એક વણ લખાયેલી ડાયરી | હસમુખ કે. રાવલ
02-04-20
ચૈત્ર સુદ નોમ, રામનવમી
આજે રામનવમી. અમારા રામ રસોડામાં છે. ના, તેમના હાથમાં ધનુષ્ય-બાણ નથી, તવેથો-સાણસી ધારણ કર્યાં છે. હું સીતા નહીં રસીલા છું. ખુશખુશ.
15-04-20
ચૈત્ર વદ આઠમ ,કાલાષ્ટમી
મસ્ત મોબાઈલ અપાવ્યો છે, મારાભાઈએ. બોલીએ એટલું લખાઈ જાય 😁😁
એ બોલ્યા : મંગાભાઈ ટહુકો કરે 'રતિભાઈ ! ', એટલે તારે ચા પીવા બોલાવાના. આખા ગામમાં રખડે છે
હું : તે રતિભાઈ, તમે ય ક્યાં ઓછા છો . માર ખાવો પણ માવો તો ખાવો ખાવો ને ખાવો જ.
23-04-20
ચૈત્રી અમાસ
તાવમાં ધખતા હતા તોય મંગળભાઈ અને અમારા એમને જીપમાં નાખી સિવિલમાં લઈ ગયા. તુલસીનો ઉકાળો ગેસ પર ઉકાળતો રહ્યો ને ઘરની જેલમાં હું એકલી...
30- 04 -20
વૈશાખ સુદ સાતમ ગંગા ઉત્પત્તિ-પૂજન.
જગત ભરનાં પૈડાં બંધ છે. ધોઈને સૂકવ્યું હોય એવું બેદાગ આકાશ. ભેંકાર રાતમાં મારી માળાના મણકા ફરે છે ને જીભ 'રતિભાઈ રતિભાઈ' રટે છે.
04-05-20
વૈશાખી મોહિની એકાદશી
આજે ઘણા વર્ષે વહેલી સવારે કોયલ બોલી , સૂરજ સાથે મોર આવ્યો ને આંગણામાં કળા કરી, બપોરે ઝાડ પર વાંદરાંની હૂપાહૂપ ચાલી. નિરવ રાતમાં કાન દઈને સાંભળ્યું તો ઘર પાછળની કલકલ નદી પણ મારી જેમ જાગતી હતી..
05-05-20
વૈશાખ સુદ, તેરસ, ક્ષયતિથિ
હાય હાય મંગાભાઈ... એમની ઘરવાળીની હાય હાય સંભળાઈ. હાય હાય... મારો પડીકે બંધાયેલો આકળવિકળ જીવ ...
07-05-20
વૈશાખી પૂર્ણિમા, બુધ્ધ પૂર્ણિમા
ધરમાં દોટંદોટ કરું પણ નારિયેળ ક્યાંથી લાવું . દીવો કર્યો. આરતી ઉતારી. અમે હસ્યાં. પછી એ એમના રૂમમાં ને હું મારા રૂમમાં .
મધરાતે એમનો ફોન આવ્યો : પાછલી બારી ઉઘાડ. પૂનમનો ચાંદો છે .🌝
મેં કહ્યું : એ બધું જોતી હું જાગું છું ને કોયલના ટહુકા સાંભળું છું. અરે, જૂઓ જૂઓ , પેલી હંસોની હાર પણ ઊડે છે !
*****
અજ્ઞાતવાસ ઊર્ફે (સંસર્ગ નિષેધ) Quarantine ઊર્ફે સ્થગિત સમય
મત્સ્ય દેશની રાજનગરી વિરાટનગર.
વિરાટનગરનું આ વિરાટ ગેસ્ટ હાઉસ છે. બે માળનું ખખડધજ બિલ્ડિંગ . લાકડાનો દાદરો. ઘસાઈ ગયેલાં પગથિયાં. પહેલા માળે ચડતાં જ મોટી ગેલેરી. તેમાં છ ફૂટનું લાંબું ટેબલ. સામસામે બે ખુરશીઓ. લાકડાની ખુરશી મેનેજર વિરાટ શેઠની. પ્લાસ્ટિકની ખુરશી ગ્રાહકની, જે મોટે ભાગે ખાલી રહેતી. ગેલેરીના લાંબા હાથ હોય એવી ફેલાયેલી બે વીંગ. ડાબી વીંગમાં મોટો હોલ. તે ગેસ્ટ હાઉસની ડોરમેટ્રી. જમણી બાજુની વીંગમાં વિરાટ શેઠનું રહેઠાણ.
ડોરમેટ્રીમાં ખાંડાબૂચા બાર પેટી પલંગ. તેમાં વાપરવા જોગ છ પલંગ. બીજા છ રીપેર થવાની આશાએ ખૂણામાં ઊભા છે. ભાડું ગામ કરતાં ઓછું, કહોને અડધું. રેલવેસ્ટેશન, બસ સ્ટેન્ડ પાસે. એ સુવિધા સાથે માંકણની સુવિધા પણ ખરી. આવા ગેસ્ટ હાઉસમાં કોણ આવે જોકે આડે દાડે ગામડેથી માલ લેવા ફેરિયા આવતા. ચણા ખાઈ નોકરીનું ઈન્ટરવ્યુ દેવા બેકારો આવતા. મદારી, જાદુગર, બહુરુપી આવતા, નુક્ક્ડ નાટક કરનારી મંડળીઓ અહીં ઉતરતી.
