લૉકડાઉન ખુલતાં જ વાર... | કલ્પના દેસાઇ
‘બસ એક વાર આ લૉકડાઉન ખૂલી જાય ને...’
‘તો...?’
‘શું તો? મારે બહુ બધાં કામ બાકી છે, તમને શું ખબર?’
‘ત્રણ ત્રણ લૉકડાઉન મળ્યા તોય હજી તારું કામ બાકી રહી ગયું? મને તો એમ કે તેં બહુ કામ કર્યું તે હવે તો તારે દિવાળીનું કામ પણ નહીં કરવું પડે.’
‘તમને છે ને મારી વાતમાં કંઈ સમજ નહીં પડે તો નહીં બોલવાનું. લૉકડાઉનમાં તો ઘરનાં જ કામ થયાં ને? બહારનાં કેટલાં બધાં કામ મારા અટવાયા છે તે હવે પૂરા કરા પડશે ને?’
‘તે બહાર જે કામ અટવાઈ જાય ને તને ઘરમાં બેઠાં બઠાં પણ એનું ટેન્શન થાય એવા કામ કરે છે જ શું કામ?’
‘તમે છે ને મારા માટે માથાનો દુખાવો છો. એના કરતાં જાઓ તમે કોરોનાનો સ્કોર વાંચો ને એને ગોખી કાઢો એટલે ફોન પર બધા સાથે વાત કરવા કામ આવે. સમજ પડે નહીં ને બધી વાતમાં માથાં મારવા જોઈએ.’
‘આ તો મને એમ કે હવે જ્યારે મને આદત પડી જ ગઈ છે તને મદદ કરવાની, તો પૂછી લીધું કે તને કોઈ કામમાં મારી મદદની જરૂર હોય તો વળી કરવા લાગું. મને પણ હવે નવરા બેસવું ગમતું નથી. હળીમળીને કામ કરવાની હવે મજા આવે છે. લૉકડાઉન ખૂલે ત્યારે તારા બહારનાં કામમાં જો હું કોઈ મદદ કરી શકું તો મારી જાતને ભાગ્યશાળી ગણીશ.’
‘ઓહોહો! તમેય ભાગ્યાશાળી ને સાથે મારાય ભાગ્ય ખોલવા બદલ તમારો ઘણો આભાર પણ હવે તો લૉકડાઉનના અનુભવો પછી, મને તમારી મદદની જરૂર હશે ને તો જ તમને કહીશ હં.’
‘બસ કે? ગરજ સરી ને વર વેરી? આટલા દિવસ હું કેમ ભુલાવામાં પડેલો તેનો હવે મને પસ્તાવો થાય છે.’
‘પસ્તાવાનું શું તેમાં? આ તો આખા દેશનું સહિયારું લૉકડાઉન જ હતું. બધાએ જ કામ કર્યું છે. તમે કંઈ નવાઈની ધાડ નથી મારી.’
‘હા ભાઈ હા, મેં કોઈ ધાડ નથી મારી ને મને આ દિવસોમાં બહુ શીખવા મળ્યું ને તારી કદર કરવી જોઈએ તે પણ સમજાયું ને હવે હું મારાં કામ જાતે જ કરીશ ને તારા ઉપર હુકમ નહીં ચલાવું ને તારા બધા કામમાં મદદ કરવાની પણ સદૈવ તૈયારી રાખીશ ને... ઘણું બધું કહેવું છે પણ હવે મને ઉધરસ ચડવાની બીક લાગે છે એટલે તું આટલામાં બધું સમજી લે તો સારું.’
‘બસ બસ બસ, મારે આ જ બધું સાંભળવું હતું તે તમે બધું કબલ કરી લીધું એટલે મારે હવે કંઈ કહેવાનું બાકી નથી.’
‘જો આ વખતે પણ આપણે દર વખતની જેમ જુદી જુદી વાતની ગલીઓમાં ભટકી ગયાં. મૂળ વાત એ હતી કે... જો લૉકડાઉન ખૂલે તો તારાં બહુ બધાં કામ બાકી છે–બહારનાં. તો મારે એ જાણવું છે કે એવાં તે કયા કામ બાકી છે? તને વાંધો ન હોય તો કહે.’
‘આભાર મૂળ વાત પર આવવા બદલ. જો સાચું કહું ને, તો આપણી સોસાયટીમાં પાંચ ઘરેથી મારે આપણાં વાસણ એટલે કે, વાટકીવ્યવહારનાં વાસણ ઉઘરાવવાનાં છે. આગલે દિવસે જ ડાહી થઈને મેં બધાંને ત્યાં ડબ્બી ભરી ભરીને હાંડવો આપેલો તે આટલા દિવસ મેં જેમતેમ મન ઉપર કાબૂ રાખ્યો છે. સૌથી પહેલું કામ તો હું બધાંને ત્યાંથી ડબ્બી ઉઘરાવવાનું જ કરીશ. ત્યાર બાદ દરજીની ખબર કાઢીશ. મને વળી આગલે દિવસે જ સૂર છૂટેલું તે ચાર ડ્રેસ સામટા સીવવા નાંખી આવેલી! હવે દરજી હશે તો કાપડ હશે ને કાપડ હશે તો મારા ડ્રેસ સીવાશે, નહીં તો મારે લૉકડાઉનના નામે બધા ડ્રેસનું નાહી નાંખવું પડશે.’
‘ઓહો! આ કામ તો તારે જ કરવા પડશે. મારાથી બધાંને ઘેર ડબ્બી માગવા નહીં જવાય. કેટલું ખરાબ લાગે નહીં? વળી જઈને શું કહેવાનું? હાંડવાની ડબ્બી આપો? ભલે ને, ઘરમાં મેં જે કામ કર્યાં તે કર્યાં પણ આવા બહારનાં કામ તો તારે જ કરવા પડશે. ખેર, ચાલો તે સિવાય કોઈ કામ છે મારે લાયક?’
‘કામ તો ખાસ નથી પણ હું બજાર જઈને આવું એટલામાં ભાખરી શાક બનાવી મૂકજો. તમારે જે શાક બનાવવું હોય તે ફ્રિજમાંથી કાઢી લેજો. એમ જોવા જાઉં તો લૉકડાઉનની આ મોટામાં મોટી ભેટ મને મળી કે હવે મારાથી નિરાંતે તમને ઘર સોંપીને જવાશે ને બહારથી આવું ત્યારે હવે કોઈ જાતની હાયવોય પણ નહીં કરવી પડે. આભાર કોરોનાનો માનું, લૉકડાઉનનો માનું અને મોટામાં મોટો આભાર તમારો કે મને ઘરકામ બાબતે તમે પૂરો સહકાર આપ્યો.’
(મારું મન જાણે છે કે આટલા દિવસ ઘરકામ કરતાં મારા ઉપર કેવી વીતી છે! લૉકડાઉન ખુલતાં જ વાર...સૌથી પહેલું કામ તો હું ટ્રેનમાં ફરવાનું કરીશ. અઠવાડિયાનું બુકિંગ થઈ ગયું છે. મન ફાવે ત્યાં ફરી આવું પછી બીજી વાત.)
*****