સવલી - એક સંસ્મરણ | અલ્પા કે. વિરાશ
મહામારીને લીધે ઇતિહાસના સૌથી લાંબા અને વૈશ્વિક લોકડાઉનમાં અમારા ઘરે ઇન-ડોર રમતોએ પોતાનું પ્રભુત્વ જમાવી દીધું છે.ગઈ કાલે બધા કઠોળ ભેગાં કરી લગભગ ૫ કિલો ભેળસેળ થઇ ગયેલા કઠોળને જુદું પાડ્યું હતું.આજે એટલી મહેનત નો'તી કરવાની. આજની રમતમાં કોઈ એક અક્ષર પરથી સ્ત્રીઓના, પુરૂષોના, શાકભાજીના, ફળ ફૂલોના,મીઠાઈઓના, પ્રાણીઓના, પક્ષીઓના એમ બધાના નામ કક્કાવારી મુજબ ચાલવાના હતા. વળી,એ બધાનું દસ્તાવેજીકરણ પણ થવાનું હતું.સ્ત્રીઓના નામ શરૂ થયા હતાં.અમલી કમલી રમલી જેવા રમતિયાળ નામોની યાદી સાથે છેક 'સ' સુધી અમારી ગાડી પહોંચી ગઈ. મોટાં ભાઈએ સૌમ્યતા સૂચવ્યું, નાના ભાઈએ સુરુચિ,મોટી બહેને સુરભી, મમ્મીએ સરસ્વતી,બાજુ વાળા શાંતા બાએ પોતાના નામ સાથે મેળ ખાતું સંતુ સૂચવ્યું.યાદી લાંબી થતી જતી હતી. ત્યાંજ 'સ' સાથે સવલી નામ મારી જીભે આવી અંદર સળવળાટ મચાવવા લાગ્યું. એ બધા કલશોરમાંથી સવલી મને પળવારમાં એની તરફ ખેંચી ગઈ......
સાગના સોટા જેવી તે લાંબી અને સીધી હતી. વહેલી સવારનો કુમળો સુર્ય પડતાં જ તેજોમય બનતાં નવાંકુરિત ઘઉંના ડોડવા જેવો કુમળો તેનો વાન હતો. ગળા પર અને હાથના કાંડાથી લઈ કોણી સુધી તેણે ત્રાજવાની ઝીણી ઝીણી પણ જુદી જુદી ભાત કોતરાવી હતી.ગળા પરની ઝીણી ભાતોની વચ્ચે તેણે નાના-નાનાં ચકલા પોપટનું એક તોરણ પણ ત્રોફાવ્યું હતું. બંન્ને હાથમાં પહેરાયેલા ત્રણ ત્રણ આંગળ પહોળા સફેદ બલોયા તેની સ્વચ્છતાના સંકેતરૂપ હતાં.આંખથી બે આંગળ નીચે ગાલ પર અને દાઢી પર બરોબર વચ્ચે રહેલા લીલાં ટપકાં તેના કનકરંગને વધુ ઉજાળતા.મરુંન રંગી જીમિમાંથી દેખાઈ જતા પગમાં ચાંદીના કલ્લા ચમકતાં.વાદળી રંગની બાટાના ચપ્પલની પટ્ટી રોજ નાહી ધોઈ સ્વચ્છ બની તેના પગની શોભામાં અભિવૃદ્ધિ કરવા હંમેશા હાજર રહેતી.એ વખતે બાટાના ચપ્પલ પહેરનાર બાઈ - માણસ શ્રીમંત ગણાતું.. એટલી તે શ્રીમંત હતી.....
