રાજ ગુપ્તા | ચેતન મહેતા "સીમા"
રાજ ગુપ્તા, બિહારના ચંપારણ જિલ્લાના એક નાનકડા ગામનો યુવાન.પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય, થોડીધણી ખેતી,બે ચાર ઢોરઢાંખર ખરાં. રાજના પરિવારમાં ચાર ચોપડીથી કોઈ આગળ વધેલું નહીં, પણ તેણે સ્નાતક પુરું કરેલું.હા,નજીકનાં નાના શહેરની હવા તો કોલેજના દિવસોમાં ભરી લાવેલ, ત્યાર પછી ગામ નાનું ને સપના મોટા હતાં. ખેતીમાં મન કેમે કરી લાગતું નહોતું, એવામાં એકાદ-બે લંગોટીયા દોસ્તો સાથે નસીબ અજમાવવા દિલ્હીની વાટ પકડી,કયાંક સારી નોકરી મળી જાય અને આ કાયમની પૈસાની ખેંચ દૂર થાય!
3-6 મહિનાના રઝળપાટ પછી કયાંક આછીપાતળી નોકરી મળે, પણ મન માને નહીં, છૂટક મજૂરી કરવાનાય ઘણા દિવસો આવ્યા! એ પોતે બી. એ. વિથ ઈંગ્લિશ હતો, એ તો જાણે ભૂતકાળ બની બેઠું !આશા લઇને આવ્યો હતો કયાંક શાળામાં શિક્ષકની નોકરી મળી જાય, નહીં તો ટયૂશન તો ખરાં જ. પણ શહેર અને શહેરીજનોની અપેક્ષા પર એક સામાન્ય બિહારી સ્નાતક પુરી કરી શકે એમ કયાં હતો?! થોડીક હતાશા, થોડીક નિરાશા સાથે રાજધાની દિલ્હીને અલવિદા કરી, રાજ ફરી ગામને ઊંબરે આવી પહોંચ્યો.ઘર ને ગામ માટે 'રાજ પાછો ફર્યો 'બે-ચાર દિવસની ચર્ચાનું સાધન બન્યો, પછી પાછું જેમ હતું એમ.
બે-ચાર મહિના ગામમાં ગાળ્યા બાદ તેણે હતાશા ખંખેરી, કેટલાંક યાર-દોસ્તોને સંગ સપનોની નગરી ડાયમંડ સીટીની વાટ પકડી. હા, આ વખતે યૌવન હતું, ઉત્સાહ હતો, કંઈક કરવાની ધગશ હતી, કંઇક કરવાની જરૂરિયાત હતી, અને રાજધાની દિલ્હીનો અનુભવ હતો.હવે કોઈ પણ કામ કરવાની તૈયારી હતી, અને વધતી ઉંમર ને નાના ભાઈભાંડુની જવાબદારી હતી, પગભર થવાની તમન્ના હતી, હવે પાછા વળીને જોવું નહોતું, બસ કામ કરવું હતું.
શહેરના સાવ છેવાડે તો ન જ કહી શકાય એવા ઉધોગધંધાથી ધમધમતાં પરાં બમરોલી-પાંડેસરાંમાં ગામના જ ઓળખીતા અને વર્ષોથી સ્થાયી થયેલા મનમોહન તિવારીને ત્યાં ઉતર્યા.અહીં ગલીઓ સાંકડી ને ઘર નાનકડા.
ન તો ગામડા જેટલા વિશાળ ઘર હતા કે ન તો દિલ ,પણ જરૂરિયાત સંતોષવા પૂરતા હતા.
