'લોકડાઉન'(લઘુકથા) | ભરત મકવાણા
'ક્યારે ખુલશે આ 'લોકડાઉન?!! હું તો જબ્બર કંટાળી ગયો છું પૂજા' અણગમા સાથે ધવલે એની પત્નીને કહ્યું.
'હાલ તો ઘરમાં જ રહેવું અને લોકડાઉનનું પાલન કરવું એ જ આપણી નૈતિક ફરજ છે. 'ઘરે રહો,સુરક્ષિત રહો' પૂજાએ પ્રત્યુત્તર આપતાં કહ્યું.
ત્યાં જ એમનાં નાના દિકરા રોહને કહ્યું: 'પપ્પા, આ 'લોકડાઉન' એટ્લે શુ?'
'જો બેટા,અત્યારે 'કોરોના' નામનો વાઇરસ દેશ અને દુનિયામાં ચાલી રહ્યો છે.એને અટકાવવા માટે શહેરો તથા ગામડાઓ લોકડાઉન કર્યા છે.એટ્લે કે ઘરની બહાર નીકળવું નહીં, કામ વગર બહાર ફરવું નહીં અને ખોટી ભીડ કરવી નહીં' સમજ્યો બેટા?? રોહને હકારમાં માથું ધુણાવ્યું.
'તો આ કોણ કોણ બહાર ન નીકળી શકે પપ્પા? આ પક્ષીઓ અને પ્રાણીઓ તો ગમે તેમ વિહરે છે?' રોહને બીજો પ્રશ્ન પૂછતાં કહ્યું.
માત્ર માણસ જ દિકરા! બીજા જીવો તો ગમે તેમ હરીફરી શકે છે. પશુ-પક્ષીઓને તો કેવું હોય લોકડાઉન? એ તો 'લોકડાઉન'થી મુક્ત છે બેટા!
આટલું સાંભળી રોહન દોડતો - દોડતો પોપટના પિંજરા પાસે ગયો અને પિંજરાનો દરવાજો ખોલી રોહન બે હાથ ઊંચા કરી હસતા મોઢે બોલ્યો : " પોપટભાઈ, આજથી તમારું લોકડાઉન સમાપ્ત "અને પોપટ પાંખો ફેલાવીને મુક્ત ગગનમાં ઊડી ગયો.
પછી રોહન એના મમ્મી - પપ્પા સામે જોઈને બોલ્યો: 'બરાબરને?' પપ્પા બોલ્યા: 'શાબાશ દિકરા શાબાશ!'
*****