અનુમાન | જાનકી શાહ ‘ડૉલ્ફિન’
હોલીવુડની ઘણી ફિલ્મોમાં શહેર છોડી ગયેલા લોકો બાદ ભેંકાર બનેલા શહેરની વાત આવે છે. ભારતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા અત્યારે તેવી ફિલ્મોના શૂટિંગ માટે આદર્શ સેટ બની ગઈ હોય તેમ પ્રતીત થઈ રહ્યું હતું. આ દુશ્મન જ એવો છે કે તેની સામે લડવામાં નહિ, તેનાથી છૂપવામાં જ ભલાઈ છે. કલાકે-કલાકે મોતના આંકડા આખા વિશ્વમાં એ હદે વધી રહ્યાં હતાં કે તે હવે માત્ર આંકડા લાગતા હતાં, તેની પાછળની સંવેદના ખવાઈ ગઈ હતી.
મિલન પણ છેલ્લા વીસ-બાવીસ દિવસથી સ્વેચ્છાએ કેદી બની ગયો હતો. ઘરમાં રહેવાનું અને તે પણ કેદીની જેમ, તે વળી કોને ગમે? પણ મિલનના અણગમાનું બીજું પણ એક કારણ હતું- સોનાલી. કેટલી સહજતાથી બંને એકબીજાને જાણી ગયા હતાં!
જિંદગીને માણી લેવાના દિવસોમાં સોનાલીનો સાથ માણીને મિલન આખી જિંદગી જીવી ગયો હતો. ‘તું વાળ બાંધેલા કેમ રાખે છે?’ સોનાલીનો બાંધેલા વાળ વાળો ફોટો જોઈને મિલન એ દિવસોમાં પહોંચી ગયો. ‘મિસ્ટર’ સોનાલીએ તેના હાથમાંથી વેફરનું પેકેટ ઝૂંટવતા કહ્યું, ‘તને ખબર છે, વાળ ખુલ્લા રાખવા કેટલી મહેનત કરવી પડે?’ મિલને જવાબ આપવાને બદલે સોનાલીના માથામાં રહેલું બકલ કાઢી નાખ્યું અને તેના હાથમાં મૂકીને કહ્યું- ‘આટલી…’
‘હા મમ્મી…’ મિલને ફટાફટ પોતાની ગેલેરી બંધ કરી અને એ સંબંધને ફરી વખત પોતાની દુનિયાથી, પોતાની મમ્મી રેખાબહેન અને પિતા મનોજભાઈથી છૂપાવ્યો. રેખાબહેન ખાવા માટે બોલાવવા આવ્યાં હતા. ‘વાહ! મસાલા ઢોંસા…જલસો…જલસો…’ પોતાની મનપસંદ વાનગી જોઈને મિલનની આંખો ચમકી ઉઠી. મિલને ઊભા થઈને કહ્યું, ‘તું દુનિયાની શ્રેષ્ઠ મમ્મી છે.’ રેખાબહેનને પોતાના છોકરાના શબ્દો પહેલા તો ગમ્યા પણ પછી કંઈક યાદ આવતા, કંઈક બહાનું કાઢીને જતા રહ્યાં. લોકડાઉનમાં મિલન ત્રણ-ચાર દિવસે એક વખત યાદીમાં લખ્યું હોય એ મુજબ શાક લઈ આવતો. ઘણી વખત થોડું બગડેલું હોય કે પછી કોઈક વખત વાસી. અને પછી તેના ફોટા પાડીને સોનાલીને મોકલતો.
પ્રેમીઓ માટે રાત એ સવાર હોય છે. મિલને આજે પણ ફોટા પાડી રાખ્યા હતા. મિલને ‘હાય’ ને બદલે માત્ર લાલ રંગના દિલનું ઇમોજી મોકલ્યું. બસ, થોડી જ વારમાં સોનાલીએ બે દિલવાળું ઇમોજી પાછું મોકલ્યું અને વોટ્સએપને ફરી વખત બે પ્રેમીઓને મળાવવા માટે પુણ્ય મળી ગયું. પ્રેમમાં ન હોય તેવી વ્યક્તિઓને પ્રેમીઓની વાતો મતલબ વગરની લાગે છે. બરાબર છે, મતલબી દુનિયામાં એક સાફ સંબંધની વાતો મતલબ વગરની જ હોય ને? મિલને સોનાલીને આજના પરાક્રમના ફોટા મોકલ્યા. થોડીવાર રહીને સોનાલીએ તેને ડિસલાઇકનું ઇમોજી મોકલીને મેસેજ કર્યો- હું તારી સાથે લગ્ન એ જ શરત પર કરીશ કે તું શાકભાજી લેવા ક્યારેય નહીં જવાનું વચન આપીશ. મિલને મોકો જોઈને પૂછી જ લીધું- તો બાત પક્કી?