વિરાટ શેઠનો ઉજળો ઈતિહાસ. એમને આખું મહાભારત જાણે. મસ્ત્ય દેશના આ મહારાજા. એમના નામ પરથી રાજધાનીનું નામકરણ થયેલું. મહાભારત અમર છે તેમ તેમાં આવતાં સ્થળ, પાત્ર અને તેમના રાગદ્વેષ પણ અમર છે.
જુઓને, કૃષ્ણ જેવા કૃષ્ણ પણ દુર્યોધન-શકુની-દુશાસનની હઠીલી મંડળીથી થાકી ગયા છે. એમને યુધ્ધ ટાળવું છે. એટલે સમયને જ અજ્ઞાત વાસમાં લોક-આઉટ કરી દીધો છે. વનવાસનું તેરમું વર્ષ અટકી ગયું છે. કેલન્ડરનાં લાખો પાનાં ભલે ફાટે જાય પણ તેરમું વર્ષ હટતું જ નથી.
સમયનો માર તો બધાંએ ખાવો જ પડે. હિંદુકુશમાંથી આવતાં યવનોનાં ધાડાં, દરિયા પાર કરી આવેલાં ગોરાં ધાડાં. રાજરજવાડાં લૂંટાતાં જ રહ્યાં. આઝાદી પછી રજવાડાં સાલિયાણાંનો કોળિયો ખાતાં થઈ ગયાં. વળી પડતામાં પાટું, સાલિયાણાં છિનવાઈ ગયાં. રાજાઓને પણ પેટ તો પાળવું પડેને. બીજા રાજમહેલોની જેમ પાંચ માળિયો વિરાટ રાજમહેલ પણ ફાઈવસ્ટાર હોટેલમાં ફેરવાઈ ગયો. એ સ્થિતિ ય લાંબી ન ટકી. આજે એ જ વિરાટ મહેલ બે માળનું વિરાટ ગેસ્ટ હાઉસ બની ગયું છે.
બાર વરસના વનવાસનો માર ખાઈ પાંડવો પૈસૈ ટકે ખુવાર થઈ ગયા છે. અજ્ઞાતવાસના અનંત મહાકાળ સમું આ તેરમું વર્ષ પસાર કરવા તેમને આ સસ્તી પણ ખાનદાની જગા અનુકૂળ પડી.
એક વખત ખુરશીમાં બેઠા બેઠા વિરાટ શેઠ એકલા એકલા બાજીનાં પત્તાં રમતા હતા ત્યારે એક સ્ત્રી સાથે પાંચ પુરુષ પ્રગટ થયા.
સૌથી આગળ મોટોભાઈ ઊભો હતો. તેણે વાતચીત શરું કરી.
-શેઠ, રહેવાની જગા ખપે.
શેઠ છએ નમૂના જોતા રહ્યા.
-ક્યાંથી આવો છો
-બાપા, આમ તો દલ્લીના. પણ સદીઓથી વતન છૂટી ગયું સે.
-આધાર કાર્ડ છે ? બતાવો.
છએ જણાંએ ખિસ્સાં પોટકાં ફેંદી આંધારકાર્ડ શેઠ સામે ધર્યાં. શેઠ બધાં કાર્ડ લઈ એક પછી એક વાંચવા લાગ્યા.
-હં. કનકા. કનકા કોણ ?
-એ હું. મોટકો.
-કામધંધો ?
- રજવાડાં અને મહાજનોની દીવાનગીરી કરું. નિરાંતના સમયે કથા-વાર્તા કરું.
-તંતીપાલ ?
-હું. હું છોટકો. હું ગોપાલક.
-જયશ્રી કૃષ્ણ.
-જય શ્રી કૃ।ણ. અમે બધા કૃષ્ણભક્ત. હું ગોવાળિયો. આજકાલ વિરાટ ડેરીમાં નોકરી કરું છું ને દૂધનો સ્વતંત્ર ધંધો પણ કરું છું.
-વલ્લભ ?
-એ હું વચોટ. મધ્યમ. રસોઈના ઓર્ડર લઉં છું. લોકો કેટરર કહે છે. મારું કાર્ડ છે. જૂઓ. (કાર્ડ આપી) નગરશેઠના દીકરાના લગનનો કોન્ટ્રેક્ટ મારો છે.
-બૃહન્નલા ? તમારી જેન્ડર વિચિત્ર છે. નહીં નારી નહીં નર ?
-હું નૃત્ય સમ્રાટ. કોરિયોગ્રાફર. તાક્ ધીનકધીન ધા. હું પણ નગરશેઠના ત્યાં નૃત્ય શીખવું છું.
-ગ્રંથિકા ?
-હું અશ્વપાલ. ઘોડા દોડાવતો હતો. આજકાલ કાર દોડાવું છું. મિકેનિક પણ ખરો. નીચે તમારી જૂની કાર પડી છે. કહો તો ચાલું કરી દઉં.
- ઓકે ઓકે, બાઈ, તું સૈરન્ધ્રી ?
-હા. હું નર્સ છું. વિરાટ હોસ્પિટલમાં સર્વિસ કરું છું. બ્યુટિશિયન પણ છું. મેંદી પણ મૂકી જાણું છું.
