કોરોના અને સાંપ્રત પરિસ્થિતિ | દર્શિલ કે. ત્રિવેદી
‘સૌથી મોટું ધન સ્વાસ્થય છે.’ - વર્જિલ
વર્તમાન સમયમાં કોરોના મહામારી વૈશ્વિક મહામારી બની ગઈ છે. જેનાથી વિશ્વ આખું હચમચી ગયું છે. દિન-પ્રતિદિન કોરોનાની સમસ્યા વધતી જાય છે. જેનાથી મનુષ્યનું સૌથી મોટું ધન સ્વાસ્થય બગડી રહ્યું છે. ‘કોવિડ-19’થી પરિચિત કોરોના મહામારીએ વિશ્વભરના જનજીવનને વેરવિખેર કરી નાખ્યું છે. આ વાઈરસ આજે આખા વિશ્વમાં પ્રસરી ગયો છે અને દિન-પ્રતિદિન તે ખૂબ વિકરાળ બનતો જાય છે.
કોવિડ-19 એ SADS-COV-2 વાઈરસનો એક નવો પ્રકાર છે. જેમાં મોટાભાગના વ્યક્તિને હળવાથી મદયમ પ્રકારની શ્વાસોશ્વાસની બીમારી થાય છે. કોરોના વાઈરસ પ્રાથમિક રીતે સંક્રમિત વ્યક્તિના છીંકવાથી તેના લાળના ટીંપા કે નાકમાંથી નીકળતા પાણીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. જેમાં નાના બાળકો, વૃદ્ધો તથા એકથી વધુ બીમારી ધરાવતા લોકોને ગંભીર રીતે અસર કરે છે. વર્તમાન સમયમાં કોવિડ-19ની કોઈ નિશ્ચિત રસી કે ઈલાજ નથી જે આ મહામારીએ ખૂબ ગંભીર રૂપ ધારણ કર્યું છે. પરંતુ મોઢા પર માસ્ક રાખવાથી, વારંવાર હાથ- મોઢું ધોવાથી, સામાજિક અંતર જાળવવાથી અને શકય હોય તો ઘરે રહેવાથી સંક્રમણ થવાથી બચી શકાય છે. જે હાલ પૂરતો એક કામચલાઉ ઉપાય છે, એમ કહી શકાય.
વર્તમાન સમયમાં અમેરિકા, બ્રાઝિલ, ભારત, ઈટાલી, સ્પેન જેવા દેશો કોરોના સામે જંગ ખેલી રહ્યા છે. કોરોના મહામારીએ સાબિત કરી દીધું કે અમેરિકા વિશ્વની મહાસત્તા નથી. કોઈ દેશ વિકસિત છે કે વિકાસશીલ છે કે અલ્પ વિકસીત છે તેનાથી કોરોનાને કોઈ લેવા દેવા નથી. અમેરિકા, ઈટાલી, સ્પેન જેવા વિકસિત દેશોમાં પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. ભારત જેવા વિશાળ જનસંખ્યાવાળા દેશે મહદઅંશે કોરોના પર નિયંત્રણ રાખ્યું છે જેની આખા વિશ્વએ નોંધ લીધી છે પરંતુ રોજરોજ કેસોની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે.
કોરોના મહામારીએ ઊંચ-નીચ, રંગભેદ, ગરીબી અમીરી વચ્ચેનો ભેદ છોડી તમામને એકસમાન કરી દીધા છે. વિશ્વમાં કોઈ એવું નથી જેને કોરોનાનો ભય નથી. સરકારે દેશમાં લોકોના હિતમાં લોકડાઉન લાગુ કર્યું. લોકોએ આદર પૂર્વક તેનો અમલ કર્યો, લોકો મહિનાઓ સુધી ઘરમાં રહ્યા. કયારેક તો લોકોએ સ્વયં જનતા કરફ્યુ પાડ્યો હતો. કોરોના સામેની આ સામૂહિક લડાઈ હતી. કોરોનાથી વેપારિક સંસ્થાઓ, શિક્ષણ, અર્થતંત્ર, મનોરંજન, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો, રમતગમત, પરિવહન, શ્રમિકો વગેરે તમામને ખૂબજ ગંભીર અને પરિવર્તનશીલ અસરો થઈ છે. કોરોનાની તમામ દેશોના અર્થતંત્ર પર નકારાત્મક અસર થઈ છે. નાના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ગૃહઉદ્યોગો સાવ મૃતપાય સ્થિતિમાં છે, જે બેઠા થતાં ઘણો સમય લાગશે. દુકાનો, મોલ, થિયેટરો, વાહન-વ્યવહાર, રેલવે, વિમાન-સેવા બંધ રહેવાથી આર્થિક નુકસાન થયું છે. શેરબજારો અત્યાર સુધીની સૌથી મોટી મંદીમાંથી પસાર થઈ રહ્યા છે. વિકસાત્મક કાર્યો અટવાઈ ગયા છે. જો કે ધીમે-ધીમે અર્થતંત્ર ઊભું થઈ રહ્યું છે. જે એક સકારાત્મક પાસું છે.
