કોરોના : માણસ – મૂંઝવણ અને મહામારી | આશિષ ચૌહાણ
કામ કરવું એ માણસની પ્રવૃત્તિ છે. કમાવું એ વૃત્તિ છે અને કશુંક આપવું એ સંસ્કૃતિ છે. માણસના કાર્યક્ષેત્રમાં સ્થળ બદલી એ સ્વાભાવિક છે. કમાવા માટે સ્થળાંતર કરવું એ આજના આધુનિક સમયમાં સહજ છે. તે માટે વ્યક્તિ વધારે, શહેર તરફ પ્રયાણ કરે છે.
અહિ કામ કરવાની ટેવ, આવડત જ્ઞાન એ ગ્રામ્ય અને શહેરને જુદા પાડે છે. અને એવી રીતે મનુષ્ય પણ જુદો પડે છે. સમય સંજોગ મુજબ દરેક માણસ જીવતા શીખી જાય છે અને શીખવું પણ પડે છે.
કોઈએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે કોઈ કોરોના જેવો વાયરસ આવશે અને મહામારી સર્જી દેશે ! કેટકેટલી પરિસ્થિતિ બદલી નાખી ! કહો કે, અમુક સિધ્ધાંતો સુધ્ધા ખોટા પાડી દીધા. આવું કહેવામાં અતિશયોક્તિ નથી. નાના માણસથી મોટા માણસ સુધી અને ગૃહઉદ્યોગથી મોટી મોટી કંપનીઓં સુધી આ મહામારીની અસર વર્તાઈ. આ અસરના કારણે સીધી જ અસર મનુષ્યના ચિત્ત ઉપર પડી અને માણસ માત્ર વિચારતો રહી ગયો. થોડા સમય માટે કામ બાજુ પર પડી રહ્યું અને રહ્યું તો માત્ર વિચાર કરવાનું, શું કરવું ? આ પ્રશ્ન દરેક માટે યાતના પ્રગટાવનારો હતો.
સામેની એક બાજુથી વિચારીએ તે વિચારોમાં એક પ્રકારની પોઝેટીવીટી પણ જોવા મળી. એ વ્યક્તિએ વ્યકિતએ જુદા જુદા આધાર સ્તંભો ઉપર નિર્ભર રહી. કેટલાય લોકો માટે આ સમય આર્શીવાદરૂપ પણ રહ્યો. આના ઉપરથી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી એવું સાબિત થાય કે દરેક પરિસ્થિતિ મનુષ્યના મન ઉપર નિર્ભર છે. જે લોકો જંપીને કદીએ બેઠા નહોતા, ઘર-પરિવાર સાથે પ્રેમથી સમય વિતાવ્યો નહોતો તેને શાંતિનો અનુભવ આપવા આ સમય માર્ગદર્શક રહ્યો. ઘણા સારા અનુભવો પણ છે.
પરંતુ વ્યક્તિ, કોરોના અને ઘર એ એકમેક સાથેનો નાતો કેવો રહ્યો ? આખરે એક કહેવત પ્રમાણે વિચાર મૂકીએ તો ‘ધરતીનો છેડો ઘર’ આ છેડો કેટકેટલા લોકોએ આત્મસાત કર્યો ? અથવા ઓળંગ્યો ? આદિમાનવના ગુફા નિવાસથી આજ સુધીની મહેલ કે બંગલા સુધીની સફરમાં માણસ ક્યાં ખોવાયો, અટવાયો ? એ મૂળ પ્રશ્ન છે.
ઘર હોવા છતાં ઘર નથી ! જેવી સ્થિતિ ઘણા લોકો માટે અસર કરી ગઈ. મને બરાબર યાદ છે. બે મહિનાનું સતત લોકડાઉને માણસને ઘણી રીતે ડાઉન કરી દીધો. એક પ્રકારની અફડાતફડી મચી ગઈ. જે લોકો મોટા શહેરોમાં સ્થળાંતર કરી ગયાં હતા તે હવે ઘર તરફ આવવા ઉતાવળા થયા હતા. પણ, મજબુરી એ હતી કે સરકારના નિયમો આડે આવતા હતા. છતાં કેટલાય લોકોએ ઘરભણી દોટ મૂકી અને એ દોટે ઘણાને દંડી લીધાં. આ દંડની પ્રથા માણસ માટે ખૂબ કપરી છે.
અહિ ‘ધૂમકેતુ’ની વાર્તા ‘વિનીપાત’નાં શબ્દો યાદ આવે. ‘પડે છે ત્યારે સઘળું પડે છે !’ આ વાક્ય હાલની કોરોના મહામારીની સઘળી યાતનાને તાર્દશ્ય કરે છે.
