ચાર કાવ્ય | તથાગત પટેલ
માગવું હોય તે માગ
માથે ધોમધખતા
સૂરજની આગ
પેટમાં બે દિવસની
ભૂખની આગ
પગ નીચે ખદબદ થતા
ડામરની આગ
હજુ બસો ગાઉ છે
વતનનો બાગ
બે છોકરાં દસ અમે
સામે કાળનો નાગ
દૂર દૂર વેરાન છે
ના મળે માણસાઈનો રાગ
હે કાળદેવ, છીએ તૈયાર
જે માગવું હોય માગ
*****
શું કરવું
બધાની સાથે
કોરોનાની બીકથી
ફેક્ટરીનું કામ છોડી
શેઠ પાસેથી છેલ્લા
દિવસ સુધીનો પગાર
લઈ 600 ગાઉ દૂર
રહેલા વતન તરફ
જવા નીકળ્યા.
તડકાની ભૂખની
ઉકળાટની
સામાનના વજનની
બાળકીને તેડવાના થાકથી
નિરાશા અને કંટાળાથી
પીડાતા પીડાતા
લગભગ 20 દિવસ
બાદ વતનમાં પગ મૂક્યો.
પાણી માગી પીધું
થાકને લીધે આરામમાં પડ્યા
બીજે દિવસે ઊઠ્યા - જોયું તો
ખિસ્સામાં પૈસા નથી
ઘરમાં અનાજ નથી
કોઈ ઉધાર ધીરતા નથી
હવે આ
સામે ઊભેલી કોરોના જેવી
પરિસ્થિતિનું શું કરવું?
*****
ભૂખ્યાની મજબૂરી
સતત આઠ આઠ કલાક
ચાલતી વ્યક્તિને
વતન માટે થાક ભૂખની
અસર ન દેખાણી.
ચાલ ધીમી પડે છે
ટોળામાંના સાથીઓ
ચાલતા રહે છે.
ધીમી પડેલ વ્યક્તિ
બે કલાક પછી
એકલો રસ્તા કિનારે
પથ્થર પર બેસી પડે છે
બાજુ પહેલ ડાળીઓનાં
પાંદડાં બે હાથે તોડી
ખાવા માંડે છે
સામે મકાનમાંથી જોઈ
એક બાઈ કોથળીમાં
ભાજન લાવી આપે છે.
પાંદડાં ખાઈ લીધા
પછી કોથળી લઈ આગળ ચાલે છે
ને ભૂખથી કણસતી એક
વ્યક્તિને થેલી આપે છે.
*****
ભૂખ્યો શું ન કરે?
સરકારી સેવાથી મળેલું
ભોજન લઈ વ્યક્તિ
આગળ ચાલે છે.
હજી વતન ઘણું દૂર છે.
ચાલતાં પંદર દિવસ જાય
હજી બે દિવસ જ થયા છે
ત્રીજે દિવસે કકડીને
ભૂખ લાગી, થાક પણ
પગમાં દેખાતો હતો.
એક દિવસ વધુ ખેંચીને
એકાએક એક ખૂણે બેસી પડે છે.
એક ભેંસ ટોઠા તબકડામાં
ઝાડ નીચે ખાઈ રહી હતી
મજૂરથી ન રહેવાયું
ટોઠાના તબકડા પાસે
બેસી ભેંસ જેમ એ પણ
બે હાથે ટોઠા
ખાવા માંડ્યો.
*****