મારું પિયર | ભરતસિંહ હરિશ્ચંદ્રસિંહ બારડ
મનીષાની રડતી આંખો અને પોતાના પિયરીયાં તથા ફળિયાને આમતેમ જોતી તેની દયામણી નજર સૌ કોઇને વ્યથિત તો કરતી જ હતી, સૌ જાણતા પણ હતા કે આવી વિકટ પરિસ્થિતિમાં કોઇ પણ માણસ દયાહીન બને એ કેમ ચાલે? તેમ છતાં કોરોનાનો કહેર જ માણસને નિષ્ઠુર બનાવવા જાણે કે મજબૂર કરતો હતો, નહિં તો આજે મા-બાપ વિનાની દીકરી માટે ક્યારેય કોઇ આવું કરે ખરું? સુખમાં તો સૌ સાથે હોય પણ દૂ:ખમાં પડખે રહે એ જ સાચું ને ! મનીષાનું બાળપણ જોનાર સૌ કહેતા કે નાનપણમાં જ મા નો ખોળો ભગવાને છીનવી લીધો હતો તેમ છતાં એના બાપા એ ક્યારેય એને મા ની ખોટ સાલવા દીધી નહતી. લગ્ન બાદ મનીષાને સાસરીમાં ઘણું દૂ:ખ હોવા છતાંય સહન કરીને દા’ડા કાઢ્યે જતી. પિયરમાં સૌ જાણતા હતા કે મનીષાના બાપા જીવતા હોત તો મનીષાને આમ અમદાવાદમાં તવંગરોના બંગલે કામ કરવાની ક્યારેય નોબત આવે ખરી? ઘણીવાર તો મનીષા પોતાના અતિતને યાદ કરી, પોતાના બાપાને યાદ કરી એકલી એકલી રડી લેતી. ઘણીવાર પોતાની જાતને જ પ્રશ્ન પુછતી કે મનીષા, તુ એ જ મનીષા છે કે જે પાણી માંગે તો તેના બાપા દૂધ હાજર કરી દેતા. ઘરની પરિસ્થિતિ વિકટ હોવા છતાં મનીષાના બાપા તેને ક્યારેય કોઇ વાતે કમી ન રાખતા. એટલે જ તો દેવું કરીને પણ મનીષાના લગ્નમાં કોઇ કસર નહોતી છોડેલી. મનીષા પણ જાણે પોતાના સુખી સંસારના સપનાં સેવતી સાસરે તો પહોંચી પણ તેને ક્યાં ખબર હતી કે તે જેને સ્વર્ગ માનતી હતી એ સાસરું તો એના માટે નર્કથીય બદ્તર સાબિત થવાનું હતી. એમાંય બાપાના અવસાન બાદ મનીષા માટે તો પિયર પણ જાણે પારકું થઈ ગયું હતું. દારુડીયા પતિના ઢોરમાર અને ઘરના ચાર સભ્યોના જતન માટે મનીષા રાત-દિવસ એક કરતી, ખેતરે જતી, મજૂરી કરતી ને ક્યારેક લોકોના ઘેર દહાડી(મજૂરી) કરીને પણ ઘરના ચારે છેડા એક કરવા મથ્યા કરતી. પરિવારને જમાડી પોતે વધ્યું-ઘટ્યું જમીલોટો પાણી પી ને સૂઇ જતી. આ તો હવે તેના માટે જાણે કે નિત્યક્રમ થવા લાગ્યો હતો.
દિવસ-રાતની મજૂરી ને ભૂખ્યા પેટ પસાર થતા તેના કપરા સમયે એટલે જ તો તેને ક્ષયના રોગની ભેટ આપી. ક્યારેક ક્યારેક પિયર આવતીએ પણપોતાના ભાઇના લગ્ન બાદ એના માટે મુશ્કેલ બની રહ્યું, કેમકે તેનો નાનકો ભાઇ પોતાના લગ્નજીવન અને પત્નિમોહમાં એવો તો અંધ બની ગયેલો કે મનીષા માટે એના ઘરમાં હવે કોઇ જગ્યા નહતી. મનીષા કોઇક વાર જ પિયર આવતી ને રડતી આંખે જ વિદાય થતી.દારુડીયા પતિના ઝુલમ અને શારીરિક-માનસિક રીતે ત્રસ્ત મનીષા એમ મન મનાવતી કે કાલે દીકરો મોટો થશે ને એના જીવનમાં સુખનો સૂરજ ઉગશે. અને એટલે જ તો યેનકેન પ્રકારે પોતાના પતિને સમજાવી દીકરાને ભણાવવા મનીષા વાગડ (રાજસ્થાન) છોડીઅમદાવાદની કોઇ ચાલીમાં નાનકડી ઓરડી ભાડે રાખી, બંગલાઓમાં કામ કરતી ને એમ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી. બે ટંકનું ખાવા તો શેઠીયાઓના બંગલેથી જ નસીબ થતું ને એમ મનીષાનું જીવન પસાર થવા લાગેલું.