શરૂઆતમાં તો શાળામાં નોકરી શોધવા પ્રયત્નો કર્યા, અરે ટયુશન માટે પણ કેટલાં પગથિયાં ઘસી નાખ્યા, પણ કયાંય મેળ પડતો નહોતો. દરેક માબાપને ટયુશન માટે 'અનુભવ ' જોઈતો હતો, તો શાળા સંચાલકોને 'વ્યવહાર 'ની ભાષા જ આવડતી હતી! ન તો આ યુવાનને ભાષા આવડતી હતી કે ન તો એની પહોંચ હતી! અહીં પણ હતાશા તો જરૂર આવી, પણ આ વખતે તેની સારી દોસ્તી કામે લાગી.નવરાશ ને બેકારીના આ સમયમાં તેના એક મિત્રે તેને ગુજરાતી વાંચતાં લખતાં શીખવી દીધું.જેથી હતાશાને જલ્દી ખંખેરી ,વાસ્તવિકતાને સ્વીકારી કાપડનગરીમાં ડાઈંગહાઉસમાં એક 'બેગારી 'ની નોકરી સ્વીકારી, નવરાશના સમયે મેધાણી ને પન્નાલાલ પટેલ વાંચી જતો, પરિસ્થિતિને સ્વીકારી એમાંથી રસ્તો કાઢવાના જીવન ઉપયોગી પાઠ શીખી લીધા.' બેકારી કરતાં બેગારી', સો દરજ્જે સારી!
તેની શીખવાની ધગશ, મહેનતુ પ્રકૃતિ ને રાજધાનીનો અનુભવે રોજના 200 રૂ કમાતો બેગારી બે વર્ષમાં તો 10-12 હજાર કમાવા લાગ્યો, અને ઉપરથી તદ્દન જ અલગ ક્ષેત્રમાં નવુંનવું શીખતો હતો, એ નફામાં! 3-4 વર્ષના ગાળામાં તો ઉધમી રાજ આસિસ્ટન્ટ માસ્ટર બની ગયો. પગાર પણ 25-30 હજાર સુધી પહોંચી ગયો હતો, કાંઈક કર્યાનો સંતોષ હતો. ઘરે માબાપને પણ સારાં એવા પૈસા નિયમિત મોકલાવતો હતો. હવે એની માને ઉતાવળ હતી, એના 'હાથ પીળાં' કરવાની. માં ની ઈચ્છાને માન આપીને રાજે નજીકના જ ગામની પૂજા સાથે વેવિશાળ નક્કી કર્યું, પૂજા રાધેશ્યામ તૈલીની એકની એક દીકરી અલ્લડ ને નટખટ તો ખરી જ, કેટલાય મૂરતિયા નકારી ચૂકી હતી! રાજ એક તો ભણેલો હતો , ને શહેરનો હતો. પૂજાને એના નગરજીવનના સપના પૂરાં થતાં જણાતાં તરત હા ભણી દીધી. સમાજના રીતરિવાજ મુજબ ગૌના-થૌના પુરૂ કરી બિટ્ટન(લાડકી દિકરી) તેના 'ઘરે ' ઠરીઠામ થઈ ગઈ.છેલ્લા બે ત્રણ મહિના તો એ ગુપ્તા પરિવારના ખુશહાલ પસાર થઈ ગયા, રાજે ફરી સુરતની રાહ પકડી.
આ વખતની મુસાફરીમાં રાજે છેલ્લા 4-5 વર્ષની મજલ કાપી નાખી, હવે સારી છોકરી, સારી નોકરી ને ઘરની કંઇક અંશે સારી સ્થિતિનો સંતોષ હતો. પણ નિયતિની કયાં કોઈને ખબર હોય છે?
બે-ત્રણ મહિના બધું બરાબર ચાલ્યું, પૂજા સાથે રોજ રોજ વોટ્સ અપ કોલ ને નોકરીમાય પ્રમોશન, ઘરેથી એક ઔર ખુશીના સમાચાર હતા. ઘરમાં 'પારણું 'ના સમાચારે માબાપની ખુશી સમિતી નહોતી. પણ કોઈકે કહ્યુ છે ને 'કયારે દહાડા એકસરખા ઊગતાં નથી '. કદાચ રાજ માટે એ અક્ષરસ સાચુ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી! ચીનનું અનૌરસ સંતાન કોરોના બેલ્જિયમ થઇ ડાયમંડ નગરીમાં પ્રવેશી ચૂકયું હતું, શરૂઆતમાં હળવાશથી લીધેલ બિમારી મહામારીનું રુપ મહૃદ પખવાડિયાની અંદર જ લઇ લીધુ હતું. દેશ આખામાં બે, પાંચ, પચ્ચીસ ને પચાસ-સો કેસ થતાં જ સરકાર સફાળી જાગી! સરકારે તેની કાયમની આદત મુજબ ફક્ત ચાર કલાકની નોટીસે સમગ્ર દેશમાં જાહેર કર્યું 'લોકડાઉન '! સમગ્ર દેશમાં વાહનવ્યવહાર ને ઉધોગોના પૈંડા એકાએક થંભી ગયા! આકાશને આંબતાં વિમાનોને ને યુવાઓના સપના ઘડીભરમાં જમીનદોસ્ત થઇ ગયા!
