કોરોનાકાળ ગઝલ | યામિની વ્યાસ
બધાં ઘરની અંદર ગરકતાં થયાં છે
નદીનાળાં,વાદળ ચળકતાં થયાં છે
નગરનાં મકાનો બન્યાં કેદખાનાં
પશુ પંખી મનમાં મરક્તાં થયાં છે
ખુશાલી હતી,લોકટોળાં હતાં ત્યાં
ઉદાસીનાં તાળાં લટકતાં થયાં છે
દહેશત છે કેવી! અહીં વિશ્વભરમાં
કશે પણ અડકતાં ફડકતાં થયાં છે
હવે ઝેર સૂનકારનું કેમ ઉતરે!
થઈ સાપ રસ્તા સરકતા થયા છે
ઉઠાવીને કાવડ વતન વાટ ચાલ્યા
ઘણા ઘાવ પગમાં સણકતા થયા છે