બે ગઝલ અને ગીત | પ્રતાપસિંહ ડાભી 'હાકલ'
ગઝલ
કરશે સતત કાને ધસી ફરિયાદ, આ દિવસો તને
રહે એકવીસ વરસો લગી પણ યાદ, આ દિવસો તને
છે સર્વમાં તું શ્રેષ્ઠ એ માની લીધું ઓ! માનવી
કહેશે બધે કરવો પડે સંવાદ, આ દિવસો તને
છે આત્મસંયમ ચીજ શી એ જાણી લે આ અવસરે
ને રાખશે કાયમ પછી આબાદ, આ દિવસો તને
પાંખો મળી તો ઊડવું પણ આભને ચીર્યા વગર
કહે છે નથી તું એટલો આઝાદ, આ દિવસો તને
બે-ચાર સાદા મંત્રને પાકા કરી લીધા અગર
બોલાવશે નરવો દઈને સાદ, આ દિવસો તને
આપે જ છે કુદરત પ્રથમ એ પાત્રતા ઊભી કરો
મોંઘી જણસ જેવી ધરે સોગાદ, આ દિવસો તને
*****
ગઝલ
અસ્તિત્વ બોધવાનો, અવસર મળ્યો બધાંને
ખુદને તપાસવાનો, અવસર મળ્યો બધાંને
મહામારગે ચડીને કેડીને સાવ ભૂલ્યાં
ત્યાં સ્હેજ ચાલવાનો, અવસર મળ્યો બધાંને
સમદરના બુંદથી ના કંઈ પણ વધુ કોઈ પણ
ભીતર ભીંજાવવાનો, અવસર મળ્યો બધાંને
સંકલ્પ ના કરો કોઈ, કાલે તૂટી જશે એ
ઝંખા જગાવવાનો, અવસર મળ્યો બધાંને
વિરલાઓને જે મળતી, વીજળી સતત ઝબૂકે
મોતી પરોવવાનો, અવસર મળ્યો બધાંને
કરુણાનિધિની કરુણા ઓછી નથી થઈ પણ
ધારકને તાગવાનો, અવસર મળ્યો બધાંને
પોથી ફકત ના કાફી, સંવેદના જરૂરી
મોટે પુકારવાનો, અવસર મળ્યો બધાંને
*****
ગીત
દીવો હો કે મીણબત્તી હો, ઉજાસ આખર ફેલાશે
હટી જશે ગમગીની છેવટ, નૂર આંખમાં રેલાશે
તપોભૂમિ છે આ સદીઓથી, તગતગતું તપ સહી સહીને
બાથ ભીડી છે, બાથ ભીડીશું, છેવટ સુધી એક રહીને
જીતી ગયા જો આ બાજી તો 'વિશ્વગુરુ છો' કહેવાશે
દીવો હો કે મીણબત્તી હો, ઉજાસ આખર ફેલાશે
અર્થ એ જ છે કારણ મોટું, ચમરબંધીઓ માને
‘ધરતીનો છેડો છે ઘર’ એ મંત્રગાન અહીં કાને
હશે શિર તો મળી રહેશે, પાઘ ફરીથી બંધાશે
દીવો હો કે મીણબત્તી હો, ઉજાસ આખર ફેલાશે
*****