નિષ્ક્રમણ | હર્ષદ ત્રિવેદી
દહેશત તો પરમ દિવસે સવારે બ્રશ કર્યું ત્યારથી જ છે. પણ, આજે તો સૂતો છું ત્યારનો બેચેન
છું. જાણે કોઈએ ગળામાં સિંદૂર કાલવીને રેડી દીધું છે. ક્યારનો ય નાનીમોટી ખોંખારી કર્યાં કરું છું પણ
ખરેરી ઓછી થતી નથી. થોરિયાના દૂધથી ય વધારે ચીકાશ અંદર જામી ગઈ છે. વારે વારે વોશબેઝિન
પાસે જાઉં છું, કોગળા કરું છું તોય સુક્કુંભઠ્ઠ ગળું લઈને પાછો આવું છું. એમ થાય છે કે રોજ હાથ
નાંખીને તાંબાનો લોટો ઊટકું છું એમ હાથ અંદર નાખીને બધો કફ ઊતરડી લઉં. બહુ પ્રયત્ન કરું છું,
પણ થૂંકેય ઊતરતું નથી. વોટ્સએપ પરના મેસેજ વારંવાર એકની એક વાત કહે છે કે - બે કે ત્રણ
દિવસ આવી રીતે ગળું પકડાય પછી ફેફસાં ઉપર આક્રમણ થાય. એમ સમજો ને કે ફેફસાં તો બિચારાં
ટોકરીમાં પુરાયેલી મુરઘી. ગમે ત્યારે એક હાથ અંદર આવે ને પીંછડેથી પકડે. પછીની થોડીક જ
ક્ષણોમાં પીંછેપીંછું ઊડે હવામાં ને ન મળે કશાયનો અતોપતો ! આખા શરીરે ખાલી ચડી ગઈ છે, હું
ધારું તોય, અહીંથી ઊઠીને દરવાજા સુધી જઈ શકું એમ નથી. કદાચ હવે તો એક જ દરવાજો અને તે
ય હજી સુધી કોઈએ જોયો નથી, પણ માત્ર ધારણાઓ જ કરી છે તે ! શું નામ આપું એ દરવાજાને ?
મગજ બહેર મારી ગયું છે. કદાચ વધુમાં વધુ બે દિવસ, પછી તો બધું રાખ, ધૂળ ને ઢેફાં જ છે ને !
પેલું ગીત છે ને ? ‘છોડ કે પિંજડા, એક ના એક દિન પંછી કો ઊડ જાના હૈ...’ ઘરનાં આઠેય જણાએ
અલગ અલગ જગ્યાઓ લઇ લીધી છે. બધાના અવાજો માસ્કનાં પડોની વચ્ચે ગૂંગળાય છે. દેખાય
છે તે માત્ર આંખો અને એમાં સહુને કોરી ખાતી ચિંતા.
ઉપરના બંને રૂમમાં બે ય છોકરાવહુઓએ ને બાળકોએ એમની રીતે ડિસ્ટન્સ કેળવી લીધું છે.
બધાં જ બારણાં બંધ છે. હું સૂતો છું એની બાજુના જ રૂમમાં શ્રી સૂતી છે. આમ તો એનું નામ
જયશ્રી. પણ હું પેલ્લેથી જ એને શ્રી કહું. ક્યારેક કંઈ કામ હોય તો શ્રીઈઇઇઇ એવી લાંબી બૂમ
પાડવાની મજા આવે ! એમ થાય છે કે ઘૂંટડોક પાણી પીઉં. રોજની આદત મુજબ શ્રીને બૂમ પાડવા
જાઉં છું ને યાદ આવે છે કે પલંગની નીચે જ લોટો અને વાડકી પડ્યાં છે. આમાં કંઈ બૂમ મારવાની
જરૂર નથી. સૂતેસૂતે જ વાંકો વળીને પાણી પી લઉં છું. છેલ્લા ઘૂંટડે થોડુંક પાણી શ્વાસનળીમાં ચાલ્યું
જાય છે ને ક્યારેય ન ચડી હોય એવી ઉધરસ ચડે છે. મને બીક છે કે મારો અવાજ બાજુમાં કે ઉપર
સુધી ન જાય તો સારું. માંડ સૂતેલાં છોકરાંઓ ઊઠી જાય. આમ તો ઘરમાં કોઈ પ્રશ્ન નથી જ. બધું
સમુંસૂથરું લાગે છે. યોગ્ય અંતર, યોગ્ય ચોખ્ખાઈ અને બધું જ તે યોગ્ય થઇ રહ્યું છે. પણ, મારા
શરીરમાં, મને જે થાય છે તેની જાણ ફક્ત મને જ છે. કોઈને કશું કહેવાની મારામાં હિંમત રહી નથી.
