ઓક્સિજન | બીના વીર
બાળપણથી કૉલેજ સુધી જેની સાથે ભણી, રમી, મસ્તી કરી, ફિલ્મો જોઈ એ જ અજિત મેકવાનને સુજાતા દેસાઈએ જીવનસાથી બનાવવાનો નિર્ણય કર્યો. બંનેના ધર્મ જુદા હોવાથી લગ્ન માટે ઘરેથી નકાર હોવા છતાં બંને પરણ્યાં. કુટુંબ સાથેના બંનેના સંબંધો તૂટ્યા.
લગ્નના તેર વર્ષમાં ઉતારચઢાવ તો ઘણા આવ્યા, પણ બંનેના પ્રેમમાં કદી ઓટ નહોતી આવી. બંનેને પોતાની પસંદગી માટે ગર્વ હતો. ભાડાના ઘરમાં પણ એમનો નાનકડો પરિવાર સુખેથી રહેતો. બે કસુવાવડ થયા પછી ડૉક્ટરે સુજાતાને હવે બાળક માટે રિસ્ક લેવાની ના પાડી હતી. છતાં સુજાતાની બાળક માટેની જિદ સામે અજિત પણ ઝૂક્યો. દીકરાના જન્મે સુજાતા અને અજિતનું ઘર કિલ્લોલ કરવા લાગ્યું. સમય જતાં ખબર પડી કે સુજાતા અને અજિતનો એ પ્રિન્સ એક પગે અપંગ હતો. સુજાતાએ પ્રિન્સને પ્રેમ અને કાળજીથી ઉછેરી, એને એની અપંગતાનો અહેસાસ ન થવા દીધો.
પ્રિન્સ સાત વર્ષનો હતો અને એક કાર અકસ્માતમાં અજિતનું મૃત્યુ થયું. સુજાતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. પ્રિન્સની કાલીઘેલી વાતો સુજાતા માટે ઓક્સિજનનું કામ કરતી ગઈ. સુજાતા હવે ફક્ત પ્રિન્સ માટે જ જીવવા લાગી. અજિતના ગયા પછી ઘરભાડું, પ્રિન્સના અભ્યાસનો ખર્ચ વગેરે જવાબદારી પણ વધી. પ્રિન્સને બપોરની સ્કૂલ હોવાથી તેને સ્કૂલે મૂકી સુજાતા મેડિકલ સ્ટોરમાં બીલ બનાવવાની નોકરી કરવા લાગી. પ્રિન્સ સ્કૂલેથી છૂટ્યા પછી અડધો કલાક લીમડાના ઝાડ નીચેના ઓટલે સુજાતાની રાહ જોતો બેસી રહેતો. સુજાતા નોકરી પરથી છૂટી એને લઈ ઘરે જતી. આમ, દિવસો પસાર થવા લાગ્યા. નોકરી અને ઘરકામમાં સુજાતા થાકી જતી. એ હવે પ્રિન્સને પહેલાં જેટલો સમય નહોતી આપી શકતી. એથી ક્યારેક પ્રિન્સ ફરિયાદ કરતો કે, 'સુજાતા, તું ના જાને નોકરી કરવા.' હા, પ્રિન્સ સુજાતાને મમ્મી નહોતો કહેતો. અજિત સુજાતા બોલતો એટલે એ પણ સુજાતા જ બોલવા લાગ્યો હતો. સુજાતાને એ ગમતું પણ ખરું. પ્રિન્સ ફરિયાદ કરતો પણ સુજાતાને તો નોકરી કર્યા વગર છૂટકો જ ક્યાં હતો! વિધવાપેન્શન એટલી તો નહોતી મળતી કે ઘર ચાલે. ને અજિતની તો ખાનગી નોકરી ને ઓછો પગાર એટલે ખાસ કોઈ બચત પણ નહોતી. ધીમે ધીમે પ્રિન્સ દસ વર્ષનો થઈ ગયો હતો ને હવે ઘરની સ્થિતિ પણ સમજતો થયો.
ટીવીમાં સિરિયલ કે ફિલ્મ જોતાં પ્રિન્સ ક્યારેક કોઈને વેન્ટિલેટર કે ઓક્સિજન પર રાખેલા જુએ ત્યારે સુજાતાને ઓક્સિજન પર રાખવાની રમત રમતો. કહેતો, 'જો સુજાતા, હું ડૉકટર છું ને તું મારી પેશન્ટ. તું ઓક્સિજન પર છે એમ સમજવાનું ને જો... આ ઓક્સિજનનો બોટલ છે'. સુજાતા એ રમત રમતાં મલકાતી. પ્રિન્સને બાથ ભરી ચૂમતી ને કહેતી, 'મારો પ્રિન્સ એક દિવસ ડૉકટર જ બનવાનો છે.'
પ્રિન્સને પાંચમા ધોરણની પરીક્ષા થોડા દિવસ પછી શરૂ થવાની હતી. પણ અચાનક સરકારે કોરોનાના કેસ આવતાં સમગ્ર ગુજરાતમાં લોકડાઉન 1.0 જાહેર કર્યું. શાળા, કોલેજો, ધર્મસ્થળો, રેસ્ટોરન્ટ, કંપનીઓ, પરિવહન સઘળું બંધ. માત્ર જીવનજરૂરિયાતની વસ્તુઓ માટેની દુકાનો જ ખુલ્લી. શાળાની પરીક્ષાઓ રદ થઈ. લોકડાઉનના દિવસો લંબાતા ગયા. પ્રિન્સ ખુશ હતો, કેમ કે સુજાતા હવે એને વધારે સમય આપવા લાગી હતી. એ એની સાથે સાપસીડી, અમદાવાદ, કેરમ, શુનચેકડી, પાંચિકા જેવી રમતો રમતી. માસ્ક, સેનેટાઇઝર વગેરે કેવી રીતે ઉપયોગ કરવો એ વિશે માહિતી આપતી. પોતે ચિત્રો દોરી પ્રિન્સને એમાં રંગો પૂરવા આપતી. એક વખત તો એણે જાતે જ ન્યૂઝપેપરમાં જોઈને કોરોનાનું ચિત્ર બનાવ્યું ને પછી સુજાતાને કહે, 'હવે હું કોરોનાને ભગાડી દઈશ. હાહાહા...’