-બાઈ, આ પુરુષો તારા શું સગા થાય ?
-મારા પતિ થાય.
-શુંઉઉઉઉ, બાઈ તું શું બોલે છે ?
શેઠ આશ્ચર્યમાં પડી ગયા
પેલા પાંચે એક સાથે બોલી ઉઠ્યા
-હા, એ અમારી પત્ની છે.
- તો તો તમે પાંડવ કહેવાઓ.
પાંચે એક સાથે બોલ્યા
-હા હા ના ના ના , શેઠ. અમારે દલ્લી બાજુ પાંચ પતિનો રિવાજ છે.
શેઠ હસી પડ્યા પછી ગંભીર થઈ બોલ્યા
-જુઓ ભાઈઓ, અહીં ડોરમેટ્રીની સગવડ છે. ત્યાં પુરુષોએ રહેવાનું. અમે વૃધ્ધ પતિપત્ની છીએ. બાઈ સૈરંધ્રી અમારી સાથે રહેશે. બોલો, છે મંજૂર મંજૂર હોય તો રજીસ્ટરમાં સહી કરો ને એડવાન્સ પેમેન્ટ કરો. ઓકે?
0 0 0
ઝગમગ ઝગમગ ઝગમગ ઝગમગ
રંગબેરંગી રોશનીથી હવેલી ઝગમગતી હતી.
નગરશેઠ નગીનદાસનો દીકરો પરણતો હતો. ગણેશ સ્થાપનાને પંદર દિવસની વાર હતી. તોય સાંજ પડે લોકોની અવરજવર વધી જતી.માંડવો બંધાતો. લાઈટો નંખાતી. ચા કોફી નાસ્તા આખો દિવસ ચાલતા. સાઉન્ડ સીસ્ટમ અલાઉ અલાઉ માઈક ટેસ્ટીંગ વન ટુ થ્રી ફોર બોલ્યા કરતી. શરણાઈના ધીમા સૂર રેલાતા રહેતા. બપોરથી સ્ત્રીઓ, છોકરીઓ બાળકોથી હવેલી ઉભરાવા માંડતી.હતી. સાંજ પડે નોકરી-ધંધો પતાવી પુરુષ વર્ગ આવવાનું શરુ કરતો. માંડવા નીચે સોફા ભરાવા માંડતા. વાતોનાં વડાં થતાં. ટીવી-છાપામાં આવતા વુહાન કોરેના વાયરસથી ચીન, યુરોપ-અમેરિકામાં થયેલી મરણ સંખ્યાની ગણતરીઓ મંડાતી. આવનારા ખરાબ સમયની આગાહીઓ થતી. સાથે સાથે મિષ્ટ નાસ્તા અને ઠંડાંપીણાંનો દૌર ચાલું રહેતો.
અંદરના હોલમાં ઘોંઘાટ વચ્ચે મહિલાસંગીતની તૈયારીઓ થતી હતી. દરેક પોતાના મનપસંદ ગીતની પેનડ્રાઈવ ઓપરેટરને આપતું ને ધમધમાધમ સંગીત સાથે જાતજાતની વેશભૂષામાં છોકરીઓ, સ્ત્રીઓ ક્યારેક એકલી તો ક્યારેક સમુહમાં તાલ સાથે નાચતી હતી. કોરિયોગ્રાફર બૃહન્નલા સર ઝીણવટથી જોતા ને ન ગમે તો સ્ત્રૈણ સ્વરમાં નો નો નો નો કરતા સંગીત બંધ કરાવી દેતા. લટકાં કરી સૂચનાઓ આપતા, જાતે નૃત્યની મુદ્રાઓ કરી બતાવતા. સ્ત્રીઓને તેમનું આ રુપ ગમતું. ક્યારેક જીદ કરી તેમની પાસે જ ગીત સાથે નૃત્ય કરાવતી. બૃહન્નલા સર ઓઢણી ઓઢી નૃત્ય કરતા ત્યારે માંડવે બેસેલા પુરુષો પણ હોલમાં આવી જતા ને મજાની ભીડ જામી જતી.
બધાં થાકે ત્યારે વલ્લભ મહારાજના નામની બૂમ પડે. વલ્લભ મહારાજ ખૂબ જાડા. સાક્ષાત ભીમ. તેમની ટીમ સાથે હાજર થઈ જાય નાસ્તા કોલ્ડડ્રીંક સર્વ થાય.
ધીમે ધીમે નાતીલા વીખરાય પણ ઘરનાં ને બહારગામથી આવેલાં સગાં સૂરબાલાનો પીછો ન છોડે. એક માંડ ઊઠે ત્યાં બીજી ત્રણ બાઈઓ મેંદી મૂકાવા તૈયાર થઈ જાય. ધક્કામુક્કી ય થઈ જાય.
હવે ખાલી માંડવામાં પંખા નીચે વિરાટ શેઠ એકલા સામસામી બે ખુરશીમાં શરીર ઢાળી આંખો મીંચી કંટાળાને ઊંઘાડતા હોય. તેમનાં નસકોરાંથી પહેરેલો માસ્ક ઊંચોનીચો થતો હોય. તેમનાં પત્ની સુદેશના સૈરન્ધ્રીની રાહ જોતાં આઘાંપાછાં થયે જાય. ક્યારેક બોલે યે ખરાં : હવે છોડો બિચારીને. નર્સ છે. સવારે પાછું એને હોસ્પિટલ જવાનું છે.