ખાસ તો નાનાં બચ્ચાંઓને લઈને હું વિહ્વળ થઇ ગયો છું.
અત્યારે જ બારના ટકોરા થયા. લાગે છે કે મારા તો બાર વાગી જ ગયા છે. બહુ બહુ તો આ
જગતમાં આપણે એકાદબે અઠવાડિયાના મહેમાન ! મારાથી સૂવાતું નથી. જરાક આડો પડું કે તરત
ઉધરસ ચડે. શ્વાસ ભરાય પણ નીકળે નહીં. છાતી ઉપર મણમણનો ભાર કોણ જાણે ક્યાંથી આવી
જતો હશે ? તરત બેઠો થઇ જાઉં. આમ ઊઠબેસમાં જ આટલા વગાડ્યા. સૂતાંસૂતાં ય ચક્કર આવતાં
હોય એવું લાગે છે. જોકે ગયા બુધવારે ફેમિલી ડોક્ટર ગાંધીએ તો શ્રીની હાજરીમાં, સ્પષ્ટ જ કહ્યું હતું
કે આ સામાન્ય કહેવાય એવું વાઈરલ ઇન્ફેકશન છે. આ તો કોરોનાની સ્થિતિ ન હોય તો ય થતું જ
હોય છે ને ? ખોટા ખોટા ગભરાશો નહીં ને બીજાંને ગભરાવશો ય નહીં. સલામતી ખાતર પણ
ડીસ્ટન્સ તો રાખવું જ ! દવા બરાબર લેજો. ત્યારે તો એમ જ લાગેલું કે ગાંધી તારા જેવો તો
ભગવાનેય નહીં !
ખાલી સલામત અંતર માટે જ મેં આ એકાંતવાસ સ્વીકાર્યો છે. ઘરમાં કોઈને ય કશી શંકા નથી,
પણ ગઈ કાલ સાંજથી જે ફેરફારો થાય છે એની જાણ મારા સિવાય કોને હોય ? જેને ટેમ્પરેચર
કહેવાય છે એ વધી રહ્યું છે. એમ થાય છે કે એકાદબે કલાકમાં જ મારી સ્થિતિ બગડશે. આ લોકોને
ખબર પડશે એટલે બધાં નીતિનિયમો અને પોતાની જાતને તડકે મૂકીને મારી સારવાર માટે દોડાદોડી
કરશે... અડાઅડ કરશે... ને હું બધું જાણતે છતે મારા જ લોહીને ખતરામાં મૂકીને ચાલ્યો જઈશ !
એના કરતાં તો ચૂપચાપ નીકળી જાઉં એ જ બહેતર. જેવો હું બહાર રોડ ઉપર દેખાયો કે પોલીસ
આવી જ સમજો. પછી તો એમ્બ્યૂલન્સની સાયરનો ને હોસ્પિટલસ્ટાફની દોડાદોડી ને બીજે દિવસે
આપણું નામ છાપાંમાં આવ્યું જ જાણો ! આપમેળે બધાંને ખબર પડશે. અમસ્થાંયે ક્યાં કોઈ મારી
પાસે આવી શકવાનાં છે ? જો સારવાર પછી નેગેટિવ આવ્યું તો ચૌદપંદર દિવસે પાછા ઘેર ને
પોઝિટીવ આવ્યું તો કોઈનું પણ મોઢુંય જોવાનું નસીબ નથી...
