘરે જવા જ નીકળ્યાં છીએ.
વ્યક્તિ-૩ હમ અપને ગાંવ જા રહે હૈં.
પત્રકાર : પણ અહીંની સરકારે મકાન માલિકોને કહી દીધું છે કે તમને નહીં કાઢી મૂકે.ભાડું પણ નહીં ઉઘરાવે. અહીં ભીડ કરશો તો કોરોનાનો ખતરો વધશે.
વ્યક્તિ-૨ : અમને જવા દો, સાયેબ. પછી ભીડભાડ જેવું કંઈ રહેશે જ નહીં. આ મહામારી પહેલાં પણ અમે ઝેરી હવા- પાણીમાં જ જીવતાં હતાં ને કોલેરા- મેલેરિયાથી મરતાં હતાં. અમને કોરોના લાગશે તો સરકારી દવાખાનાની દવાથી પણ મરી જાશું.
પત્રકાર- : કેવી વાહિયાત વાત કરો છો? અહીંના નેતાઓ ને અધિકારીઓને તમારી કેટલીય ચિંતા છે તેની તમને કોઈ કદર નથી. તમને રાખવા માટે સ્કૂલનાં મકાનો ફાળવેલા છે. મફત રાશન, સારવાર, ખાતામાં પૈસા જમા કરવા—ઓહોહો! આટ આટલું કોણ કરે?
વ્યક્તિ-૩: એ બધાં મકાનો જેલ જ છે, સા’બ. તેના કરતાં અમારે ગામડે જવા ખટારાઓની વ્યવસ્થા કરી આપશો તો તમારી કિરપા માનીશું.
વ્યક્તિ-૧ : શહેરના સોનાના પાંજરાઓ કરતાં અમારાં ગામડાનાં તણખલાનાં માળાઓ સારાં.
વ્યક્તિ-૨ : અમને અહીંનું ધર્માદાનું તૈયાર રાંધેલું ખાવાનું નથી ફાવતું. ત્યાં લૂખો પાકો રોટલો શેકી ખાશું.
પત્રકાર- : તો આ શ્રમજીવીઓના પોતાના બયાન છે. હવે તંત્ર તેઓની માંગણી સ્વીકારશે કે નકારશે તે જાણી લઈએ. યેસ, અહીં પોલીસ વિભાગ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ પણ છે.
અધિકારી-૧ : આઇ થિંક આ શ્રમિકો સામે કડક પગલાં ભરવાં જોઈએ.
પત્રકાર- : અધિકારીશ્રી! શું આ શ્રમજીવી પરિવારોને વતનમાં જવાની પરવાનગી મળશે?
અધિકારી-૧ : વ્હોટ? આ વર્કર્સ એમનાં ગામડાઓમાં ચાલ્યાં જાય તો લોકડાઉન પત્યા પછી ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે ચાલે? એમનાં વગર ઉદ્યોગ-ધંધા પડી ભાંગે. નો, નો, નોટ પોસિબલ.
સાઇકલસવાર- : લો, આ સાઇકલ પણ બગડી ગ……ઈ!
પત્રકાર- : પણ અત્યારે લોકડાઉન પૂરતું જવા દઈએ તો?
અધિકારી-૨ : અરે પાર્ટનર, સમજી જાઓને! આ મજદૂર લોકો છે; મજબૂર છે. અગવડોમાં જીવવાની આદત છે એમને. ગામડે જવા દઈએ તો કેટલાક પાછાં નહીં પણ આવે. કામદારો મોડા આવે તો કેટલાક શેઠિયાઓ પૈસે ટકે બરબાદ થઈ જાય.અહીં ધર્માદો કરનારાં ઘણાં લોકો છે; સંસ્થાઓ છે. તેઓ આ લોકોને મદદ કરશે અને આપણી ગરજ પણ પૂરી કરશે.
પત્રકાર- : સર, આપણે એન.આર. આઇ. લોકોને—
અધિકારી-૧ : શટ અપ! એ વિશિષ્ટ લોકો કહેવાય, સમજ્યા? એ લોકો વાઇરસ ઇન્ફેકશન ધરાવતાં હોય તો પણ તેઓને સાચવી લેવાથી સરકારને ક્રેડીટ મળે છે.
પત્રકાર- : પણ આ લોકોને સાચવવાની પણ સરકારની ફરજ ખરી ને?
