ચાઈના કુંવરની કમાલ | ડો. બિપિન ચૌધરી
હા ભાઈ ! હા કમાલ જ ને વળી! એનું નામ જ જુઓને ? સાંભળ્યું હતું પહેલું ? ‘ના’ ને . દેશ અને દુનિયામાં કોરોનાનું નામ નવું, તેમ કામ પણ નવું! માનવીએ અનેક રોગ જોયા ને એનેક રોગોનો ભોગ પણ બન્યો. એચ.આઈ.વી. જેવા અસાધ્ય રોગથી માનવ નથી ગભરાયો પણ આ કોરોનાથી માણસ વધુ ડર્યો છે. હા. જોકે ઘણાને કોરોના વહેમ લાગે, પણ વહેમની દવા નથી તેમ હાલ કોરોનાનીય દવા નથી. કોરોનાની તો સ્ટાઈલ જ નવી છે. દુનિયાના તમામ ભેદભાવ મિટાવનાર આ રોગ છે. ગરીબ-અમીર, ગોરા-કાળા, માલિક-મજૂર એના માટે બધાય સરખા હો ભાઈ! આ કાળમુખા રોગનું તો એવું છે કે ખાય ભીમ અને લોટે જાય શકુની. જેને થયો હોય તે તો ઠીક તેની આસપાસવાળા ચૌદ દિવસ ગણતા થઈ જાય. આ રોગ તો આખી માણસજાત પાછળ હાથ ધોઈને પડી ગયો છે. માનવીને વહેમ છે કે કોરોના મારી ભાગ્યરેખામાં તો નથી ને, માટે તો માનવી આખો દિવસ હાથ ધો ધો કરે છે. ચકલીબેન અને કાગડાભાઈ માનવીની આ હાલત જોઈને હસે છે. પીંજરે પૂરાયેલા પોપટને આજે પહેલી વાર મજા આવી છે. ગાયોને કેટલા વર્ષે આ રસ્તાઓ પર નિરાંતે મહાલવા મળ્યું છે. ના ટ્રાફિક કે ના વરઘોડા, ન સરઘસ બસ ચારે કોર શાંતિ. ખેતરમાં જોતરાયેલા બળદો માનવીનો માસ્ક જોઈ, ઈશ્વરનો આભાર માને છે ‘હે ભોળા શંભુ! યુગોબાદ તમે અમારી પ્રાર્થના સાંભળી. તમારો આભાર અમારી જેમ માનવીને પણ સુંઢા પહેરતો કર્યો.” દિન-દલિત કોરોનાની કમાલથી અચંબિત છે: ‘અમને અસ્પૃશ્ય ગણનારાઓ તમે સર્વ કોરાનાની કૃપાથી અસ્પૃશ્ય બન્યા છો’. તમારાથી દો ગજની દૂરી. માણસ માણસથી અભડાય અને તેની પીડા કેવી હોય ? તે તો કોરોના થયો હોય તે જાણે.
મને તો જુદા અર્થમાં પેલું વાક્ય યાદ આવી ગયું ‘સૌનો સાથ સૌનો વિકાસ’. ઝાઝા હાથ રઢિયામણા! ના હો, આમાં ‘ઝાઝા થાય ભેગા તો ઝાઝા જાય જેલમાં કે સ્મશામાં’. ડોકટર, વેપારીથી માંડીને પોલીસ, ઘરવાળી સુદ્ધાં તમને હાથ અડાડતાં સો વાર વિચારે. બેંકનો ચોકીદાર આપણા કપાળ વચ્ચે બંદૂક ધરી દે. પહેલીવાર તો ‘હેન્ડઝપ’ કહી હાથકડી પહેરાવશે એવું લાગે. મનોમન આપણે દીન ભાવે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે “ભઈ! અમે કોઈ ચોર બહારવટીયા નથી. બેન્ક લૂંટાવ નથી આવ્યા. બેંકમાં પૈસા ભરવા આવ્યા છીએ. માફ કર જવા દે શું કામ આબરૂ લે છે”. ત્યાં તો પેલો ચોકીદાર આપણા હાથની હથેળીઓ ખોલવા કહે. કપાળે ના દેખાઈ તે ભાગ્યરેખાઓ કઇંક છાંટીને હાથમાં જોવા માંગતો હોય એમ લાગે. સાલું! ઈશ્વર આવા દિવસો દેખાડશે એવી કલ્પના પણ ન હોતી કરી. કહે છે ને વિધાતાએ લલાટે લખેલ લેખ કોઈનાથી મિટાવ્યા મિટાવી શકાતા નથી.
