ઝેરી વાયરો | ડૉ. દિલીપકુમાર સાંજવા
પક્ષીઓ દિવસભર આમ-તેમ ફરીફરીને થાક્યાં પછી રાતવાસા માટે પોતપોતાનો આશરો શોધતાં કલરવ કરી રહ્યાં હતાં. દિવસ આથમવામા થોડી વાર હતી. રસ્તા પરના વડલાનું એક સુકું પાન ક્યારનું ઉડાઉડ કરી પોતાના હોવાનો અહેસાસ કરાવતું હતું. એક વૃદ્ધ માજી ખેતરના ખૂણામાં વાવેલ મકાઈના છોડની લગોલગ ઊભા રહીને મકાઈના સરસ મજાના મુલાયમ ડોડવાને એકી નજરે ગુમસુમ થઈ જોઈ રહ્યા હતાં. એટલામાં દુરથી કોઈનો અવાજ આવ્યો...
ઈ કોરોના-બોરોના આપણને કાંઈ નો કરે, આપણને કાંઈ નો થાય હો..! આવા કરણ-અર્જુન જેવા વાઈરસ તો કેટલા આવે ને કેટલાય જાય એમાં કંઈ વારે ઘડીએ હાથ ધોવાના હોય, ને વરી ઓલુ શું કે....ઓ હા...સેનેટાઈજર કરવાનું ને મોઢે ઓલા માસ્ક બાંધવાના હોઈ કંઈ? મને તો આવા નામ પણ માંડ યાદ રહ્યા.!
બીજો એની વાતમાં સૂર પુરાવતા બોલ્યો, ‘આ સરકાર જોને ટીવી રેડયોમાં ગળા ફાડી ફાડીને કહી રહી છે તો કંઈક હશે જ ને?’
પેલો જવાબ આપતા બોલ્યો..‘અરે ના ના બધાં ધતિંગ છે..!’
આ બન્ને વ્યક્તિની વાતો પેલા વૃદ્ધ માજીના કાને પડી. આવી વાતો સાંભળી જાણે માજીના કાન સળવડિયા ને પછી ગળગળા અવાજે બોલ્યાં, મારા દીકરાવ આ સરકાર કંઈ ખોટું નથી કે’તી. મારા દીકરાએ જો તમારા જેમ નો વિચાર્યું હોત તો આજે મારી આવી...એમ બોલતાં બોલતાં અટકી ગ્યાં ને ફરીથી તે મકાઈના કુણા ડોડવાને જોવા લાગ્યાં.
બીજા સમજદાર યુવાને માજીને પૂછ્યું..‘કાં માજી બોલતાં બોલતાં અટકી ગયાં, ને આ મકાઈના ડોડવામાં શું જોઈ રહ્યાં છો?’
માજી ભીના સ્વરે બોલ્યાં...‘તમે બેઈ ભાઈ હમણાં ઓલી ઝેરી હવાનો વાયરો બધે વાઈ છે એની વાતો કરતા હતાને.. ઈ જ ઝેરી વાયરાએ મારા કુણા મકાઈના ડોડવા જેવા દીકરાને ભરખી લીધો ને આજે ઈ મને એકલી મુકીને હાલ્યો ગયો. આટલું બોલતા માજી રડું રડું થઇ ગયા અને બોલવા લાગ્યાં કે મકાઈના ડોડવાના મુકાયમ રેસા જેવા જ રેશમી એના વાળ હતા અને મકાઈના દાણા જેવા એના દાંત..’.
માજી પોતાની વાત પૂરી કરે તે પેહેલા બન્ને યુવાનો મોઢા પર રૂમાલ બાંધી ચાલતા થયાં.
વાતાવરણમાં એકદમ શાંતિ છવાઈ ગઈ ને વૃદ્ધ માતાએ ઘર તરફ મીટ માંડી ત્યારે સૂર્ય પણ વિદાય લઇ ચુક્યો હતો.
*****