‘ઘર હોવા છતાં ઘર નથી’ એ બે મહિનાના બંધ સમયમાં મજૂરો પોતાના વતન તરફ ચાલીને, સાઈકલ, સ્કુટર કે અન્ય વાહન લઈને પહોંચવાની મથામણમાં હતા અને કોઈએ સફરના સાથી બનવાની તસ્દી ન લીધી. એ લોકો માટે વિકટ સ્થિતિ સર્જાણી. કાર્યક્ષેત્રના ઘરે જાકારો આપ્યો, તો પોતાના ઘરે ખાવા-પીવાથી લઈને અનેક વસ્તુથી અળગા કરી દીધા. ‘ચાર દિવાલના છાપરાને ઘર થોડું કહેવાય !’ જે ઘર પેટ ન ભરે તે ઘર કેવી રીતે કહેવાય ? ઘર નહોતા કે નથી, તેવા લોકો ગુફામાં રહ્યાના દાખલા છે.
મધ્યમવર્ગના લોકો ભાડાના ઘરમાં રહેતા હતા અને ભાડું ખૂટી ગત્યું ત્યારે કઈક માલિકોએ જાકારો આપ્યો. એ લોકો ફરી ઘર ગોતવામાં લાગી ગયા. ત્યારે ઘર માલિકોએ બમણા ભાડા પેટે રકમ એડવાન્સ પણ માંગી. આ બધી વિડંબના ઘર ન મળવાથી માણસનાં મનમાં ઘર કરી ગઈ.
શહેરમાં ભાડે રહેનારા દરેક લોકો પોતાના વતનના ઘર તરફ જવા નીકળી પડ્યા અને પંદર પંદર દિવસનો વનવાસ પોતાને ઘરે આપ્યો ! ઘણા આ વનવાસમાં કાયમ માટે ફીટ થઇ ગયા. જેણે એવું વિચારેલું કે ‘ગામ હવે કોઈ દી આવવાની જરૂર નહિ રહે એટલે ગામડાના ઘરને પાડી દઈ, શહેરમાં ઘર બનાવીએ.’ એવું કરવાવાળાને પણ ‘બે જેઠ’ લાગુ પડ્યા.
આ બધી સ્થિતિ સર્જાણી તેમાં આખરે જવાબદાર કોણ ? તે નક્કી ન થઇ શક્યું. દેખાડો કરનારા પોતે ફાવી જશે. એવું વિચારી બધું સગેવગે કરવાની પેરવીમાં લાગી ગયા. અંતે જાહેરક્ષેત્રો લઈને બેસનારા ઉઘાડા પડતા ગયાં. પોતાને ઢાંકવાની કોશિશ બહુ કરી, છતાં ક્યાંકને ક્યાંક ખુલ્લા પડ્યા. સાચે જ ઢાંકવાની જરૂરિયાત તો ગરીબ, મજૂરોને હતી. એને ઢાંકવા પટ લાંબો કર્યો છતાં પનો ટૂંકો પડ્યો. એ ગરીબોએ થીગડા માર્યા પણ ગાબડા જ પડ્યા અને પડતા રહ્યા. એ ગાબડા પૂરવા કોઈ કડિયો કે કોન્ટ્રાકટર કામ ન લાગ્યો. છેલ્લે ગરીબો કે મજૂરો પોતે લોઢા, લાકડા લઈને મંડી પડ્યા ને કોઈ વાતે ચણતર ન થયું. એમાં મોટી તકલીફ ચણની ઉદભવી. પણ, ચણ તો ચકલા કે કબૂતરોને પોસાય. પેટ ભરીને ખાનારા આ માણસને તે ન પરવડે ! આ સંજોગોમાં ઘણાએ પેટ ન ભર્યું પણ, ઘર ભરવાની મહેનત કરી. અંતે જેના ઘર ખાલી હતા તે વધારે ખાલી થયા. એક મોટી આફત આવી. ભલે થોડા સમય માટે જ પણ, એ લોકો માટે મહામારી જ કહેવાય.
કહેવાય છે કે દરેક સદીઓમાં કોઈને કોઈ મહામારી, બીમારી આવતી જ રહી છે. એ પ્લેગ હોય કે ઇન્ફ્લ્યુએંજા કે પછી સ્વાઈન ફ્લ્યુ જેવા રોગો સામે માણસ લડ્યો છે અને જીવ્યો છે, મર્યો પણ છે. એના સાક્ષી જૂની પેઢીના લોકો કે ઈતિહાસ છે.
