કોરોનાને કારણે... | સંજય પટેલ
ઘરનો ગંદો ખાળ થઈને,
રજવાડાની ગાળ થઈને
ઊભો છું હું ખાલી હાથે
તારા ભાનું કપાળ લઈને.
જૂઠ જોગીનો વાળ થઈને
રાતીપીળી ઝાળ થઈને
દોડું છું હું અડવા પગલે
કાંકરિયાળો ઢાળ થઈને.
ઘઉંની ઊભી ફાડ થઈને
ઊતરી ગ્યેલી દાળ થઈને
ગંધાયો છું સાવ હવે તો
ઠાકોરજીનો થાળ થઈને.
કરમ કાઠો કાળ થઈને
ખરી પડેલી ડાળ થઈને
હાંફું છું હું બબ્બે આંખે
સપનું ઘુઘરિયાળ થઈને.
કબીર કેરી શાળ થઈને
સદીઓ જૂનું આળ લઈને
પંકાયો છું ખુદના પાપે
બરડ ગૂંથેલી જાળ થઈને.
રડમસ રણની રાડ થઈને
જઠર એક વિકરાળ લઈને
આભે પ્હોંચ્યો છેક હવે તો
ઠાલી આંખે વરાળ થઈને.
*****