લોકડાઉનમાં નોકરી બંધ હોવાથી ઘરમાં તકલીફ તો હતી. પણ થોડીક બચત, વિધવાપેન્શન, બીપીએલ કાર્ડ પર મળતાં રાશન અને સરકારે જનધનખાતામાં જમા કરેલ રૂપિયાથી ચાલી જતું. ક્યારેક કોઈ સંસ્થાવાળા શાકભાજીની કીટ આપી જતાં. સારી આર્થિક સ્થિતિ ધરાવતા કેટલાક પાડોશીઓ પણ પોતાના રાશનકાર્ડ પર મળતું રાશન સુજાતાને આપતા. એક તરફ નોકરી બંધ, બીજી તરફ મકાનમાલિક ઘરભાડું માંગતા, ને સુજાતા નોકરી ચાલુ થશે એટલે ચૂકવી દઈશ એવો જવાબ આપતી.
લોકડાઉનના પચાસ દિવસ પછી પ્રિન્સની તબિયત નાજુક રહેવા લાગી. સુજાતાને એમ કે ગરમીના લીધે લૂ લાગી હશે એટલે એ કેરીનું પીણું આપતી ને ડુંગળી છીણીને પ્રિન્સના શરીરે લગાવતી. બે દિવસ થયા પણ પ્રિન્સને સારું નહોતું લાગતું. સુજાતા નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર પ્રિન્સને લઈ ગઈ. ત્યાંથી કોરોના માટે ટેસ્ટ કરાવવાની સલાહ આપતાં સરકારી હોસ્પિટલમાં જઈ ટેસ્ટ કરાવ્યો. બે દિવસ પછી પ્રિન્સનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. પ્રિન્સને સુજાતાથી જુદા થઈ, હવે સારું ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેવાનું હતું. જિંદગીમાં પહેલી જ વખત સુજાતાથી દૂર થવાની એ ક્ષણ પ્રિન્સ માટે ઘણી વસમી હતી. સુજાતાએ ડૉક્ટરોને પ્રિન્સની કાળજી રાખવાની અગણિત સલાહો આપી. એક નર્સ એની ડ્યૂટી હોય ત્યારે પ્રિન્સને પોતાના એન્ડ્રોઇડ મોબાઈલ પરથી સુજાતા સાથે વીડિયો કોલથી વાત કરાવતાં. સુજાતા પ્રિન્સ સારો થઈ ઘરે પાછો આવે એની રાહ જોતી રહેતી. પ્રિન્સ વગર તો ઘરમાં ક્યાંય એનું મન નહોતું લાગતું. પ્રિન્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સુજાતાનો રિપોર્ટ પણ કાઢ્યો. જે નેગેટિવ આવ્યો, પણ તેને ઘરમાં જ ક્વોરન્ટાઇન થવું પડ્યું હતું. ૧૪ દિવસ ઘર બહાર નીકળવાનું ન હોવાથી દૂધ, શાકભાજી જેવી જરૂરી ચીજો પાડોશીઓ જ સુજાતાના ઘર બહાર મૂકી જતાં. આવી વિકટ પરિસ્થિતિમાં પાડોશીઓ સાચા સગા સાબિત થયા હતા.
પ્રિન્સ હોસ્પિટલમાં દાખલ થયાના દસમા દિવસે ડૉક્ટરે સુજાતાને ફોન કરી એની હાલત ગંભીર હોવાનું જણાવ્યું. ઘણી ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ કોઈ સુધાર જોવા મળ્યો નહિ અને પ્રિન્સ આ દુનિયા કાયમ માટે છોડીને જતો રહ્યો. સુજાતા દુ:ખદ સમાચાર સાંભળ્યા પછી પોતાને સાચવી શકી નહીં. એના માળાનું પંખી ઉડી ગયું, ને જાણે બધું જ વિખેરાઈ ગયું. ઘર જાણે સૂમસામ બની સ્મશાનમાં ફેરવાઈ ગયું.
પ્રિન્સ વગર આખું ઘર ખાવા ધાતું. ઊંઘમાં પણ સુજાતાને પ્રિન્સના મુખે 'સુજાતા' નામની બૂમો સંભળાતી. ને સુજાતા હાંફળીફાંફળી જાગી જતી, પ્રિન્સને શોધ્યા કરતી. સુજાતાની તબિયત કથળતી ગઈ. શ્વાસ લેવામાં પણ તકલીફ થતી. પાડોશમાં રહેતાં હંસાબેને કોર્પોરેશનની ઓફિસમાં જાણ કરી, સુજાતાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી. સુજાતાને ઓક્સિજન પર મૂકવી પડે એવી સ્થિતિ હતી. સુજાતાની આંખો પૂછી રહી હતી, 'પ્રિન્સ, ક્યાં છે... બેટા? જોને... આજે સાચ્ચે જ... 'સુજાતા'..ઓક્સિજન પર છે... તું આવીશ ને????...
*****