લાચારી | અમિતકુમાર રામજીભાઈ ગામી 'નિજ'
રોજની જેમ આજે પણ જનક વાડીએ જતો હતો. લોકડાઉનના સમયે કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી હોતી નથી. જગતના તાત એવા ખેડૂતો પોતાના ખેતરે ખેતી કરવાં જઇ શકતાં હતાં. કોરોનાની મહામારી હજુ ગામડા સુધી પહોંચી નહોતી. સૌથી વધુ કોરોના વિશે આ લોકો જ જાણતા હશે એવું આપણને પહેલી નજરે લાગે પણ 'બધે કાગડા કાળા જ હોય' તે કહેવત આ મુદ્દે કંઈ ખોટી નહોતી. જનકના ખેતરની બાજુમાં તેમના કાકા – બાપાના ભાઈના ખેતરો હતાં. તેના મોટા ભાઈનું ખેતર બહારથી આવેલા નસવાડીએ વાવવા રાખેલું. નસવાડીના કુટુંબમાં ચાર બાળકો, તેની મા અને પત્નીનો સમાવેશ થતો હતો. વીસ વીઘા જમીનમાં આ બધાનું તે માંડ-માંડ પૂરું પાડતો. એમાં પણ 'વાડ થઈને ચીભડાં ગળે' તે કહેવત અહીં સ્પસ્ટ પણે ઉપસી આવતી હતી. જનકના મોટા ભાઈએ નસવાડીને અઠ્યાવીસ ટકાએ વાવવા જમીન આપેલી. જે ઉપજ આવતી તેને શેઠને ઘરે ગોડાઉનમાં નાખવામાં આવતી હતી. આ ગોડાઉનમાં નાખેલા પાકમાંથી ઘણો પાક તો શેઠનાં હાથમાં જ જતો, છતાં તેને સંતોષ નહોતો. આ ઉપરાંત પેલા નસવાડીના ભાગમાં આવેલા સામાનમાંથી ઘણો સામાન તે ચોરીછૂપીથી વહેંચી દેતો. આ વાતની જનકને ખબર પડી ગયેલી પણ ભાયું – ભાયુમાં ઝઘડો ન થાય એટલે તે ચૂપ રહેતો. આ વખતે થયેલું એવું કે ત્રણસો મણ કપાસ જોખીને ગોડાઉનમાં નાખેલો હતો. જ્યારે વેપારીને વહેંચ્યો ત્યારે માત્ર અઢીસો મણ જ થયો. નસવાડીને શંકા ગઈ પણ તેના શેઠે તેને કપાસ ઊડવાણ થઈ ગયો હશે, તેથી વજન ઓછો થયો હશે, તેવું બહાનું કાઢી વાટાઘાટ કરી સમજાવટ કરી. નસવાડી માણસ ભોળો હતો તે માની ગયો. જ્યાં ખેતરમાં રહેતો હતો ત્યાં ચાલ્યો ગયો.
આ ઘટના બની એના થોડા દિવસ પછી જ જનક તેની સાથે આજે ઊભો હતો અને પેલા માણસનું દુઃખ સાંભળી આંખોમાં તેને આંસુ આવી ગયાં. તે કરી પણ શું શકે! એકબાજુ ગરીબડો – અભણ નસવાડી. જે સાચો માણસ હતો અને બીજી તરફ ધૂતારો - ગરીબના પૈસા ખાનારો ભાઈ હતો. ભાઈ ખોટો હોવા છતાં તેને કંઈ કહી શકાય તેવું નહોતું અને નસવાડી સાચો માણસ છે છતાં તેનો સહકાર ન આપી શકવાનો મનમાં ખેદ હતો.
નસવાડીને ઘણાં સમય પછી મનને હળવું કરવાનો મોકો મળ્યો હતો. તેને તેનો ખરેખરો લાભ લીધો. જનક સાથે તેણે કલાક વાત કરી હશે. તેના શેઠ વિશે તેણે જેટલું ખોટું લાગ્યું હતું તે બધું જણાવી દીધું. વાતમાંથી વાત નીકળી કે નસવાડીના મા દસહજાર રૂપિયા લઈને ગામડે ગયાં છે, ત્યાં પહોંચતા જ લોકડાઉન લાદવામાં આવ્યું. જેનાથી તેની મા પરત ફરી શકે તેમ નથી અને જેને પૈસા આપવાના છે તેને આપવાની વાત તો બાજુમાં રહી. હવે તો ડોસીમાને ત્યાં ખાવા પીવા માટે પણ પૈસા મોકલવા પડશે. નસવાડી સાવ ગરીબડો બની ગયો ને જનકની સામે જોઈ રડવા લાગ્યો. નસવાડીની આંખોમાં આંસુ જોઈ જનક વધારે કંઈ બોલ્યા વગર પોતાની વાડીમાં ચાલ્યો ગયો.જનકને આજ આખો દાડો સેન ના પડ્યો. મનમાને મનમાં ગૂંગળાવવા લાગ્યો. આપણે જો આવા દાડા જોવાનો વારો આવશે તો કોની પાસે જઈ મન હળવું કરશું! ભાઈએ લગ્ન પહેલા જ અલગ કરી દીધો, માતા – પિતાનો માથે છાયો નથીને જો નસવાડી જેવું આપણી માથે વીતે તો કોણ આપણને આશ્વાસન આપશે. ધીરે - ધીરે એક - એક કરતાં દિવસો પસાર થતા ગયાં. નસવાડીની વાત સાચી પડી ડોસીમાને ખાવાના પૈસા ખૂટ્યા, નસવાડી ઉપર ડોસીનો ફોન આવ્યો, પૈસા મોકલાવો હવે તો ખાવાના પણ ફાફા પડે છે.
