વેલકમ ટુ ક્વોરેન્ટાઈન વર્લ્ડ | અમિતા પંચાલ
પાંચ વાગ્યાના એલાર્મની સાથે જ પંખી તરફડી ઉઠી. બાજુમાં જ રાડ પાડતા ફોનને શાંત કરી એ બેઠી થઈ ગઈ. રાતથી જ શરીરમાં જે ગરમાવો અનુભવાતો હતો તે જાણે વધી ગયો હતો. પગમાં તો સાંકળો પડી હોય એમ લાગતું હતું. શાસકનાં નસકોરાં દૂર ટહુકતી કોયલની કુહુ પર પણ ભારી પડી રહ્યાં હતાં. પંખીનાં મનને શાસકને વળગીને ભીંસાતી અને નિરાંતે સૂતી પંખી દેખાતી હતી પણ આંખ સામેનું દૃશ્ય જુદું હતું. માથા નીચે નહીં પણ પડખે રહેતો તકિયો બાહોં ફેલાવીને બોલાવી રહ્યો હતો પણ રસોડાની ફર્શ નહાવા-ધોવાની જીદે ચડી હોય એમ બોલાવતી હતી. પંખીની નજર બારી બહાર કતારમાં ઊભેલી સ્ટ્રીટ લાઈટો પર પડી. બધી જ ઝળઝળ કરતી હસાહસ કરી રહી હતી, એક સિવાય. એ એક જરા મંદ પડી હતી ને એમાં પ્રાણ ભરનારનો કશો અતોપતો નહોતો. પંખીને ચીડ ચડી. એ ઊભી થઈને સીધી બાથરૂમમાં જતી રહી.
અષ્ટભૂજાળીની છબી આગળ ધૂપ-દીપ કરીને પંખીએ ગુસ્સાથી એ છબીને જોઈ. એના અરીસામાં એને પોતાની છબી દેખાતી હતી. એક ક્ષણે એણે અસલ છબીના ભૂક્કા બોલાવી દીધા ને બીજી ક્ષણે હાથમાં થાળી લઈ આરતી ઉતારી, ઘંટડી વગાડી. એ ઘંટડીના તીણા, સતત નાદે શાસક બરાડ્યો, ‘અરે, સૂવા દેને ! આજે રવિવાર છે યાર ! બંધ કર ઘંટડી !’ તંદ્રામાંથી જાગી હોય એમ પંખીએ થાળી નીચે મૂકી. શાસક પાસે જઈ બોલી, ‘શાસક, મને તાવ જેવું લાગે છે. શરીર દુખે છે. શું હું થોડીવાર...’ એનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ શાસકે એનું મોઢું દાબી દીધું. ‘ખબરદાર ! કોઈને કહેતી નહીં કે તને તાવ જેવું લાગે છે. જોવા દે મને !’ શાસકે એને ગળે-કપાળે હાથ મૂક્યો. થોડીવાર થોભ્યો પછી સીધો પૂજાઘરમાં જવા લાગ્યો. પંખી તરત જ બોલી, ‘મેં ગોળી ગળી લીધી છે શાસક.’ પલંગના પાયા પર હાથ પછાડી શાસક લગભગ ગુસ્સે થઈ બોલ્યો, ‘તો શું કરવા મારી ઊંઘ બગાડી? ગોળી ગળી લીધી છેને? થોડીવારમાં ઠીક થઈ જશે. જા, ચા-નાસ્તો તૈયાર કર ત્યાં સુધી હું એક ઝપકી મારી લઉં.’ ફરી પથારીમાં પડતું નાખતો શાસક પંખીને સાથે લઈ વહાલથી સૂવડાવતો નજરે પડ્યો. પણ પંખી ઊભી થઈ રસોડે વળી ગઈ હતી એ એના તકિયાએ જોયું.
બેએક કલાક પછી પંખીને માથે ઠંડુ પાણી રમતું અનુભવાયું. એણે આંખો ખોલી તો સામે શાસક માથે પોતાં મૂકતો દેખાયો. શું કહેવું, શું કરવું પંખીને કંઈ ન સમજાયું. એની આંખો સમજી ગઈ હોય એમ થોડી ટપકી પડી. શાસક બોલ્યો, ‘તાવ બહુ છે તને એટલે આરામ કર. હું મેડિકલમાંથી થોડી હાઈ પાવરની ગોળી લઈ આવું છું. અને બ્રેડ પણ લઈ આવું તો તું જરા નાસ્તો કરીને એ ગોળી ગળી લેજે. ઠીક થઈ જશે. ઓકે !’ શાસક ઊભો થાય એ પહેલાં પંખીએ એનો હાથ પકડ્યો ને બોલી, ‘મને લાગે છે આપણે ડૉક્ટરને બતાવી દેવું જોઈએ.’ પાણીમાં પથરો ફેંકાય એમ પંખીનો હાથ ફેંકી શાસક તાડૂક્યો, ‘પાગલ થઈ ગઈ છે તું? અરે, સામાન્ય તાવને પણ કોરોના બતાવીને ઘાલી દેશે હોસ્પિટલમાં આ ડૉક્ટરો ! કમાવાનું સાધન બની ગયો છે હાલ કોરોના, કંઈ ભાન છે તને? અને ખબર પણ છે કે ક્વોરેન્ટાઈન થવાનો ખર્ચો કેટલો છે તે? આપણે ઝાડ નથી વાવ્યું.’ પંખી રડી પડી. શાસક દુ:ખી થયો કે વધુ ગુસ્સે થયો એ તો એ જાણે પણ એણે પંખીને પૂછ્યું, ‘જ્યારથી લોકડાઉન થયું છે, તું ઘરની બહાર ક્યાંય પણ નીકળી છે? કશું પણ લેવા-મૂકવા તને જવા દીધી છે મેં? કોઈના પણ ઘરે મળવા ગઈ છે કે કોઈ બહારનું તને મળવા આવ્યું છે? બોલ ! ના ને ! તો પછી તને કોરોના થયો હોય એવી કોઈ સંભાવના જ નથી. અને કોરોના નથી તો એનો મતલબ સામાન્ય તાવ જ છે યાર ! એટલે કહું છું, મારા પર ભરોસો કર. હું લાવું એ ગોળી ગળી લે ને આરામ કર. બપોર સુધીમાં ઠીક થઈ જઈશ.’ પંખીએ જોયું કે વાત કરતા કરતા શાસકે દૂધ-નાસ્તો લાવવા થેલી હાથમાં લઈ લીધી હતી અને ઘરની બહાર નીકળવા એ તૈયાર હતો. પંખી બોલી, ‘માસ્ક નહીં ભૂલતા.’ શાસકને હસું આવ્યું, ‘મને તારા જેવો બેવકૂફ ધારે છે તું?’
