‘કોરોના’ આજ અને આવતીકાલ | ડૉ. ભરત સોલંકી
પરમતત્ત્વના કોઈ આશય નિમિત્ત સર્જાયેલી સૃષ્ટિ રમ્ય – રૌદ્ર સ્વરૂપો સતત બાતવે રાખે છે. ચૌદલોક, ચોર્યાસીલાખ યોનિની આ ભૂલભૂલામણીમાં કેટકેટલા રહસ્યો છૂપાયેલા પડ્યાં છે ! વળી આકાશ, પાતાળ, પૃથ્વી, પશુ, પક્ષી, વનસ્પતિ, માનવ અને દેવ-દેવીનાં વિધવિધ રૂપો ! એક તરફ જેનું ઉદ્ગમસ્થાન કહો કે આરંભ ક્યારથી છે તે કલ્પનાતીત છે. તેવા આ જગતની ઉત્પત્તિ વચ્ચે પાંગરતો-જીવાતો વર્તમાન અને નિરંતર ચાલશે એવો ભવિષ્યકાળ. આવા લાંબા હજારો યુગોના પટ પર વર્તમાનમાં જીવતો માનવ એનું કદ, તેનો સમય, તેનું આયુષ્ય રેતનાં કણનાં ય સોમાં ભાગથી ય નાનું ગણી શકાય.
આદિમાનવ પોતાના પેટ પૂરતું જીવતો, માત્ર શારીરિક જરૂરિયાતો તેના જીવનનો આધાર રહેતો. જે આજે પશુ-પક્ષીનો છે. પરંતુ માણસ પોતાની શારીરિક જરૂરિયાતો સાથે-સાથે ભૈતિક સુખાકારી માટે વધુ ને વધુ લાલાપિત થતો ગયો. વધુ ને વધુ વિનાશ કરવા ભૌતિક સગવડો વધારવા પ્રકૃતિના ખજાનાને લૂટતો ગયો. સૌંદર્યને હણતો ગયો. પૃથ્વીના ચહેરાને પોતાના નિજી સ્વાર્થ ખાતર ખરડતો ગયો. પ્રકૃતિ જાણે લાચાર થઈ માનવની સ્વાર્થલીલાને જોતી રહી...
પૃથ્વી પર વિલસતા પશુ-પક્ષીઓ બપોરનું ભોજન મળતાં રાતનાં ભોજનની ચિંતા કરતા નથી, છતાં રાતનું ભોજન મળી જ રહે છે ને વર્ષો સુધી જીવી જાય છે. માણસજાત એવી કે માત્ર બપોર કે સાંજનો વિચાર ન કરતાં વર્ષોનો જીવનપર્યતનો અરે ! સાતસાત પેઢીનો વિચાર કરી પ્રકૃતિની ખનીજસંપતિ, પાણી, વન, વનસ્પતિનો દૂરુપયોગ કરી પોતાના સ્વાર્થને પોષે છે. બીજાનાં નસીબનું, ભાવી પેઢીનું સુખ પણ પોતે ભરખી જાય છે. કાળ બધુ જ નિરખ્યા કરે છે. તે ધીરજ ધરીને બેસે છે પણ જ્યારે અસહ્ય લાગે ત્યારે એની કરવટ બદલાય છે. આંખના મટકું મારવા શી તેની લીલા પૃથ્વી પર હાહાકાર મચાવી દે છે.
આપણે માનવના માનવસંહાર સાથેનો વરવા રૂપો યુદ્ધો થકી જોયા. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો વાંચ્યા-પચાવ્યા પછીય યુદ્ધો તો થતાં જ રહ્યા. એ મહાકાવ્યોને મનોરંજનની કૃતિઓમાંની અભરાઈએ ચડાવી દિધી ને વ્યાસ, વાલ્મિકીના ઉચ્ચ દર્શનને ઠેકાણે મૂકી દિધા, તો સાથે સાથે તે માંના દૈવીતત્ત્વોને માત્ર ધાર્મિક દંભને પોષવાના ભાગરૂપે મંદિરમાં વિરાજમાન કર્યાં.
