વહમા દા’ડા | ડૉ.વિપુલ કાળિયાણિયા
કયા સોઘડિયે અમારી વાટ પકડી
તે તું જાવાનું નામ જ નથી લેતો?
તે કેવાં કેવાં વહમા દા’ડા દેખાડ્યા સે એનું તને જરાય ભાન સે.?
તે કેટલાય બાળુડાને મા-બાપ વિહોણાં કર્યા.
તે કેટલીય સુહાગણનાં સેંથા ભૂસ્યા..
તે કેટલાય મા-બાપની ઘડપણની લાકડી ભાંગી..
તે કેટકેટલાં ભેરુબંધના ભેરુને લઈને હાલ્યો ગયો
તારા ભણકારા વાગ્યાં કરે સે ‘દિ ને રાત
તારા અદીઠાં ઘુઘરા ઘમકે
આયાં લોક બળે સે ભડકે
તારા ભેંથી સગર્ભાના ગર્ભ ખશ્યા..
તું તો જમનો માડીજાયો
તું શીદને આયાં આયો
પણ
તને ક્યાં કોય સરહદ નડી સે..
તું તો વહ્યાં કરે સે આમ પવનની જેમ જ..
તારા વસ્તારની વાત જ શું કરવી..?
વધ્યા કરે સે એકમાંથી અનેક થઈને
ફરે સે જાણે ભૂલો પડેલો અશ્વથામા
વિકરાળ બનીને અમારું નખ્ખોદ કાઢવા
તારા પડઘમ સંભળાય ને અમારા સુવાસ અધ્ધર ચડી જાય.
ગોકુળમાં આવેલી પુતના જેવો તું
તારી બીકનો રાવણહથ્થો વાગ્યાં કરે સે..
ઝીણું ઝીણું જુરતાં અમે
નથી મરી હકતા કે નથી હખથી જીવી હકતા.
તું સો કોક કાળોતરો નાગ
જેને આભડ્યો એનાં રમી ગ્યા રામ
હવે તો હેઠો બેસ્ય..
તને શું મળે છે અમારું આ હખ લૂંટીને?
તે તો નથી રે’વા દીધા તે અમને માણહ જેવાં.
નય કોયને હળવાના, નય કોયને મળવાના..
તોય કાંય નય..
પણ
પોતીકું કોક મરી જાય એનું મોઢું જોવા જેવાય કયા રાખ્યાં સે અમને ?
આઘુંઆઘું રયને કાળો કલ્પાંત કરી જીવતે જીવ લાશ બની જાવાનું..
કેમ શે’વાય આ વહમા દા’ડા ???
એ તું હું જાણે..?
હૈયે પાણો મૂકીને વીતે સે આ કારમો વખત
પણ કેટલાં દા’ડા હજી...? હેં.. હાંભળે સો..?
તું ક્યાં કાંઈ હાંભળે સે
નકર આમ નો હોય..
હૈયે મેલેલાં આ પાણાય હવે હળવા થઈ ગ્યા..
હૈયું નથી રે’તુ હાથમાં હવે તો...
નથી વેંઢારી હકાતો આ ભાર..
નથી કપાતો આ કારમો કાળ..!