કાવ્યો | નિલેશ કાથડ
દેશનો નાગરિક છું
કોઈ,
લખી ગયું છે
કે,
ગરીબ હોવું ગુનો છે.
પણ આજે લાગે છે
મજૂર હોવું
ગરીબ કરતાંય
સૌથી મોટો ગુનો છે.
પણ,
મજૂરને આવી ખબર હોતી નથી.
એ તો હાડમાંસને નિચોવી નાખે છે
ત્યારે માંડ રોટલી ભેગો થાય છે.
એ નથી જાણતો કે,
એના પરસેવાની
આકરી મહેનતના પાયા ઉપર ચણાયેલી ઇમારત એની પાસે કેમ નથી!
ધોમધખતી બળબળતી લૂમાં
કાળી મજૂરી કરી બનાવેલી સડક
પર એ ચાલી તો શકે છે
પણ,
દોડતા વાહનમાં બેસવા ભાડું કેમ નથી!
એના હાથ વડે આલીશાન બંગલા બંધાયા, પણ
એને રહેવા ઝૂંપડું કેમ નથી!
આખાય શહેરની ગંદકી સાફ કરતો,
એ શહેરની નજરમાં
ગંદો માણસ છે.
તમે જોયો હશે.
આ માણસને ટી.વી. સ્ક્રીનમાં
તમે એને જતાં જોયો હશે રોડ પર કતારબંધ.
એકધારો
ચાલીશ દિવસથી
વતન ભણી નીકળેલો
બેહાલ, બેસહારા
ભૂખ્યો, તરસ્યો, ત્રસ્ત
કોઈને નહીં ને ખુદના
નસીબને કોસતો
લંગડી માને ખભે બેસાડી,
પેટભર પત્નીને સાઇકલની કેરિયર પર બેસાડી,
પોતાના નાગાપૂગા બાળને કેડમાં તેડી.
વૈશાખની કાળઝાળ વેળામાં
પગમાં ઊઠેલા ફરફોલાને ગણકાર્યા વિના
એક હરફ ઉચ્ચાર્યા વિનાનો મજૂર.
નામદાર સરકારને
નામદાર અમલદારને
માત્ર એટલું જ કહે છે,
મને મારા ઘરે જવા દો.
હું ય,
આ દેશનો નાગરિક છું.
*****
અમદાવાદ
અમદાવાદ,
જ્યારે જ્યારે તું
તારામાંથી બહાર નીકળે છે,
ત્યારે ત્યારે
તું અસ્પૃશ્ય બની જા છો.
ભલે ને તું
બધાને તારામાં સમાવીને ધબકતું રહે.
પણ
બધાની તારા પર મંડાયેલી નજર
કોરોનાગ્રસ્ત થઈ ચૂકી છે.
તારા ખૂણા ખૂણાને ઝીણવટથી તપાસતી,
એની આંખોમાં વાઇરસના
અનેક વિસ્મયો ઊઠે છે.
કેમ ના ઊઠે? તું જો બધાને
પોતામાં સમાવી બેઠો છે.
એટલે,
અસ્પૃશ્યતાની પીડા કેવી હોય
એ તો તારે ભોગવવી પડશે અમદાવાદ.
જેમ શાસ્ત્રોએ,
એક વર્ગના માણસોને
ગામ છેવાડે ધકેલી
ક્વોરંટાઇન કરી દીધા હતા.
એમ જ,
અહીં તારું નામ પડતાં
પાડોશીઓ ભારે સતર્ક બની જાય છે.
તારી હલનચલન પર બાજનજર રાખે છે.
સવાર, સાંજ
એના કુતૂહલ ભરેલા મનમાં
રેડ, ઓરેંજ અને ગ્રીન ઝોનના
અનેક રંગીન સવાલો ઊઠે છે,
શમે છે, ફરી ઊઠે છે.
લોકડાઉન તો કાલ ઊઠી જશે
પણ,
પેલા આગળ બેઠેલા
જાતિવાદી જણની
આંખોમાં ભરેલું
સોશિયલ ડિસ્ટંસિંગનું ઝેર
કયારે.....ઊઠશે
અમદાવાદ?
*****