માણસનાં માણસ સાથેના યુદ્ધ સિવાય બીજું યુદ્ધ તેનું પ્રકૃતિ સાથેનું છે. પ્રકૃતિ પાસેથી માણસ છિનવી લે છે ને પ્રકૃતિ માણસને છિનવી લે છે. હા, ઝપાઝપી યુગો યુગોથી ચાલી આવી છે. માણસની સુખની સીમાઓનો કોઈ અંત જ નથી. તેની ખોપરીમાં વધુ ને વધુ સુખાકારી શોધવાના અભરખા જાગ્યા જ કરે છે. તેમાં ક્યારેક ભયંકરતા પણ આવી જાય છે. આવા સમયે પ્રકૃતિ-કુદરત લાલ આંખ કરે છે. માનવને ચેતવવાનો પ્રયાસ કરે છે પણ માણસ જાત છે. ચેતતી નથી ત્યારે કુદરત પોતાનો વિકરાળ ચહેરો સામે લાવે છે.
દરિયામાં સુનામિ, ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઠંડી-ગરમી તેમજ ન સાંભળ્યું હોય તેવા રોગ પ્રકૃતિના લાલ આંખના કે વિકરાળરૂપના ચિહ્નો છે. એની નાનકડી-શી હિલચાલ હજારો માણસોના કાળ બની જાય છે. ‘કોરોના’ શબ્દ હવે ત્રણ-ચાર વર્ષનાં બાળકથી માંડી છેલ્લાશ્વાસ લેતાં કોઈ વૃદ્ધ વ્યક્તિ માટે નવો નથી. તેની ભયંકરતાએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે. આવો અદ્રશ્ય ‘કોરોના’ વાયરસ કોણે ફેલાવ્યો ? કેવી રીતે ફેલાયો ? માણસની કોઈ શોધ છે કે પ્રકૃતિનો શાપ એ તો આવનારા સમયમાં નક્કી થશે. પણ વર્તમાનમાં તેના કાળમૂખા ચહેરાએ સમસ્ત વિશ્વને વેરવિખેર કરી નાખ્યું છે. કોઈ દરિયાઈ સુનામિ, ભુકંપ કે રોગમાં જે દેશ પીડિત હોય તમે બીજા દેશો મદદમાં આવતાં પણ આ વાયરસમાં કોણ કોને મદદ કરે ? આ વાયરસ હજારો-લાખો માઈલોનું અંતર ઝડપી કાપી આખા વિશ્વને ભરડામાં લઈને બેઠો છે. ત્યાં કોણ કોને મદદ કરી શકે ? સૌએ પોતપોતાનું ઘર સંભાળવું રહ્યું તેવી દશાનું નિર્માણ થયું છે.
ખેર, સમય આ પણ વીતી જશે. ઈશ્વરને તેની રચના ટકાવવા મથવું પડશે. ધીરે ધીરે માનવજાતની ખાસ્સી બાદબાકી થયા પછી જે બચશે તેની જીવનજીવવાની પદ્ધતિમાં ચોક્કસ પરિવર્તન આવશે અથવા લાવવું પડશે. તે નિશ્ચિત બાબત છે.
પ્રથમ પરિવર્તન દેવ-દેવીઓ પ્રત્યેની અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ ઘટી જશે. ‘કોરોના’ કાળમાં ભગવાનો પણ મંદિરોમાં કેદ થઈ ગયા ! તેના ભક્ત આવી તેને કાલાવાલા કરે, લાડ લડાવે તેવી રમણીય સૃષ્ટિમાં પોતે જ લાચાર થઈને બેસી ગયો છે. મોટી મોટી આગાહીઓ કરતાં ભવિષ્યવેત્તાઓ, ભૂવાઓ ‘કોરોના’ આગળ લાચાર થઈને બેઠાં છે. ટૂંકમાં ભગવાન, જ્યોતિષ ને ભૂવા કસોટીએ ચડ્યાં છે. તે જ હવે નિ:સહાય થતાં જગતને ઉગારવામાં જાણે નાપાસ થતાં તેમના પરનો વિશ્વાસ હવે ઘટવા લાગશે.