છતાં બધાંને આશા હતી કે 20-25 દિવસના લોકડાઉને 'કોરોનાનો કહેર' નરમ પડી જશે, ને ગાડી પાટે ચડી જશે. શરૂઆતના લોકડાઉનના દિવસો તો એક ઉત્સાહ અને આશા સાથે સારી રીતે પસાર થઈ ગયા, આગળની થોડી પૂંજી ને માલિકવર્ગે દરેક વ્યવસાયીને સારી રીતે સાચવી રાખીને પૂરા પગાર આપ્યા. 'રાજ'નેય ધરણાં વર્ષોના સતત પરિશ્રમ બાદ થોડો વિરામ મળી ગયો. 10-15 દિવસ પછી હવે 'આરામ' એ "અકળામણ"માં પરીણમવા લાગ્યો. છતાં રોજબરોજ કોરોનાના કેસ વધતાં જતાં હોય, કયાંક કર્ફયુ, ક્યાંક લોકડાઉન, કયાંક થોડીક છૂટછાટ, એક અસંજમસની પરિસ્થિતિ હતી. ઠેરઠેર રસ્તાઓ બંધ હતા, પોલીસ -પ્રસાશન લોકોની ચહલપહલ અટકાવી લોકોને ઘરમાં જ રહેવાનું સમજાવતી હતી. થોડા દિવસો પછી સરકાર અને પોલીસની નિષ્ફળતા દમનચક્રમાં પરીણમવા માંડી. નાનકડી રૂમમાં પૂરા પરિવાર કે 4-6 માણસને ગોંધી રાખવામાં આવ્યા. રોગ સંબંધિત અપુરતી જાણકારી, અયોગ્ય આયોજન ને દિશાવિહીન દિશા-નિર્દેશો. બેબાકળી સરકાર રોજના નવા ફતવા પાડી નાહકના ભય(પેનિક) ઊભા કર્યે જતી હતી. સમજ વગરના બંધનો સમાજમાં નકારાત્મક વલણ પેદા કરી દીધું. બીજી બાજુ રોગ ધીમે ધીમે શહેર અને નગરના દરેક પર્થમાં હાજરી પૂરાવતો હતો. પોલીસના ત્રાસ અને નિર્દોષ નાગરિકો સાથે ગુનેગાર જેવુ વર્તન પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.
વધતાં કોરોનાના કહેર વચ્ચે મિલમાલિકો, સંસ્થાઓ પણ પોતાના કર્મચારીઓને પગાર કાપ શરૂ કરી દીધો. ઉત્પાદન બંધ હોય, નબળી આર્થિક પરિસ્થિતિ, અંધકારમય આવતીકાલ અને દિશાશૂન્ય ભવિષ્ય વચ્ચે કારીગરોને નોકરીમાંથી છુટ્ટા કરવા, ફરજીયાત રજા આપી દેવામાં આવી હતી. વર્ષોથી ધંધો કરતાં ધંધાર્થીઓ-ઉધોગગૃહો પણ ધીરજ ગુમાવી ચૂક્યા હતા.
દેશ દુનિયાના અખબારોમાં પ્રસિધ્ધ થતા કોરોના દર્દીઓની સંખ્યા ને મૃત્યુના આંકડાને સોશ્યલ મીડિયા જુગારના "આંકડા "ની રમત જેમ બહાર પાડતાં હતા. દુનિયાભરની સરકારો પોતે જ બેબાકળી થઇ ગઇ હતી, દિશાશૂન્ય હતી, ને વધુમાં આંકડાની ઈન્દ્રજાળ વધારે ભયંકર ચિંતા ઊભી કરતી હતી.નગર થંભી ગયુ હતું, રસ્તા સૂના હતા, લોકોની અવરજવર નહોતી, છતાં કોરોનાની વિકાસયાત્રા આગળ વધ્યો જતી હતી. પ્રશાસનની દમનચક્ર એક પેન્ડેમીકને પેનીક'માં ફેરવી લીધું હતું.
