(આ માત્ર ને માત્ર મારા અંગત અનુભવ છે, બની શકે બીજાના અનુભવ અલગ પણ હોય)
.....હાં તો વાત જાણે એમ બની કે બે મહિનાના લોકડાઉન પછી જોબ ચાલુ થતા મેં જોબ પર જવાનુ ચાલુ કર્યુ.અઠવાડીયુ જોબ પર ગયા પછી 29 મે ના દિવસે જોબ પરથી આવ્યા પછી અચાનક સાંજે એકદમ તાવ ચઢ્યો.અશક્તિ અને થાકનો એહસાસ થવા લાગ્યો.એટલે ત્યારે પેરસીટેમલ લઈ ચલાવી લીધુ અને તાવ ઉતરી ગયો.તેમ છતા તકેદારીના ભાગ રુપે હું બીજે દિવસે દવા લઈ આવ્યો અને મને સારુ થઈ ગયુ. રવિ અને સોમ બે દિવસ તાવ ના આવ્યો અને મંગળવારે પાછો જોબ પર ગયો અને સાંજે ઘરે આવતા પાછી એજ પરસ્થિતી થઈ.શરીર એકદમ ધગધગવા લાગ્યુ અને થાક, અશક્તિનો એહસાસ થવા લાગ્યો.બીજે દિવસથી દવા ચાલુ કરી પણ દવા લઈએ ત્યાં સુધી જ તાવ ઉતરતો અને બાકી પરીસ્થિતિ યથાવત રેહતી.બે ત્રણ દિવસ દવા લીધા બાદ ડૉક્ટરે એક્સ-રે પડાવ્યો જેમા નિમોનિયા ડિટેક્ટ થયો.એટલે ડૉક્ટરે કોરોનાનો રીપોર્ટ કઢાવાનુ સજેસન આપ્યુ. મેં ત્યાં લોકલ અર્બન સેન્ટરમાં તપાસ કરી તો એમને સિવીલ જવા કહ્યું એટલે પછી મેં ડૉક્ટરની સલાહ મુજબ નિમોનિયાની દવા ચાલુ રાખવાનુ નક્કી કર્યુ.પણ જેમ જેમ દિવસ જતા ગયા એમ હાલત ખરાબ થતી ગઈ.હવે ખાવા-પિવાનુ પણ બંધ થઈ ગયુ અને ગળુ પકડાઈ ગયુ. સાથે સાથે ખાંસીનુ જોર પણ વધતુ ગયુ.ખાવા-પીવાનુ બંધ થવાના કારણે શરીરમાં અશક્તિ વધી ગઈ અને એન્ટીબાયોટીક ગરમ પડતા વોમિટીંગ શરુ થઈ ગઈ.
.. એક રાત્રે હાલત બહુ ખરાબ થઈ ગઈ તાવથી શરીર ધગી ઉઠ્યું. ખાંસી પણ એની ચરમ સીમાએ હતી અને બીજી બાજુ ઉલટીઓ થવા લાગી.એકતાએ આખી રાત પોતા મુક્યા પણ ફરક પડ્યો નહી.બીજા દિવસે સવારે પછી નક્કી કર્યુ કે હવે સિવીલમાં બતાવવુ જોઈએ પણ મિડીયામાં સિવીલના હોબાળાઓ સાંભળીને મન માનતુ ન હતુ. પણ બીજા એક કોરોના પેશન્ટના સિવીલ માંથી સાજા થઈને આવેલા અનુભવો સાંભળી મન મક્કમ કરી ત્યાં જવાનુ નક્કિ કર્યુ. ત્યાં જવા માટે મારી સાથે એક મિત્રએ આવવાનુ નક્કિ કર્યુ.પછી બપોરે જમીને એક વાગ્યે હું અને મિત્ર સિવીલ તરફ ઉપડ્યા.