🟒🟒🟒
ચારે બાજું અફરાતફરી ને જે વાહન મળે એ પકડીને પોતાના વતન ભણી ભાગવાની દોટ ને અમદાવાદીઓના ભિતર કોરોનાનો ડર ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. વિશ્વ જેના કહેરથી ધ્રુજી ઉઠ્યુ હતું તે કોરોના એ અમદાવાદનેય બાકાત રાખ્યુ નહતું. એકબાજું આખુ ગુજરાત ને એકબાજું માત્ર અમદાવાદ. કેટલાક તો એમ પણ કહેતા કે અમદાવાદ બીજુ વુહાન બનવા જઈ રહ્યું છે. દિવસે ને દિવસે વધી રહેલા કોરોનાના અસંખ્ય કેસ સૌ કોઇને ડરાવી રહ્યા હતા.
મનીષા ને મન કોરોનાની મહામારી કરતાં તો પેટની મહામારી વધું ડરાવનારી હતી. ને એટલે તો એણે અમદાવાદ ન છોડવા નિર્ધાર કરેલો પણ જેના નસીબમાં જ તકલીફો લખાઇ હોય ને જાણે કે મનીષાનો પીછો છોડવા જ તૈયાર નહોય એમ મનીષા જે બંગલાઓમાં કામ કરતી એ શેઠીયાઓ પણ હવે તો મનીષાને કામ પર રાખવા તૈયાર નહતા. યેનકેન પ્રકારે બે-ત્રણ દિવસ પસાર થયા. આવતી કાલે પોતાના પતિ અને દીકરા સાથે પોતે પણ અમદાવાદ છોડી રાજસ્થાન ચાલી જશે એમ વિચારતી મનીષા સવારે જાગીને જુએ છે તો પોતાનો પતિ પથારીમાં જોવા મળતો નથી. આવું કંઇ પહેલી વાર નહતું બન્યું. કેટલીય વાર મનીષાનો પતિ દારુ પી ને ગમે ત્યાં પડી રહેતો. કોઇ કોઇ વાર તો બબ્બે દિવસે પણ મનીષાની કે પોતાના દીકરાનીય સંભાળ લેવા ન આવતો. મનીષા પોતાના પતિને શોધવા આમતેમ ઘણું ફરી પણ અમદાવાદ કંઇ નાનું થોડું હતું. સાંજ સુધીની શોધખોળ અને થાકીને લોથપોથ થઈ ગયેલી મનીષા પોતાના દીકરા સાથે અમદાવાદથી પોતાના વતન ભણી નિકળી પડી.
રાજસ્થાન તો જવાય તેમ હતું નહિં એટલે પોતાના પિયર સુધી મહામુસિબતે મનીષા પહોંચી શકી. કોરોનાની ડરામણી ને વરવી વાસ્તવિકતાનો ભોગ સૌથી વધુ ગરીબો જ બન્યા હતા, એ તો સૌ જાણે જ છે પણમનીષા માટે પણ આ કપરો સમય કસોટીનો પૂરવાર થઈ રહ્યો હતો. પોતાના પિયરમાં પણ પારકાની જેમ એક છાપરું બનાવી ગામલોકોની મદદથી એક પછી એક દિવસ પસાર કરતી મનીષા ક્યારેક ભગવાનને ફરિયાદ કરતી કે ‘હે ભગવાન એટલીય કસોટીના લે કે તારા પરનો વિશ્વાસ ડગી જાય !’ એક પછી એક લોકડાઉન અને પિયરમાં જ અટવાઇ પડેલી મનીષાની નજર સમક્ષઘણીવાર પોતાનો અતિત તરવળી રહેતો. પોતાનું બાળપણ, પિતા,ફળિયુંનેબહેનપણીઓને યાદ કરી મનીષાથી ઊંડો નિ:સાસો નંખાઇ જતો.પોતાનું બાળપણનું જૂનું ઘર કે જેમાં હાલ પોતાનો ભાઇ તેના પરિવાર સાથે રહે છે,એ પણ પોતાના માટે આજે પારકું બની રહ્યું હતું. આજે મનીષાની સંપત્તિ એટલે માત્ર પોતે બનાવેલું એક છાપરું ને પોતાનો દીકરો. કોરોનાની મહામારીના રોજેરોજ સચાચાર વાંચી ભલભલાના હાંજા ગગડી જાય એવો આ માહોલ હતો. એમાંય અમદાવાદ અને સુરતના હાલ બેહાલ હતા.