ત્રણ -ચાર વારના લોકડાઉન, કર્ફયુ પછી ફલશ્રુતિ કાંઇ નહીં, રોગ એજ ગતિએ આગળ વધતો હતો, જે ગતિએ એણે વધવું હતુ. એક વાયરસ સામે પોતાને સર્વશક્તિમાન માનતો માનવી પોતાને વામણો લાગવા માંડયો. પ્રજાનો આક્રોશ, વતનથી દૂર એકલા રહેતા કારીગરો -મજૂરોની શરૂઆતની ધીરજ પછી બેકારી, પૈસાની અછતમાં આવક વગર હવે શહેરમાં વધુ ટકી શકે તેમ નહોતા. અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ,ભવિષ્ય સામે પ્રશ્નાર્થ અને ઉપરથી વતનમાં ચિંતા કરતા પરિવારજનોની ચિંતા. સઘળું ભેગી થતાં ઠેરઠેર થયેલાં દેખાવો પછી સફાળી જાગેલી સરકારે પરપ્રાંતિયોને વતનમાં મોકલવા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી, વતન ભણી જવા ભારે ધસારા વચ્ચે રાજ'નેય હવે ન તો નોકરી હતી, ન કોઈ ભવિષ્ય દેખાતું હતું. નશીબસંજોગે વતન જતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં રાજનો નંબર જલ્દી લાગી ગયો, અઠવાડિયા પછી જ તો!છતાં ગામ જવાની, ઘરે જવાની ઉતાવળ હતી.આ વખતે પાસે કશું હતું જ નહીં, કે કાંઇક લઇ જવાનો વિચાર થાય!
છતાં ગામની માટીની સુગંધ બોલાવતી હતી, ગામના લોકોનો મીઠો આવકાર યાદ આવી જતો હતો.કોરોના-કર્ફયુ -લોકડાઉનમાંથી કાંઈક અંશે છુટકારો થશે, એવી આશ હતી.છેકછેલ્લી ધડીએ બિહાર સરકારે પોતાના "વતની"ઓને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો, અપૂરતી ક્વોરાટાઈન સુવિધાના અભાવે! "ગળા સુધી આવેલો કોળિયો "હાથતાળી આપી ગયો. હવે પૈસા પૂરા થઈ ગયા હતા, કયાંયથી મળવાની આશા નહોતી, આર્થિક તાણ સાથે માનસિક તાણ ઊભી થઇ. પંડના પરસેવા થકી કણમાંથી મણ પેદા કરતાં ખેડુતના દિકરાને ધર્માદામાં મળતાં "ધાન"ની કતારમાં ઊભો કરી દીધો! એક સ્વમાની ખેડૂતના દિકરાને 'ભીખ'નુ ધાન કરતું હતું, પણ અસ્તિત્વ માટે અસ્મિતાને કોરાણે મુકવી પડી. આ અસંજમસ પરિસ્થિતિનો ભોગ રાજ હવે "ડિપેસન"નો શિકાર બની ગયો, ન ખાય, ન પીએ, ન કોઈ સાથે વાતચીત, બસ કલાકો સુધી સૂનમૂન બેસી રહે.તેના મિત્રો -પડોસીઓએ તેને કોઈ ને કોઇ પ્રવૃત્તિમાં રત રાખી મોટી વ્યાધિનો શિકાર થતો અટકાવ્યો. હંમેશાં પોતાના કામમાં વ્યસ્ત રહેતા રાજને પહેલીવાર મૈત્રી-સંગાથની કિંમત સમજાય!