મોડેથી શેઠશેઠાણી અને સૈરન્ધ્રી હવેલી બહાર નીકળે. દૂધના છકડાવાળા તંતીપાલ સાથે આઈસક્રિમ ખાતા શાંતિલાલ ડ્રાઈવરને હાક મારે ને ગાડીમાં રવાના થાય. તંતીપાલને પણ વધારે રાહ જોવી ન પડે. એય હોર્ન વગાડે. વલ્લભ મહારાજ અને ડાન્સ કોરિયોગ્રાફર બૃહન્નલા પણ બહાર આવે. ધડઘડ ધડધડ છકડો ચાલું થાયને ધુમાડો આંકતો અંધારામાં ઓગળી જાય.
હવેલીની લાઈટો બૂઝાવા માંડે. પણ છત પરની રોશની ઝગમગ ઝગમગ થયા જ કરે.
0 0 0
પણ અચાનક અંધારું થઈ ગયું. નગરશેઠની હવેલીમાં નહીં, આખા દેશમાં. આખા દેશમાં શરણાઈ વાગતી બંધ થઈ ગઈ. તહેવારોનો ઉત્સાહ ઓગળી ગયો. ને દરેકના મોઢા પર માસ્કની પટ્ટીઓ લાગી ગઈ. વડાપ્રધાને એકાએક પૂરા દેશમાં એકવીસ દિવસનો લોકઆઉટ જાહેર કરી દીધો. ત્યારથી વોહાનસૂત કોવિડ-19નો સાંઢ વિમાન, રેલવે-બસના રસ્તા રોકીને બેસી ગયો. વાહનો દુકાનો ફેક્ટરીઓ બધું ઠપ. માણસો ક્યાંક અજ્ઞાતવાસમાં ગરી ગયા. રસ્તા પર એક પડછાયો ય જોવા ન મળે. દુનિયા કોરોનાનો ખૂણો પાળીને બેસી ગઈ.
0 0 0
સંસર્ગ નિષેધના દિવસો આવ્યા..
ટ્રક, બસ, કાર, બાઈક ને સ્કૂટર જાણે વાડામાં પૂરેલાં હાથી, ઊંટ, ગાય, બકરાં ને ઘેટાં.
નથી ટ્રેનોનો ગડગડાટ કે નથી વિમાનોની ઉડાન.,
શાંત ધરતી, સ્વચ્છ આકાશ, શુધ્ધ હવા, નિર્મળ નદી, વર્ષોથી સંતાઈ ગયેલા ડુંગરા દેખાવા લાગ્યા.
પણ ચોમેર સન્નાટો.
સન્નાટાભરી વહેલી સવારમાં બૃહન્નલાનો દર્દિલો અવાજ જાગી જતો. :
યે જમીન સો ગઈ, આસમાન સો ગયા
સો ગયા પ્યાર કા સુહાગ
જાગ દર્દે ઈશ્ક જાગ
દિલ કો બેકરાર કર...
પાંચે ભાઈઓ વહેલા ઉઠી જતા. નિત્યકર્મ પતાવી આસન-યોગ-પ્રાણાયામ કરતા.
આજે સૂરજ ઊગ્યો એટલે વિરાટ શેઠ દૂધ નાસ્તો લઈ આવ્યા ને નિસાસો નાખ્યો : સૈરન્ધ્રી પાંચ દિવસથી હોસ્પિટલમાં જ છે. સુદેશના એકલી થાકી જાય છે.
તેમનું વાક્ય પૂરું થયું ને માળા ફેરવતાં સુદેશના પણ આવી ગયાં.
વચોટ કહે, માતાજી, શું કામ થાકી જાઓ છો રસોડું મને સોંપી દો.
મોટકાએ સૂર પૂરાવ્યો – હા, માતાજી, કાલથી રસોડું વચોટ સંભાળશે.
-ઠીક છે, ઠીક છે, કાલની વાત કાલ. કોણ જાણે કાલ કેવી ઉગશે. માસ્ક માટેના ધોયેલા આ ગમછા બાથરુમમાં જ હતા. સાવ ભૂલકણા.
ગમછા વહેંચતાં સુદેશનાદેવી ઢીંચણ દબાવતાં બેસી ગયાં. સૌની તરફ નજર ફેરવતાં વળી બોલ્યાં
- અરે વાહ, તમે તો પૂરેપૂરું સોસિયલ ડીસ્ટન્સ જાળવીને બેઠા છો. હોલમાં આપણે કેવાં લાગીએ છીએ. જાણે આકાશમાં સપ્તર્ષિના સાત તારા. તો કથાવાચક કનકાજી, કાલની વાત આગળ વધારો.
-સાંભળો. દ્યુતમાં યુધિષ્ઠિર પાંચાલીને હારી ગયા. દુર્યોધન તેના આનંદની ચરમ ક્ષણે કાબુમાં ન રહ્યો. બોલ્યો : દુશાસન, દૌપદીને રાજ દરબારમાં ઘસડી લાવો.
