તૂટતા તાણા વીખરાતા વાણા | રમણીક અગ્રાવત
વરસો વરસો પછી
માણેકનાથ* બાવા રાતભર વણી સાદડી
સવારે ઉકેલી નાખે છે રોષભેર.
ટપોટપ ઢળી પડે આમ સાજાસમા લાગતા માણસો
અમદાવાદ અમદાવાદ, તેં કયો અભિશાપ વહોર્યો છે?
કીડીમંકોડાની જેમ ઊભરાતું શહેર
ક્ષુબ્ધ સન્નાટો ઓઢી પડ્યું છે.
ઘરે ઘરના દરવાજે ટકોરા મારે છે નહીં દેખાતો ભય.
માણસ જેવા માણસને પળમાં અછૂત બનાવી દેતા
અદૃશ્ય વિષાણુ ક્યાંથી ત્રાટકે તેનું કંઈ નક્કી નહીં.
કવચ ભેદીને પણ આવી શકે મોત.
આવી પડે દિવસોના દિવસોનો પૃથક્-વાસ.
કે અણગમતો આંકડો બની ટપકી જવાય ટપ્
કાળામેશ ખાનામાં.
ઘર બહાર મૂકેલું એક ડગલું
કરી નાખે વેરવિખેર
જીવનના વણાતા પોતને.
*****
*અમદાવાદની સ્થાપના થઈ એ અરસાની એક જનશ્રુતિ છે. અહમદશાહ બાદશાહે અમદાવાદ વસાવ્યું એ પછી નગરના રક્ષણ માટે એની ચોમેર કિલ્લો બનાવવાનું શરૂ કર્યું. કિલ્લો ચણાતાં ચણાતાં હાલના ખાનપુર પાસે આવ્યા ત્યારે ત્યાં માણેકનાથ નામના એક સાધુની ઝૂંપડી હતી. બાદશાહના સિપાઈઓએ માણેકનાથ સાથે ગેરવર્તન કર્યું. એ જગ્યાએ દિવસે જેટલો કિલ્લો ચણાય એ રાત્રે કડડભૂસ કરતો પડી જાય. ચારપાંચ દિવસ આમ થયું એટલે બાદશાહના કાને વાત પહોંચી. બાદશાહ ભલો હતો એટલે સ્વયં ત્યાં આવી ક્ષમા માગી અને માણેકનાથને બીજે માનપૂર્વક જગ્યા આપી. માણેકનાથે એ વિનંતી સ્વીકારી લીધી. બીજા દિવસથી કિલ્લો ચણાયેલો રહ્યો અને કામ આગળ ચાલ્યું. હાલ એલિસબ્રિજના પૂર્વ છેડે એમના માનમાં જગ્યા છે. એ દિવસે સાદડી વણતા અને રાત્રે ઉકેલી નાખતા એટલે કિલ્લો કડડભૂસ થઈ પડી જતો.