શરૂઆતના દિવસોમાં તો વેકેશન વહેલું પડવાનો હરખ હતો. વળી, એક બે અઠવાડિયામાં બધું સમું સૂતરું થઈ જવાનો વિશ્વાસ હતો. દેશ અને દુનિયામાં એક મોટો રાક્ષસ આવ્યો હોય ને બધા ઘરમાં સંતાઈ ગયા. તેમ એક અઠવાડિયું ચાલ્યું. આ સમયગાળામાં બજારમાંથી દૂધની થેલીઓ કે બે કિલો બટાકા ડુંગળી લઈને આવીએ ત્યારે સોસાયટીની અર્ધખૂલી બારીઓમાં કેટલી આંખો જોતી હોવાનો વહેમ આવે. મોટી ધાડ મારીને આવ્યા હોઈ એમ થોડું વટમાં ચાલવાનું મન થઈ આવે. મનમાં મોટું પરાક્રમ કરી આવ્યાનો શરૂઆતમાં પોરસ ચડતો. નિત્ય શાકપાંદડું લેવા જતી ઘરવાળી કોરાઓના મોરચે શહીદ થવા આપણ ધકેલતી હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે હકીકત સમજાય. અમારા પડોશી ભોગીલાલ બિન્દાસ ! “કોરોના તે વળી ચ્યી બલાનું નોમ”. બુશટનાં ઉપલાં બે બટન હંમેશા ખૂલ્લાં રાખે. જમણા હાથમાં બીડી તર્જની અને અનામિકા વચ્ચે દબાવી અને અંગુઠોવાળી બંધ મુઠ્ઠીમાંથી કસ લેતાં લેતાં રોજ લોકડાઉન કરનારી સરકારના ભૂક્કા બોલાવી દે. “જોજો માસ્તર! આય ગતકડું ના હોય તો કેજો મનં. ધતીંગ સ ધતીંગ”. આખા દેશે થાળીઓ ખખડાવી અને બે ચાર દીવડાય કર્યા પણ આ ચાઈના કુંવર કોરોના ના ગયો તે ના ગયો. હઠીલો કપટી એના બાપ જેવો. ખંધો અને લૂચ્ચો નીકળ્યો. ભોગીલાલ જેવાનો દોરો કરવામાં અમારા ચંદુ માસ્તર હોશિયાર. ભોગીલાલ સાથે વગર માસ્કે શાકમાર્કેટ જઈ આદું લઈ આવવાની શરત લગાવી. ભોગીલાલ પાંચસો જીતવાની લાલચમાં શાકમાર્કેટ જવા તૈયાર થયા. તેઓ વગર માસ્કે બાઈક લઈને આદું લેવા વટબંધ ઉપડયા. પરંતુ અડધા કલાકમાં સ્પર્ધાનું ધાર્યું પરિણામ આવવાનું હતું. કોરોનાનું વેકેશન માણતી ચંદુ માસ્તરની ટોળી ભોગીલાલની પરત ફરવાની કાકડોળે રાહ જોતી સોસાયટીના કોમન પ્લોટમાં બેઠી હતી. ત્યાં તો સોસાયટીના નાકે બાઈક પર અર્ધ બેઠેલી હાલતમાં આવતા ભોગીલાલ દૂરથી દેખાય. જાણે ઘોડાની રેસમાં ભાગ લેવા જવાની પૂર્વ તૈયારી કરતા ન હોય. એ રીતે ભોગીલાલ સોસાયટીના મેનગેટે પ્રવેશે છે. ચહેરા પર પરાણે સ્મિત લાવવાની કોશિશ કરતાં બાઇક ઉપરથી નીચે ઉતરી મહાપ્રયત્ને બાઇકનું સ્ટેન્ડ ચડાવે છે. તેમની પાસે વિજય પતાકારૂપી આદુના દર્શન તો ન થયા. પણ બરડામાં અને પુષ્ઠ ભાગે સોળના નિશાન દેખાઈ આવતા હતાં. લંગડાતી ચાલે ટોળી પાસે પહોંચેલા ભોગીલાલને પોલીસના હાથનો આદુપાક ખાઈને આવ્યા હોવાની વધામણી આખી ટોળીએ અટ્ટ હાસ્યથી આપી. ભોગીલાલની ફિલ્મ ઉતારતી ટોળીને તો કોળાના કાળમાં પણ મજા મજા થઈ ગઈ. ભોગીલાલનાં ધર્મપત્ની ભીખીભાભી સ્વભાવે આકરાં અને પડોશમાં શું થાય છે તેની સતત નજર રાખનારાં. ભોજન કરવા સિવાય રસોડામાં ન જનારા ચંદુ માસ્તર ભીખીભાભીને દેખતાં ઘરનાં કચરાપોતા પોતાના ઘરે કરે. પોતાના શ્રીમતીજીને સાધીને લોટ પણ બાંધી આપે. આ ભીખીભાભીએ જોયું. પછી તો ભોગીલાલનું આવી જ બન્યું સમજો. રોજ મર્દ મુછાળો બની ને ફરતા ભોગેલાલ મીંદડી બેં થઈ ગયા.