આ નેગેટિવ પોઝિટીવનો ખેલેય નિરાળો છે. આખી જિંદગી બધાંને પોઝિટીવ બનો, પોઝિટીવ
બની રહો – નો ઉપદેશ આપનારો આજે નેગેટિવ રિપોર્ટ ઈચ્છે છે ! આખરી વાર ઊઠતો હોઉં એમ
પલંગ પરથી ઊઠું છું. ઓશરીમાં આવું છું. આખું ઘર ચોખ્ખું અરીસા જેવું ને બધી વસ્તુઓ એની
યોગ્ય જગ્યાએ પડી છે ને મને બાંધ્યાભારે સૂચવે છે કે મારે ક્યાંય અડકવાનું નથી ! એકેએક ચીજ
ઉપર નજર ફેરવતો ફેરવતો હું ધીમેથી, કોઈનેય ખબર ન પડે એમ, બારણું ? ના. મૃત્યુદ્વાર મારી
જાતે જ ખોલું છું. એકદમ યાદ આવ્યું કે, મેં જે કાયમ હોય છે એ જ, બરમૂડો ને ટીશર્ટ પહેરેલાં છે.
શ્રી ઘણી વાર કહેતી કે – ‘ભૈસા’બ, આ તમારા પપ્પાને તો જાણે બીજાં લૂગડાં જ નથી. આ એકનું
એક, ધોવાયું નથી કે પહેર્યું નથી !’ હું એને હસતો હસતો કહું – ‘ઘસાઈ ઘસાઈને કેવાં સરસ તારી
જેમ, સ્મુધ થઇ ગયાં છે....પહેર્યાં હોય તોય એનું કોઈ વજન જ નહીં !’ હું ઓશરીની પગથારેથી
પાછો વળું છું. મારા રૂમમાં આવું છું. છેલ્લી વાર કાઢતો હોઉં એમ મારા ગમતાં આર-ઈસ્ત્રીવાળાં
સફેદ ઝભ્ભો-લેંઘો બહાર કાઢું છું અને જાતે જ ખાંપણ ઓઢતો હોઉં એમ પહેરું છું. ક્ષણેકવાર આ
કપડાં મને અદ્ભુત સુખની ઝાંખી કરાવે છે. સામે કબાટ ઉપર લાંબો અરીસો છે, પણ પહેલી વાર,
એમાં હું મારી જાતને જોયા વગર જ બારણું બંધ કરીને રૂમમાંથી બહાર નીકળું છું....
ફરી પાછો ઓશરીમાં આવું છું. સોફા, ટિપોય, ટીવી, હિંચકો, રોકિંગચેર, છોકરાંનાં રમકડાં,
પુસ્તકો અને વ્યાપી વળેલી સ્તબ્ધતા પર ફરી એક વાર નજર નાંખું છું. ચોરની જેમ મુખ્ય બારણું
ઉઘાડું છું. બહાર નીકળીને બંને જાડાં બારણાં ભેગાં કરીને એમ જ અડકાડી દઉં છું પરંતુ જાળી બંધ
કરતી વેળા ધ્યાન નથી રહેતું ને થોડોક ઘસરકાયેલો અવાજ આખા ફળિયામાં ફરી વળે છે. ડર છે કે
જરા સરખો અવાજ થાય તોય જાગી જનારો મોટો ઊઠી તો નહીં જાય ને ? એની મા કાયમ કહે કે –
‘મારા મોટાની ઊંઘ કૂતરા જેવી ! જરાક પવન ફરકે તોય એની પાંપણ ઊંચી થયા વિના નો રે !’ હું
હવે અવાજ ન થાય એની કાળજી રાખીશ એવું વિચારવા જાઉં છું ત્યાં જ વિચાર આવે છે કે મારે હવે
ક્યાં અંદર જાવાપણું છે તે બીજી વારની વાત કરું છું ? આમાં તો નીકળ્યા એટલે નીકળી જ ગયા
એમ સમજો ને ! કશું જ આખરી બંધ નથી કર્યું, અડકાડી રાખ્યું છે બધું. કેમકે અંદર બધાં.... બધાં
એટલે ? મારાં પ્રાણપ્યારાં છે એ. એમને અગવડ ન પડે એવું કરીને જાઉં, એ જ બરાબર.
ફળિયામાં આવું છું. મોગરા, રાતરાણી અને મધુમાલતીની સુગંધ મને વીંટળાઈ વળે છે. કહે છે
કે જેને કોરોના થયો હોય એને કોઈ પણ પ્રકારની ગંધ નથી આવતી. મને તો આ સુગંધ આવી !