પંદર દિવસ પછી ફરી શરૂ થયેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેન પકડવા રાજ ઘરેથી નીકળ્યો આઠ કલાક પહેલા! આજે ન તો રીક્ષા મળવાની હતી કે ન બસ!પોલીસ દમનને કારણે આ વખતે કોઈ સ્ટેશન પર છોડવા આવનાર નહોતું, રાજને પહેલીવાર ઘર અને સ્ટેશન વચ્ચેનુ અંતર સમજાયું. પગપાળા પ્રવાસ કરી ટેટ્રન પકડી, "હાશ" થઇ, છતાં હજુ ચૌદ દિવસ ક્વોરાટાઈનની તૈયારી તો હતી જ. પહેલીવાર ટ્રેનની મુસાફરી આટલી લાંબી લાગી, બબ્બે દિવસ ન કોઈ સાથે વાતચીત કે ન કોઈ સ્ટેશને ચહલપહલ! દર મુસાફરી વખતે જેનો કકળાટ લાગતો તે ફેરિયાઓના હોંકારા-પડકારા વગરની શાંતિ, એક ભેંકાર -ભયંકર અંધકાર તરફ લઇ જતી લાગી, કદાચ રાજના આવનારાં દિવસોનું પૂર્વાનુમાન!
વતન પહોંચ્યા પછી દરેક યાત્રીનુ સ્કેનીંગ કરી 7-7 દિવસ જિલ્લાના ને તાલુકાના મુખ્યમથકે આ સૂતક(કવોરનટાઇન)ના દિવસો ગાળવાના હતા. એ દરમ્યાન જરાતરા પણ શરદી -ખાંસી કે તાવ ન આવવો જોઇએ, તો જ મુક્તિ શક્ય હતી, નહીંતર ઓર લંબાઈ જાય કવોરોનટાઈન! છેલ્લા સાત દિવસ માટે તો રાજ 'ઘર 'થી ઘણો નજીક આવી ગયો હતો.બધાને વોટ્સ અપ કોલ કરતો હતો ,અંદરખાને આશા હતી કે કોઇક તો મળવા આવશે, ભલે દુરથી હાથ કરી જાય, આમેય આ શહેરમાં ગામના લોકોની અવરજવર રહેતી જ. સાત દિવસ પૂરા થયા, છતાં કોઈ જ ન ફરકયું! મન મનાવી લીધું, પ્રશાસન કડક હશે.
ચૌદ દિવસ પુરા થયા ઉત્સાહભેર ગામ ભણી આગળ વધ્યો, અહીં પણ વાહનવ્યવહારને ઘણી અસર હતી, થોડું ચાલ્યા પછી એક બળદગાડું દેખાયું, હાથ કર્યો, પણ સામેથી કોઇ પ્રતિસાદ ન મળ્યો, અજાણ્યા સારું, કોણ ઊભું રહે? બીજા 4-5 કિલોમીટર ચાલી નાંખ્યા, ન તો ચા મળે, ન નાસ્તો, પોતાની પાસેનુ પાણી પણ પુરું થવા આવ્યું!
હવે થાક લાગતો હતો, એવામાં ગામના બુઝુર્ગ શિવાકાકાનું બળદગાડું દેખાતાં, રાજે "રામરામ" કર્યા, કાકાએ દુરથી જ "રામરામ "કર્યા, રાજને કાંઈક અજુગતું લાગ્યું. બીજા 4-5 કિલોમીટર ખેંચી કાઢયા, ભૂખ્યા ને તરસ્યા! ત્યાં લંગોટિયો દોસ્ત લલન દેખાયો, વર્ષો પછી લંગોટીયાને જોઈ રાજ ખુશખુશાલ થઈ ગયો. ગળે મળવા જતો હતો, ત્યાં જ કોરોનાની સરકારી ગાઇડલાઇન યાદ આવી ગઇ ,ત્યાં જ અટકી ગયો. ગામના -ઘરના ખબર- અંતર પૂછી, થાકી ગયેલ રાજે સામાન ઊંચકી લેવા આપ્યો. લલનપ્રસાદ કામનું બહાનું બતાવી જલ્દી રફુચક્કર થઇ ગયો.રાજ બૂમ પાડતો જ રહ્યો ,લલનના બહેરા કાનને અથડાઈ પડધા પાછા ફર્યા(-દોસ્તીને કોરોનાનુ ગ્રહણ લાગી ચૂક્યું હતુ .