એ સવલી હતી.અમારા ગામના મોટા પાદરે રહેતી એક ભરવાડણ...એ ક્યારેય દૂધ કે છાસ વેચવા નીકળતી નહીં. મેં એને પહેલીવાર મોટા પાદરે પાણીની ટાંકીએ પાણી ભરવા આવેલી જોઈ હતી.સવલી સવાર સાંજ બેય ટંક પાણી ભરતી છતાં, એનું પાણી ભરાવાનું નામ જ ન લેતું. એક મોટ્ટો સ્ટીલનો ગોળો અને બે સ્ટીલની ચમકતી હેલો લઈને જ તે પાણી ભરતી. પાણી ભરવામાં ખાસ્સી લાંબી લાઈન લાગતી.એ વખતે સવલી ગામની બીજી બાયુંની જેમ મૂંગી મૂંગી રાહ જોતી ઉભી રહી શકતી નહીં.તેના હાથ પગ અને આંખોમાં ચપળતા છલક્યા કરતી...ટાંકીની ફરતે નજર પહોંચે ત્યાં સુધીની બધી બાયુને તે વાતો કરાવતી.કોઈને ધબ્બો મારતી તો કોઈને ચુંટી ખણતી.એકાદ ધબ્બો પોતે પણ ખાઈ લેતી..કોઈના માથાની જાળીના વખાણ કરતી.(એ જાળીમાં જોકે વખાણ કરવા જેવું ખાસ હોતું નહીં.બધી બાયુએ જાળી તો દેવશી વાણિયાની દુકાનેથી જ લીધી હોય..)તો વળી,કોઈના ચાંદલાને જોઈને કહેતી; ' હકન ભઈ તમારા સાંદલાનું તો કેવું પડે હો...ભાભી. પાલ્યતાણા ગ્યાથા??' પેલી બાઈ આછું મલકાતી જવાબ આપતી 'ના બેન તમારા ભાઈ લાવ્યા..' સવલી તેને ચુંટી ખણ્યા વગર ન રહેતી.કોઈ સ્ત્રી કે યુવતી મૂંગી હોય તે સવલીને ન પોસાય.એટલે જે - તે સ્ત્રીના પતિનું અને જે - તે યુવતીના થનાર પતિનું નામ લઈને એને શરમાવીનેય બોલવા માટે ફરજ પાડતી.ગામમાં નવી નવી પરણીને આવેલ સ્ત્રી પહેલીવાર હેલ ઉતરાવવાની રસમ કરવા પાણી ભરવા આવતી ત્યારે એ લાજમાંથી એક ત્રાંસી નજરે સવલીને જોતી. સવલીથી એ છાનું ન રહેતાં બોલ્યા વગર પણ ન રહેતી; ' હુ વાત સે કાકી! તમે તો ગામમાં રૂપનો ક્ટ્ટકો લાવ્યા સો ને કાંય.. !નવી આવેલી સ્ત્રીને માથેથી પગ સુધી એકનજરે જોઈ લઈ તે બોલતી. 'તી ભાભી, હવે તો તમારે અમારી હારે જ પનારા પડ્યા હમજો...! સરમાવાનું ઘરે મેલીને આવવું પડશે..' કહેતી ને ખડખડ હસતી સવલી એ બાઈને હાંડા પર ઘડો મૂકી દેતી.પોતાનાથી કોઈ અજાણ્યું ન રહેવું જોઈએ એ તેનો જીવનસિધ્ધાંત હતો. સવલી સાથે વાતો કરતી વખતે બાયુને ઓટલે બેઠેલાં ડોસલાંઓની મર્યાદા નડતી.એ બધી પોતાની લાજ સાચવવા પ્રયત્ન કરતી..જે સૌથી વધુ એવા પ્રયત્ન કરતી તેના માથેથી ફ્ટ્ટ દઇ સાડલો સેરવી સવલી પોતાની મૂળ જગ્યાએ આવી જતી.પેલી બાઈ શરમાઈને લાલ ટમેટાં જેવી થઈ જતી.સવલી કે'તી;'જીવી ભાભી ચનત્યા નો કરો જેરામ દાદો અવળો ફરીને બેઠો સે.' પેલી બાઈ નચિંત બની પાછું વાળીને જોતી ત્યારે જેરામ દાદા જોરથી ઉધરસ ખાઈ પોતાનું વડીલ પણું સિધ્ધ કરવા સવલી સામું લાકડી ચીંધતા ઘર બાજુ વળતાં હોય.