અધિકારી-૨ : માય ડિયર ફ્રેન્ડ! આ મજૂરોને કોરોનાને બહાને આ શહેરમાં જ સમજાવી પટાવી ધમકાવી ફટકારીને પૂરી રાખવાં પડશે. ને હં, મીડિયા તરીકે એક હેલ્પ કરી જ દો ને. આ લોકોને અમે સમજાવતાં હોય; મદદરૂપ થતાં હોય એવાં પ્રસંગોની વીડિયોગ્રાફી કરી લો ને. તમારું પણ થઈ રહેશે. આ રીતે તમે પણ અમને સાચવી લો. ( દૃશ્યો રજૂ થાય એમ પત્રકાર બોલશે )
પત્રકાર- : બ્રેકિંગ ન્યૂઝ! લોકડાઉનનો ભંગ કરી જીવને જોખમમાં મૂકનારાં શ્રમજીવીઓના ટોળાંને અધિકારીઓ સમજાવી રહ્યાં છે. તેઓને ફૂડ પેકેટ્સના વિતરણ થઇ રહ્યાં છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે અહીં ફરજ પરના પોલીસ અધિકારીઓ તેઓને સતત સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ રીતે બેસાડી રહ્યાં છે. લો, પીવાના પાણીના પુરવઠાનું ટેન્કર પણ આવી ગયું. કોઈને કોરોનાનો ચેપ ન લાગી જાય એ માટે અહીં સતત સેનીટાઇઝૅશન કરવામાં આવી રહ્યું છે.ઓહો, ઓહો! એક ખૂણામાં સેનિટેશનની વ્યવસ્થા પણ થઈ રહી છે.
અધિકારી-૧ : યેસ યેસ! મને લાગે છે કે અહીં એકત્ર થયેલી ભીડ ગણતરીના કલાકોમાં વિખેરાઈ જશે.
બાળક- : મમ! મામાનું ઘર ક્યારે આવશે?
મા- : (નિરાશ) મામાનું ઘર? ચાંદામામા કરતાં યે દૂર હવે તો.
પત્રકાર- : પેલાં ધાર્મિકોને હોમ કોરેન્ટાઇન! ને મજૂરો ઢોરવાડાનાં ડબ્બાઓમાં. વાહ રે વ્યવસ્થા!
વ્યક્તિ-૧ : અહીંથી છૂટકારો થાય તો ગામડે ચપટીક ધાન-શાકભાજી પકવીને જીવી લઈશ. પણ અહીંયાં પગ નહીં મૂકું.
વ્યક્તિ-૨ : (ફોન સરી પડે) ના, ના, આમ ન હોય. સાંભળો છો ભેરુઓ! સાંભળો છો? મારી મા મરી ગઈ. ( ભેરુઓ આશ્વાસન આપે) અરે! આ લોકો મને મારી મરેલી માનું મોઢું પણ ન જોવા દીધું. હવે તો એકાદા વાહનમાં સંતાઈને પણ ભાગવું પડશે.
વ્યક્તિ-૩ : ભાઈ! હવે આપણા ગામડાઓનાં સીમાડાઓ પર પણ કંટાળી વાડ કરી દીધી છે. ( ગીત સંભળાય. ગીત પછી બે તરફ દૃશ્યો રજૂ થશે. પ્રકાશ પરિવર્તન)
ગીત----- પારેવાને પૂરી દીધાં, શિયાળ વરુને ફરવાં દીધાં
કોયલને કહે મુંગી મર, કાગડા હવે તું ગીત લલકાર
લોકડાઉન બોલો લોકડાઉન, લોકડાઉન હાય લોકડાઉન.
વ્યક્તિ-૧ : હેય! આ લોકો કહે છે કે આ લોકડાઉન છે; પણ આપણે તો ખરેખર લોક અપમાં પુરાયેલ છે. ( બીજા ખૂણામાં પ્રકાશ )
બાળક- : તે હેં બાપુ? આપણને એ લોકોએ પાંજરામાં પૂરેલાં છે?
બાપુ- : આ પાંજરામાં પૂરાઈ રહેવામાં જ આપણી ભલાઈ છે. (પ્રકાશ સ્થળાંતર)
વ્યક્તિ-૧ : ઓહ! આખી રાત ભયાનક સપનાઓ આવ્યાં કર્યા. આપણે બધાં પાંજરામાં પુરાયેલાં હતાં. ને સસલાં, શિયાળવાઓ, વરુ-વાઘ અને હાથી આપણને જોવા આવતાં હતાં. શહેરના રસ્તાઓ પર જીરાફ, હરણાઓ અને કાચબાઓ તેમજ મગર ફરતાં હતાં અને હું વાંદરાની માણસ ગાડીમાં જોડાયેલો હતો.
બાળક- : પણ મારે મામાના ઘરે જવું છે, હંસી બે’ના સાથે રમવું છે.