ત્યાં કોઈના રડવાનો અવાજ સંભળાયો. દાદરાનાં પગથિયાં ધબધબ ધબધબ... ધણધણ્યાં. બધાં ગેલેરીમાં દોડી આવ્યાં.
આ તો ફાટેલાં વસ્ત્રોમાં લોહી ટપકતી સૈરન્ધ્રી.
-મા, મા...
-શું થયું એ તો બોલ.
-મારી જ નાખવાના હતા.
સુદેશના તેને બાથમાં લેવા ગયાં.
-ના, મા, ના. મને અડતાં નહીં. અહીં દાદરા પર જ પડી રહેવા દો.
એટલામાં વચોટ વલ્લ્ભ પાણીનો ગ્લાસ લઈને આવ્યો. જમીન પર મૂક્યો. પાણી પી કળ વળતાં સૈરન્ધ્રી બોલી, - અમે ડોક્ટર અને પોલિસ ટીમ સાથે સંતાયેલા દરદીઓને તપાસી, સમજાવી હોસ્પિટલમાં લાવવા ગયેલાં. ત્યાં ટોળાં ઉમટી પડ્યાં. અમારા પર હુમલો થયો. લાકડી-ધારિયાંનો મારને અગાસીઓમાંથી પથ્થરનો વરસાદ.
અમે જીવ લઈને ભાગ્યાં. અમે આગળ એ પાછળ...
-બેટા, ભગવાનનો પ્હાડ માન. બચી ગઈ. ચાલ બાથરુમમાં ચાલ. ડીટોલથી ઘા સાફ કર. ગરમ પાણીમાં કપડાં પલાડી નાહી લે.
સૈરન્ધ્રી સુદેશના તેમના રુમમાં ગયાં. ત્યાં નીચેથી પડકાર આવ્યો : દુનિયાના બાયલાઓ, સંતાઈ શું ગયા છો. બહાર આવો બતાવી દઉં.
નીચે ઊભો રહી એક ગદાધારી યોધ્ધો પડકાર ફેંકતો હતો.
ગેલેરીમાંથી જોતા ભાઈઓ તેને ઓળખવાનો પ્રયત્ન કરતા હતા.
-અવાજ તો દુર્યોધનનો છે..
-ના ના. ચહેરો જુઓ. દુશાસન લાગે છે.
-ભાઈ, એની ચાલ જોઈ? લંગડો શકુની લાગે છે.
-ગમે તે હોય, રંજાડનારો દુષ્ટ છે.
બધા વાતો કરતા રહ્યા ને પોટકામાં સંતાડેલી ગદા લઈ વચોટ મધ્યમ દાદરા કૂદતો નીચે દોડ્યો.
-ઠીક લાગ આવ્યો છે. મોટાભાઈ, આજે હિસાબ થઈ જાય
વિરાટ શેઠ કાકલૂદી કરે
-રહેવા દે, ભાઈ. કોરોનાનો કારમો કાળ છે. પાગલ થઈ રસ્તા પર ન દોડાય.
પણ સાંભળે કોણ?
મેદાનમાં ગદાઓ ટકરાઈ. ગદાયુધ્ધ ચાલ્યું.
મોટકો કનકાજી ઉપરથી ઈશારા કરે ને સલાહ આપે.
-મધ્યમ, કીપ ડીસ્ટન્સ. દો ગજ દૂર. લડ પણ અડતો નહીં.
વચોટ એ પ્રમાણે પેંતરા બદલે ને હરીફને હંફાવે.
છેવટે હરીફનો મુગટ જમીન પર પડ્યો રગદોળાયો ને ઘાયલ હરીફ ઊભી પૂંછડીએ ભાગ્યો.
0 0 0
ક્યાંય સુધી મુગટ ધૂળ ખાતો જમીન પર પડી રહ્યો.
સાંજે સેનેટાઈઝર છાંટી બારીકાઈથી જોયું તો મુગટ પર 'કોરોના કિંગ ઓફ વુહાન' કોતરેલું હતું.
*****
અંતર (distance)
કોરોનાના દિવસો હતા. મનસુખો જ્યાં નજર નાખે ત્યાં ઘરમાં રજાઓ જ રજાઓ દેખાય. ટીવી હોય કે કીચન, લેપટોપ હોય કે મોબાઈલ, ટોઈલેટ હોય કે બાથરુમ બધે આળસ મરડતી રજાઓ મહાલતી હોય. રજાની આગળ રજા, રજાની પાછળ રજા. છુકછુક છુકછુક છકછક છુકછુક... રજાના ખડખડ થતા ડબા ચોવીસે કલાક ઘરમાં દોડે જ જાય. છેલ્લો ડબો આવે જ નહીં.
મનસુખો કંટાળે ને ઢળતા પહોરે અગાસી પર જાય. તો દૂર પાદરમાં ચારે બાજુ આકાર વગરની રજાઓ દેખાય. ન ગાય ન ગોવાળ. જાડી તગડી રજાઓ. સૂમસામ ચરામાં ચરે. સૂકાતા તળાવનું પાણી પીએ ને સૂકા ઝાડ નીચે ઝોકાં ખાતી ઊંઘે. વળી જાગે ને ઊંધું ઘાલી ચરે, પાણી પીએ ને નસકોરાં બોલાવતી ઊંઘે.
મનસુખો એકલો એકલો ગાય.