સવલીની વાતું ક્યારેય ખૂટતી નહીં.પોતાનો વારો આવે ત્યારે પણ બેડાં વિંછળતી વાતો કરતી હોય.એક પછી એક એના બેડાં ભરાતાં જાય તેમ તેમ એ કાંઠા સુધી આવેલું પાણી ખોબે ખોબે પગ પર નાંખી સામેની વંડી પર ચડાવતી જાય. બધાં બેડાં ભરાઈ જાય પછી થોડીવાર ટાંકી ફરતી નજર કરી પોતાની સાથે વાત કરવામાં કોઈ બાકી નથી રહી ગયુંને તેની ખાતરી કરી લેતી. છેક છેડે ઉભેલી રતનને સાદ પાડી કહેતી; 'કાં રતની બાઈ આજ મઢમાં નથી?' રતની ઢીલા ડગલાં ભરતી કણસતા મોંએ બોલતી તેના તરફ વળતી.. સવલી તેની કથા સાંભળતી સાંભળતી હાથમાં રહેલી મોતીની ઈંઢોણી માથા પર ગોઠવતી.એક ઝાટકે મોટ્ટો ગોળો ચડાવી તેના પર હાંડો ચડાવી દેતી ત્યાં સુધીમાં રતની આવી ટાંકીની પાળ પર ચડી ગઈ હોય. તે પેલાં બેય બેડા પર ઘડો મૂકી દેતી. રતની ઉતરતાં ઉતરતાં પોતાની વાત પૂરી કરી સવલીની કેડ પર હાંડો આપતી.સવલી વંડી પર રહેલ બીજો ઘડો એ હાંડા પર ગોઠવતી તેને હૈયાધારણા આપતી તેની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છાનો સંકેત શોધતી મુખમુદ્રા સાથે ચાલતી...તે સાથે જ ખાલી રહેલાં હાથે ટાંકી પર લાઈનમાં ઉભેલી બાઈઓને હાથ હલાવી જાણે પાછી જ ન આવવાની હોય તેમ વિદાય આપી ઓઢણું લહેરાવતી જતી..હું તેના માથા પરના ત્રણેય બેડામાં સૌથી ઉપરના ઘડાનો કાંઠો દેખાય અને સવલીની આકૃતિ વાંક વળતી અલોપ થઈ જાય ત્યાં સુધી જોયા કરતી.એ ચાલતી ત્યારે તેના ચપ્પલ સાથે ચોંટેલી ઝીણી ધૂળ અને રેતી તેની સાથે જવા જિદ્દ કરતી અંતે થોડેક સુધી જઈ પાછી ફરતી....તેના માથાથી છેક પગના કલ્લા સુધી પહોંચતું ઓઢણું ચમકતું રહી સવલીને વધુ ચમકાવતું રહેતું.એ ઓઢણું રોજ રંગ બદલતું.ભલું હોય તો સવલી બેડું ઠલવવા જતી ત્યારે બદલીને આવતી.સોનવરણી સવલી લીલી પીળી લાલ ગુલાબી વાદળી રંગની બની ચમકતી રહેતી..
ભર્યા બેડે જતી સવલી જેટલી આકર્ષક લાગતી એટલી જ ખાલી બેડે બિહામણી લાગતી.તે આવતી ત્યારે ગામની બાયુને ટાંકીનું પાણી ખૂટી જવાની બીક રહેતી.સામેના રસ્તેથી આવતી બાયું બમણાં વેગે ટાંકીએ પહોંચવા પ્રયત્ન કરતી છતાં નિષ્ફળ જતી...ખીચોખીચ ગિરદીમાં પણ સવલી જો ધારે તો હાંડે હાંડે આવીને વગર વારે પણ બેડાં ભરી શકતી..પણ સવલી એમ કરતી નહીં. એ તો એનો નિત્ય નિયમ જ જાળવતી...