મા- : ના, તારા મામી કહે છે ના આવશો. કોરોનાના જંતુવાળાઓને અમારા ગામમાં નહીં ઘુસવા દઈએ. ( બાળક રડવાં લાગે. સંગીત…. સ્ટેજનાં બીજા છેડે પ્રકાશ )
વ્યક્તિ-૨ : મને રાત રાતભર ખરાબ વિચારો આવ્યા કરે છે.આખા શહેરમાં મહેનત મજૂરી કરનારાં આપણા ભાઈ-બહેનો તરફડી તરફડીને મરી રહ્યાં છે.પેલી બાજુ એક ગણતરીદાર બેઠો છે.તે લાશોની સંખ્યા ગણી રહ્યો છે. આપણે જ આપણી લાશને ઊંચકીને સ્મશાને લઈ જઈએ છીએ. ત્યાં પણ લાંબી કતાર લાગેલી છે. દરેક જણ પોતાનો ચિતા પર ચડવાનો વારો આવે તેની વાટ જોતો ચિંતાગ્રસ્ત હાલતમાં તરફડે છે.
વ્યક્તિ-૩ : આ રાત આ રાત- કેટલી લાંબી છે? આ રાતને કાપવા માટે કોઈ છરો કે તલવાર છે તમારી પાસે? પણ આ રાત ખતમ થાય તોય શું? સવાર પડે તોય શું? સવાર પડશે; આકાશ લાલ લાલ થઈ જશે; પુષ્પો ખીલશે. પંખીઓ કલરવ કરશે; માળાઓમાંથી નીકળશે; માળાઓમાંથી નીકળીને બહાર ખુલ્લી હવામાં ઊડાઊડ કરશે. પણ અમારે? અમારે તો અહીંયાં જ પૂરાઈ રહેવાનું છે.
વ્યક્તિ-૧ : કોરોનાનાં જંતુઓથી ડરવાને બદલે અમે અમારાં સ્વજનોથી જ ડરીડરીને આઘા રહીએ છીએ. અમે પુરાયેલાં જ રહીએ છીએ અને એ બહાર બેફામપણે નિરાંતે ફરે છે. એ આપણને દેખાતો નથી પણ એ આપણને જોયાં કરે છે. આપણને બહાર નીકળવા દેતો નથી. આપણને બહાર નીકળતાં રોકે છે. ડરપોક! ક્યાં છુપાયો છે તું? જરાક સામે તો આવ. ( સંગીત…બીજા ખૂણામાં પ્રકાશ પથરાય )
બાપુ- : આ ખુલ્લી હવામાં મોં ખુલ્લું રાખીને ચોખ્ખી હવા છાતીમાં મોકળા મને ભરી લઉં એવું થાય છે; પણ સાંભળ્યું? સાંભળ્યું તમે? હા,મારે મોઢાં પર ગમછો બાંધી જ રાખવાનો છે. મોઢું બંધ; હા, તદ્દન બંધ! (અંધારું, બીજા છેડે અજવાળું. સંગીત..)
વ્યક્તિ-૩ : અમારાં શેઠિયાઓ એ.સી.ની ઠંડકમાં સૂતેલાં છે.હવે તેઓ કુટુંબમાં મા-બાપને, ભાઈ-બહેનને,દીકરી- દીકરાઓને નિરાંત જીવે મળે છે. પહેલાની અધૂરી રહી ગયેલી વાતો પૂરી કરે છે. તેઓની કમાણી સલામત છે. સવાર પડવાની રાહ જોવાય છે. લોકડાઉન પહેલાં તેઓ રઘવાયાંની જેમ જીવતાં હતાં; હવે અમે રઘવાયાંની જેમ જીવીએ છીએ. અમારી રાતો અજંપાથી ભરેલી છે. કુટુંબ પણ ક્યાં છે? અમારી વાતો અધૂરી છે. થોડી ઘણી બચત પણ ખોવાની છે. સવાર પડે તોય શું? એ જ એનું એ જ હાડકાં દુખી જાય એવું ને એટલું કામ કામ ને કામ. (સંગીત… )
ગીત સંભળાય - : કોણ કોને આપે દિલાસો? બંને પક્ષે દાવો સાચો
લાચારને પણ ઊગશે પાંખો, ત્યારે કોનો વાંક કાઢશો?
લોકડાઉન હાય લોકડાઉન, લોકડાઉન હાય લોકડાઉન
બાળક- : ઊં…ઊં….ઊં…….સવાર ક્યારે પડશે? ક્યારે પડશે સવાર?
મા- : રાત ઘણી લાંબી છે બેટા! જંપી જા; હજી થોડો સમય જંપી જા.