રવિ પછી તો મિત્ર છે, તીજો આદિતવાર
એટલામાં ઉડતી ઉડતી કોયલ આવે ને કૂહુ કૂહુ કરતી રાગ પૂરાવે
ચોથો રવિ, રવિ પાંચમો, છટ્ઠો આદિતવાર
પછી હસતાં હસતાં બંને સાથે ગાય.
ભાનુવાર તે સાતમો છેલ્લો વાર ગણાય
એમ કરી અઠવાડિયું એક દિવસનું થાય.
હા, ભૈ,
એમ કરી અઠવાડિયું એક દિવસનું થાય
હસતો મનસુખો બંને હાથે તાલી આપવા જાય પણ કોયલને તો પાંખ એટલે ઉડ ઉડ કરે.
સૂરજ ડૂબે એટલે મનસુખો પૂછે : તારે ઘેર જવું નથી?
કોયલ કહે : રજાઓ છે? શું ઉતાવળ છે? તારા તો ઊગવા દે?
આકાશમાં તારા ઊગ્યા. બે, ચાર, પાંચ, દસ... પંદર...
કોયલ પૂછે : તું તારાઓને ઓળખે?
મનસુખ : તારા એટલે તારા એમાં શું ઓળખવાનું.
-જો, પેલો ઝગમગ ઝગમગ થાય એ શુક્રનો ગ્રહ છે.
-એએએમ, તો તો બુધ ગુરુ, શનિ પણ હશે.
-હા, હા. નવ ગ્રહો, એકવીસ નક્ષત્રો, ઉપગ્રહો બધા આકાશમાં ગોળ ગોળ ઘુમે જાય.
-એ બધા સંપીને એક થઈ જાય તો આપણને નવો ચંદ્ર મળે, નહીં? તીસે દિવસ અજવાળું.
-અરે, ગ્રહો અફળાય તો તો ઉત્પાત થઈ જાય. પૃથ્વી રસાતાળ જાય. બધા અલગ અલગજ સારા. પોતાની કક્ષામાં પોતાની ગતિએ ચાલે. એટલે બધું સેફ, સલામત. કોઈ કોઈને અડે નહીં કનડે નહીં, એટલે સૌ સુખી.
-હા, હોં. વાત તો સાચી. આકાશમાં કોઈ અકસ્માત નહીં, ગુનો નહીં, ધક્કંધક્કી નહીં, પડાપડી નહીં. બધા અંતર રાખીને ચાલે એટલે પોલિસ નહીં, મિલેટ્રીનું ય નું શું કામ?
ત્યાં નીચેથી ઊંચો અવાજ આવ્યો. : મનસુખ જમવા ચાલ.
કોયલ : મમ્મી બોલાવે છે. જમવા જા. હું ય ઊડું છું પેલા આંબાની ડાળે. રાતભર ઊંઘીશ. ને ઊંઘ નહીં આવે તો કૂહુ કૂહુ... કરતી આકાશ સાથે વાતો કરતી રહીશ.
મનસુખો પપ્પા, મમ્મી, ભાઈ-બહેન સાથે આજકાલ અગાસીમાં જ ઊંઘે. ઊંઘ ઊડી જાય તો તારા ગણતો કોયલને સાંભળતો જાગે જાય.
વહેલી સવારમાં કોયલ તૈયાર. : વગડે જાઉં છું. તારે આવવું છે?
મનસુખ : આવવું તો છે. પણ દાતણ-નાસ્તો બાકી છે.
કોયલ : તૈયાર થઈ પાદરના પીપળે આવ. રાહ જોઈશ.
ફૂરુરુરુ કોયલ ઊડી ગઈ.
મનસુખે ઝટપટ બ્રશ કર્યો ને પટપટ દૂધ પીધું . વગડે દોડી જવા મન ચટપટ ચટપટ થતું હતું. એ તો નાહ્યા વગર જ બુટ પહેરીને તૈયાર થયો.
એને તૈયાર થયેલો જોઈ મમ્મી બોલી : ક્યાં જાય છે?
-ઘરમાં કંટાળી ગયો છું. કોયલ સાથે બહાર વગડે આંટો મારી આવું.
છેવાડાનું નાનું ગામ હતું. લોકો અડધોપડતો સ્વૈચ્છિક લોકઆઉટ પાળતા હતા. જો કે મનસુખાની મમ્મી બધી સાવધાની રાખતી હતી.
-બુટ પહેર્યા?
-તું જ જોઈ લે.
-ઠીક.
-તો જાઉં?
-જા..., ઊભો રહે, ઊભો રહે. માસ્ક પહેર્યો?
મનસુખ અંદર ગયો ને માસ્ક પહેરી આવ્યો.
-હવે?
-ઊભો રહે.
-મમ્મી, મોડું થાય છે.
- બે મિનિટ. તારો થેલો તૈયાર કરી દઉં.
મમ્મીએ થોડી દોડધમાલ કરી ને થેલો તૈયાર કર્યો. થેલો પીઠે ભરાવી મનસુખો ઉપડયો.