નસવાડીએ શેઠ પાસે જઈને પૈસા માંગ્યા. શેઠે સંભળાવી દીધું. તારે જેટલા પૈસા લેવાના થાય છે એ બધા તો તને આપી દીધા. હવે તારે વધારે ઉપાડ જોઈતો હોય તો આ વર્ષે પણ મારી જમીન વાવવા રાખવી પડશે. નસવાડીએ મનમાં નક્કી કરી લીધેલું ગમે તેમ થઈ જાય પણ આ વર્ષે આની જમીન તો નથી જ વાવવા રાખવી, પણ આ કપરા સમયે કરવું તો કરવું શું? એવામાં વિચાર આવ્યો, આ માણસ મારી સાથે છેતરપીંડી કરી શકતો હોય તો હું શા માટે ના કરું! તેણે તરત શેઠને વાવવા રાખવા માટેની હા ભણી દીધી. નસવાડીને એમ હતું કે લોકડાઉન પૂરું થશે એટલે ગામડે ચાલ્યો જઈશ. ત્યાંથી બીજા ગામે વાવવા જતો રહીશ. પૈસા પણ પાછા આપવા નહીં પડે અને મારી સાથે કરેલી છેતરપીંડીનો બદલો પણ વળી જશે. જેના ભાગ્યમાં ભમરો જ પડ્યો હોય તેનાં ભાગ્ય કેમના ઊઘડે! નસવાડીએ મનમાં જે મનસૂબા ઘડી રાખેલાં તે બધા ઉપર લોકડાઉનના કારણે પાણી ફરી વળ્યુ.
ડોસીમાને તેડવા જવું છે, ગામડે એ બહાને આંટો પણ મરાય જાય એમ કહી શેઠને ગામડે જવા દેવા માટે મનાવી લઈશ પછી પરત કોણ ફરવાનું હતું! ત્યાં કોણ પાછળ આવવાનું હતું? તેઓ મનસૂબો નસવાડીએ ઘડી તો લીધો. પરંતુ આ કોરોનાની મહામારી હટવાનું નામ નહોતી લઈ રહી અને સાથે સરકારે કરેલી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની પાબંધી. આ બંને બાબતો ઓછી હતી તો તેમાં ઉમેરાઈ ત્રીજી બાબત શેઠની જમીન આ વર્ષે પણ વાવવા રાખવી પડશે. આમાંની છેલ્લી બાબત તેના મનને કોરી ખાતી હતી.એક રાતે નસવાડી ખેતરોમાં સૂતો હતો ત્યાં પડકુ આવી કરડી ગયું અને દવાખાનાનો ખરસો આવ્યો. ડૉક્ટરની સલાહ હતી કે પંદર દિવસ આરામ કરવો પડશે. નસવાડીના જીવનમાં આ ગાળો પડ્યા ઉપર પાટુ મારતો હતો.
થોડા દિવસમાં વાવણી થવાની હતી. ખેતરોમાં દાતી- રાપ અને દેશી ખાતર સાહે ચડાવી માથે રપટ હાકી, યુરિયા ખાતર વાવી, ડ્રિપ લાંબી કરી દીધેલી, બીજની રોપણી પણ થઈ ચૂકી હતી. હવે માત્ર વાટ હતી તો વરસાદની. ડોસીમાને ગામડે ગયે અઢી જેટલા મહિના થઈ ચૂક્યાં હતાં, પણ હજી સુધી તે અહીં આવી શકે તેમ નહોતા અને ઉપરથી પાછું આજ માણસની જમીન વાવવા રાખવી પડી હતી તેનો વસવસો નસવાડીને કોરી ખાતો હતો. નસવાડીને મનમાં હતું કે પચ્ચીસ હજાર જેટલી રકમનો ઉપાડ કર્યો છે. આ પૈસા હવે પરત કરું કે ન કરું કંઈ ફરક પડવાનો નથી. જેટલા પૈસાનો ઉપાડ કર્યો છે તેનાથી બમણું તો કામ ખેતરમાં કરી નાખ્યું હતું.
નસવાડી ઉપર હવે આભ ફાટ્યું હતું. એકબાજુ શેઠના પૈસા લીધેલા, બીજીબાજુ ડોસી સાથે પૈસા મોકલેલા ગામના સરપંચને દેવા.જે તેમની પાસેથી આવ્યાં ત્યારે ઉછીના લીધેલા. લોકડાઉનના કારણે ડોસીમાના ખર્ચમાં વપરાય ગયાં અને ગાંઠના બીજા દસ હજાર મોકલેલા તે પણ ખર્ચ થઈ ગયાં. પગે પડકું કરડ્યું તેના દવાખાનાનો ખર્ચ પંદરેક હજાર જેટલો આવેલો, બધી બાજુથી નસવાડી દબાણમાં આવી ગયો. એવામાં સમાચાર મળ્યા કે ડોસીમાને કોરોના થયો હતો. તેનાથી ડોસીમાનું અવસાન થયું છે. તેમનો અગ્નિદાહ સરકારી માણસો દ્વારા કરી દેવામાં આવ્યો છે. માના અંતિમ દર્શન પણ ન કરી શક્યો તેના દુઃખમાને દુઃખમાં નસવાડી દિવસેને દિવસે માંદો થતો ગયો. જે રીતે તેણે જમીનનું જતન કર્યું હતું, તે રીતે ભાગ્યે જ કોઈ કરી શકે. તે જમીન પણ વરસાદ લંબાવાથી નસવાડીની જેમ માંદી પડતી ગઈ.
*****