એકાત્મ | જીનાબહેન જે માસ્ટર
છેલ્લા કેટલાક મહિનાઓથી આખા વિશ્વમાં બસ એક જ નામ ગાજતું સંભળાય છે "કોરોના વાયરસ".. બસ ન્યૂઝ હોય કે સોશ્યલ મીડિયા બધે જ એક વાત એક જ સમાચાર... સમગ્ર વિશ્વની જનતાને એની અસર થઈ ગઈ હતી. કોરોના ઘર ઘર રમીને વિશ્વના ખૂણે ખૂણે વ્યાપી ચુક્યો હતો. "સુપરમેન" બનવાની લ્હાયમાં કુદરત સાથેની છેતરપીંડીનો ભોગ સૌ કોઈ થયા હતા. કુદરતે પોતાના અસ્તિત્વનો પરચો બતાવી દીધો હતો. કોરોના સામે જંગ જીતવા માટે માત્ર એક જ ઉપાય હતો પોતાની જાતને ઘરની અંદર જ કેદ કરવી.. કેમ કે એની દવા હજી શોધાય નથી અને આ વાયરસનો ફેલાવો પણ અજીબ પ્રકારનો છે કે વ્યક્તિના સંપર્કમાં આવીને જ ફેલાય.. માણસ જ માણસ માટે ખતરો.. !!!
લોકડાઉન જાહેર કર્યા બાદ રસ્તાઓએ જાણે ખુલીને શ્વાસ લીધો. આકાશમાં ઉડતા પંખીઓએ શુદ્ધ હવાનો અહેસાસ કર્યો, ધરતીએ પણ હળવા થવાની રાહત અનુભવી, નદીઓનું પાણી નિર્મલ બનીને ખુશીથી વહેવા લાગ્યું, મંદિર,મસ્જિદ ,ચર્ચ જેવા પૂજાઘરોમાં ઈશ્વરે પણ પોતાને સ્વતંત્ર અનુભવ્યા... કુદરતને ફરી નવજીવન મળ્યું હોય એમ તે એકદમ જ શુદ્ધ બની ગઈ હતી... પ્રદૂષણથી જકડાયેલી આ સમસ્ત સૃષ્ટિ સાચે જ "સેનિટાઇઝડ" થઈ ગઈ હતી. વાતાવરણ શાંત બન્યું. કોઈ પણ પ્રકારના કોલાહલ નહિ બસ નીરવ શાંતિનો અહેસાસ.... મનુષ્યે આધુનિકતાની આંધળી દોટમાં પ્રકૃતિને નુકસાન પહોચાડ્યું હતું તે હવે પ્રકૃતિએ જાણે જાતે જ એનું રૂપ બદલ્યું અને માણસને ઘરમાં ગોંધી દીધો જેથી તે મુક્તપણે પોતાના અસ્તિત્વને માણી શકે.
માનવજીવન પર પણ ચોક્કસ અસર થઈ હતી. ઘણા વર્ષો પછી નિરાંત મળી, પરિવાર સુખ માણવા મળ્યું, હોટલના ટેબલ ખુરશીને બદલે સૌની સાથે નીચે પલાંઠી વાળીને ઘરનું સ્વાદિષ્ટ ભોજન "જંકફૂડ" કરતા વધુ ટેસ્ટી અને સુપાચ્ય અનુભવ્યું.. બહારની દુનિયામાં સુનકાર અને ભયાનક વાતાવરણ હતું તો અંદરના માંહ્યલો લાગણીથી ભરાયેલો લાગ્યો.. કઈ કેટલાના જીવનમાં કોરોનાએ ચહલપહલ મચાવી મૂકી હતી. ઘણા બધા ફાયદાઓ અને નવી વિચારધારા કોરોના વાયરસે લગભગ દરેક મનુષ્યમાં જન્માવી દીધી હતી... આખું જગત એક જ ક્ષણમાં જાણે પરિવર્તન પામ્યું હતું.