થોડીવારે ડૉરબેલ વાગી. કંપતે શરીરે પંખીએ બારણું ખોલ્યું કે તરત શાસક ઉતાવળે પ્રવેશ્યો ને બોલ્યો, ‘તું છેને મરાવશે મને. આમ ચાદર ઓઢીને બારણું ખોલે છે અક્કલની બારદાન ! મારી જગ્યાએ કોઈ બીજું હોત તો સીધો મ્યુનિસિપાલિટીને ફોન કરી દેત ! કંઈ સમજાય છે? લે આ દૂધ, ફટાફટ ચા મૂકી દે.’ પૂજાઘરમાં પડેલા દવાના ડબ્બાનો ખૂલવાનો ને પછી બંધ થવાનો અવાજ આવ્યો. પંખીને કંપારી છૂટી રહી હતી. એણે દૂધની થેલી પ્લેટફોર્મ પર મૂકી ને શાસક પાસે જઈ ઊભી રહી. શાસક ઊભો ઊભો બેય હાથ જોડી આંખો બંધ કરી પ્રાર્થના કરતો ઊભો હતો. પાંચેક મિનિટ પછી એણે આંખો ખોલી એટલે પંખીએ કંપતે સ્વરે પૂછ્યું, ‘તમે નીચે ગયા હતા તો કોઈ દવાખાનું ખુલ્લું છે કેમ એ જોતા આવ્યા?’ શાસકની આંખો પહોળી થઈ ગઈ. એના હાથમાં ચળ આવતા આવતા રહી ગઈ. ‘તારે શું કામ છે એ જાણીને કે દવાખાના ખુલ્લા છે કે નહીં? તું ચા મૂક, નાસ્તો કર ને ગોળી ગળીને સૂઈ જા.’ પંખીએ ઊંડો શ્વાસ લીધો ને ઈન્ટરકોમ તરફ વળી. મેઈન ગેટનો નંબર ડાયલ કરીને વૉચમૅનને પૂછ્યું, ‘મ્યુનિસિપાલિટી વાલે કા નંબર હૈ આપ કે પાસ?’ સામેથી જે જવાબ આવ્યો એ એણે નોંધી લીધો. પોતાના મોબાઈલથી એ નંબર કરવા જતી જ હતી ને શાસકે એનો ફોન ઉપાડીને લગભગ ફેંક્યોં જ. ‘તાવ મગજ પર ચડી ગયો છે કે શું? કોને ફોન કરે છે? તારા સગાં નથી થતાં એ બધાં તે તારી સેવા કરશે ને મફતમાં ઈંજેક્શનો આપીને તને સાજી કરી દેશે, સમજી તું?’ ખૂબ શાંત સ્વરે પંખી બોલી, ‘મને ખબર છે.’ એણે શાસકનો મોબાઈલ લીધો ને ફોન જોડ્યો. શાસક ફરી તાડૂક્યો, ‘કેમ ગાંડાયા કાઢે છે યાર ! ક્વોરેન્ટાઈન કરી દેશે આપણને વગર જોઈતા. સમજતી કેમ નથી તું?’
પંખીએ કરેલા ફોનથી અડધો જ કલાકમાં મ્યુનિસિપાલિટીના બે માણસો ઘરે આવી ગયા. પંખીને તપાસી. કોરોના ટેસ્ટ પણ કરી દીધો. પંખીને તાવની, વાયરલ ઈંન્ફેક્શનની જૂદી જૂદી ગોળીઓ આપી. પછી પતિ-પત્ની બેયને ચૌદ દિવસ સુધી ઘરમાંથી બહાર ન નીકળવા તાકીદ કરી. ઘરનાં બારણાં પર કોરોના વિષયક માહિતીપત્રક ચોંટાડ્યું ને સ્વાસ્થ્ય સાચવવાની શુભકામના આપી રવાના થયા. શાસકના નસકોરાં આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ફૂલતાં-સંકોચાતાં રહ્યાં. કર્મચારીઓના ગયા પછી આરામથી સૂતેલી પંખીને હચમચાવી એ બોલ્યો, ‘હવે શાંતિ થઈ તને? આ જ ઈચ્છતી હતીને તું? લે, થઈ ગયા ચૌદ દિવસ માટે ક્વોરેન્ટાઈન આપણે બેય. ખુશ છે તું હવે?’ પંખીએ હળવું સ્મિત કરી કહ્યું, ‘તારા માટે નવો અનુભવ રહેશે શાસક, મારા માટે નહીં. એની વે, વેલકમ ટુ ક્વોરેન્ટાઈન વર્લ્ડ !’ અને શાસકના હાવભાવ જોવાની તમા રાખ્યા વગર પંખી નિરાંતે નસકોરાં બોલાવવા લાગી...
*****