ભૂખ્યા -તરસ્યા રાજે આજે વર્ષો પછી તળાવનુ પાણી ખોબેખોબે પીધું, જરાક ટાઢક વળી. ગામનું પાદર દેખાયું,આનંદવિભોર થઇ ગયો. એકાએક "થાક"," આનંદ","સંતોષ ","મિલનની આશા ",ને "વિસામો" કેટકેટલી લાગણીઓ એકસાથે અનુભવી ગામના ચોરે! આગળથી ફોન પર વાત થઇ હતી, એટલે આશા હતી, ઘરેથી કોઇક તો લેવા આવશે જ, કયાં બાપુજી કે પછી નાનો ભાઈ! ઘડીક પોરો ખાઈ ચાલવા માંડયું, પાદરી ઘર સુધી ચાલતાં પગ ભારે થઈ ગયા હતા. ઘરે માબાપને આશિર્વાદ લેવા વાંકો વળ્યો, તો "મા"એ ન તો ગળે લગાડયો, ન ગ્રહણ આપ્યાં, ઉપરથી ન્હાઈ-ધોઈને આરામ કરવાની "સૂચના" આપી. ગરમ પાણીથી શરીરનો થાક તો ઊતર્યો, પણ મનનાં 'થાક'નુ? રસોડામાંથી નાની બહેન ચા-નાસ્તો આગણાંમાં ઢાળેલ ખાટલા પર આપી ચાલી ગઇ. બાપુજી પાસે બેઠાં હતાં, પણ 'નજીક' નહોતા જણાતાં. મા પણ જાણે મહેમાનની સરભરા કરતી તેમ છેટેથી જ વાત કરતી હતી. ચા તો ગરમ પીરસાય હતી, પણ એમાં સંબંધની ઉષ્મા કયાં હતી?
પૂજા તો કદાચ 'શરમ'ના માર્યા ના આવી હોય એમ માની 'રાત'નો ઈંતજાર કરતો હતો 'રાજ'.ઘણીબધી વાત કરવાની હતી પૂજાને, કેટકેટલાં ને કેવાંકેવાં અનુભવોમાંથી પસાર થવું પડયું હતું તે વિશદે જણાવવાનુ હતું, હા, એને પણ સાંભળવાની હતી, 4-6 મહિનાનો 'વિયોગ' દૂર કરવાનો હતો, સાથે મળીને આવનારાં બાળકના સપના જોવાના હતા, બસ હવે તો સાંજ વીતે,ને રાત ઢળે એનો ઈંતજાર હતો! સાંજની વાળુપાણી પતાવી એકાદ-બેવાર પૂજા સાથે અલપઝલપ મુલાકાત કરી, પૂજા આંખમિચોલી ખેલે છે, એમ માની રાજ વધુને વધુ રંગીન બનતો જતો હતો., હવે "રાત"કરતાં "રાજ" વધુ રંગીન હતો! સાંજ ઢળી ગઈ હતી, પૂનમનો ચાંદ આજ સોળે કળાએ ખીલ્યો હતો, રાજનેય આજે તેનાં ચાંદને બાહોમાં લેવાની ઈચ્છા હતી.
આ વખતે લોકડાઉનને કારણે રૂપિયાની સખ્ત ખેંચ વચ્ચેય કેમે કરી, રાજે પૂજા માટે એક સાડી લીધી હતી,જેને તેણે સુંદર રીતે પેક કરાવી હતી. રાજે પ્રેમથી લાવેલ ભેટને પૂજાને આપી, બાજુમાં બેડ પર બેસી ગયો.થોડુંક હસી ભેટ સ્વીકારી એક બાજુ મૂકી દીધી, ન તો ખોલી ,કે ન તો ચૂમીને આવકારી! પોતે તરત દૂર થઈ ગઈ. રાજ ફરી નજીક ફર્યો,તો પૂજા ઉવાચ"થાકી ગયા હશો, આરામ કરો, તમે અહીં સૂઇ જાવ, હું નીચે સૂઇ જાઉં છું"
રાજે ફરી પ્રેમથી કહ્યું 'મને કંઇ નથી થયું, અને મેં કવોરોનટાઈનના ચૌદ દિવસ પૂરા કરી લીધા છે.'
