કોરોના અને અદોદળાપણું | પંચમ શુક્લ
પલંગમાં પડ્યો પડ્યો પ્રણય અદોદળો થયો,
ભૂલીને હણહણાટ સાવ હય અદોદળો થયો.
બુકાનીબાજ સુસ્તતાથી છાપો મારતો રહે,
પૂરીને સૌને ઘર મહીં પ્રલય અદોદળો થયો.
ભરી ફલાંગ આવકારવા જતો નથી કશું,
ઊભો હટીને મૂઢ આ વિનય અદોદળો થયો.
ઢળ્યા અનેક માનવી અનિષ્ટની ક્ષિતિજ ઉપર,
પછીથી સદવિચારનો ઉદય અદોદળો થયો.
કરીશું ઝેર તૂર્ત કહી કરી'તી કિલ્લેબંધી પણ,
તુમાખી તાનાશાહોનો વિજય અદોદળો થયો.
(હય- ઘોડો, અદોદળું - ઘાટઘૂટ વિનાનું, બેડોળ, કદરૂપું, બહુ સ્થૂલ, નબળું, કાચું)