ખરેખર આવી કે આદતવશ મારા ચિત્તે સૂંઘી લીધી એ કોયડાને સમજવા હું ફરી એક વાર ઊંડો શ્વાસ
લઉં છું. શ્વાસ તો લેવાય છે અને લેવાય છે માટે છૂટતો પણ હશે ને ? મતલબ કે ફેફસાં સાવ બંધ
થઇ ગયાંની સ્થિતિ હજી આવી નથી. પણ, આ સુગંધ વિશે તો ધારણા જ કરવી રહી. હું ખાતરી
કરવા હિંચકે બેસીને થોડું વધારે સૂંઘવા માગું છું. પણ રોકાઈ જાઉં છું. એમ થાય છે કે હિંચકાને હું ન
અડકું એ જ સારું, કેમ કે નાનકો સવારે ઊઠીને પહેલો જ હિંચકે બેસશે. અચાનક નજર આકાશ
ભણી જાય છે. ઉત્તરમાં, સપ્તર્ષિના છેલ્લા ત્રણ તારા દેખાય છે. બાકી આકાશ ચોખ્ખું હોવા છતાં
બીજાં તારા કે નક્ષત્રો નથી દેખાતાં. ખ્યાલ નથી રહેતો ને હું આદતવશ જ હિંચકે બેસી પડું છું. હવે
તો શું થાય ? બેઠા તો બેઠા !
વળી વિચાર આવ્યો કે હું આમ નીકળી જઈશ એટલે સીધો હોસ્પિટલમાં જ હોઈશ એટલું
નક્કી. સવારે ઊઠીને શ્રી કે છોકરાંઓ મને નહીં જુએ એટલે શોધાશોધ તો થશે જ. એ બધાં
બિનજરૂરી ટેન્સનમાં આવે એ કરતાં સૂચના લખીને જાઉં એ વધારે સારું નહીં ? પણ, અહીં
ફળિયામાં કાગળ-પેન ક્યાંથી હોય ? એ માટે પાછું રૂમમાં જવું પડે... જેટલી સાવચેતીથી બારણાં
અડકાડ્યાં હતાં એટલી જ સાવચેતીથી ઉઘાડ્યા. મનેય ખબર ન પડે એમ ધીરે ધીરે રૂમમાં પાછો
આવ્યો. મને મારી જ ગંધે ઘેર્યો. ચિઠ્ઠી લખવા માટે ટેબલખુરશી પર બેઠો. શું લખું ? શ્રીને ઉદ્દેશીને
લખું કે મોટા દીકરાને ? ગડ બેસતી નથી એટલે મારા સિવાયનાં બધાંનાં નામ લખું છું. લખું છું કે,
‘મારી ચિંતા કરશો નહીં. હું સિવિલ હોસ્પિટલના કોરોનાવિભાગમાંથી તમને જીવતો કે મરેલો મળીશ.
પછી હું જ સુધારું છું . મળીશ તો જીવતો જ. કેમકે મરેલાનો તો એ લોકો કોઈને ચહેરો ય જોવા દેતાં
નથી એની મને ને તમને ખબર છે. કાલે અચાનક મને કશુંક વધી જાય ને સુરક્ષાકવચ પહેરેલા
કર્મચારીઓ એમ્બ્યૂલન્સ લઈને ઘર આંગણેથી મને લઈ જાય... લઈ તો શું જાય ? આપણે જાતે જ
જઈને સ્ટ્રેચર ઉપર સૂઈ જવાનું ! - એ તમે લોકો કોઈ, બારીએ ચડીનેય, નહીં જોઈ શકો. બાપને
આમ છેલ્લી વાર જોવાનું તમારા માટે દુષ્કર બની જાય અને શ્રીની તો હું કલ્પના પણ નથી કરી શકતો
કે એનું બાપડીનું શું થાશે ? મોટું મોટું જે યાદ આવ્યું ને સૂઝ્યું તે લખ્યું છે. તમારા વિહોણો હું મને
કલ્પી શકતો નથી. છોકરાંઓ તો મારા હાહ ને પ્રાણ છે, પણ જેના જેવા ને જેટલા ઋણાનુબંધ !
