લોક ડાઉન ખૂલતાં | વિનોદ ગાંધી
બધાં યે બારણાં ખોલી, હવે જાહેરમાં આવ્યા,
પવન ખુલ્લો મળ્યો તેથી બધાયે લહેરમાં આવ્યા.
ગયા'તા ગામડે માથે મૂકીને પોટલાં દુ:ખનાં
તરતમાં ગામડું છોડી ફરીથી શહેરમાં આવ્યા.
તણખલાંમાં ગણતરી એમની કરતા ન'તા કોઈ,
ન'તા ત્રણમાં બધા એવા હવે તો તેરમાં આવ્યા.
અમે તોપંથ પકડ્યો'તો સીધો ને સટ પહોંચી ગ્યા,
તમે મોડા પડ્યા કારણ, તમે તો ફેરમાં આવ્યા.
ઘડી છાંદસ, ઘડી ગીતો, અછાંદસમાં લથડતા'તા,
Ppe kit પહેરીને ગઝલની બહેરમાં આવ્યા.
હતું નિર્માણ કુદરતનું, હતું આનંદ દેનારું,
નદીના જળ નદી છોડી નકામા નહેરમાં આવ્યા.
*****
એક કાવ્ય
થોભ, રાહ જો,
ઈશ્વર આ માર્ગે જ આવે છે.
એને ભૂલવાની ઉતાવળ ન કર.
કદાચ એ વચ્ચે તારા જેવા
રાહ જોનારાને મળવા રોકાઈ ગયો હશે.
એ આવે તો ઓળખી લેજે પાછો.
એના હાથમાં
ચક્ર, ત્રિશૂલ, ગદા કે શંખબંખની
એંધાણી શોધવા ન બેસતો, પાછો.
એના કરુણાભર્યા હાથ તારા જેવા જ હશે.
એનાં નેત્રોમાં કદાચ, હા, કદાચ જ
તારા પ્રતિ ઉપાલંભનો ભાવ હશે, તે ય કદાચ જ!
એ બોલે છે થોડો?
ભાષા તો એણે તને આપી દીધી છે!(ભસવા માટે!)
તું એમ માને છે કે તારાં આ પાંચ તત્ત્વોથી
એ પ્રગટ થાય છે?
તારે પરચાઓનાં પતાસાં ખાવાં છે? મૂર્ખ!
તને આકાશ એણે આપેલું,
તને પૃથ્વી એણે આપેલી,
ચંદ્ર, સૂરજ ને શું શું એણે આપેલું તને,
તેં શું કર્યું એ બધાનું?
જવા દે, લાંબી યાદી કરીને શું કરવાનું?
થોભ, ઈશ્વર આ માર્ગે જ આવે છે, આવશે!
તું નરી આંખે ન દેખાતા જંતુથી બ્હી ગયો ને!?
અને તારે નરી આંખે ઈશ્વરને જોવો છે? મૂર્ખ!
"મને કહોને, પરમેશ્વર કેવા હશે,
કેવા હશે ને ક્યાં રહેતા હશે,
મને કહોને, પરમેશ્વર કેવા હશે?...."
જા, આ પદ કોઈ નિર્દોષ ભોળો
બાળક ગાતો હોય તો (જો તેં શિખવાડ્યું હોય!)
એની સાથે ગાવા માંડ!
નહીંતર તો તોય
ઈશ્વર તો આવશે, આવે છે જ આ માર્ગે!
થોભ, રાહ જો!
*****
કોરોનાકાળ
આખું વિશ્વ જાણે રુગ્ણાલય
ને પ્રત્યેક શેરી પોઝિટિવ વૉર્ડ,
પ્રત્યેક ઘર સ્પેશ્યલ રૂમ!
હરતીફરતી સ્ત્રીઓ જાણે પીપીઇ કીટ પહેરેલી નર્સો.
પ્રત્યેક જણ જાણે હાંફતો દર્દી.
ગૅસનો બૉટલ જાણે ઑક્સિજનનો બૉટલ!
દવા વગરનું દવાખાનું
તોય ધબકતું,
મૃત્યુ નિશ્ચિત છે, જીવન અનિશ્ચિત!
જાણે કશું ખોટું કર્યું હોય, શરમજનક,
એમ મોં છુપાવવા માસ્ક!
ડૉક્ટરે પહેરેલાં મોજાં જાણે
ખંજર પર હથેળીની છાપ ન રહી જાય,
એની અગમચેતી માટેની સાવચેતી!
દરેક જણ દરેક જણથી બ્હીવે!
માણસ દાળ પીવે છે કે ઉકાળો, કશી જ ખબર ન પડે!
દરેક જણ જાણે હાથ ધુએ છે કે
જીવનથી હાથ ધોઈ નાંખે છે,
કશી ખબર જ ન પડે!
કોઈને કોઈના ઘેર જવાની છૂટ નહીં,
કેવળ યમરાજ જ બધાને ઘેર હરેફરે,
એને છૂટ,
એને લૉકડાઉન ના નડે,
એને સોશ્યલ ડિસ્ટન્સ નહીં પાળવાનું!
આખું વિશ્વ જાણે રુગ્ણાલય,
આખું વિશ્વ જાણે
આવતી કાલનું શબાલય!!!