ભગવાનને પત્ર | હરેન્દ્રકુમાર જયંતિભાઇ વાઢેર
નિર્દોષ બાળક
મૃત્યુલોક,
શ્રાવણ વદ, આઠમ,
વિ.સં. ૨૦૭૬
પ્રતિ,
પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ
ગોલોકધામ.
હે પરમકૃપાળુ ભગવાન શ્રીકૃષ્ણ,
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ!
દર વર્ષે આપનો જન્મદિવસ આવે અને આપના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરીએ. કેટલાય દિવસથી જન્માષ્ટમીની રજાની રાહ જોવાતી હોય. પણ આ વર્ષે તો સ્થિતિ એવી છે કે અમારી રજામાં જન્માષ્ટમી આવે છે. આ વર્ષે મંદિરમાં પહેલાના જેવી ધામધૂમ નહીં હોય, લોકોની મેદની નહીં હોય કે નહીં હોય મટકી ફોડના આયોજન. જો કે અમારા બર્થ ડે પણ આમ જ ઉજવાયા છે. મંદિરમાં આપની સન્મુખ આવવાનું શક્ય ન જણાતા પત્ર લખીને જન્મદિવસની શુભેચ્છા વ્યક્ત કરું છું.
આપ તો ત્રિકાળને જાણનારા છો એટલે આ બધું કેમ થયું તેનાથી આપ અજાણ નહીં જ હોઉં. છતાં પણ મારે નાને મોઢે આ પરિસ્થિતિ વિશે થોડી વાત કરવી છે. હે કરૂણાનિધાન! , મેં તો સાંભળ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં આપની ઈચ્છા વગર પાંદડું પણ નથી હલતું. એટલે અમારી ઉપર આવી પડેલી અદૃશ્ય આફતથી આપ અજાણ નહીં જ હોઉં. હા, હું પૃથ્વીવાસીઓ માટે મોટો પડકાર બનીને આવેલી કોરોના મહામારીની જ વાત કરું છું. આ મહામારીથી અમારા ઘણા વ્યવહારો સાવ બદલાય જ ગયા છે તેની વાત કરવી છે.
હે પ્રભુ! આપના પ્રસાદરૂપ વર્ષાથી ઉદ્યાનમાં રંગબેરંગી ફૂલો ખીલી ઉઠ્યા છે. રંગબેરંગી પતંગિયા તેમના પર મુક્તમને વિલસી રહ્યા છે, પક્ષીઓ પણ સ્વેચ્છાએ વિહરી રહ્યા છે. પરંતુ ઘરોમાં કેદ થયેલા અમારા માટે ઉદ્યાનમાં પ્રવેશ પર પાબંદી છે. વિદ્યાના મંદિર જેવી મારી નિશાળના વર્ગખંડોને મારવામાં આવેલ તાળા હજુ ખુલ્યા નથી. અને ક્યારે ખુલશે એ પણ હજુ નિશ્ચિત નથી. અમારા શિક્ષકો અમને ઓનલાઈન ભણાવે છે તો ખરા, પણ વર્ગખંડ જેવી રોનક કે ચમક નથી અમારી આંખોમાં વર્તાતી કે નથી શિક્ષકની આંખોમાં વર્તાતી. વર્ચ્યુઅલ ક્લાસરૂમની જેમ અમારા સંબંધો અને વ્યવહારો પણ વર્ચ્યુઅલ થતા જાય છે. બર્થ ડેની અઢળક શુભેચ્છાઓ હોય કે કોઈના મૃત્યુ માટે સાંત્વના બધું જ વર્ચ્યુઅલ થઈ ગયું છે, મિત્રો પણ. મારી સાથે રમવાવાળો, મારી સાથે બેસીને વાતો કરવાવાળો અને પ્રેમથી ઝઘડો પણ કરી શકે એવો એકેય મિત્ર નથી.
રજા કે વેકેશન અમારા માટે આનંદનો સમય હતો. અમે મામા, માસી, દાદા, ફોઈ, વગેરે સગાસંબંધીઓને ત્યાં જતાં હતાં. આ કાળમુખા કોરોનાની મહામારીમાં પાડોશમાં મિત્રના ઘરે પણ નથી જવાતું. બસ અને ટ્રેન પણ બંધ છે. કદાચ નજીકના દિવસોમાં ચાલુ થાય તો પણ ઘરે રહેવામાં જ શાણપણ છે. ભૌતિક સુખ-સગવડો અને અત્યાધુનિક ટેક્નોલોજીના યુગમાં જીવતા હોવા છતાં અમે આપની લીલા સામે લાચાર છીએ!
હે દ્વારકાધીશ! અમારા એવા કયા પાપકર્મોની અમે સજા ભોગવી રહ્યાં છે કે અમારું જીવન આટલી હદે બદલાય રહ્યું છે?, નિર્દોષ અને મૂંગા પ્રાણીઓ ઉપર અમે જે વિતાડ્યું તેની તો આ સજા નથીને? કોરોના મહામારીનો વાઈરસ પ્રાણીઓના મૃત શરીરમાંથી આવ્યાનું જાણ્યું એટલે પૂછ્યું. એ સિવાય રસ્તા, ઘર અને કારખાના માટે સેંકડો વૃક્ષોનું નિકંદન પણ કાઢી જ નાખ્યું છે ને!. એટલે આજે જ્યારે પ્રદૂષણ, શ્વાસ લેવાની તકલીફ કે ઓક્સિજનની ઉણપ વર્તાય તે માટે તમને શું ફરિયાદ કરવી!.હવે તો એવું લાગે છે કે આપની સુંદર સૃષ્ટિનું સમતોલન ડામાડોળ કરી દીધું તેના જ માઠા પરિણામો અમે ભોગવી રહ્યા છે!. અમારી શાન ઠેકાણે લાવવા જ આપની આ લીલા નથીને?.
હે પરમપિતા! આખરે અમે તો આપના જ અંશ છીએ. અમારા પાપકર્મો માટે અમે ખુબ જ દિલગીર છીએ. ‘છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય’ એ મુજબ અમારી ભૂલોને માફ કરજો. હે કૃપાસિંધુ! અમને અમારી ખુશખુશાલ દુનિયા પાછી આપો, જ્યાં અમે તમામ બંધનોથી પર થઈ ખુલીને શ્વાસ લઈ શકીએ, જ્યાં અમે આપના દ્વારા નિર્મિત સુંદર સૃષ્ટિબાગમાં મુક્તપણે વિહરી શકીએ. અમારા પર લદાયેલા – આવી પડેલા બંધનોને અનલોક કરી આપવા વિનમ્રતાપૂર્વકની મારી અરજ છે,યાચના છે.
અંતે સમગ્ર વિશ્વની મંગલકામના અર્થે પ્રાર્થના કરું છું-
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ |
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખભાગ્ ભવેત્ ||
લિ.
આપનો જ અંશ
એક બાળક
*****