કલરવ | અનિલ રાવલ "નિર્મલ"
દરરોજની જેમ કલરવ બારી પાસે બેઠો હતો. તેણે જોયું તો રસ્તા સૂમસામ હતા. એ પાંચમા માળના ફ્લેટની બહાર જઈ શકતો નહોતો. તેણે દાદાને પૂછ્યું હતું, "દાદા, સાંજે મંદિરે જઈશું ?" દાદાએ કહેલું, "ના, અત્યારે લૉકડાઉન છે." તેણે મમ્મીને પૂછ્યું હતું, "મમ્મી, ફ્લેટના કોમન પ્લોટમાં રમવા જાઉં ?" મમ્મીએ પણ એ જવાબ આપ્યો હતો. તેણે તેના ભાઈને પૂછ્યું હતું, "ધાબા પર રમવા જઈશું ?" તો ભાઈએ પણ એ જ જવાબ આપ્યો હતો.
બારી પાસે બેઠેલા કલરવની નજર સામેના વૃક્ષ પર ગઈ. કેટલાંક પક્ષીઓ કલરવ કરતાં ડાળી ઉપર બેઠાં હતાં. કેટલાંક ઊડાઊડ કરતાં હતાં. કેટલાંક લટકાવેલા કૂંડામાંથી પાણી પીતાં હતાં, ચણતાં હતાં અને પાછાં ઊડી ઊડીને ડાળ પર બેસતાં હતાં.
લૉકડાઉનમાં કેદ થઈ ગયેલા કલરવની રિક્ત આંખોમાં ઝાડ પરનાં પક્ષીઓનાં કલરવ અને ક્રીડા છલકાઈ ઉઠ્યાં.
*****