જેના લલાટે કોરોનાના લેખ લખ્યા હોય તેનું તો આવી જ બન્યું સમજો. આ કલિયુગી કાળમુખા રોગની ભાળ નાક અને મોં જેવા અંગોથી થાય. સુગંધ- દુર્ગંધ પારખવાનું નિર્દોષ કામ કરતા નાકની હાલત નરકાશુર જેવી થાય છે. નવી જન્મેલી નાનકડી માખી નાકમાં આંટો મારીને જાય તે સહન ન કરી શકતો માનવી લાંબી પ્લાસ્ટિકની સળી કઈ રીતે સહન કરતો હશે? દુષ્ટ કોરોના મનુષ્યના પ્રિય નાકને જ પકડે જેથી તેના નાકનો કોઈ સવાલ જ ન રહે. પાક્કં-પાકા ભાઈબંધો કે સગા અને વહાલાં પણ દર્દીથી મોઢું ફેરવી લે. જાણે ભયંકર ગુનો કર્યો ન હોય? મોબાઈલમાં પણ જાણે કોરોના આવી જવાનો ન હોય? એવા ભય સાથે ખપપૂરતી વાત અને પરાણે ખબર અંતર પૂછે. ‘સગાં સહુ સ્વાર્થના’ કે ‘કોઈ કોઈનું નથી’ના બ્રહ્મજ્ઞાન સાથે ‘સાચો સગો એક રામ’ સાંભરે. સંસારનો મોહ ઓછો થાય. વૈરાગ્ય ભાવ જાગે એતો નફામાં. કોરોનાની કૃપા જેના પર થઈ હોય તે તો જાણે ‘હવે ગયા’ એમ સર્વ હથિયાર છોડીને શરણાગત સ્વીકારતા હોય એમ બલિના બકરા સમી ગરદન ધરી દે. ત્યાં બીજા દિવસે સરકારી આરોગ્યકર્મી ભૂલથી બદલાયે રિપોર્ટને બદલે આપણો અસલી નેગેટીવ રિપોર્ટ લઈને આવે. ત્યારે હસવું કે રડવું, ગુસ્સે થવું કે ખુશ થવું એવી અવસ્થાએ આપણો આતમરામ પહોંચી જાય. જીવનમાં પહેલીવાર નેગેટીવય ફાયદાકાર છે એની સમજણ કેળવાય.
કોરોના ડોનનું નામ જ કાફી છે. સત્તાવાર જ્યાં તે હોવાની બાતમી મળે ત્યાં તો સરકારી લાવ લશ્કર પહોચ્યું જ સમજો! ‘જેનું કોઈ નહીં તેની સરકાર’ એવો અહેસાસ દરેક નાગરિકને કોરોનાએ જ કરાવ્યો. પેટ ભરીને બાર મહિના સરકારી કર્મચારીઓને ગાળો દેનારને આજે આ કોરોના વોરિયર્સના રૂપમાં કામ કરતા સરકારી કર્મચારીઓ દેવદૂત જેવા લાગ્યા. લોકડાઉન તોડનારને યમરાજ જેવા પણ લાગ્યા હશે. ઘણા લોકોએ સરકારી બાબુઓને ફૂલોથી વધાવ્યા તો કોઈએ પથ્થરોથી પણ વધાવ્યા છે. આવા કપરાકાળમાં હાથ મજબૂત કરવાની જગ્યાએ દેવદૂતના હાથ કાપવાનીય કોશિશ થઈ છે. પોલીસ ડોકટર- નર્સ, નગરપાલિકાના કર્મચારીયો વગેરે દ્વારા જે સોસાયટીમાં કોરોનાનો કેસ હોય ત્યાં બીજા બધાની સુરક્ષા માટે ઘેરાબંધી કરે. આ જોઈને અડોશીપડોશી શિયાવિયા થઈ જાય. પોતાનું ઘર છોડીને ભાગવાની જ કોશિશ શરૂ કરે. મામા-માસી, કાકા-કાકી જ્યાં જઈ શકાય ત્યાં પહોંચવાની કોશિશ કરે. પરંતુ પછી સત્ય સમજાય કે ‘દુનિયાનો છેડો ઘર’. જેને કોઈ ન સંઘરે તેને ઘર સંઘરે. ‘ફૂટપાથ નો થાક શેઢે’ ઉતારનાર માટે હજુ એક વિકલ્પ ગામડે જવાનો બચ્યો હોય. શહેરમાંથી બહાર નીકળવું કઈ રીતે? હાલત એવી કે વગર વીઝાએ કે ડુબ્લીકેટ વીઝાએ લંડન પહોંચી જનાર કે ખોટા પાસપોર્ટરથી નજર ચૂકવીને યુ.