ભાગોળે પહોંચી એણે પીપળો, લીમડો, આંબલી બધે ખૂબ ફાંફાં માર્યાં . બૂમો પાડી. 'કોયલ ઓ કોયલ', પણ કોયલ દેખાઈ નહીં. મમ્મીએ જ મોડું કરાવ્યું. ઊડી ગઈ લાગે છે. નિરાશ મનસુખો ઢીલા પગલે પાછો વળ્યો. થોડું ચાલ્યો ત્યાં 'કૂહૂ... કૂહૂ..'' અવાજ સંભળાયો. એણે પૂંઠ ફેરવીને જોયું તો ઠેકડા મારતી કોયલ આગળ આગળ ચાલતી હતી. મનસુખો પાછો ફર્યો. એની પાસે પહોંચવા ઝડપથી ચાલ્યો પણ એક વેંતની કોયલ કૂદતી ફદૂકતી બે ગજ આગળ ને આગળ. મનસુખો કહે : સાથે ચાલને. કોયલ કહે : ના રે ના. મારી મા કહેતી હતી જેટલું અંતર રાખીએ એટલા સાજા રહીએ. સાજા રહીએ એટલે ડોક્ટર નહીં, નર્સ નહીં, હોસ્પિટલ નહીં. બધું રંગેચંગે ચાલે. કોયલ કૂહુ કૂહુ... હસતી જાય, કૂદતી જાય ને આગળ આગળ ચાલતી જાય.
મનસુખો થાક્યો. છાંયડે બેસી પાણી પીધું. પાણી પીતાં પીતાં એની નજર આકાશમાં ગઈ. આકાશમાં કેટલાં બધાં કબૂતર ઉડતાં હતાં. વીસ, પચીસ, પચાસ, સો પલકારામાં અહીંથી તહીં ને તહીંથી અહીં. અંતર રાખી ઊડે ને કેવા કેવા વળાંકો લે છે પણ એકબીજાની પાંખ અડકે જ નહીં.
કબૂતર ગયાં ને બગલાં આવ્યાં. લાંબી પાતળી ડોક ને પહોળી પહોળી પાંખ. મનસુખાએ દૂરબીન કાઢ્યું ને જોયું તો બગલાં એકદમ નજીક. ધોળાં ધોળાં ને સુંવાળાં, હાથ લાંબો કરીએ ને અડકી જવાય એટલાં નજીક. તે ગાઈ ઊઠ્યો –
આ હારબંધ બગલાંની પાંખો
એ તો ચોરી લઈ જાય મારી આંખો. (ઉમાશંકરજોશી)
કોયલ, જો જો એમની ઉડવાની રાત જો.
કોયલ : એક બીજાવચ્ચેનું અંતર જો.
મનસુખો : એમને આ બધું કોણ શીખવે?
કોયલ ચૂપ.
આગળ જતાં તળાવ આવ્યું.
તળાવનું પાણી કાચ જેવું ચોખ્ખું. અંદર લાલલીલીપીળી સેલારા મારતી કેટલી બધી માછલીઓ,. જાણે શહેરનો ટ્રાફિક. પણ ન પોલિસ ન સીટી-સોટી ન ટ્રાફિક સિગ્નલ. ક્યાંય થોભવાનું નહીં. કે કોઈને અથડાવાનું નહીં. સિફતથી પોતપોતાની મસ્તીમાં દોડે જવાનું. મનસુખો તેમની લીલા જોઈ રહ્યો.
એને એક જ પ્રશ્ન થાય. : એમને આ બધું કોણ છીખવે?
કોયલ થોડીવાર ચૂપ રહે. પછી કહે : ઊઠ, આગળ જવું છે કે અહીં જ બેસી રહેવું છે.
મનસુખો કહે : ઊભી રહે. ઉતાવળી ન થા. આપણને તો રાત દિવસ ટીવી- મોબાઈલ અંતર રાખવાનું શીખવે તો ય ધક્કંધક્કી ને ભીચડંભીચડા... જોવા દે, ધરાઈને જોવા દે એમની રમત.
મનસુખો દાઢીએ હાથ દઈ ક્યાંય સુધી માછલીઓ જોતો રહ્યો. પછી બુટ કાઢી પાણીમાં ઉતર્યો.
બગલાની જેમ એક પગે ઊભો રહી માછલી પકડવા જાય પણ માછલી તો દોડી જાય, ન પકડાય. છેવટે એક નાની માછલી તેના હાથમાં આવી. એનો સોનેરી વાન ને રુપેરી પાંખ. અદ્દલ અંગ્રેજ છોકરી. ખોબામાં છટપટ છટપટ થતી : ના, ના,મને છુટ્ટી ફરવા દે. એકલી રહેવા દે. પ્લિઝ. બોલતી મનસુખાને ગલીપચી કરતી પાણીમાં સરકી ગઈ.
મનસુખ પાણીની બહાર નીકળ્યો. તડકામાં હાથ સૂકવ્યા. બુટ પહેરી પાણી પીવા ગયો ત્યાં મમ્મીનો ગેબી અવાજ સંભળાયો, : મનસુખ.
મનસુખો ચોંકી ગયો. અહીં પણ મમ્મી 'અહીં પણ એની કનડગત' એટલામાં એને થેલામાં સેનેટાઈઝર દેખાયું. 'થેંક યુ, મમ્મી.'' બોલતાં એણે હાથ સાફ કર્યા. નાસ્તાના ડબા ફંફોસ્યા ને વેફર ખાવા લાગ્યો. એક વેફર કોયલને નાખી. કોયલે કાળું માસ્ક ઉતાર્યું ને ખાવા ગઈ ત્યાં કાગડો આવ્યો ને વેફર ખાઈ ગયો.
