લોકડાઉન| રક્ષા શુક્લ
‘લોકડાઉન લોકડાઉન’ ભજવાથી મળતું ના કંઈ, કહો ઘર મારું માળો.
‘ગમતું નથી, ગમતું નથી’ ગાઓ ના ગીત, હવે માંહ્યલાને ખોરડામાં ઢાળો.
ફળિયામાં પાંગરેલી જૂઈની જઈ પાસે મેં ‘કેમ છો’ કહીને કર્યું વ્હાલ,
એટલામાં વેંત વેંત ઉંચી થઈ ધરતી એ મઘમઘતા રૂપાળા ગાલ.
ધરતીનો છેડો આ ઘરને પણ પૂછ ‘તને ગમતો આ ફળિયે ગરમાળો ?’
‘લોકડાઉન લોકડાઉન’ ભજવાથી મળતું ના કંઈ, કહો ઘર મારું માળો.
ઘરમાં બિન્દાસ ઘુસી આવે એ વાયરાને સુરાની જેમ અમે પીધો,
આછેરી ઠેસ અંધકારને ય દીધી ‘ને દરિયાને દેશવટો દીધો.
ભીડ અને ભીંસને, કાળની એ ટકટકને ઓળંગી આયખું ઉજાળો.
‘લોકડાઉન લોકડાઉન’ ભજવાથી મળતું ના કંઈ, કહો ઘર મારું માળો.