આ બધા વિચારોમાં રુહાની પણ કંઈક વિચારી રહી હતી. રુહાની એક સમજદાર અને ઘરરખું તથા સંવેદનશીલ સ્ત્રી હતી. કોરોના વાયરસની ગતિવિધિ અને આઇસોલેશન, હોમ કોરેન્ટાઇન, સોશ્યલ ડિસ્ટન્સ, હેન્ડ વોશ, સેનિટાઈઝર આ બધા શબ્દોનો સારો પરિચય બધેથી મેળવી લીધો હતો. પણ આ સૌમાં એને એક જ શબ્દનું આકર્ષણ વધુ થતું હતું તે હતું "હોમ કોરેનટાઈન.". ખબર નઇ પણ રુહાનીનું ધ્યાન આ શબ્દ ચુંબકની જેમ ખેંચી રહ્યું હતું. આઇસોલેશનમાં વ્યક્તિને અલગ રાખીને સારવાર આપવામાં આવે છે. હોમ કોરેન્ટાઇનમાં ઘરે બધાથી સંપર્ક વગર રહેવાનું. તે વ્યક્તિનું જમવાનું અને બીજું બધું જ એક અલાયદા રૂમમાં.. કોઈ જોવા ન આવી શકે, કોઈ સાથે રહી પણ ના શકે, જરૂરિયાતની ચીજવસ્તુઓ હાજર રાખવામાં આવતી . આમ વ્યક્તિને એકલા જ રાખવામાં આવતા હતા. રુહાનીએ આ બધું ખૂબ ધ્યાનથી વાંચ્યું હતું.
રુહાનીએ જ્યારે આ સ્થિતિ જાણી ત્યારે એના મનમાં એક ચમકારો થયો.. તેને લાગ્યું કે કોરોના વાયરસે તો હમણાં "હોમ કોરેન્ટાઇન" શબ્દ આપ્યો પણ તે તો લગભગ છેલ્લા દસ વર્ષથી "હોમ કોરેન્ટાઇન" જ હતી... રુહાની અને રુચિરના લગ્ન થયે દશ વર્ષ વીતી ગયા પણ એમની વચ્ચે લાગણીઓનું સંક્રમણ ખાસ થયું ન હતું. રુચિર મહત્વકાંક્ષી હોવાથી કામમાં જ વ્યસ્ત રહેતો હતો. રુહાની તેના સમય મુજબ તમામ સગવડ સાચવવા ઘરરખું બની ગઈ હતી. એક પ્રકારની મોનોટોનસ જિંદગી જીવી રહ્યા હતા. પેટની ભૂખની જેમ શારીરિક ભૂખ મિટાય જતી હતી. ઘરની બહાર કામ સિવાય રુહાની જઇ શકતી ન હતી. એટલું જ નહીં તે પોતાના પિયર સુધ્ધા જઇ શકતી ન હતી. રુચિરના માતાપિતા સાથે રહી શકે એમ ન હોવાથી આખા ઘરની જવાબદારી રુહાની એ જ સાંભળવી પડતી. આ બધી જવાબદારીમાં તેને બે ઘડી પોતાના માટે પણ મળતી ન હતી. લગ્નજીવનને કારણે તે ગોંધાયેલા પક્ષી જેવી દશા અનુભવતી હતી. રુચિર પત્નીની જગ્યાએ કામ પ્રસિદ્ધિને મહત્વ આપવામાં પત્નીથી દૂર નીકળી ગયો હતો, તે પતિ તરીકેની અંગત ફરજો પણ વિસરી ગયો હતો. રુહાની ના જીવનમાં રુચિરની જગ્યાએ કામ અને સમય તથા જવાબદારી આવી જતા,તેમની સાથે લાગણી શેર કરતી હતી. આમ બંને એક ઘરમાં જ અલગ જિંદગી જીવી રહ્યાં હતાં.