શહેરને સલામત રહેવા ખરેખર જ કોઈ ચમત્કારની જરૂર હતી. જે રીતે લોકો મરી રહ્યાં હતાં, કદાચ માણસાઈ મરી રહી હતી. અંતિમ-સંસ્કાર વગર દફન કરતી લાશ સૌના મનમાં ઘેરા પ્રત્યાઘાત પાડી રહી હતી. રેખાબહેન આ ખબર સાંભળીને ખૂબ જ વિચલિત થઈ ગયા હતા. ‘શું થયું?’ મનોજભાઈએ ટી.વી.નો અવાજ બંધ કરતા પૂછ્યું. રેખાબહેને એ જ વાત ફરી કરી. ‘એની કંઈ જરૂર નથી અને બધું બરાબર ચાલે છે.’ મનોજભાઈના અવાજમાં કરડાકી હતી. ‘પણ આ માહોલ તો જૂઓ. કાલે ઉઠીને કદાચ આપણને જ…’ રેખાબહેને વાક્ય અધૂરું છોડી દીધું.
‘માય ન્યુ હેરસ્ટાઈલ’ બીજે દિવસે સવારે સોનાલીએ પોતાની નવી હેરસ્ટાઈલનો ફોટો મોકલ્યો. તેમાં તે નહાઈને બહાર આવી હતી અને ડ્રાયરથી વાળ સુકવતી હતી. હવામાં ઉડતા તેના વાળ આઝાદીના પ્રતીક જેવા હતાં. મિલને કંઈ જવાબ આપ્યો નહીં તેથી ‘?’ વાળો મેસેજ આવ્યો. શરારત કરતા મિલને જણાવ્યું, ‘ડ્રાયરની સ્પીડ જરા વધાર ને…’ સોનાલીને સમજતા થોડી વાર લાગી પણ જયારે તેને ખબર પડી કે તે ટોવેલમાં છે, માટે મિલને આમ કહ્યું તો તે શરમાઈને ઓફલાઇન થઈ ગઈ. મિલન હસતો રહ્યો. સોનાલીને હેરાન કરવાનો એક મોકો છોડવો તેને મંજૂર ન હતો.
‘ઓહ મમ્મી’ હેન્ડ્સ-ફ્રી શોધતા શોધતા બેઠક ખંડમાં આવેલા મિલને જૂની ફિલ્મ જોતા મમ્મી-પાપાને અણગમાથી જણાવ્યું, ‘આઇ હેટ સચ મુવીઝ. છોકરાને ખબર પડે કે તેના મા-બાપ તો કોઈ બીજા છે અને પછી તે શોધવા નીકળે અને પછી તું રડે…’ રેખાબહેન અને મનોજભાઈ એકમેકની સામે જોઈ રહ્યાં. ‘હવે એને કેમ સમજાવું કે…’ રેખાબહેન વાક્ય પૂરું કરી શક્યા નહીં અને મનોજભાઈએ તેને સંભાળી લીધી.
‘હાય સોનુ…’ પ્રથમ રેડ હાર્ટનો મેસેજ ડ્રોપ કર્યા બાદ મિલને તરત બીજો મેસેજ કર્યો. પણ આ વખતે સોનાલીએ ગુસ્સાનું ઇમોજી મોકલ્યું. ‘હવે શું થયું? આટલે દૂરથી મેં તને નારાજ કરી દીધી?’ મિલને પ્રશ્ન પૂછ્યો. અને સોનાલીએ તેને ફરી વખત યાદ કરાવ્યું. છેલ્લા કેટલાય સમયથી સોનાલી ઈચ્છતી હતી કે મિલન તેના માતા-પિતા સાથે એને મળાવે અને તેમના સંબંધ વિશે વાત કરે. ‘પણ લોકડાઉનમાં…’ મિલને પ્રશ્ન પૂછવાની હિંમત કરી. ‘આન્ટીને કરું વિડિઓ કોલ?’ આજે સોનાલી પણ ધમકીના મૂડમાં હતી. મિલન એક ખાસ સમય જોઈને પોતાની જિંદગીનું આ એકમાત્ર રહસ્ય કહેવા માંગતો હતો.