આમાં મારું કે તમારું શું ચાલે ?’ સહુને માટે વહાલભર્યા એકબે શબ્દો લખીને વિદાય માગી. જો કશું
નહીં હોય ને બધું સારું થશે તો પંદરેક દિવસમાં પાછો આવીશ એવો મને વિશ્વાસ છે એવું ય ઉમેર્યું
અને ચિઠ્ઠી ડાઈનિંગ ટેબલ ઉપર મૂકીને, પહેલાં કર્યું હતું એમ જ બારણું બંધ કરું છું. પાછો
હળવેકથી ફળિયામાં સરકી આવું છું.
થાય છે કે આ લોકોને તો કશી ખબર જ નથી કે મારા વહીવટ-વહેવાર કેમનાં ચાલ્યાં છે ? નથી
એમાં શ્રીએ કદી માથું માર્યું... કેમની ખબર પડશે ? છોકરાંઓ બિચારાં મૂંઝાય એ કરતાં ચોખવટ
કરીને જાવું સારું ! ઊભો થયો. પાછાં બારણાં ખોલ્યાં. કબાટમાંથી બધાં એકાઉન્ટ્સની પાસબુકો અને
ચેકબુકો કાઢી. બધી જ બેન્કોના એકેકબબ્બે ચેકોમાં સહી કરું છું. દરેક સહીમાં કંઈ ને કંઈ ફેર આવે
છે. જાણે આ હાથ મારા હાથ જ નથી ! હાથ ધ્રૂજે છે એમ નહીં, પણ મગજ અને હાથ વચ્ચેનો મેળ
ઓછો થઇ ગયો છે. મકાનના દસ્તાવેજની ફાઈલ, બધેબધા વીમાની પોલિસીઓ, લોકરની ચાવીઓ
અને નંબરો વગેરે જેટલું સાંભરી આવે છે એ બધું ભેગું કરીને ડાઈનિંગ ટેબલ પર ચિઠ્ઠીની સાથે મૂકું
છું. ચિઠ્ઠી ઉપાડીને વળી પાછો એક ટાંક મારું છું : ‘ડ્રાઈવર બચુભાઈની દીકરીના લગ્ન વખતે
પચાસ હજાર હાથઉછીના આપ્યા છે તે પાછા ન લેવા. મારી સ્મૃતિમાં ક્યાંય તક્તીમઢ્યાં દાન ન
કરવાં. એને બદલે આપણે ત્યાં જે માળી, ચોકીદાર, દૂધવાળો, ધોબી, સફાઈ કામદાર, ડ્રાઈવર વગેરે
કામ કરતાં હોય તેમને વારતહેવારે કે પ્રસંગે ઓછું ન આવે એટલું જોજો. ફરી પાછો બારણાં બંધ કરું
છું ને બહાર આવું છું તો મોગરાના ક્યારામાંથી કશોક અવાજ આવે છે. એ બાજુ જવા પગ ઉપાડું છું
ને એક બિલાડી છલાંગ મારીને પેલી બાજુ કૂદી જાય છે. એના મોઢામાં કબૂતર હતું એ મેં જોયું.
કબૂતરનાં પીંછાંનો ઢગલો મેં ક્યારામાં જોયો. પાછો હિંચકે બેસવા ગયો ત્યાં ઘડિયાળમાં ત્રણ ટકોરા
થયા.
શ્રીની ઊંઘ રોજ સાડા ચારપાંચે ઊડે. પાણી પીને પાછી સૂઈ જાય. મતલબ કે હવે મારી પાસે
સમય ઓછો છે. હવે જલદી નીકળી જવું જોઈએ. એક વાર ઘરમાંથી એકાદું ય જાગી જાય પછી તો
બધું દોહ્યલું. મને ખબર નથી પડતી કે આ છેલ્લી ઘડીઓમાં મારે બીજું શું શું કરવું જોઈએ ? આખા
બગીચામાં બિલ્લીપગે આંટો મારું છું. એકેએક છોડ અને પાંદડે પાંદડાંની માયા એમ તો કઈ રીતે
છોડાય ? ઊંચી ડોક કરું છું તો મને મારા જ ઘરની બારીઓ દેખાય છે. છોકરાંઓ ઉપરથી મને જોતાં
તો નહીં હોય ને ? મોટો તો મારી કાર્બન કોપી જ છે ને નાનો એની મા જેવો ગભરુ. પણ મોટો બધું
સંભાળી લેશે એવો ભરોંસો છે. ભૂલકાંઓ ઘણાં નાનાં છે તે થોડા વખતમાં બધું ભૂલી જશે.