આમ કરતા, એક દિવસ રુહાનીની જિંદગીમાં પરિવર્તનકારી વળાંક આવ્યો. કદાચ આ વળાંકની કલ્પના પણ તેને ન હશે! કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉનમાં થોડા સમયની છૂટ આપવામાં આવી હતી. તે સમયે રુહાની બજારમાં શાકભાજી લેવા ગઈ પણ સાથે જ તે સંક્રમિત થઈને આવી હતી. પણ આ વાતથી તે અજાણ હતી. શાકભાજીવાળાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેના સંપર્કમાં આવેલા તમામને શોધવાના હતાં.જેમાં રુહાની પણ હતી. શાકભાજીવાળાભાઈ રુહાની ને સારી રીતે ઓળખતા હોવાથી રુહાનીને "હોમ કોરેન્ટાઇન "કરવામાં આવી. આજુબાજુ લોકોમાં એક જાતની ચિંતા અને દહેશત ફેલાય ગઈ હતી. પોતાના જ ઘરમાં કોરેન્ટાઇન થવાની ફરજ પડી. આ વાતથી રુહાનીને કોઈ ચિંતા ન જણાય. તેના મુખ પર એક હળવું હાસ્ય અને આંખમાં ખુશીની એક ચમક દેખાય આવી. આ વાતનો મર્મ રુહાની સિવાય અન્ય કોઈ સમજી શકે એમ ક્યાં હતું ?
તે પોતાની સ્થિતિ માટે મનોમન કોરોના વાયરસનો આભાર માની રહી હતી. કારણ કે હવે પછીના 14 દિવસ રુચિર-ઘર-કામ-જવાબદારી આ બધાથી દૂર થઈને રેહવાનું હતું. તે આ સમયે સંપૂર્ણપણે એકલી અને પોતાની જાતને સ્વતંત્ર અનુભવી રહી હતી. શ્વાસ લઈ રહી હતી. જે લગ્ન પછી "હોમ કોરેન્ટાઇન" થઈને ન મળ્યું એ આજે સંક્રમિત થઈને મળ્યું હતું. તે રુચિરની સાથે જોડાયા પછી પોતાની જાતને અને શોખને પણ ભૂલી ગઈ હતી, પણ આજે કેટલા વર્ષ પછી પોતાની જાતને તે મળી. તેની સાથે "એકાત્મ"સાધવાનો અનેરો અવસર કોઈ પણ પ્રકારના બંધનો વગર મળ્યો હતો. તે ભીતર રહેલી રુહાનીને મળી. રુહાની જે પહેલા આઝાદ પંખીની જેમ ઘરમાં આખો દિવસ કલરવથી સૌને ખુશ કરતી હતી, એ રુહાની જેની કવિતા વાંચવા સૌ આતુર રહેતા, જ્યાં કઈ પણ જોતી , અનુભવતી તેને અચૂક ડાયરીમાં આલેખતી હતી. અને હવે તેને જિંદગીમાં 14 દિવસ, ફક્ત તેની પોતાની જાત સાથે રહીને જીવવાના હતા તેથી તેણે વિલંબ ન કરતા ભીતર રહેલી સર્જનશીલ રુહાનીને વિકસાવી અને પોતાના આઝાદ વિચારોને કલમ કાગળ દ્વારા "હોમ કોરેનટાઈન"ના આકાશમાં મુક્ત રીતે વિહરતા કર્યા.
"સંક્રમિત થઈને "હોમ કોરેન્ટાઇન" થઈ જ્યારથી,
સારું થયું, વિસરાયેલી લાગણીઓ થઈ શુદ્ધ સેનિટાઇઝરથી,
જોયું એક અલગ ભાવવિશ્વ કોરોનાથી,
સધાયું વર્ષોથીરહી ગયેલું "એકાત્મ" પોતાનાથી. "
આમ, રુહાની મળેલા થોડા દિવસ સંક્રમિતજીવનના અનેરા અવસર જેવો થઈ પડ્યો! "હોમ કોરેન્ટનટાઇન"માં સાર્થક રીતે તે "રુહ" ને પામી હતી...!!!
*****