જયારે આ કોરોના મહામારીના હું ને તમે બધા સાક્ષી છીએ. જીવન કે સમય તેમાં પરિવર્તન જરૂરી હોય છે એવું માનવામાં આવે છે એ પરિવર્તન કેટલુંય બદલી નાખે, કેટલા નવા આયામો સર્જી દે છે અને સમાજના વિચારોને ઘરમૂળથી નવા પણ બનાવી દે છે. આ બધી અસરો ઘર, સમાજ, રાષ્ટ્ર, દેશ અને તેની છબી, સાહિત્ય સુધી વિસ્તરતી રહે છે.
છબી સુધારવામાં કોઈક કોઈક વાર એને જોગ ફ્રેમ નથી મળતી અને એમાં ફીટ થવા ઘણી મથામણ કરવી પડે છે. દરેક જગ્યાએ આ ગોઠવાવાનો પ્રશ્ન તો પાછો નડે જ છે. ઘણીવાર એવું બને છે કે જેના માટે ફ્રેમ બનાવવામાં આવી હોય તેમાં અન્ય જ કોઈ ગોઠવાઈ જતું હોય છે. એના દાખલા મારીને તમારી સામે છે જ. એ ઠીક છે પણ, ગોઠવાઈ ગયા પછી આખી ફ્રેમને ઉધઈ ચડી જાય અને એ ઉધઈ કાઢવા છબીને પલાળવી પડતી હોય છે. એ પછી ભલે પાણી કે દવાથી પલાળવી પડે.
આવી સ્થિતિ ખરેખર આ કોરોના વાયરસ આપણી સામે મૂકી દીધી. દરેક પ્રશ્નો સર્જાવા પાછળ કોઈને કોઈ સંકેત હોય છે અને એ સંકેત ઓળખી જીવી જનારા જીવી જાય છે.મોટો પ્રશ્ન તો એ છે કે સંકેતનો સંકેત ન સમજનારાને જો કોઈ સંકેત કરે તો જ તેની ખબર પડે. અન્યથા તે જીવવા મથે છે. આખી બાબત સમજદારી ઉપર ઘણો ભાર મૂકે છે. ઘણી જગ્યાએ એવુંપણ થાય છે કે સમજદારી કામ નથી લાગતી. આ કોરોના વાયરસે સમજાવ્યું.
મને એવું સમજાયું કે જો મારું ચાલે તો હું ‘મંગળગ્રહ’ ખરીદી લઉં અને ત્યાં એવી એક નગરી વસાવું કે ગરીબ લોકો આસાનીથી રહી શકે. એક કમીટીનું ચયન કરું, તેમાં નાના માણસો નિર્ણય લઇ શકે અને તે તેના અનુભવને કોઠા સુજથી. આ પ્રકારની સુજ અને સમજ ઘણી જગ્યાએ કામ લાગે છે અને હાલની મહામારીની સ્થિતિમાં કામ લાગી છે.
મોટા મોટા ઇન્જેક્શનથી કામ નથી થયું ત્યાં ખાલી ગરમ પાણી કે ઉકાળા કામ લાગ્યા છે. તો ક્યાંક શરીરીની રચના પણ. એટલે મંગળ ઉપર ઘર બાંધવાની બાબતમાં આવા સામાન્ય માણસો કાઠું કાઢી શકે તેમ છે. માણસને મોકો આપવો પડે, તો તે ધાર્યા કરતા ઘણું મોટું પરિણામ લાવી શકે.
આખરે બધી વાતનો નીચોડ માણસ, કોરોના અને મહામારી વચ્ચે જે પરિસ્થિતિ સર્જાણી તેમાં, અગવડ, યાતના, આવડત, દુઃખનો અનુભવ દરેકને જુદી જુદી રીતે થયો અને ઘણા રસ્તા હોવા છતાં તે બંધ થઇ ગયા. તો કેટલાક રસ્તા ખુલ્યા. પોતાના ગજા પ્રમાણે દરેકે વર્તન કર્યું અને પરિણામે શાંત રહેવાની નોબત આવી. આ શાંત રહેવાની ભાંજગડમાંથી નવી સ્થિતિઓએ સળવળાટ કર્યો અને માણસ નવી રીતે જીવન જીવતા શીખ્યો. કોરોનાએ ચળવળાટ કર્યો અને મનુષ્યએ ચળવળ. એમાં ઘણું અવળ-સવળ થયું. ઘણું છૂટી ગયું, ઘણું મેળવ્યું અને ઘણું બદલાયું.
*****