ઘરમાં રહેજો | શૈલેષ પંડ્યા નિશેષ
છોડી સઘળા તંત, તમે બસ ઘરમાં રહેજો,
ઘર થઈ જાશે જીવંત, તમે બસ ઘરમાં રહેજો.
કેવા સદભાગી છો કે દીકરી ખીલી, થઈને
ઘરમાં આજ વસંત, તમે બસ ઘરમાં રહેજો.
બ્હાર જવાની નાની અમથી ભૂલો પાછળ,
થાશે સૌનો અંત, તમે બસ ઘરમાં રહેજો.
મોટી મોટી મૂછોનાં ખાંડા ખખડી ગયાં,
દુશ્મન છે બળવંત, તમે બસ ઘરમાં રહેજો.
કાળ કસોટીનો કપરો આવ્યો, ના જોવે,
દીન છે કે શ્રીમંત, તમે બસ ઘરમાં રહેજો
ડોક્ટર રૂપે અવતર્યા યોદ્ધા થઈ ઈશ્વર ,
રાખી મનમાં ખંત, તમે બસ ઘરમાં રહેજો.
રહી ઘરમાં લડશો તો જીતી જાશો આ જંગ,
કહેવાશો અરિહંત, તમે બસ ઘરમાં રહેજો.
અશ્રુભીની આંખે અરજી કરતા સૌને,
સાધુ, સંત, મહંત, તમે બસ ઘરમાં રહેજો