ફરી પાછો હિંચકે આવીને બેસું છું થોડી વાર માટે. ખબર નથી રહેતી ને મારા પગ હિંચકાને
ધીરે ધીરે ઠેલ્યા કરે છે. ઘડીમાં ઉત્તર તો ઘડીમાં દખ્ખણ ! ઘડીમાં આમ તો ઘડીમાં તેમ, વળી ઉપર તો
વળી નીચે એમ હિંચકો ચાલે છે. હિંચકો નહીં, જાણે યમ-યમી મહારાસ ખેલી રહ્યાં છે. પગની એક
જ ઠેશે એમ લાગે કે હમણાં સ્વર્ગના દરવાજે અંગૂઠો અડી જશે. વળતો હિંચકો પાછો આવે ત્યારે
ઊંડેરાં પાતાળપાણીમાં પાની ઝબકોળાય ! બધાં તારા-નક્ષત્રોને ગળી જવાં હોય એમ નજર તો જાણે
સાતમા આસમાને. આમ જુએ ને તેમ જુએ. કોઈ વિરાટ સ્વપ્ન નીરખતી આંખ તો માયાની પૂતળી !
એમ થાય કે આ સ્વપ્ન કદીયે ન તૂટે તો સારું. નિહારિકાના એકેએક કાંઠે મન નાંગરે અને છૂટે ! આખું
જગત દોલાયમાન બનીને ઈહલોક ને પરલોકનો ભેદ ભૂંસવા મથે ને હું વિસ્ફારિત નજરે આખો
નજારો જોઉં ત્યાર પહેલાં તો એક ટીટોડીનો અવાજ વાતાવરણની સ્તબ્ધતાને ચીરે છે.
દૂર નીલગિરિના વૃક્ષોમાં બેઠેલા મોર વારાફરતી ઝીંગોરવા માંડે છે. હું દોડતાં વાદળોને અને
આછેરા ચંદ્રની એવી જ આછી ચાંદનીને જોઈ રહું છું. હિંચકા પરથી ઊઠવાના લાખ પ્રયત્ન કરું છું
તોય ઊઠી નથી શકતો. જાણે મારા શરીરને અને હિંચકાને બંનેને એકસાથે કોરોના લાગુ પડ્યો છે એવો
વિચાર ઝબકી જાય છે અને અચાનક જ હું મારી પીઠ ઉપર કોઈની હથેળીનો મુલાયમ સ્પર્શ અનુભવું
છું. પાછળથી આવીને બે હાથ મને આલિંગનમાં લે છે. સહેજ ઊંચે જોઉં છું તો મારી આંખો પર
એની ભીની આંખો ચપોચપ ચોંટી જાય છે. સ્પર્શ અને ગંધ કહે છે કે શ્રી પાછળથી ચૂપચાપ આવી
ગઈ છે. શક્ય છે કે એને કશી ખબર જ ન હોય, કદાચ એણે ડાઈનિંગ ટેબલ પરનું બધું જોયું હોય.
શક્ય એ પણ છે કે મારી આવનજાવનની એને પાકી જાણ હોય ને મને ક્યારનીયે જોઈ રહી હોય ! જે
હોય તે. પણ, એ જરાક સરકીને આગળ આવે છે અને મારી લગોલગ બેસી પડે છે. હું સ્વપ્ન અંગે
કશુંક બોલવા જાઉં છું તો એ મારા હોઠ ઉપર એની હથેળી મૂકી દે છે. ધીમેથી, પણ ઘોઘરા અવાજે
એટલું જ કહે છે : ‘સાંભળો છો ? ગાંધીસાહેબે તમને જે દવા આપી છે એ સવારે મને પણ
આપજો... જુઓને મારા ગળામાં ય કેટલી ખરેરી બાઝી ગઈ છે....!
*****