મનસુખને નવાઈ લાગી.
-કોયલ, તારે માસ્કની શી જરુર?
-તારી સાથે માણસોમાં રહું ને એટલે મારી મમ્મી પહેરાવે..
મનસુખાએ બીજી વેફર નાખી. કોયલે ખાધી.
પછી તો ખિસકોલીઓ દોડી આવી. બે હાથ ઊંચા કરી કતારમાં ઊભી રહી. એકમેકથી વેંત બે વેંતના અંતરે. મનસુખ ગાંઠિયા નાખે ને વિચારે. આમને આવી શિસ્ત કોણ શીખવતું હશે. બધી પોતાના ભાગનું ખાય.
ડાળિયો ઝૂલાવી પંખો નાખતું ઝાડ પણ આ બધું જુએ ને ઠંડું ઠંડું હસે.
કોયલ કહે : આગળ નથી જવું?
-આગળ શું છે?
-આગળ તો હરણ, સાબર, રોઝડાં મળે. શિયાળ મળે કદાચ દીપડા પણ
-એ લોકો ય કબૂતર ને માછલી જેવું અંતર પાળે તારી જેમ માસ્ક પહેરે?
-જોઈએ તો ખબર પડે.
-ના ના. થાક લાગ્યો છે. હવે કાલે. સૂરજ પણ ઢળવા માંડ્યો છે.
બંને પાછાં વળ્યાં. ભાગોળે કોઈએ સમાચાર આપ્યા. : પરિસ્થિતિ સુધરી છે. દિવસોથી બંધ રહેલા શિવાલયના દરવાજા ઉઘડી ગયા છે.
-બાય. બોલતી કોયલ ઉડતી ઉડતી મંદિરના શિખરે જઈ બેસી.
મનસુખો શિવાલય તરફ ગયો.
દરવાજા પર એક ઊંચો માણસ સેનેટાઈઝર લઈ ઊભો હતો. ને આવનારાંના હાથ સાફ કરાવતો હતો. હાથ સાફ કરતાં જ નજર સામેનું દ્રશ્ય બદલાઈ ગયું.
શિવાલયની કાયાપલટ થઈ ગઈ. બાપ રે, આ તો ગામ જેટલું વિસ્તરેલું ભવ્ય મહાશિવાલય?
પડાળીમાં કથા ચાલે. ઊંચા આસને મહારાજ હતા. નીચે લાંબી લાંબી હરોળોમાં બેસેલાં સ્ત્રીપુરુષો. નિશાળમાં સમુહ કવાયત કરાવતાં પીટી ટીચર ઊભા રાખતા એમ બધાં શિસ્તબંધ અંતર રાખી બેસેલાં. મોઢા પર રંગબેરંગી માસ્ક.
એમને જોતો મનસુખો વિશાળ ગર્ભગૃહ તરફ ગયો. આદત મુજબ ઘંટારવ કરવા ગયો. બે ચાર વખત કૂદ્યો. પણ ઘંટ સુધી પહોંચાય જ નહીં. ગર્ભગૃહની વચ્ચોવચ શંકરની વિશાળ પીંડી. પીંડી ઉપર ટીંપે ટીંપે ટપકતી જલાધારી. દૂર ભીંતે આશીર્વાદની મુદ્રામાં લગભગ પાંચ ફૂટ ઊંચાં પાર્વતી મૈયા શણગાર સજી, માસ્ક પહેરી ઊભાં હતાં. બહારની બાજુ ડાબી ભીંતે પર્વત ઊંચકી હનુમાનજી ઊભા હતા, તો જમણી ભીંતે હજાર લાડુ ખાઈ ગણપતિ બેઠા હતા. બંનેના મોંઢે જરી મઢ્યાં માસ્ક. તેમની વચ્ચે મનસુખો તો જાણે પૂંછડી વગરનો ઉંદર.
મનસુખો ઘરે ઉપડ્યો ત્યારે દિવાસ્વપ્નમાં રાચતો હતો. અમારું ઘર પણ સુદામાના મહેલ જેવું બની ગયું હશે. પપ્પા હોલ વચ્ચોવચ છત્તર પલંગમાં વિરાજતા ટીવીની ચેનલો બદલતા હશે, નવી સાડી પહેરી મમ્મી પીરસેલી થાળી લઈ કીચનના બારણે ઊભી હશે, ને મોટાં ભાઈ-બહેન માસ્ક પહેરી મારી રાહ જોતાં આંગણે ઊભાં હશે.
ત્યાં એનો પગ પોદળા પર પડ્યો.
'છિ... છિ... છિ...' બોલતો લંગડાતો મનસુખો નળિયાનો ટુકડો શોધતો રહ્યો. ચારે બાજુ ઉકરડા જ ઉકરડા. ઉકરડા પસાર કરતો એ ચોકમાં પહોંચ્યો.
ચોકમાં હૈયૈહૈયું દળાય એવી ભીડ હતી. કોઈ ઉત્સવ આવ્યો હોય એમ આખું ગામ રાસ-ગરબા ગાતું ઉછળી ઉછળીને નાચતું હતું.