... સિવીલ પોંહચતા જ કેસ કઢાવી અમે ગ્રાઉન્ડ ફ્લોરના પેસેજમાં બનાવેલી ઓ.પી.ડી.માં બેઠેલા ડૉક્ટરને મળ્યા. સાથે જુનો એક્સ-રે બતાવ્યો.ડૉક્ટરે ત્યાં ફરી થી એક્સ રે કાઢી ને જોયો.અને કહ્યુ કે નિમોનીયા તો છે હવે તમારે ઘરે રહી ને ટ્રીટમેન્ટ કરવી છે કે પછી એડમિટ થવુ છે એમ બે ઓપ્શન્સ આપ્યા.જેમાં મેં એડમિટ થવાનુ નક્કી કર્યુ.જેના માટેની બધી પેપર ફોર્માલીટી પુરી કરી મારો બ્લડ અને નાક, મોઢાની લાળનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો.લગભગ અડધો કલાકની ઝડપી પ્રોશેસ બાદ મને એડમિટ કરવા માટે ત્યાં નો માણસ સાથે આવ્યો અને કેતનને ત્યાંથી વિદાય આપી.ત્યાં ના માણસે મને ઉપરના માળે લઈ જઈ ડૉક્ટર પાસે હાથમાં સોય નખાવડાવી, ફાઈલ તૈયાર કરી મને બેડ પાસે લઈ જઈ નવી ધોયેલી ચાદર, કુશન, કુશન કવર અને સિલીંગ ફેન તો હતો જ તેમ છતા દરેક દર્દી માટે એક અલાયદો સ્ટેન્ડીંગ ફેન ચાલુ કરી આપી મને સુવડાવીને એને રજા લીધી.
...એડમિટ થયો એ દિવસે તબીયત બહુ ખરાબ હતી.સાંજે ચા-નાસ્તો આવ્યો પણ કંઈપણ પ્રકારનુ ખાવાની મારામાં હિમ્મત કે ઈચ્છા નહતી એટલે એને ઈગ્નોર કર્યુ તો ત્યાં ના કર્મચારી બહેને મને કહ્યું કે ભાઈ થોડો ચા-નાસ્તો કરી લો તો શરીરમાં સ્ફુર્તિ રેહેશે અને સારુ લાગશે અને જો ચા ના પીવી હોય તો આ ફ્રૂટ ડીશ ખાઈ લો એમ કરી એમને મારી સામે ફ્રૂટ ડીશ ધરી જે મેં સહર્ષ સ્વિકારી ખાઈ લીધી.રાત્રે થોડી ખીચડી અને દૂધ ખાઈ હું આડો પડ્યો.અજાણી જગ્યા, અજાણ્યા લોકો વચ્ચે પેહલો દિવસ હોવાથી થોડુ અજુગતુ અને એકલુ લાગતુ હતુ પણ મનને સાંત્વના અને ધીરજ આપી હું મનોમન સારા થવાના વિચાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો. કશુ ગમતુ નહતુ.પછી ડૉક્ટરોએ કરેલા ચેકઅપ અને એના આધારે તૈયાર કરેલી રીપોર્ટ પ્રમાણે ફાઈલમાં જોઈ મને બોટલ ચઢાવવામાં આવીને અલગ અલગ ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા.
સવાર થતા જ તબીયત સુધાર જણાયો.અત્યાર સુધી મને ખવાતુ નહતુ તેની જગ્યા મને ભૂખ લાગી.સવારે ઉઠતા જ આઠેક વાગ્યે ચા અને પાર્લેજી બિસ્કીટ તથા ઉકાળો આપવામાં આવ્યો.ત્યાર બાદ દશેક વાગ્યે ઈડલી-સાંભાર અને બાફેલા ઈંડાનો નાસ્તો આપવામાં આવ્યો. ત્યાર પછી સાડા દશે ગરમ સૂપ અને બપોરે એક વાગ્યે સરકારની ગાઈડલાઈન મનજબના ડાયેટ પ્રમાણે દાળ, ભાત, શાક,રોટલી, કઠોળ, સલાડ અને છાશનુ ફૂલ હાઈજીન વાળુ પેક્ડ લન્ચ આપવામાં આવ્યુ અને પીવાના પાણી માટે સીલ પેક મિનરલ વૉટરની બોટલ જ આપવામાં આવતી.બપોરે જમ્યા પછી આરામ કરીને ચારેક વાગ્યે ફરી ચા-બિસ્કીટ અને ફ્રૂટ ડીશ આપવામાં આવતી અને સાંજે ડીનરમાં શાક, રોટલી, કઢી, ખીચડી અને ગરમ હળદર વાળુ દૂધ આપવામાં આવતુ.વોર્ડમાં દિવસમાં ચાર પાંચ વાર કચરા-પોતા કરીને એકદમ સફાઈદાર રાખવામાં આવતુ. રોજ સવારે ધોયેલી ચાદર પાથરવામાં આવતી. ટોઈલેટ-બાથરુમની પણ સતત સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરી સુઘડ રાખવામાં આવતા.