માણસ જાતને સૌથી ગમતો તેનો અને બીજાનો ચહેરો ઓળખ હવે ઢાંકીને ફરવું પડશે. ચહેરા પર માસ્ક હવે જીવનનો જાણે અનિવાર્ય હિસ્સો બનશે. લગ્નસમારંભો, મરણપ્રસંગોમાં લોકો માસ્ક પહેરેલા જોવા મળશે. તેમાં કોણ આવ્યું ને કોણ ન આવ્યું તે ઓળખવાના પ્રશ્નો ઊભા થશે. ટૂંકમાં માણસ હવે અડધો-પડધો ચહેરો ઢાંકીને આ જગતમાં ઘૂમ્યાં કરશે.
માણસનો અન્ય માણસ કે પશુ-પક્ષી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનું શ્રેષ્ઠ સાધન પરસ્પરનો સ્પર્શ હતો. હવે માણસે માણસથી દૂર રહેવું પડશે. ‘સ્પર્શ’ની પરિભાષા હવે બદલવી પડશે. આંખોના ભાવ આંખોની લિપિ હવે ઉદ્ભવશે. તે વાંચતા હવે શીખવું પડશે. દામ્પત્યજીવનમાં તો પતિ-પત્ની વચ્ચેના શૃંગારમાં ભાષા કરતાં સ્પર્શ જ મોટું માધ્યમ હતું. બંનેને એક કરવામાં હવે સ્પર્શની તેમાથી બાદબાકી થતા શબ્દો યંત્રવત બોલાશે ને યંત્રવત જ રતિક્રિયા થયા કરશે. સ્ત્રી-પુરુષના સ્પર્શ, ચુંબનો, આલિંગન વચ્ચે ‘કોરોના’ વિલન બનીને ઊભો રહેશે.
આપણે ત્યાં પશુ-પક્ષી પાળવાની પરંપરા હતી. બિલાડી, કૂતરા, પોપટ ઘરના સભ્ય મનાતા તેની જોડે જતાં મસ્તી કરતા તેને પાળતા તેની મજા લેતા. હવે એ એની એ રહેશે પણ માણસ માણસથી દૂર જશે. પશુ-પક્ષીમાં ‘કોરોના’ ન પ્રગટતા માણસ માણસથી દૂર થઈ પશુ-પક્ષીને ભેટવાનું, તેની પાસે જવાનું વધુ પસંદ કરશે અર્થાત માણસ માણસ વચ્ચેનાં ‘કોરોના’ સેતુ બનીને નહીં પણ ખાઈ બનીને ઊભો રહ્યો છે.
છેલ્લે માણસ હવે ભૌતિક સુખોની લાલસાને મોટા મોટા વૈભવી સુખ ને મહાનગરોની માયા કે મોહજાળમાંથી છૂટીને પોતાના મૂળ તરફ પરત ફરશે. શહેરો-નગરો તૂટી ફરી ગામ ગામડાં સમૃદ્ધ થશે. ખેતી, વાડી, વાવ, કૂવાનું તેજ તગતગશે. સમજુ માણસનો, સંપતિનો સુખનો મોહ ઘટશે. સંતોષનો ઓડકાર લેવો ગમશે.
આમ, ‘કોરોના’ વાયરસની આ વૈશ્વિક મહામારીનો ચહેરો વિકરાળ છે. અસહ્ય છે. કાળમુખો છે પણ માનવજાતને જીવન માટે આમૂલ પરિવર્તનના પાઠસમો પણ છે.
*****