કોરોનાગ્રસિત મૃત્યુનું બચાવનામું | વિનુ બામણિયા
ધારો કે
હું કોરોનામાં હણાઈ જાઉં
તો મારી લાશને
બાળશો નહીં, દફનાવશો નહીં
એને સોંપી દેજો
નગરપાલિકાના
સબવાહિની રથને
એ લઈ જશે સીધા
ઇલેક્ટ્રિક સ્મશાનમાં
એમ થતાં
વાઇરસ સાથે શબ સ્વાહા થઈ જશે
વરાળ ઊર્ધ્વગામી બની આનંદ અનુભવશે.
મરવું નક્કી જ છે એક દિવસ
તો
મૃત્યુ એક દિવસ વહેલું આવે કે મોડું શું ફરક પડે?
એટલે મેં મારા ઘેર કહી દીધું છે,
મરવું એ રડવાનો વિષય નથી કે કકળવાનો પણ વિષય નથી
મારું મોં જોયા વગર તમે મને સ્મૃતિમાં કેદ કરી
જીવી શકો છો મજાથી
મજા લૂંટી લેવી
મોતની મજા ભાગ્યે જ કોઈ પરિવારને મળે છે.
એટલે મોજ કરવી મોજ.
કાગડા-કૂતરાના મોતે મરવા કરતાં કોરોનાના કોપે મરવું
કદાચ નિયતિ જ હોય તો
નિયતિ સમજી
એની પાછળ શોક ન કરવો
કે ન લાગતાવળગતા કે
પ્રશાસન કે દેશના રાજાને પણ દોષ ન દેવો
દોષ ખુદ એક નપુંસક તત્ત્વ છે.
એટલે મોતને પણ ખુમારીથી વધાવી લેવું.
આખરે હું માત્ર ને માત્ર દેશની જનગણમન અધિનાયક જય હો-ની
એકમાત્ર લાગણીશૂન્ય જનસંખ્યા છું જનસંખ્યા.
*****