ગામડામાં કોઇ અમદાવાદ કે સુરતથી આવે તો જાણે દુશ્મન આવ્યાનું જ અનુભવાતું. લાગણીના સબંધોને તારતાર કરતો કોરોના લોકોમાટે ચિંતાનો વિષય બન્યો હતો, આવી વેળાએ ક્યાંયથીય વહેલી સવારે મનીષાનો પતિત્યાં આવી ચઢ્યો ને જાણે મનીષા માટે મુસિબતનો પહાડ લઈ આવ્યો. થોડીવારમાં તો ફળીયે ફળિયેને ગામ આખામાં ચર્ચા એ જોર પકડ્યું કે મનીષાનો ધણી અમદાવાદથી આવ્યો છે. મનીષા માટે જે લાગણી ગામ આખાને હતી તેના વિપરીત તેના પતીના આગમને મનીષા તરફી પણ અણગમો પેદા કર્યો. ઘેર-ઘેરની ગુપસુપ ચર્ચા ધીરેધીરે જાહેરમાં થવા લાગીનેથોડા કલાકમાં તો મનીષાના કુટુંબીઓ પણ એકસુર થઈ મનીષાને ગામ છોડી જવા ફરમાન કરવા લાગ્યા. ઓચિંતી આવી પડેલી મુસીબતથી મનીષાના જીવનમાં ફરી હડકંપ આવ્યો. અમદાવાદ છોડીને આવેલી મનીષા એમ સમજતી હતી કે લોકડાઉન ખુલશે ને પાછી અમદાવાદ પરત ફરશે પણ અહીં તો તેને પોતાનું પિયર પણ છોડવાની વેળા આવી ઉભી હતી. એ પણ એવા સમયે જ્યારે કોઇ સાધન સગવડ પણ ઉપ્લબ્ધ નહતી. થોડા દિવસ રહેવા દેવા આજીજી કરતી મનીષાની અશ્રુભીની આંખો જાણે પોતાના બાપાને શોધતી હતી. આજે બાપાની કમી મનીષાને સાલવા લાગી હતી. પોતાના પિયરીયાં ને ફળિયાને આમતેમ જોતી મનીષાની દયામણી નજર સૌ કોઇને વ્યથિત કરતી હતી. સૌ જાણતા હતા કે આવી વિકટ પરિસ્થિતિમાં કોઇ પણ માણસ દયાહીન બને તે કેમ ચાલે?પણ કોરોનાનો કહેર જ એવો હતો કે જાણે લાગણીના સબંધો મનીષાની આંખોમાંથી અશ્રુસાગર બની વહી રહ્યા હતા. ડૂસકાં ભરતી મનીષા હું ક્યાં જઈશ? ક્યાં રહીશ? પોતાના દીકરાને શુ ખવડાવીશ? ની આજીજી કરતી રહી પણ તેને સાંભળીને પણ આંખ આડાકાન કાન કરતા પિયરીયાંનું વર્તન મનીષાને હચમચાવી નાખનારું હતું.
નાનપણમાં માં અને લગ્ન બાદ પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી મનીષા આજે બિલકુલ નિરાધાર બની રહ્યાનું અનુભવી રહી હતી. ભાઇ-ભાભી અને પિતરાઇ સૌને વિનવણી કરતી મનીષાના આક્રંદે વાતાવરણને ગમગીન બનાવી મૂક્યું હતું. મનીષાના કરગરવા ને રડવા છતાં ત્યાં હાજર કોઇના હૃદયમાં પોતાના પ્રત્યે દયા કે લાગણી સુદ્ધાં ન અનુભવાતાં મનીષાનું હૃદય ભરાઇ આવ્યું ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. પોતાનું બાળપણ જે આંગણામાં વિતેલું, જ્યાં પા પા પગલી ભરી ચાલતાં શીખેલી એ જ આંગણું આજે આ રીતે છોડવું પડી રહ્યાનું અનુભવતી મનીષા ભિતરથી ભાંગી પડી હતી. નછુટકે હિંમત હારી છપરાંમાંથી નાનું પોટકું કે જેમાં તેના અને દીકરાનાં કપડાં હતાં તે લઇ પોતાના પતિ સાથે ડુસકાં ભરતી મનીષા નિકળી પડી. એક એક ડગલું માંડમાંડ ભરતી મનીષાના પગ જાણે એક-એક મણનો ભાર લઈને ચાલી રહ્યા હોય તેમ અનુભવતી હતી. એ જાણતી હતી કે તેને રોકાઇ જવાનું કહેનારા તો ભગવાનને પ્યારાં થઈ ગયાં હતાં. જે હાજર છે એ જ તો તેને અહીંથી કાઢવા તત્પર બન્યા છે. દૂરદૂર પહોંચી ત્યાં સુધી આંખોના ખુણા લૂછતી ને વળીવળીને પાછું જોતી મનીષાની આંખો જાણે કંઇક કહી રહી હતી પણ.....
(સત્ય ઘટના આધારિત)
*****