‘ખાસ સમય? ક્યારે આવશે? એ પહેલા અંતિમ સમય આવી ગયો તો?’ આજે રેખાબહેન ગુસ્સામાં હતા. તે બંને પણ એ અવઢવમાં હતા કે હવે પોતાની જાતને સંભાળી શકતા મિલનને એ વાત કહી જ દેવી જોઈએ. અંતે, તે માટે આવતીકાલનો દિવસ નક્કી થયો. પુત્રને આ વાતથી કેવી રીતે અવગત કરાવવો તે અંગે જાણવા મનોજભાઈએ યુ-ટ્યુબને કામે લગાડી દીધું. બીજી તરફ, આખી રાત જાગીને મિલને સોનાલી પોતાના જીવનમાં શું છે, તે વર્ણવતો પત્ર પોતાના માતા-પિતા માટે લખ્યો.
‘એગ્રેસીવ ટેસ્ટીંગ’ સ્ટ્રેટેજી હેઠળ શક્ય એટલા વધુ સેમ્પલીંગ કરવાની નીતિ નક્કી થઈ. તેમાં મિલનની સોસાયટીનો નંબર આવ્યો. સાંજે સોસાયટીમાં અચાનક કોલાહલ વધી ગયો. વાતાવરણમાં અચાનક ગમગીની ફેલાઈ ગઈ. સમાજ માટે ખતરો હોય એ રીતે જયારે પોતાના પુત્રને એમ્બ્યુલન્સમાં લઈ જવાતો જોયો ત્યારે રેખાબહેન તૂટી પડ્યા. કાલ સુધી પોઝિટિવ મિલન આજે કેવી રીતે એકાએક કોરોના પોઝિટિવ થઈ ગયો? શહેરના જે દવાખાના પાસેથી રોજ તે બેફિકર પસાર થતો હતો તે દવાખાનામાં આજે તેને આઈસોલેટ કરાયો હતો. તેના તમામ સ્વપ્નો જાણે બહાર રહી ગયા, પાછળ છૂટી ગયા.
એક અજાયબ કશ્મકશ હતી જિંદગી અને મોત વચ્ચે. એક અજાયબ કશ્મકશ હતી સત્ય અને અસત્ય વચ્ચે. એક અજાયબ કશ્મકશ હતી મમતા અને મહોબ્બત વચ્ચે. સોનાલી વિશે મિલનના પરિવારને તો મિલનની હાલત વિશે સોનાલીને ખબર પડી ગઈ હતી. મિલનને ખોટો ડર હતો. રેખાબહેનને સોનાલી પસંદ હતી. ‘ના બેટા’ સોનાલીએ મિલન વિશે પૃચ્છા કરવા આજે આઠમાં દિવસે દસમી વખત ફોન કર્યો હતો, ‘કંઈ ખબર પડતી નથી…’ હકીકતે, એક મા નિરાશાને પોતાનાથી દૂર રાખવા માંગતી હતી.
આ આઠ દિવસોમાં તેમણે શું શું નથી કર્યું? તેને સત્યથી વાકેફ કરવો જોઈએ કે નહીં એ જ પ્રશ્ન જે મળ્યા એ સૌને પૂછ્યો છે- સગાવ્હાલા, પડોશી, ડૉક્ટર, નર્સ, દર્દી, પોલીસ, સંત, ભગવાન, સોનાલી, રસ્તે આવતા જતાં અજાણ્યા ચહેરા અને કોણ નહીં?