એસ.એમાં પણ ઘૂસ મારી શકનાર ગુજરાતી માટે કોરોના કોપથી એક શહેર છોડીને પોતાના ગામમાં ઘૂસવું એટલે લોખંડી દીવાલમાં કાણું પાડવા બરાબર બની ગયું હતું. વળી, શહેરમાં અને રસ્તામાં પણ ચોકડીએ ચોકડી પોલીસ નાકું દબાવીને બેઠી હોય. બેત્રણ દિવસની વહેલી સવારની રેકીથી ખ્યાલ આવે કે રાતની ડ્યુટી પૂરી કરી ઉજાગરાથી થાકીને પોલીસ ઘરે પરત ફરે અને બીજા હજુ ડ્યૂટી પર આવ્યા ના હોય ત્યારે શહેરના નાકાં ખૂલ્લાં હોય છે. આ તકનો લાભ લઈ બિસ્તરા પોટલાં અને બાળબચ્ચાં સાથે શહેર છોડીને બહાર નીકળવા મળે. વિદ્યાર્થીકાળમાં હોસ્ટેલના વરંડા કૂદીને બહાર જવાના દિવસો સાંભળી આવે. એ વિદ્યા અત્યારે કામ લાગી તેનો થોડો આત્મસંતોષ થાય. વિદેશથીય આપણી જન્મભૂમિ પણ કાંઈ કમ નથી એવો અનુભવ પહેલીવાર થાય. ‘જનની, જન્મભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતી હોવાનો પ્રત્યક્ષ અનુભવ આ સિવાય બીજો ક્યાં લેવા જવો? પોલીસ તપાસની એક ચોકડી પાસ કરવી એટલે જાણે જંગ જીત્યો મારો કાણીયો ! પણ ત્યાં તો બીજું નાકું આવ્યું જ સમજો. રોબ અને રૂઆબ સાથે એક તરવરીયો લોકરક્ષક આપણી પાસે આવી પહોંચે. નાની વર્દીમાં મોટીકાયા છેટી ઊભી રહી હોય. ‘ મુરગો ફસાય એવો છે કે કેમ?’ બાજ નજરે તે નિરીક્ષણ કરતી હોય. પહેલા મોટું મોઢું ફાડે પરંતુ ‘માસ્તર’ કાંઈ આપે એમ નહીં’ એવું લાગતાં. મસાલો કે ગુટકા શોધનું અભિયાન પણ શરૂ કરે. છેવટે ના મામા કરતાં કાણો મામો સારો તે ન્યાયે આપણાં ગજવાં ખંખેરી લે અને પછી છોડે. હાશ! કરતા ગામ સુધી પહોંચીએ ત્યાં તો વળી, નવી ઉપાધિ. તે જોઈને ગામ સુધી પહોંચ્યાની ચહેરા પરની બધી રોનક ઊડી જાય. ગામના નાકે આડા દોરડા બાંધી, ટ્રેક્ટરની ટ્રૉલી રસ્તા પર આડી મૂકીને કે કોઈ મોટા ઝાડનું થડીયું આડું મૂકીને પ્રવેશદ્વારને સજ્જડ સીલ કરીને એક ટોળી બેઠી હોય. હત્તારી! સો મણનો નિસાસો નીકળે . ‘ઘર છોડીને વનમાં ગઈ, વનમાં લાગી આગ’વાળી હાલત થઈ. ગામની નવરી બજારની ટોળીને બીજો કામધંધો ન હોવાથી નાકાબંધી કરીને બેઠી હોય જાણે ગામમાં બહારવટીયા ઘૂસી જવાના ના હોય. વોટસેપીયા સમાચાર જોઈને તૈયાર થયેલ ‘કોવિડવેરીયસ’ વેર લેવા જ જાણે બેઠા ન હોય ! પોતાને અણગમતા શહેરીજન જાણે થેલામાં કોરોના ભરીને લાવ્યા કોય એવી નજરે અને ચહેરા સાથે ગામમાં પ્રવેશ અટકાવે. ચૌદ દિવસની સજારૂપ ગામ બહાર નિશાળની તૂટેલી રૂમમાં ઉતારો આપે ત્યારે ત્રિશંકુ યાદ આવી જાય. તેની વારે તો વિશ્વામિત્ર ચઢ્યા પણ આપની વારે કોણ?
*****