એકવાર તે તેનો વારો આવવાની રાહે ઉભી ઉભી બાયું સાથે વાતો કરતી હતી ત્યારે હું ઘડો લઈને પહોંચી હતી.મને પણ સવલીના બેડાની જેમ મારો ઘડો ચમકાવવાની ઈચ્છા થઈ...હું ટાંકીનું પાણી જતું હતું ત્યાં જ બેસી ગઈ.તેમાંથી જ કાદવ લઈ હજી ઘડાને અડકાડવા જાવ છું એ ભેળી સવલી મારી પાસે પહોંચી ગઈ. આછું મલકીને મારા હાથમાંથી ઘડો લઈ પોતાની કમ્મર પર ખોસેલ ઝીણી ધૂળ અને રેતીની કોથળી કાઢી ટાંકીની બાયું સાથે વાતો કરતી કરતી ઘસવા લાગી.બે થી પાંચ મિનિટમાં મારો ઘડો એનાં હાથ નીચે રાડ પાડી ગયો.......હાથમાં લઈને એ તો હાલી.....! મને થયું નક્કી સવલી મારો ઘડો પડાવી ગઈ...! ટાંકીના નળે પાણી ભરતી એક બાઇને તેણે તેનું બેડું હટાવવા આદેશ આપ્યો..નળનું પાણી પડતાં જ સવલીના હાથમાં મારો ઘડો ઝગમગવા લાગ્યો હતો.અંદર બહાર હાથ ફેરવી ફેરવીને ધોયા પછી તેણે ભરવા મૂકી દીધો.મારા ઘડા પરનું તેનું આક્રમણ મને અકળાવતુ હતું. ત્યાંજ ઘડો ભરાતાં તેણે મને પાસે બોલાવી માથા પર ઘડો મૂકી મને ઝડપથી બીજો ફેરો મારવા કહી આંખ મીંચકારી રહી હતી..ઘડા સાથે હું નીકળી..
મને ઘડો આપીને સવલીએ મારું મન ચોરી લીધું હતું.....! છેક ઓલા પાદરેથી પાછી આવીશ ત્યાં સુધીમાં સવલી ઓછામાં ઓછાં ૫ ફેરા ઠલવી આવશે.મને ફડકો પેસ્યો; આજ સવલીનું પાણી વહેલું ભરાઈ જશે તો...??? સામે રહેલા શંકર મંદિર તરફ મારાં પગ અનાયાસ જ વળી ગયા. મંદિરની ફૂલવાડીમાં ઘડો ઠલવી હું તો પાછી વળી ગઈ... સવલી હજી વાતોમાં મશગુલ હતી...મને જોતાં જ તે થંભી...
ટાંકી પર પાણી ભરતી બાઈઓ,ઓટલે બેઠેલાં ઘરડાં દાદાઓ, વડલે હીંચકા ખાતા છોકરાંઓ, ચાલતી સાયકલો, ઘેટાનું ટોળું,ભડકીને ભાગતી આવતી ભેંસ,એક ઝાડના સુકાઈ ગયેલા થડ પર પગ ઊંચો કરી રહેલો કૂતરો,સવલીનું ઓઢણું,એનો કોઈને મારવા માટે ઊંચો થયેલો હાથ.એ બધાં મુક ચિત્રોસમ બની જઈ સવલીને મારી આંખોમાં આંખ નાંખી ક્ષણભર મીઠું મીઠું મલકાવતા રહ્યા..થોડીજ વારમાં સવલી તેના બધા બેડા અને મારા ઘડા સાથે મારા ઘર તરફ વળવા લાગી હતી.. સવલીના એક જ ફેરામાં મારા ઘરનું બધું પાણી ભરાઈ ગયું હતું........!!!!! ઋજુતા ભાભીએ હળવેકથી કહ્યું 'એકલા એકલા હસવા કરતા એકાદ નામ કહો એટલે બીજી રમત શરૂ કરીએ.' એ સાથે જ મારા મોંએ સવલી આવતા આવતા અટકી ગયું..મહામારીના સમયમાં મારી અંદર ફરી વળેલી સવલીની યાદને તાજી રાખવાના ઇરાદે મેં કહ્યું; 'સ્મૃતિ.' કોરોનાની મહામારી એ આજે ઘડીના ચોથા ભાગમાં સવલીને સ્મૃતિનું રૂપ આપી દીધું હતું......!!! હા, સવલી હવે સ્મૃતિ જ તો બનીને રહી ગઈ છે.
*****