બાપુ- : હા, આ કાળી રાત છે. એક કાળી રાતે કમાણી કરવા માટે આ શહેરમાં નાની ઉંમરે આવી ચડેલો. તરુણ વયના તોફાનોને બદલે માથું નીચું રાખીને મજૂરી કરી. જુવાનીના જોમ ને જુસ્સામાં રાત-દિવસ કામ કર્યું.પણ એમ કંઈ માલદાર થવાય છે? ઉનાળાની આકરી ગરમીથી ત્રાસીને અથવા વરસાદની મોસમમાં બધાં મિત્રો રાહત માટે ગામડે દેશમાં ચાલ્યા જતા. હું શહેરમાં આંખો આંજી નાંખતી રોશની જોતો સપનાઓ જોયાં કરતો. મારે કમાવાનું છે કમાવાનું છે કહી કહીને દેશમાં જવાનું ટાળી દેતો. મા-બાપને પણ મળવા માટે નહીં જતો. હવે ભાઈ-બહેન; મા- બાપ બધાં જ યાદ આવે છે. દાદા-દાદી તો રાહ જોતાં જોતાં જ મરી ગયેલાં.હવે ઘર યાદ આવે છે. ઘરે જવું છે, ઘરે જવું છેનો અજંપો વળગ્યો છે. મારે અહીંયાં નથી મરવું. પેલો વાઇરસ ભરખી જાય એ પહેલા ભાગી જવું છે. હું ઘરના બારણે મરીશ તો કોઈ ને કોઈ મને બાળશે. મને મારી જોડે રાહ જોતી કાગડોળે રાહ જોતી મારી માની આંખોને જોવી છે. શહેરમાં કમાણી કરવા મને હરખભેર મોકલેલાં, પીઠ થાબડતાં મારા બાપાનાં ધ્રૂજતા હાથને સાંત્વન આપવું છે.- કહેવું છે:-કમાણીમાં તો બસ હું માત્ર જિંદગી બચાવી શક્યો છું.દર વર્ષે હરખભેર શહેરનાં બદલાતાં રહેતાં સરનામે રાખડી મોકલી આપતી બે’નાને કહેવું છે.- લે, તારા વા’લા વીરાને તિલક કરી દે. ક્યારે પડશે સવાર? સવાર ક્યારે પડશે? ( સંગીત……..)
બાળક- : ઊં…ઊં….ઊં…. મારે કંઈક ખાવું છે. સવાર પડે ત્યારે પેલાં પંખીની મા માળાની બહાર નીકળે છે અને થોડીવારમાં ચણ લાવીને એની કાંઉ કાંઉ કરતી ચાંચમાં મૂકે છે.
મા- : હા બેટા! તારા બાપુ ને હું- ને આપણાં જેવાં લાખો પંખીઓ ચણ લેવાં આ શહેરમાં આવેલાં.
બાળક- : હેં! આપણને પણ ધણું બધું ચણ મળશે? પછી એ બધું લઈને આપણે પણ આપણાં માળામાં ચાલ્યાં જઈશું?
બાપુ- : હા બેટા! આપણે માળામાં જ જઈ રહ્યાં હતાં. પરંતુ લોકડાઉન નામનાં પારધીએ આપણી પાંખો બાંધી દીધી છે; ને આપણાં માળાઓ ઘણે દૂર વગડામાં આવેલાં છે.
બાળક- : જુઠ્ઠું બોલો છો. પેલા પંખીઓ તો માળાઓમાં મરજી મુજબ આવ-જા કરી રહ્યાં છે. ને હાં! પેલાં બચ્ચાંઓને પણ હવે પાંખો ફૂટી છે. થોડું ઊડતાં પણ શીખી ગયાં છે. તેઓ પણ હવે સવારે માળાની બહાર જશે અને સાંજે માળામાં પાછાં આવી જશે. હેં મા? તેં જોયા છે પંખીઓ? હું તને એક વાત કહું? પેલા લોકડાઉન વાલા વ્હાલા વ્હાલા ધોળી ધોળી દાઢીવાલા દાદા છે ને? તે મારાં સપનામાં આવ્યાં હતાં. કહેતા હતા- સવારે છાનામાના અહીંથી નીકળી જજો. રસ્તે એક સાધુબાવો તમને પાંખો છોડી આપશે. ને આપણે સાંજ થતાં સુધીમાં તો આપણાં માળામાં પહોંચી જઈશું;પહોંચી જઈશું આપણાં માળામાં. હે હે હે હે…… (તાળી પાડવા લાગે બાળક નાચવા કૂદવા લાગે) મા-બાપુ અને બીજા ખૂણામાંથી રુદનના- ડૂસકાના અવાજો સંભળાય સંગીત સંભળાય) અભિનય ગીત……પાંખોનો ફફડાટ….
કોરસગાન – કેમ મજબૂર ગરીબને રોકો? ઘરવિહોણાને કાં રોકો?
ઘર પહોંચાડો ઘર પહોંચાડો, પંખીઓને માળામાં જવા દો
કાળી સાંજ છે ઘરે જવા દો, માળામાં પાછાં ફરવા દો
પંખીઓને માળામાં જવા દો, પંખીઓને માળામાં જવા દો.
*****