મિલનની હાલત બગડી રહી હતી, બદથી બદતર થઈ રહી હતી. સોનાલી સાથે જીવાયેલી પળોની યાદો કદાચ હજી લડત આપી રહી હતી. એક દિવસ સોનાલી સાથે કંઈક ઝઘડો થઈ ગયો હતો અને તેને મનાવવા છતાં તે માનતી નહોતી. મિલન પણ તેની પાછળ-પાછળ કેન્ટીન ગયો અને ત્યાં સેન્ટરમાં જઈને સોનાલી તરફ ઈશારો કરીને મોટેથી ગાવા લાગ્યો- ‘મિલન અભી આધા અધૂરા હૈ...મિલન અભી આધા અધૂરા હૈ…’ સોનાલી શરમાઈ ગઈ અને તેના મોં પર હાથ મૂકીને તેને ત્યાંથી લઈ ગઈ. મિલનની આંગળીઓમાં સ્પંદન થયું.
તમામ કાયદાઓને પોતાની મમતા આગળ નાના અને બેઅસર કરી, મિલનને મળવાની મંજૂરી મેળવી લીધી. હા, કેટલાય પ્રતિબંધ હતા જેમ કે, અંતર, વચ્ચે પ્લાસ્ટિકનો પડદો પણ તે મમતાના પ્રવાહને રોકી શકવાના ન હતા. ડૉકટરે મનોજભાઈને હાલત ગંભીર હોવાનું જણાવ્યું. પણ કદાચ ડૉક્ટર ખોટું બોલ્યા. કારણ કે, હાલત હવે ગંભીર જ નહીં, સુધારો શક્ય ન હોય તેવી હતી.
‘મમ્મી…’ મહામુશ્કેલીએ મિલન એટલું બોલી શક્યો. તેની આંખોમાં આંસુ હતાં. શું આ સમયે પણ તેને સત્ય કહેવું જરૂરી હતું? કે પછી મોત સમયે પણ તેને અંધારામાં રાખવો ઉચિત છે? ‘સો…નાલી…’ ફરી મુશ્કેલીથી તેણે પ્રશ્ન પૂછ્યો. ‘રેડ…રેડ ઝોન’ મનોજભાઈએ મોબાઇલ સરકાવ્યો. સોનાલીએ વિડીઓ કોલ કર્યો. મિલનના ચહેરા પર ખુશી સ્પષ્ટ વાંચી શકાતી હતી પણ તે ખુશી શબ્દોમાં વ્યક્ત થાય એટલી તાકાત મિલનમાં ન હતી.
‘હેય’ સોનાલી મુશ્કેલીથી આંસુ છુપાવતી હતી, ‘તું ખોટો જ ડરતો હતો. તારી મમ્મીને હું પસંદ છું.’ કહીને સોનાલીએ પોતાનું બકલ કાઢી નાખ્યું. તેના આઝાદ થયેલા વાળ જોઈને હસતો રહ્યો…અશક્તિના કારણે મોબાઇલ હાથમાંથી પડી ગયો.
‘બે…બેટા…’ મનોજભાઈએ તમામ હિંમત ભેગી કરી, ‘એક, એક વાત કહેવી છે. કહેવાની ક્યારેય હિંમત થઈ નહીં પણ કહેવી તો પડશે જ.’ રેખાબહેને મનોજભાઈનો હાથ પકડ્યો. ‘બેટા’ મનોજભાઈ બોલી ગયા, ‘અમે નથી ઈચ્છતા કે તું અંધારામાં રહે. તું અમારો પુત્ર જરૂર છે પણ અમે તારા મા-બાપ નથી. અમે તને મા-બાપ જેટલો જ પ્રેમ કર્યો છે પણ…પણ…તું દત્તક છે દીકરા’ મનોજભાઈ માંડ આટલું બોલી શક્યા.
સામેથી કોઈ પ્રતિભાવ આવ્યો નહીં કે ના કોઈ હલન-ચલન થઈ. ડૉકટર આવીને તપાસી ગયા. કોરોનાથી મોતના આંકડામાં એકનો વધારો થયો હતો. ‘પણ…તે…’ ઘણાં વખત પછી બોલી શકેલ રેખાબહેને રડતાં-રડતાં પ્રશ્ન પૂછ્યો, ‘તેણે સાંભળ્યું કે નહીં?’
કેટલાય સવાલોના કોઈ જવાબ નથી હોતા, માત્ર અનુમાન હોય છે.
*****