પણ સરકારી જાહેરાત "દો ગજકી દૂરી જરુરી હૈ જિંદગી કે લીએ!",
"બડે શહેરોસેં આનેવાલા હરેક આદમીકો શંકાકી નજરસેં દેંખે!",
"હમેં અપને ગાંવકો ,નગરકો કોરોના જેસી ધાતક બિમારીઓંસે દૂર રખના હે!"
આવા સરકારી જ્ઞાનથી પૂજા ફરી "તમે સુરતથી આવ્યા છે, ને ત્યાં કેટલો રોગચાળો ફેલાયો છે, ને આપણે ત્યાં નવું મહેમાન આવવાનું છે,કયાંક તમનેય થોડોધણો રોગ લાગી ગયો હોય તો ખોટું જોખમ લેવું, એના કરતાં "છેટા રહેવું "સારું!!!રાજ એકાએક ફસકી પડયો, એને ચાંદની રાતે 'તારા' દેખાવા લાગ્યા. બે હજાર કિલોમીટરનું અંતર પુરુ કરતા જેટલો નહોતો, એટલો થાક આ કવોરોનટાઈન -સૂતક કે આભડછેટનો લાગ્યો!
કશું જ બોલ્યાચાલ્યા વગર રાજ બેડ પર સૂઈ ગયો. થોડી વાર પછી પૂજાએ નિરાંતે પોઢી ગઈ .રાજ પથારીમાં તો પડયો હતો, પણ નીંદર કયાં હતી. થાક હતો, પણ વિસામો કયાં હતો. આજે 'ઘર'માં તો હતો, પણ એ 'ઘર' કયાં હતું, એક અજાણ મુસાફરોને અપાયેલ' આશરો' હતો.
રાત આગળ વધતી હતી, તેમતેમ રાજ વધુ ગુંગળાતો હતો.એના પ્રશ્નોના એ ઉત્તર નહોતો આપી શકતો ! જે સ્વજનોના સારું એણે પરસેવો પાડ્યો , એ સ્વજનો જ આભડછેટ કરે, જેની સાથે સાતફેરાં ફર્યો, એ પૂજા એ ફરી ગઇ! આજે એ મિત્રો -સ્વજનો -અર્ધાંગીની સૌ કોઇ માટે અછૂટ હતો, અસ્પૃશ્ય હતો! રાતભરના અંધકાર પછી સૂર્યના કિરણો નીકળે જ છે. આજ બિહારની ધરા પરથી સેંકડો વર્ષો પહેલાં એક રાજકુમારે ગૃહત્યાગ કર્યો હતો જીવન-મૃત્યુ નાં દ્રંદ્રો સમજવા માટે...
આજે રાજે ઘર છોડયું છે "કેવા સંબંધો જીવન-મૃત્યુની સામે ટકી રહે "સમજયા પછી!!!
બે ""રાજ""વચ્ચે અંતર છે ફકત 2600 વર્ષનુ!!!
રાતભર પડખે ફરી 'દિ ઊગે એ પહેલાં જ રાજે કાયમ માટે ગામ-ઘરને અલવિદા કહી દીધું. આ વખતે ઝાઝો સામાન નહોતો.ન તો "મા"ની સુખડી હતી, ન તો ભાઈબહેનનો પ્યાર હતો, ન પિતાની શિખામણ હતી, ન દોસ્તોની યાદ હતી, ને' પૂજા'ય હવે એનાં આવનારાં બાળકની ફિકર કરતી હતી!! હા, અછૂટ રાતનું કાંઇ છૂટતું નહોતું!
એ ગામમાં હવે, એણે આ વખતે પાદરેથી પાછું ફરીને નથી જોયું! જવાનું હતું ,કયાં,ખબર નહોતી!
સૂરજનું પહેલું કિરણ ધરતી પર આવતી ચૂકયું હતું ,ને રાજની જિંદગીમાં દૂરદૂર સુધી દેખાતો હતો 'અંધકાર'
કોઈ વટેમાર્ગુના ટાન્ઝીસ્ટરમાં ગીત વાગતું હતું
"યે દુનિયા, યે મહેફીલ મેરે કામ કી નહીં
યે દોલત, યે શોહરત તેરે કામકી નહીં,
કહીં દૂર ચલે, બહોત દૂર ચલે!”
*****