દિવસમાં બે-ત્રણ વાર ડૉક્ટર્સ ની ટીમ રાઉન્ડઅપ કરતી અને દર્દીઓને ચેક કરતી અને સાથે વોર્ડમાં જ બનાવેલે કાઉન્ટર પર નર્સ, વોર્ડબોયની ટીમ ચોવીસ કલાક હાજર રેહતા. જેના કારણે દર્દીને કોઈપણ જાતની તકલીફ હોય તો તરત જ એ લોકો હાજર થઈ જતા.બે દિવસ પછી મારો કોરોનાનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો એટલે મને જાણ કરવામાં આવી.જો કે હું એના માટે માનસિક રીતે પેહલેથી જ તૈયાર હતો એટલે બહુ આઘાત ના લાગ્યો ઘરે પણ બધાને મેન્ટલી આ બાબતે પ્રિપેર કરેલા એટલે એકતા અને મમ્મીએ પણ ગજબની મક્કમતા દાખવી. જેના કારણે મારે અડધી ચીંતા દૂર થઈ ગઈ અને અંદર હિમ્મતનો સંચાર થઈ ગયો.રીપોર્ટ પોઝેટીવ આવતા મને બીજા વોર્ડમાં ખસેડાયો ત્યાં પણ એજ રીતની સગવડતાઓ સાથે મારો ઈલાજ શરુ થયો. ધીમે ધીમે જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ તબીયતમાં સુધાર આવતો ગયો. તાવ, ખાંસી બિલકુલ બંધ થઈ ગયા.ભૂખ લાગવા લાગી, અને શક્તિનો સંચાર પણ શરીરમાં થવા લાગ્યો.પાંચેક દિવસ પછી બાટલા બંધ કરી એ લોકો એ માત્ર ટેબ્લેટ અને સિરપ જ આપવાનુ ચાલુ કર્યુ. તબીયત હવે એકદમ સુધાર પર હતી.તબીયતનો એહવાલ સિવીલ હોસ્પિટલ દ્વારા રોજ ઘરે આપવામાં આવતો. સાથે સાથે રોજ સિવીલ માંથી ત્યાંની સગવડો કે દર્દીને પડતી અગવડો બાબતેનો રીવ્યુ લેવા માટે પણ ઘરે ફોન આવતા.
હોસ્પિટલમાં પણ દર બે દિવસે પેરામેડિકલ ટીમ આવી દર્દઓનુ કાઉન્સેલિંગ કરતી.અને ત્યાં રેહવા, જમવા, ડૉક્ટર કે અન્ય સ્ટાફની તકલીફ તો નથી એની જાણકારી પણ લેવા માં આવતી જેના આધારે એ લોકો સુધારો વધારો કરતા.
ધીમે ધીમે તબીયત સ્ટેબલ થઈ અને પછી દશ દિવસ બાદ મને રજા આપવાની વાત થઈ એટલે ડૉક્ટરે મારુ ઓકિસજન લેવલ ચેક કરી હોસ્પિટલ માં રાઉન્ડ મરાવી ફરી લેવલ ચેક કરી એવરીથિંગ ઈઝ ઓકેનુ અપ્રુવલ આપી રજા આપવાની મંજુરી આપી.એ લોકો એ ઘરે જાણ કરી કે તમારા દર્દીને રજા આપવાની છે. ત્યાંની પોલિસી મુજબ દર્દીને એના રીલેટીવને રુબરુ હેન્ડઓવર કરી એના તથા જે ગાડીમાં જવાનુ હોય એના ફોટા તથા લેવા આવનારની સહી કરી ને જ સુપરત કરવાના. જો તમારી પાસે વાહન કે લેવા આવનારની સગવડ ના હોય તો સિવીલ હોસ્પિટલ દ્વારા એમના વાહનમાં એ દર્દીને એના ઘર સુધી પોંહચતા કરવાની પણ વ્યવસ્થા કરેલ હતી.બધી જ પેપર ફોર્માલીટી પુરી કરી હું ત્યાં ના ડૉક્ટર્સ, નર્સ, સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી સ્ટાફ તથા અન્ય સ્ટાફનો અંગત આભાર માની ફરી મિત્રને બોલાવી એની સાથે હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી દવાઓ અને બિસ્કીટ, શક્કરપારા, ફરસીપુરી, ચોકલેટ્સ,અને એપ્પીફિઝ વાળુ ગિફ્ટપેક લઈ ઘર તરફ રવાના થયો....
(દશ દિવસની ટ્રીટમેન્ટ, ત્યાં રેહવા, જમવા, દવાનો મારો કુલ ખર્ચો થયો પુરા રુપિયા "શૂન્ય".જી હાં! બિલકુલ મફત, મફત અને મફત)
* ઘરે શુ કાળજી રાખવી એ બાબતે મારી પત્ની એકતાની પોસ્ટ આ લીન્ક પર જોઈ લેવી.
*****