દેશભરમાં લાંબા સમય સુધી શાળા, કોલેજો લૉકડાઉન કરવામાં આવી. જેથી વિદ્યાર્થીને ઘરેથી જ અભ્યાસ કરવાની ફરજ પડી. ભૌતિક શિક્ષણ સ્થગિત રહ્યું. પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી, જોકે ઓનલાઈન શિક્ષણ, ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમોને ખરા અર્થમાં વાચા મળી. આ સમયમાં કોરોનાને નાથવા સરકારે ખૂબ જ સરાહનીય પ્રયત્નો કર્યા. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ‘દો ગજ કી દૂરી’ નો જે સંદેશો પાઠવ્યો તેની લોકોમાં વ્યાપક સકારાત્મક અસર થઈ. આમ, લોકોમાં નવો જોશ જોવા મળ્યો. સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓનું લોકોએ પાલન કર્યું. સોસિયલ ડિસ્ટન્સ જાળવીને અને માક્સ પહેરીને લોકોએ કોરોનાને હરાવવા મક્કમ નિર્ધાર કરી લીધો. તેમજ બિન જરૂરી બહાર ન નીકળવું, તેમજ પોલીસ, ડોક્ટર તેમજ સેવા આપનાર વ્યક્તિઓમાં માનવતાની મહેંક જોવા મળી. લોકોએ તેમનું પ્રેમપૂર્વક સન્માન કર્યું. આ ઉપરાંત ટીવી ચેનલ સમાચાર પત્ર દ્વારા જનજાગૃતિના સંદેશાની મોટી અસર જોવા મળી. કોરોનાના પ્રભાવથી મનોરંજનના સાધનોનું (ફિલ્મો, ટીવી શો, વેબ સીરીઝ) નિર્માણ સંપૂર્ણ બંધ રહ્યું. પર્યેટન ક્ષેત્ર કોરોના મહામારીના લીધે પોતાના નબળા સમયથી પસાર થઈ રહ્યો છે.
રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ પર્યટન સ્થળોની મુલાકાત લેવાનું સ્થગિત રાખેલ છે. જેથી વિશ્વભરમાં પર્યટન ઉધોગ તથા તેનાથી સંકળાયેલ વ્યક્તિઓની પરિસ્થિતિ ગંભીર બની છે, ઐતિહાસિક સ્થળો, ઈમારતો, સ્મારકો, સંગ્રહાલયો તેના મુલાકાતીઓની રાહ જોતાં નજરે પડે છે. જો કે, ધીમે-ધીમે તકેદારી રાખી આ સ્મારકો મુલાકાતીઓ માટે ખુલ્લા મૂક્યા છે. મંદિરો, મસ્જિદો, ચર્ચ વગેરે ધાર્મિક સંસ્થાઓ લાંબા સમય પછી ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. રમત-ગમત સંપૂર્ણ પણે બંધ છે. મોટી-મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ ચાલુ વર્ષ માટે રદ કરવામાં આવી છે. ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, ટેનિસ વગેરે રમતોના રસિયાઓ/ચાહકો રમતો તથા તેના સ્ટાર્સને ફરીથી નિહાળવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોનાના લીધે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સંપૂર્ણ લૉકડાઉનથી ધીમે ધીમે ગાઈડલાઇન મુજબ શરૂ થઈ રહી છે. રેલવે, બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. જેથી જ્યારે પરિવહન સેવા પ્રતિબંધોમાંથી મુક્ત થઈ અને ફરીથી શરૂ થઈ છે. કોરોના મહામારી દૈનિક શ્રમિકો માટે ખૂબ જ મોટી આફત આવી છે. રોજરોજ કમાઈને પરિવારનું ભરણપોષણ કરતાં કામદારો માટે જીવનનિર્વાહ માટે મુશ્કેલી ઊભી થઈ છે. શ્રમિકોનો વતન વાપસી થઈ ગઈ છે. જો કે ઉદ્યોગ-ધંધા પુનઃ ધબકતા થતાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. પરંતુ કોરોનાથી ઉદ્દભવેલી બેકારીને નાથવા નીતિવિષયક અને રણનીતિક પગલાંની જરૂર છે. જે માટે મહત્વનો મુદ્દો ખાદ્ય સુરક્ષાનો છે. આવા સમયે દરેકની ખાદ્ય જરૂરિયાતોને સંતોષવું તે એક મોટી સફળતા ગણી શકાય.
કોરોના વૈશ્વિક મહામારીના સમયે સરકાર દ્વારા લોક કલ્યાણકારી પગલાં લેવામાં આવ્યા છે. સરકારની સાથે-સાથે સામાજિક સંસ્થાઓ, NCC, NSS સ્વયંસેવકોની ટુકડીઓ દ્વારા બિરદાવવા લાયક રાહતકાર્યો કરવામાં આવ્યા છે. તમામના સહિયારા પ્રયત્નો તથા જનતાનો સહકાર કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે જરૂરી છે.
આમ, કોરોના એક વૈશ્વિક સમસ્યા છે. કોરોનાની આપણા દેશમાં પણ નજીક અને દૂરગામી અસરો વર્તાઇ છે. વેપારી સંસ્થાઓ, શિક્ષણ, અર્થતંત્ર, મનોરંજન, સંસ્કૃતિ, ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળો, રમતો, પરિવહન, રેલવે, રસ્તા, શ્રમિકોનું સ્થળાંતર, બેરોજગારી, ખાદ્ય સુરક્ષા એમ વિવિધ અસરો જોવા મળી. સરકારની સતર્કતાથી અને સુંદર કામગીરીથી લોકોમાં સંતોષની લાગણી જન્મી. સરકારે સતત પ્રેસ-કોન્ફરન્સ કરીને પ્રજાજોગ સાવચેતીના પગલાં લેવા સતત અનુરોધ કર્યો. વિશ્વના દેશોમાં કોરોનાના કારણે ઘણા બધાંના મુત્યુ થયા છે. સરકારના સફળ પ્રયત્નો તથા સૌનો સહિયારો સાથ ભેગા મળી આપણે, કોરોના સામેની લડાઈમાં એકજૂટ થઈ સામનો કરી રહ્યા છે. “આવો...! સાથ આપો, સોસિયલ ડિસ્ટંટ જાળવવીએ, માસ્ક પહેરીએ… પોતે સલામત રહીએ...અને સૌને સલામત રાખીએ...”
*****