ગીત | વિવેક મનહર ટેલર
મારી આંખોની પાર નથી એક્કે કવિતા, મારી આંખોમાં આંખ તું પરોવ મા,
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે! વહાલમાં…
આંખોમાં આંખ અને હાથોમાં હાથ હવે લાગે છે થોડું આઉટડેટેડ,
વ્હૉટ્સએપ ને ફેસબુક છે લેટેસ્ટ ફેશન, બેબી! એનાથી રહીયે કનેક્ટેડ.
વાઇબર કે સ્કાયપી પર મેસેજ કરીને નેક્સ્ટ મિટિંગ રાખીશું આજકાલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે! વહાલમાં…
ડેઇલી મૉર્નિંગમાં હું સ્માઇલી મોકલાવીશ, તું બદલામાં કિસ મોકલાવજે,
‘લાસ્ટ સીન’ સ્ટેટસમાં અંચઈ નહીં કરવાની, એટલી ઑનેસ્ટી તું રાખજે.
તારી એક્કેક ટ્વિટ ફોલૉ કરું છું હુંય, એક-એક પિરિયડના દરમિયાનમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે! વહાલમાં…
કાગળ-પેન લઈ હું લખતો નથી કે આ છે કમ્પ્યૂટર-મોબાઇલનો યુગ,
ફૂલ અને ઝાકળ ને સાગર-શશી ને આ કવિતા-ફવિતા, માય ફૂટ!
સાથે રહી લઈશ પણ એક જ કન્ડિશન - તું તારા, હું મારા મોબાઇલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે! વહાલમાં…
(૨૭-૧૨-૨૦૧૩, ફેસબૂક વોલ પરથી)(ઘણાં વરસો પહેલાં આ ગીત લખ્યું હતું ત્યારે ખ્યાલ નહોતો કે ડિસ્ટન્સ રાખવાની વાત કરતું આ ગીત કોરોનાકાળમાં પ્રસ્તુત બની રહેશે.)
*****